Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > માળખાકીય સવલતોના કોર સેક્ટરના ઇન્ડેક્સમાં ચાર વરસમાં પ્રથમ ઘટાડો

માળખાકીય સવલતોના કોર સેક્ટરના ઇન્ડેક્સમાં ચાર વરસમાં પ્રથમ ઘટાડો

07 October, 2019 01:15 PM IST | મુંબઈ
અર્થતંત્રના આટાપાટા - જિતેન્દ્ર સંઘવી

માળખાકીય સવલતોના કોર સેક્ટરના ઇન્ડેક્સમાં ચાર વરસમાં પ્રથમ ઘટાડો

રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા

રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા


સરકારના અર્થતંત્રને બેઠું કરવાના પ્રયત્નોને સફળતા મળી રહી હોય એવા ચિહ્નો નજરે પડતાં નથી. કોઈ પણ આર્થિક પેરામીટરની વાત કરીએ, માળખાકીય સવલતો માટેનો કૉર સેક્ટરનો ઈન્ડેક્સ હોય, વાહનોનું વેચાણ હોય, હાઉસિંગ (પોતાનું ઘર ખરીદવાની વાત) કે વિશાળ અર્થમાં રિઅલ એસ્ટેટનું ક્ષેત્ર હોય. તહેવારોની સીઝન હોવા છતાં માગનો જોઈએ એવો વધારો નજરે પડતો નથી કે નવી નોકરીઓનું સર્જન થતું દેખાતું નથી કે મૂડીરોકાણ, ખાસ કરીને ખાનગી ક્ષેત્રે વધારો થતો દેખાતો નથી. બૅન્ક ધિરાણનું પણ કાંઈક આવું જ છે. સરકારે લીધેલાં પગલાંની નાનામાં નાના માણસની ખરીદશક્તિ (પરચેઝિંગ પાવર) પર જે અસર થવી જોઈએ તે ક્યાં?
એટલે સૌની નજર બહુચર્ચિત ગયા અઠવાડિયાના અંતે જાહેર કરાયેલ રિઝર્વ બૅન્કની મોનેટરી પૉલિસી પર હતી. રિઝર્વ બૅન્કે સરકારની, બજારની, અર્થશાસ્ત્રીઓની અને નિષ્ણાતોની અપેક્ષા પ્રમાણે પૉલિસી રેટ્સમાં .૨૫ બેસિસ પૉઇન્ટનો ઘટાડો જાહેર પણ કર્યો. આઠ મહિનામાં રેકૉર્ડ બ્રેક સળંગ પાંચમી વારના ૧૩૫ પૉઇન્ટના ઘટાડા સાથે રેપો-રેટ ૫.૧૫ ટકાનો થયો છે. પૉલિસી રેટ્સના ઘટાડાને અનુરૂપ બૅન્કોના ધિરાણ દરનો ઘટાડો થતો નથી. એટલે આ વખતના એક વધુ ઘટાડાની આર્થિક સ્લોડાઉન પર શું જાદુઈ અસર થશે તે એક પ્રશ્ન છે. રિઝર્વ બૅન્ક વ્યાજના દર વધારે તો બૅન્કોના ધિરાણ દર તરત વધી જાય છે એક જુદી વાત છે.
પીએમસી બૅન્કની નિષ્ફળતાએ આપણી સહકારી બૅન્કોની સધ્ધરતા સામે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. ભૂતકાળમાં પણ આમ બનતું આવ્યું છે, પણ આ વખતે તો યસ બૅન્ક અને આઇસીઆઇસીઆઇ બૅન્કની ઘટનાઓએ જાહેર ક્ષેત્રની બૅન્કોની જ નહીં પણ ખાનગી ક્ષેત્રની બૅન્કોની વિશ્વસનીયતા પણ ઘટાડી છે. રિઝર્વ બૅન્ક અને નાણાં મંત્રાલયના આશ્વાસન છતાં પ્રજાનો બૅન્કો પરનો વિશ્વાસ અકબંધ રહ્યો નથી એ વાત તો ચોક્કસ છે.
બૅન્કોના હિસાબના ઈન્ટરનલ ઑડિટ થતાં હોય, સ્ટેચ્યુટરી ઑડિટર હોય, રિઝર્વ બૅન્કનું અને તેની ઉપર નાણાં મંત્રાલયનું નિયમન હોય તો પણ બૅન્કોની ફેઈલ્યોર હકીકત બનીને નજર સામે આવે તે પહેલાં આપણી વહીવટી મશીનરીના સ્ક્રીન પર ન આવે કે પકડાય નહીં એ આપણા વહીવટની અને ગવર્નન્સનાં ધોરણોની નબળાઈ વ્યક્ત કરે છે. સરકારે યેન કેન પ્રકારેણ આવી છટકબારીઓ બંધ કરીને આપણી નાણાકીય અને બૅન્કિંગ સિસ્ટમને બને તેટલી વધુ ફૂલપ્રૂફ બનાવીને લોકોનો અને મૂડીરોકાણકારોનો વિશ્વાસ સંપાદન કરવાની તાતી જરૂર છે. એ નહીં થાય ત્યાં સુધી બીજાં બધાં જ પગલાં આર્થિક સ્લોડાઉનના પ્રશ્નનું નિરાકરણ લાવવામાં ઊણા ઊતરવાના એ વિશ્વાસ વધુ ને વધુ માળખાકીય સુધારાઓના અસરકારક અમલથી પ્રસ્થાપિત કરી શકાય.
આ બધી ધમાલ વચ્ચે શૅરબજારની પેમેન્ટ સિસ્ટમ વ્યવસ્થિત કામ કરી રહી છે એ સેબી, સરકાર અને અન્ય નિયમન કરનારી સંસ્થાઓની મોટી સિદ્ધિ છે. આ પેમેન્ટ સિસ્ટમ નિષ્ફળ જાય તો એની મોટા મૂડીરોકાણકારો પર, રિટેલ ઈન્વેસ્ટર પર, બજાર પર અને અન્ય દેશો પર શું અસર થાય તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આપણે એ દિવસો પણ જોયા જ છે.
સેન્સેક્સ એક દિવસ છલાંગ મારે અને બીજે દિવસે ઊંધે માથે નીચે પટકાય એ અસ્થિરતા એક અલગ વાત છે. બીએસઈ / એનએસઈની પેમેન્ટ સિસ્ટમ અકબંધ છે એ જુદી અને સારી વાત છે. સરકારના આર્થિક માળખાકીય સુધારાઓ (કૉર્પોરેટ ટૅક્સના દરનો ઘટાડો) સહિતનાં અનેક પગલાઓ પછી વિદેશી મૂડીરોકાણકારોએ ફરી એક વાર ભારતના સ્ટૉક માર્કેટમાં પ્રવેશવાનું શરૂ કર્યું છે. સપ્ટેમ્બર મહિનામાં તેમનું એક બિલ્યન ડૉલર (લગભગ ૭૦૦૦ કરોડ રૂપિયા)નું મૂડીરોકાણ છેલ્લા ચાર મહિનાનું સૌથી મોટું મૂડીરોકાણ છે. ૨૦૧૯-૨૦ના અંદાજપત્રની રજૂઆત પછી જુલાઈ અને ઑગષ્ટમાં તો ચાર બિલ્યન ડૉલર (લગભગ ૨૮,૦૦૦ કરોડ રૂપિયા)નું મૂડીરોકાણ બહાર ખેંચાઈ ગયું હતું.
વિશ્વની કેન્દ્રવર્તી બૅન્કો દ્વારા વ્યાજના દર-ઘટાડાના અને લિક્વિડિટી વધારવાના સંકેતોએ બધા જ ઊભરતા અને વિકસતાં બજારોમાંથી ગયે મહિને નાણાંનો પ્રવાહ બહાર વહેતો અટકાવ્યો છે અને એને કારણે આ દેશોનાં ચલણના બાહ્ય મૂલ્યનો ઘટાડો પણ અટક્યો છે. રૂપિયાની બાહ્ય કિંમત પણ સપ્ટેમ્બરમાં પોણા ટકા જેટલી વધી છે. અગ્રગણ્ય વિદેશી બ્રોકરેજ પેઢીઓએ બેન્ચમાર્ક ઇન્ડાઇસીસના લક્ષ્યાંક આને કારણે વધાર્યા છે. એની સારી અસર સપ્ટેમ્બરમાં સેન્સેક્સ પર જણાઈ નથી એ આપણી બૅન્કિંગ સિસ્ટમ અને અન્ય આંતરિક કારણોને આભારી છે.
આ બધાં પરિબળોને કારણે ચાલુ નાણાકીય વરસના પૂર્વાર્ધમાં ક્રેડિટ રેટિંગ એજન્સી ઈકરાએ ભારતની ૨૫૦ જેટલી કંપનીઓનું ક્રેડિટ રેટિંગ ઘટાડ્યું છે. બીજી ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રીસિલે ચાલુ નાણાકીય વરસના છ મહિનામાં જે કંપનીઓનું ક્રેડિટ રેટિંગ ઘટાડ્યું છે તેનું કુલ દેવું ૧.૩૮ લાખ કરોડ રૂપિયા છે. જે ગયા વરસે આ જ સમયમાં ૩૯,૦૦૦ કરોડ રૂપિયા હતું.
સરકાર હોમ લોન અને વાહનો માટેની લોનો વધારવાના જે પ્રયત્ન કરે છે તે સંદર્ભે હોમ લોન લેનારની ઉંમરમાં થઈ રહેલ ફેરફારના એક સર્વેના તારણ નોંધવા જેવા છે. આ સર્વે પ્રમાણે વધતી જતી આવકો, લોનની સરળ ઉપલબ્ધિ અને આપણા આર્થિક વિકાસના વધતા જતા દરને કારણે અત્યાર સુધી હોમ લોન લેનાર યુવાનોની સરેરાશ વય ઘટતી જતી હતી તે વય હવે વધવા માંડી છે. આર્થિક સ્લોડાઉનની બગડતી પરિસ્થિતિમાં આ યુવાનોને લોન માટેની લાંબા ગાળાની નાણાકીય જવાબદારી ઊભી કરીને પોતાની માલિકીનું ઘર ખરીદવાનો રસ ઓછો થતો જાય છે. જો કે અર્થતંત્રની ગાડી પાટે ચડવા માંડે તો હાઉસિંગ માટેની માગનો વધારો નકારી શકાય નહીં. ૨૦૧૬ની નોટબંધી પછી મ્યુચ્યુઅલ ફંડમાં રિટેલ ઈન્વેસ્ટમેન્ટ જે રીતે વધી રહ્યું છે તે સ્પષ્ટ સંકેત આપે છે કે રિઅલ એસ્ટેટ (પોતાનું મકાન અને અન્ય પ્રોપર્ટી)માં મૂડીરોકાણ એ આ યુવાવર્ગનો અગ્રક્રમ નથી. પોતાની માલિકીનું એક નાનું-મોટું ઘર હોવું જ જોઈએ એ પ્રત્યે આ યુવાનો, તેમનાથી દસ વરસ મોટી ઉંમરના યુવાનો જેટલા સંવેદનશીલ નથી. દસ વરસ પહેલાં યુવાનો માટે એક અગ્રક્રમ હતો, કારણ કે તે વખતે બેરોજગારીની સમસ્યા કાંઈક હળવી હતી, મકાનોના ભાવ કૂદકે ને ભૂસકે વધતા જતા હતા અને લોનની ઉપલબ્ધિ સરળ હતી. આજે રિઅલ એસ્ટેટના ભાવ થોડા પણ ઘટ્યા છે. થોડાં વરસો અગાઉ સતત વધતા ભાવ પર બ્રેક લાગી છે અને નજીકના ભવિષ્યમાં એમાં ઉછાળો આવે એવી સંભાવના આજે જણાતી નથી. નોકરિયાત વર્ગની નોકરીઓનું અને આવકનું ભાવિ અનિશ્ચિત છે. એટલે હોમ લોન તેમના માટે એક મોટો બોજો બન્યો છે. પરિણામે બિલ્ડરો જે આ વર્ગ પર મોટો મદાર રાખતા હતા તે પાયામાંથી હચમચી જાય એવી સ્થિતિ સર્જાઈ છે.
નવી નોકરીઓનું સર્જન તો નજરે નથી ચડતું, પણ અસંગઠિત ક્ષેત્રે ચાલુ નાના એકમો પણ બંધ થતા જવાના સમાચાર રોજ ને રોજ આવતા રહે છે. પાવરલૂમ્સનું હબ એવા ભિવંડીમાં આઠ લાખ શાળમાંથી ૪૦ ટકા જેટલી લૂમો નાણાકીય સંકટને કારણે બંધ થઈ ગઈ છે. આ જ પરિસ્થિતિ ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગોની છે. સરકારની દલીલ એવી છે કે હવે નોકરીઓનું સર્જન ચીલાચાલુ ક્ષેત્રે નહીં પણ સ્ટાર્ટ-અપ જેવાં નવાં ક્ષેત્રોમાં અને સેલ્ફ-એમ્પ્લોયમેન્ટ જેવાં ક્ષેત્રોમાં થાય છે, પણ એક સર્વે પ્રમાણે સેલ્ફ-એમ્પ્લોયમેન્ટના માત્ર ચાર ટકા એકમોમાં જ નાની મોટી નોકરીઓનું સર્જન થાય છે. બાકી તો તેમાં પણ કુટુંબના સભ્યોને રાખીને જ કામ ચલાવી લેવાય છે. આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ (એઆઇ) અને ઈન્ટરનેટ ઑફ થિંગ્સ (આઇઓટી)માં નોકરીઓનું સર્જન ખૂબ મર્યાદિત સ્કેલ પર હોય છે. એક અંદાજ પ્રમાણે પ્રણાલિકાગત ક્ષેત્રોની દસ નોકરીઓ છીનવાય તેની સામે આવા બિનપ્રણાલિકાગત ક્ષેત્રોમાં એક કે બે નવી નોકરીઓ જ ઊભી થાય છે. કૉર્નર ઑફિસની નોકરીઓ (સીઈઓ / સીએફઓ / સીટીઓ) માં પણ ઑગસ્ટ ૨૦૧૯માં ઑગસ્ટ ૨૦૧૮ની સરખામણીએ ૮ ટકા જેટલો ઘટાડો થયો છે. તેમને અપાતા પ્રોત્સાહક પુરસ્કાર કે સ્ટૉક ઑપશન્સ પણ ઘટયા છે.
માળખાકીય સવલતો માટેના કૉર સેક્ટરના ઑગસ્ટ માસના ઈન્ડેક્સમાં અડધા ટકાનો નજીવો એવો પણ ઘટાડો થયો છે જે માર્ચ ૨૦૧૫ પછી એટલે કે છેલ્લાં ચાર વરસથી વધુ સમયનો પહેલો ઘટાડો છે. આ ઈન્ડેક્સમાં સમાવિષ્ટ આઠમાંથી પાંચ સેક્ટર (કૉલ, ક્રૂડ ઑઈલ, સિમેન્ટ, નેચરલ ગૅસ અને ઈલેક્ટ્રિસીટી)ના ઉત્પાદનમાં ઑગસ્ટ ૨૦૧૮ની સરખામણીએ ઘટાડો થયો છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં ૪૦ ટકા ફાળો છે એવા આ આઠ ઉદ્યોગોના (ખાસ કરીને ઉત્પાદનમાં ઘટાડો થયો છે એવા પાંચ ક્ષેત્રોના) નબળા દેખાવને ગંભીરતાથી લેવો પડે. આ નબળો દેખાવ માળખાકીય સવલતોના ક્ષેત્રે સરકાર દ્વારા કરાતા ખર્ચ કે મૂડીરોકાણની ત્રૂટિઓ સૂચવે છે. ઊર્જા ક્ષેત્રનો દેખાવ એ અર્થતંત્રની પારાશીશી જેવો છે. રિફાઈનિંગ સિવાયના ચાર ઊર્જા ક્ષેત્રોનો નબળો દેખાવ અર્થતંત્રની મુશ્કેલીઓ વધારી શકે. તો સિમેન્ટના ઉત્પાદનનો ઘટાડો બાંધકામ ક્ષેત્રનો નબળો દેખાવ નજીકના ભવિષ્યમાં ચાલુ રહેવાનું સૂચવે છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીના અવસરે લાઈનમાં ઊભેલા છેવાડાના માણસના આંસુ લૂછાય એવું તેમનું સ્વપ્ન સાકાર કરવાનો અને ગાંધીજીના અને કૌટિલ્યના અર્થશાસ્ત્રના સિદ્ધાતોનો ફરી એકવાર જરૂર પ્રમાણે અમલ કરીને દેશમાં સાચા અર્થમાં આર્થિક સ્વરાજ્ય (સુરાજ્ય) સ્થપાય તેવો નિર્ધાર કરીને જ રાષ્ટ્રપિતાને સાચી અંજલિ આપી શકાય.


Whatsapp-channel Whatsapp-channel

07 October, 2019 01:15 PM IST | મુંબઈ | અર્થતંત્રના આટાપાટા - જિતેન્દ્ર સંઘવી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK