Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > મેઇડન અંદાજપત્રમાં સીતારમણે અર્થતંત્રને હળવો ધક્કો આપ્યો

મેઇડન અંદાજપત્રમાં સીતારમણે અર્થતંત્રને હળવો ધક્કો આપ્યો

08 July, 2019 11:54 AM IST | મુંબઈ
અર્થતંત્રના આટાપાટા - જિતેન્દ્ર સંઘવી

મેઇડન અંદાજપત્રમાં સીતારમણે અર્થતંત્રને હળવો ધક્કો આપ્યો

નિર્મલા સીતારમન

નિર્મલા સીતારમન


મોદી ૧.૦ નું છઠ્ઠું અને છેલ્લું અંદાજપત્ર અને તેમનું મેઈડન અંદાજપત્ર ફેબ્રુઆરી ૨૦૧૯માં પીયૂષ ગોયલે રજૂ કર્યું ત્યારે તેમની સામેનો પડકાર હતો બીજેપીને લોકસભાની ચૂંટણીમાં ભારે બહુમતીથી જિતાડવાનો. ગોયલે આ પડકારને તકમાં ફેરવીને ઈલેક્શન મનિફેસ્ટો જેવું અંદાજપત્ર રજૂ કર્યું હતું. રિઝલ્ટ? બીજેપીને નિર્ણાયક જનાદેશ અને ઐતિહાસિક બહુમતી મળ્યા.

ગયે અઠવાડિયે બરાબર પાંચ મહિના પછી નિર્મલા સીતારમણે મોદી ૨.૦નું અને તેમનું પણ મેઈડન અંદાજપત્ર લોકસભામાં રજૂ કર્યું. બન્ને અંદાજપત્રો એક જ વરસ (૨૦૧૯-૨૦) માટેના હોવા છતાં બન્ને વખતના પડકારો જુદા હતા. સીતારમણ સામે પડકાર હતો. ધીમા પડેલ આર્થિક વિકાસને વેગ આપે અને તે દ્વારા આર્થિક વિકાસની ગાડી પાટા પર ચડાવીને દેશનું અર્થતંત્ર ૨૦૨૪ સુધીમાં પાંચ ટ્રિલ્યન ડૉલરનું બને એવા વડા પ્રધાનના સ્વપ્નને સાકાર કરે તેવા ઉદ્દામવાદી અને મૂળભૂત (રેડીકલ) માળખાકીય આર્થિક સુધારાઓ કરવાનો. સીતારમણ આ પડકાર ઝીલવામાં કેટલા સફળ રહ્યાં તે વિવાદાસ્પદ છે.



સીતારમણે મોદી ૧.૦નું મેક ઇન ઇન્ડિયા મિશન સફળ બને અને તે દ્વારા ભારત વિશ્વનું મેન્યુફેક્ચરિંગ હબ બને તે આડે આવતા અંતરાયોમાંના એક મુખ્ય એવા આકરા લેબર રિફૉર્મ્સની જાહેરાત કરી છે. તે સિવાયના ખાસ બીજા આકરા માળખાકીય સુધારાઓનો અંદાજપત્રમાં અભાવ છે. બૉન્ડ માર્કેટના, વિદેશી લોનની શરૂઆત અને લિક્વિડીટી વધે તેવા અન્ય પગલાઓ છતાં આ અંદાજપત્રને મોદી સરકારનો માસ્ટર સ્ટ્રૉક ન કહી શકાય. એના કેટલાંક કારણો નીચે પ્રમાણે ગણાવી શકાય ઃ


૧. નાણાપ્રધાને આવતા પાંચ વરસમાં ૧૦૦ લાખ કરોડ રૂપિયા વર્લ્ડ-ક્લાસ માળખાકીય સવલતોના વિકાસ માટે ખર્ચવાનું લક્ષ્ય રાખ્યું છે. સામાન્ય રીતે આ રોકાણમાં ૫૫ ટકા હિસ્સો જાહેર ક્ષેત્રનો અને ૪૫ ટકા હિસ્સો ખાનગી ક્ષેત્રનો હોય છે.

બૅન્કોના રીકેપિટલાઈઝેશન માટે ૭૦,૦૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે પણ બૅન્કોની ખરડાયેલી બેલેન્સશીટના સંદર્ભમાં બૅન્કો ખાનગી ક્ષેત્રને નાણાં ધીરશે કે કેમ તે એક પ્રશ્ન છે.


ડીસઈન્વેસ્ટમેન્ટ દ્વારા ૧.૦૫ લાખ કરોડ રૂપિયા ઊભા કરવાનું ટાર્ગેટ છે અને આ રીતે પણ જાહેર ક્ષેત્રે મૂડીરોકાણ વધે તેવા પ્રયત્ન કર્યા છે. માળખાકીય સવલતો ઊભી કરવા માટે, તે દ્વારા નવી રોજગારીના સર્જન માટે તથા આર્થિક વિકાસની ઝડપ વધારવા માટે જાહેર અને ખાનગી ક્ષેત્રનું મૂડીરોકાણ એકબીજાના પૂરક છે. ખાનગી ક્ષેત્રનો ચોક્કસ રોલ જાહેર ક્ષેત્ર ન ભજવી શકે.

વિદેશી મુદ્રામાં સરકાર દ્વારા લોનો ઊભી કરવાનો પહેલી વારનો આ પ્રસ્તાવ દેશની સાર્વભૌમ અને સર્વોપરિતા સામે પ્રશ્ન ઊભો કરે છે. આમ કરવામાં ચલણના ફેરફાર (રૂપિયાની બાહ્ય કિમત)નું જોખમ પણ ખરું જ. વિદેશી લોનો એફડીઆઈની જગ્યા ન પૂરી શકે. ૨૫૦ કરોડથી ૪૦૦ કરોડના ટર્નઓવર સુધીની કંપનીઓ પરનો કોર્પોરેટ ટૅક્સ ઘટાડીને ૨૫ ટકા કરાયો છે. ૯૯ ટકા કંપનીઓને આ દરખાસ્તથી ફાયદો થશે પણ તેમનું કદ નાનું છે. એટલે મોટી કંપનીઓ સહિતની બધી કંપનીઓ પરનો કોર્પોરેટ ટૅક્સ ઘટાડાયો હોત તો મોટી કંપનીઓના અર્નિગના દરો સુધરત અને તેમને મૂડીરોકાણ કરવાનું પ્રોત્સાહન મળત.

૨. ૪૫ લાખ રૂપિયા સુધીની હાઉસિંગ aવધારીને થોડા વધુ ‚રૂપિયા ટૅક્સપેયરના હાથમાં મૂકવા સિવાય વપરાશ ખર્ચ વધારવાના વિશેષ પ્રયત્નો અંદાજપત્રમાં કરાયા નથી.

સુપર રીચ પર સરચાર્જ દ્વારા સરકારે તેમનો ટૅક્સનો બોજ વધાર્યો છે. ઈન્કમ ટૅક્સ માટેની આવકની છૂટ ભલે ન વધારાઈ પણ આવકના નીચા સ્તરે કરવેરાનો દર થોડો પણ ઘટાડીને નાગરિકના હાથમાં વપરાશ ખર્ચ માટેના વધારાનાં નાણાં મૂકી શકાયાં હોત.

૩. નાણાપ્રધાને ગવર્નન્સ સુધારવાની અને ટ્રાન્સપરન્સી વધારવાની વાત કરી છે અને તે પછી સુપરરીચ (બે કરોડથી વધારે આવકવાળા) પર સરચાર્જ નાખીને તેમના પર આડકતરી રીતે ૩ થી ૭ ટકાનો ટૅક્સ વધાર્યો છે. સુપરરીચ પરનો આવકવેરો આવકાર્ય છે તે આવકની અસમાનતા ઓછી કરવામાં મદદ કરશે.

સવાલ એ છે કે ગવર્નન્સ (વહીવટ) ના સુધારામાં માનતી સરકાર આવકવેરા પરના સરચાર્જને બદલે આવક પરના વેરાનો દર વધારી શકી હોત. તેમ ન કરવાનું કારણ સરચાર્જ નાખવાથી થતી વધારાની આવક રાજ્યો સાથે શૅર કરવાની હોતી નથી.

અમેરિકાના કુલ કરવેરામાં સીધા વેરાની આવકનો હિસ્સો ૮૩ ટકા જેટલો છે જ્યારે આપણે ત્યાં તે ૫૧ ટકા જેટલો છે. આવકવેરા જેવા સીધા વેરાનો બોજ ટાર્ગેટ ગ્રુપ પર જ પડે છે અને તે પ્રોગ્રેસીવ હોય છે. એટલે નાણાપ્રધાને સરચાર્જ દ્વારા સરકારની આવક વધારી તે આવકાર્ય છે પણ તે માટે અપનાવેલ માર્ગ નહીં. જપાનમાં કરવેરાની આવકમાં સીધા વેરાનો હિસ્સો ૫૪ ટકા છે અને ચીનમાં ૩૬ ટકા.

૪. સીતારમણે પેટ્રોલ અને ડીઝલ ઉપર લીટરદીઠ એક ‚રૂપિયાની સેસ અને એક રૂપિયાની એકસાઈઝ ડયુટી નાખીને ૨૮,૦૦૦ કરોડ ‚રૂપિયાની આવક ઊભી કરી છે. સવાલ એ છે કે જીએસટીનો ઉદ્દેશ જ વન-નેશન, વન-ટૅક્સ અને વન માર્કેટનો વિચાર પ્રમોટ કરવાનો હોય ત્યારે પાછલે બારણેથી આવી જુદા જુદા પ્રકારની સેસ કેટલે અંશે વાજબી ગણાય?

ઉપરાંત આડકતરા વેરા પરની આવી સેસથી ચીજવસ્તુઓની ટ્રાન્સપોર્ટ કોસ્ટ વધવાની. જે આખરે ચીજવસ્તુઓના ભાવવધારામાં પરિણમે. પેટ્રોલ - ડીઝલના ભાવવધારાને કારણે ખાનગી પેસેન્જર ટ્રાન્સપોર્ટ (રિક્ષા અને ટૅક્સી) ના ભાડાં પણ વધવાના જ. પબ્લિક ટ્રાન્સપોર્ટની પૂરતી અને કાર્યક્ષમ (સફીસીઅન્ટ અને એફીસીઅન્ટ) વ્યવસ્થા ન હોય ત્યારે  ભાડાનો આવો વધારો કોમનમૅન માટે અસહ્ય બને.

૫. વન-નેશન, વન-ટેક્સની વ્યવસ્થા (જીએસટી) ના અમલીકરણને બે વરસ પૂરા થયા. એ વિચારધારાને આગળ ધપાવવા માટે નાણાપ્રધાન ઈલેક્ટ્રિસીટી અને પેટ્રોલ - ડીઝલને જીએસટીના દાયરામા લાવવા માટેનો રોડમેપ આપી શક્યા હેત.

૬. રોકડાનો વ્યવહાર ઘટે અને ડિજિટલ ઈકોનૉમી પ્રમોટ થાય તે માટે બૅન્ક અકાઉન્ટ દીઠ વાર્ષિક એક કરોડ રૂપિયાથી વધુ ઉપાડ ઉપર બે ટકા ટીડીએસ નાખવાની નાણાપ્રધાનની દરખાસ્ત આવકાર્ય છે. તો પણ એક કરોડ ‚રૂપિયાની લિમિટ બહુ ઊંચી ગણાય. આવી મર્યાદા એક નામના બધા અકાઉન્ટ ઉપરની મળીને હોવી જોઈએ. શબ્દોમાં આવા નિયમોનું પાલન કરીને એક કરતાં વધુ અકાઉન્ટ ખોલાવીને આવી દરખાસ્તો પાછળના મૂળભૂત ઉદ્દેશને સ્પીરિટની દૃષ્ટિએ હરાવી શકાય. અગાઉ પણ સરકારે રાજકીય પક્ષોને અપાતા ડોનેશનની ઓળખ (નામ) આપવા માટેની મર્યાદા ૨૦૦૦ ‚રૂપિયામાંથી ઘટાડીને ૧૦૦૦ ની કરી હતી. તેનાથી શું ફરક પડે? ડોનેશન માટેની રસીદો ડબલ બનાવવી પડે એટલું જ ને? આ બધા ઈસ્યુ ગવર્નન્સ (વહીવટ)ને અને ટ્રાન્સપરન્સી (પારદર્શિતા)ને સ્પર્શતા છે.

૭.નાણાપ્રધાને ૨૦૧૯-૨૦ માટેની ફિસ્કલ ડેફિસિટ જીડીપીના ૩.૪ ટકામાંથી ઘટાડીને ૩.૩ ટકાની કરવાની દરખાસ્ત મૂકી છે. ગયા અઠવાડિયે આ કૉલમમાં સરકાર અંદાજપત્રની બહારના નાણાકીય સાધનો (ઑઈલ બૉન્ડ, ફર્ટિલાઈઝર બૉન્ડ, એફસીઆઈના બૉન્ડ) નો આશરો લઈને ફિસ્કલ ડેફિસિટ કૃત્રિમ રીતે કન્ટ્રોલમાં હોવાનું દર્શાવે છે એવો ઉલ્લેખ કરેલો. મોદી ૧.૦ ના વરસોમાં આ પ્રણાલી વધુ મજબૂત થતી ગઈ છે. એટલે હવે સરકારે ફિસ્કલ ડેફિસિટની નહીં પણ ફિસ્કલ કોન્સોલિડેશનની વાત કરવી જોઈએ. આવી સ્માર્ટ મુવને કારણે ફિસ્કલ ડેફિસીટ જેવા કન્સેપ્ટ ગવર્નન્સ કે ટ્રાન્સપરન્સીના કન્સેપ્ટ સાથે સુસંગત કે પ્રસ્તુત રહેતા નથી.

૮.આર્થિક વિકાસનો રોડમેપ અંદાજપત્રમાં અપાયો છે એ વાત સાચી. એ રોડમેપ પ્રમાણે પાંચ વરસ પછીના લક્ષ્યાંકો નક્કી કરાયા છે. પછી તે ખેડૂતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવાની વાત હોય, અર્થતંત્રની સાઈઝ ૨૦૨૪ સુધીમાં પાંચ ટ્રિલિયન ડૉલરનું કરવાની વાત હોય, ગામડાઓમાં દરેક ઘરને ૨૦૨૨ સુધીમાં વીજળીનાં જોડાણ આપવાની વાત હોય કે દરેક ઘરોમાં ૨૦૨૪ સુધીમાં પાઈપ્ડ વૉટર સપ્લાય ઉપલબ્ધ કરવાની વાત હોય.

આ લક્ષ્યાંકો આંબવા માટે આ પાંચ વરસ દરમ્યાન દર વરસે શું હાંસલ કરવું પડે એવું બકવર્ડ વર્કિગ સરકારે કર્યું જ હોય, સરકારે અર્થતંત્રને ૨૦૨૪ સુધીમાં પાંચ ટ્રિલ્યન ડૉલરનું કરવાના કરેલ વર્કિગની વિગતોમાં ઊતરવા જેવું છે.

નાણાપ્રધાને આપેલ આંકડાઓ પ્રમાણે અર્થતંત્ર ૨૦૧૮-૧૯માં ૨૭૦ ટ્રિલ્યન ડૉલરનું હતું તે ચાલુ નાણાકીય વરસે ૩ ટ્રિલ્યન ડૉલરનું કરવાનું લક્ષ્યાંક છે. એનો સીધોસાદો અર્થ ૨૦૧૯-૨૦માં ચાલુ ભાવે આર્થિક વિકાસનો દર ૧૨ ટકા રહેવો જોઈએ. નાણાં મંત્રાલયના અંદાજપત્ર પહેલાના ઈકોનોમિક સર્વેના અંદાજ મુજબ ચાલુ વરસે આર્થિક વિકાસનો દર (સ્થિર ભાવે) ૭ ટકાનો મૂક્યો છે. ૭ ટકાના આર્થિક વિકાસ પછી ૫ ટકા જેટલો ભાવવધારો થાય તો જ ચાલુ ભાવે ૧૨ ટકાનો આર્થિક વિકાસ શક્ય બને. ભાવવધારાનો આવો ઊંચો દર સરકારની બધી ગણતરીઓને ઊંધી વાળી શકે.

ત્રણ દેશો--અમેરિકા, જપાન અને ચીન-- ભૂતકાળમા પાંચ ટ્રિલ્યન ડૉલરના લક્ષ્યાંકને પહોંચ્યા છે. અમેરિકાને એ માટે (૨.૬૩ ટ્રિલ્યન ડૉલરમાંથી ૫.૨૫ ટ્રિલ્યન ડૉલર) નવ વરસ (૧૯૭૯ થી ૧૯૮૮) લાગેલા. જપાનને (૨.૫૩ ટ્રિલ્યનમાંથી ૪.૯૧ ટ્રિલ્યન ડૉલર) એ માટે સાત વરસ (૧૯૮૭ થી ૧૯૯૪) અને ચીનને એ માટે (૨.૭૫ ટ્રિલ્યન ડૉલરમાંથી ૫.૧૧ ટ્રિલ્યન ડૉલર) માત્ર ત્રણ વરસ (૨૦૦૫ થી ૨૦૦૮) લાગેલા. ભારતે પાંચ વરસમાં આ સિદ્ધિ મેળવવા માટે વાર્ષિક ૧૩ ટકાથી વધુ દરે આર્થિક વિકાસ ટકાવી રાખવો પડે, જે અસંભવ નહીં તો મુશ્કેલ તો જરૂર છે જ. ફરી એક વાર અર્થકારણ પરથી રાજકારણનો પ્રભાવ હટાવાય તો સરકાર આવી સિદ્ધિ મેળવવા સક્ષમ છે. 

પ્રજાએ બીજેપીમાં ભરોસો મૂકીને ઐતિહાસિક બહુમતીથી પક્ષને જીતાડયો છે. હવે વારો છે સરકારનો એ ભરોસાને  અકબંધ રાખવાનો.

આ પણ વાંચો : બજેટે બજારની આશા પર વરસાદનું પાણી ફેરવી દીધું

વિરોધ પક્ષોએ અંદાજપત્રની રજૂઆત વખતે સંસદમાં હોબાળો ન મચાવ્યો એટલા માત્રથી અંદાજપત્રનું મૂલ્યાંકન કરી ન શકાય. સેન્સેકસની વધઘટ પણ અંદાજપત્રના મૂલ્યાંકનની પારાશીશી નથી. સમય જ  એ મૂલ્યાંકન કરી શકશે. સીતારમણ મેઈડન અંદાજપત્રમાં અર્થતંત્રને ધીમો પણ ધક્કો (પુશ) આપવામાં સફળ રહ્યાં એ માટે પ્રજાજનોના અભિનંદનના અધિકારી છે.

Whatsapp-channel Whatsapp-channel

08 July, 2019 11:54 AM IST | મુંબઈ | અર્થતંત્રના આટાપાટા - જિતેન્દ્ર સંઘવી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK