Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બજેટે બજારની આશા પર વરસાદનું પાણી ફેરવી દીધું

બજેટે બજારની આશા પર વરસાદનું પાણી ફેરવી દીધું

08 July, 2019 11:35 AM IST |
શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા

બજેટે બજારની આશા પર વરસાદનું પાણી ફેરવી દીધું

બજેટ 2019

બજેટ 2019


બજેટે ગરીબ-ગ્રામ્યલક્ષી પગલાં  ઘણાં લીધાં, કિંતુ બજારલક્ષી કોઈ નક્કર પ્રોત્સાહક પગલાં લીધાં નહીં. બચત-રોકાણને બૂસ્ટ મળે એવું પણ કોઈ ઠોસ પગલું લેવાયું નહીં. ઉપરથી બજાર ઘટે એવાં પગલાં લેવાયાં છે, પરિણામે હાલના સંજોગોમાં તેજી તારા વળતાં પાણી જોવા મળે તો નવાઈ નહીં. 

વિતેલું સપ્તાહ બજેટનું સપ્તાહ હોવાથી આશાવાદની ઊંચાઈ વધી ગઈ હતી. તેમાં વળી ગ્લોબલ સંકેતો પણ સારા રહેતા ગયા હોવાને લીધે ગયા સોમવારે બજાર પોઝિટિવ રહ્યું હતું. સેન્ટીમેન્ટ પણ પોઝિટિવ હોવાથી સેન્સેકસ 300 પૉઈન્ટ ઉપર જઈ અંતમાં 291 પૉઈન્ટ અને નિફટી 77 પૉઈન્ટ પ્લસ બંધ રહ્યા હતા. યુએસએ અને ચીન એકબીજા પર ટેરિફ નહીં નાખે યા વધારે એવી સહમતીના સમાચારે પણ બજારને બુસ્ટ આપ્યું હતું. મંગળવારે પણ બજેટ માટેના સારા આશાવાદને લીધે બજાર વધઘટ કરતું વધ્યું હતું, સેન્સેકસ 130 પૉઈન્ટ અને નિફટી 45 પૉઈન્ટ  વધીને બંધ રહ્યા હતા.  



સરકાર  જીએસટીમાં  ધરખમ ફેરફાર લાવવાના સંકેત આપ્યા હોવાથી અપેક્ષા વધી હતી,  જેમાં જીએસટી દર ઘટાડવા ઉપરાંત દરની સંખ્યા પણ ઘટાડવાની વાત હતી. ઈન શોર્ટ,  જીએસટીના અમલને આ  તા. ૧ જુલાઈએ બે વરસ પૂરાં થયાં, કિંતુ હજી તેમાં કેટલીક ક્ષતિઓ ઊભી છે, જેને દૂર કરી વધુ સરળીકરણનો સરકારનો ઈરાદો  છે.  બુધવારે પણ બજાર આશાવાદ પર જ આગળ વધ્યું હતું, જોકે પૂર્ણ સત્રમાં સાધારણ વધઘટ જ રહી હતી અને અંતમાં સેન્સેકસ માત્ર ૨૨ પૉઈન્ટ અને નિફટી પાંચ પૉઈન્ટ પ્લસ બંધ રહ્યા હતા.  ગુરુવારે પણ બજાર વધઘટ સાથે પોઝિટિવ  રહ્યું હતું. સેન્સેકસ ૬૯ પૉઈન્ટ અને નિફટી ૨૧ પૉઈન્ટ વધીને બંધ રહ્યા હતા. આમ, બજેટના આગલા ચારેય દિવસોમાં માર્કેટ વોલેટાઈલ રહીને પણ અંતમાં  પોઝિટિવ બંધ રહ્યું હતું. આમ બજેટ માટેનો બજારનો આશાવાદ સાચો પડવાના સંકેત ગુરુવાર સુધી મળતા રહ્યા હતા. જોકે શુક્રવાર બજાર માટે શુકનિયાળ સાબિત થયો હતો.


બજેટ-ડે, બૅડ-ડે

શુક્રવારે બજેટના દિવસે શરૂમાં બજારમાં ઉત્સાહ હતો, કિંતુ જેમ-જેમ જાહેરાત થતી ગઈ અને બજેટમાં માર્કેટ રાજી થાય એવું કંઈ જ નક્કર જાહેર નહીં થતા સેન્સેકસ બજેટની સાથે-સાથે જ ઘટતો રહી બજેટ પૂરું થયા બાદ  સત્રના અંતમાં સેન્સેકસ ૩૯૫ પૉઈન્ટ અને નિફટી ૧૩૫ પૉઈન્ટ નીચે ઊતરી  ગયા હતા. બજાર તદ્ન  નર્વસ સેન્ટીમેન્ટમાં ધકેલાઈ ગયુ હતું. એટલું જ નહીં, હવે આગામી સપ્તાહમાં પણ બજાર મંદ રહેવાની યા ઘટતું જવાની ધારણા મુકાય છે. બજાર સામે એક માત્ર બજેટનું ટ્રિગર હતું, જે તેને ઉછાળા કે કૂદકા મરાવી શકે એમ હતું. જેના પર વરસાદનું ચિકકાર પાણી ફરી ગયું હોવાનો તાલ રચાયો હતો. હવે પછી સરકાર તરફથી નવી કોઈ પોઝિટિવ જાહેરાત થાય અને બજેટની જાહેરાતની સારી અસરો નક્કરપણે દેખાવાની શરૂ થાય તો કંઈ વાત બને! આ વાત વિદેશી રોકાણકારોને આકર્ષવા સરકારે બજેટમાં બતાવેલી ચોક્કસ ઉદારતા છે. ખાસ કરીને સીધા વિદેશી રોકાણ માટે તેમ જ પોર્ટફોલિયો રોકાણ માટે હળવા કરાયેલા ધોરણોને આમાં ગણી શકાય. બીજી આશા એ ખરી કે ભારતનું અર્થતંત્ર મંદ સ્થિતિમાં પણ જે દિશામાં આગળ વધી રહ્યું છે તે અન્ય દેશોની તુલનાએ કંઈક બહેતર ગણાતું હોવાથી વિદેશી રોકાણને આકર્ષી શકશે એવી આશા હજી છે. નાના રોકાણકારો સરકારી સિક્યોરિટીઝ જેવાં સાધનોમાં સીધું રોકાણ કરી શકે એવો માર્ગ બજેટે દર્શાવ્યો છે, પણ આમાં સ્ટૉક માર્કેટનું કંઈ ઝાઝું વળે નહીં. કોર્પોરેટ ટૅકસના ૨૫ ટકાના દર માટે ટર્નઓવર મર્યાદા ૨૫૦ કરોડથી ૪૦૦ કરોડ રૂપિયાની કરી દેવાઈ એ સારી વાત છે, પરંતુ આ બાબત બજારને કોઈ બુસ્ટ આપી શકે એવું જોર ધરાવતી નથી.  એસટીટીના ઘટાડાનો લાભ માત્ર ઓપ્શન ટ્રેડિંગને આંશિક પ્રમાણમાં મળશે.


બજાર માટે નિરાશાજનક જાહેરાતો

લિસ્ટેડ કંપનીઓમાં પબ્લિક શૅરહોલ્ડીંગ ૨૫ ટકાથી વધારીને ફરજિયાત ૩૫ ટકા કરવાની જોગવાઈની જાહેરાત માર્કેટ માટે સૌથી નિરાશાજનક અને આઘાતજનક છે. આને કારણે સારી કંપનીઓમાં, જેમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ વધુ છે તેના શૅરોની વેચવાલી આવશે, રાધર કરવી પડશે. જેને લીધે તેના ભાવ ઘટી શકે. આમાં મોટેભાગે લાર્જ કેપ કંપનીઓ અને મલ્ટીનૅશનલ્સ છે. અમુક મલ્ટીનૅશનલ્સ તો આને લીધે ભારતીય શૅરબજારમાંથી ડિલિસ્ટ થવાનું પણ વિચારી શકે.   બીજી બાજુ  સરકાર પોતાના ડિસઈન્વેસ્ટમેન્ટ પ્લાન મારફત એક લાખ કરોડ રૂપિયા જેટલું ફંડ ઊભું કરવા માગે છે, જેની ઑફરમાં ભાગ લેવા માટે પણ શૅરબજારમાં અન્ય શૅરોમાં વેચવાલી આવે એવી શકયતા વધુ રહેશે. બજેટે ડિમાંડ અને વપરાશ વધે એવું કોઈ નક્કર પગલું ભર્યું નથી, કમસેકમ ટૂંકા ગાળા માટે તો નહીં જ, એ ઉપરાંત બજેટે  રોજગાર સર્જન માટે પણ કોઈ સચોટ કદમ જાહેર કર્યા નથી. વધુમાં રોકાણકારોને મલ્ટીપલ ટૅકસના બોજ ઉઠાવવા પડે એવું કરાયું છે. પાંચ લાખ સુધીની વાર્ષિક આવક પર કોઈ ટૅકસ નહીં ભરવો પડે એ લાભ સિવાય અન્ય કોઈ લાભ મધ્યમ વર્ગના ફાળે નથી ગયો.  જેથી  બજેટ બાદ પણ બજારને કોઈ ઉત્સાહ નથી. આ સ્થિતિમાં બજાર ઘટવાની શકયતા ઊંચી છે. સારા શૅરોમાં પ્રોફિટ બુક કરી બહાર નીકળી જવું અને નીચા ભાવે ફરી સારા શૅરો ખરીદવાની તકનો સમય આવે તેની રાહ જોવી એમાં જ શાણપણ ગણાશે.

જાણવા જેવી નાની –નાની વાત

રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર પોતાનું કરજ ઘટાડવા તેની એસેટ વેચવાનું વિચારે છે. જેમાં  તેની મુખ્ય કચેરીનો સમાવેશ થાય છે.

સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા તેની મૂડી જરૂરિયાતને પહોંચી વળવા માર્કેટમાંથી ૭૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરવાની યોજના ધરાવે છે.   એચડીએફસી નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ  પ્રાઈવેટ પ્લેસમેન્ટ મારફત ઈસ્યૂ કરીને ૪૫,૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરવા માટે બોર્ડ મિટિંગ ઑગસ્ટમાં કરવાની છે.  

લાંબા સમયથી મંદીમાં રહેલા રિઅલ એસ્ટેટ સેકટર માટે કોઈ દમદાર કદમ નહીં હોવાથી આ સેકટરની કંપનીઓની કામગીરી નબળી રહેશે.

ઑટો સેકટરને પ્રોત્સાહનના એન્જિનની તાતી જરૂર હતી, જેના તરફ બજેટે કોઈ ધ્યાન આપ્યું નથી, ઉપરથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી દીધા.

કંપનીઓના શૅર બાયબેક પર પણ ટૅકસ નાખી દીધો.

સમજવા જેવી વાત

ઈન્વેસ્ટમેન્ટ કરવું એટલે ભીંત પરના પોપડાને ઉખડતા જોવું અથવા લીલા ઘાસને ઊગતા જોવું, બાકી એકસાઈટમેન્ટ જોઈતું હોય તો લાખો રૂપિયા લઈને  કોઈ મોટા કસિનોમાં પહોંચી જાવ.

આ પણ વાંચો : ભારતીય શૅર બજારમાં કમજોરી, સેન્સેક્સમાં 454 અંકનો ઘટાડો

છેલ્લાં પાંચ વરસનાં છ બજેટમાં સેન્સેક્સસનું શું થયું હતું?

છેલ્લાં પાંચ વરસના બજેટના દિવસના સેન્સેકસની સ્થિતિ જોઈએ તો વરસ ૨૦૧૪માં પ્રથમ ઈન્ટરિમ બજેટ જુલાઈમાં  જ રજૂ થયું  હતું, તે દિવસે ૮૦૦ પૉઈન્ટની વધઘટ થઈ, પણ અંતે સેન્સેકસ ૭૨ પૉઈન્ટ માઈનસ  થઈને ૨૫૩૭૨ પૉઈન્ટ બંધ રહ્યો હતો. વરસ ૨૦૧૫ના રેગ્યુલર પૂર્ણ બજેટમાં સેન્સેકસ 140 પૉઈન્ટ વધીને 29360 પૉઈન્ટ બંધ રહ્યો હતો. વરસ 2016માં સેન્સેકસ 152 પૉઈન્ટ માઈનસ રહીને 23002 પૉઈન્ટ  બંધ રહ્યો હતો. વરસ 2017ના બજેટમાં સેન્સેકસ 485 પૉઈન્ટ વધીને 28142 પૉઈન્ટ બંધ  રહ્યો હતો. વરસ 2018ના બજેટમાં સેન્સેકસ 58 પૉઈન્ટ માઈનસ બંધ રહીને 35917 પૉઈન્ટ બંધ રહ્યો હતો. વરસ 2019માં તા.૧ ફેબ્રુઆરીના બજેટમાં સેન્સેકસ 212 પૉઈન્ટ વધીને 36469 પૉઈન્ટ બંધ રહ્યો હતો. હવે વરસ 2019ની જુલાઈમાં ફરી એકવાર ઈન્ટરિમ બજેટ મોદી સરકાર લાવી  ત્યારે બજેટના આગલા દિવસે સેન્સેકસ  40 હજાર નજીક ચાલી રહ્યો હતો. આમ છેલ્લાં પાંચ વરસના છ બજેટને જોઈએ તો ત્રણ બજેટમાં  સેન્સેકસ વધ્યો છે અને ત્રણમાં સેન્સેકસ ઘટયો છે, પરંતુ છ વરસમાં સેન્સેકસ 2014ના પ્રથમ બજેટનાં 25372 પૉઈન્ટથી વધીને વરસ 2019ના ફેબ્રુઆરી સુધીમાં 36469 પૉઈન્ટ સુધી પહોંચ્યો હતો. (આશરે ૧૧ હજાર પૉઈન્ટ વધ્યો છે) જે મે 2019માં  નવી સરકાર બની ત્યારે 40 હજારને વટાવી આવ્યો હતો.  જોકે ગયા શુક્રવારના બજેટે સેન્સેકસને 40 હજારના લેવલથી અને નિફટીને 12 હજારના લેવલથી દૂર કરવાની ભૂમિકા ભજવી છે. હવે માર્કેટ રિકવરી વધુ સમય લેશે એવું માની શકાય. અલબત્ત, બજાર વધુ ને વધુ ઘટે તો સિલેકટિવ શૅરોની ખરીદી કરતાં જવામાં શાણપણ ખરું.

Whatsapp-channel Whatsapp-channel

08 July, 2019 11:35 AM IST | | શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK