Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ઇન્વેસ્ટરોમાં આશાનો ભાવ, પરંતુ વિશ્વાસનો અભાવ

ઇન્વેસ્ટરોમાં આશાનો ભાવ, પરંતુ વિશ્વાસનો અભાવ

09 September, 2019 07:57 AM IST | મુંબઈ
શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા

ઇન્વેસ્ટરોમાં આશાનો ભાવ, પરંતુ વિશ્વાસનો અભાવ

ઇન્વેસ્ટરોમાં આશાનો ભાવ, પરંતુ વિશ્વાસનો અભાવ


ગયા સોમવારે બજારે રજા પાળીને ગણપતિબાપ્પા મોરયાના ઉત્સાહને માણ્યા બાદ મંગળવારે બજારે રોકાણકારોની આશાનું મોટા કડાકા સાથે વિસર્જન કરી નાખ્યું હતું. છેલ્લાં ત્રણ સપ્તાહથી નાણાપ્રધાન અર્થતંત્રના રિવાઇવલ માટે સતત પગલાં જાહેર કરી રહ્યા હોવા છતાં બજાર એને કોઈ પ્રતિભાવ આપી રહ્યું નથી, ઉપરથી નકારાત્મક રિસ્પૉન્સ સાથે માર્કેટ વધુ નર્વસ થઈ રહ્યું છે. મંગળવારે આ ઘોર નિરાશાના ભાગરૂપ સેન્સેક્સ ૭૭૦ પૉઇન્ટ અને નિફટી ૨૨૫ પૉઇન્ટના ઘટાડા સાથે ૧૦૮૦૦ નીચે ઊતરી ગયા હતા. હજી આગલા શુક્રવારે સરકારે બૅન્કોના મેજર મર્જરની જાહેરાત કરી હતી, એ પહેલાં ફૉરેન ઇન્વેસ્ટરોને પ્રોત્સાહન-રાહત આપતાં કદમ ભર્યાં હતાં, પણ બજારને જાણે કોઈ અસર જ નથી એમ એ પૉઝિટિવ સમાચારને પ્રતિભાવ આપતું નથી, જ્યારે નેગેટિવ સમાચારને તરત રીઍક્ટ કરે છે, જેમ કે જીડીપીનો દર પાંચ ટકા જેવો નીચો જાહેર થતાં મંગળવાર અમંગળ સાબિત થયો હતો, જેમાં એક જ દિવસમાં રોકાણકારોની અઢી લાખ કરોડ રૂપિયાની મૂડી ધોવાઈ ગઈ હતી. સરકારી બૅન્કોના મર્જરની પૉઝિટિવ જાહેરાત છતાં મંગળવારે બૅન્કોના શૅરો જ સૌથી વધુ તૂટ્યા હતા.

રૂપિયાની નબળાઈ પણ નડી



જીડીપીના નીચા દર ઉપરાંત અન્ય ઇકૉનૉમિક ડેટા પણ નબળાં જાહેર થયા હોવાથી બજારમાં વધુ ચિંતા હતી. એક જ દિવસમાં ૯૮ પૈસા તૂટેલા રૂપિયાની વધુ નબળાઈએ અને ફોરેન ઈન્વેસ્ટરોની સતત વેચવાલીએ દુકાળમાં અધિક માસની ભૂમિકા ભજવી હતી. જો કે ફોરેન ઈન્વેસ્ટરો ભારતીય ડેટ માર્કેટમાં સતત ખરીદી કરી રહ્યા છે એ નોંધવું રહ્યું. ચીને ટ્રેડ-વૉરને મામલે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનનો સંપર્ક સાધ્યો છે એ પણ નોંધપાત્ર ઘટના છે. સોમવારે નાણાપ્રધાને સરકાર સેકટર વાઈઝ પગલાં ભરી રહી હોવાનું સ્પષ્ટ કર્યું હતું, કિંતુ તેમના નિવેદનની કોઈ અસર નહોતી. હાલ તો ગ્લોબલ મંદી અને નબળાં માર્કેટ-ઇકૉનૉમિક ફંડામેન્ટલ્સનાં પરિબળો જ બજાર પર સવાર છે. પરિણામે બુધવારે પણ માર્કેટ ઢીલું જ ખૂલ્યું હતું, પણ પછીથી ધીમી ગતિએ વધતું રહ્યા બાદ સામાન્ય કરેક્શન પામ્યું હતું, બજાર બંધ થતી વખતે સેન્સેક્સ ૧૬૧ પૉઇન્ટ અને નિફટી ૪૬ પૉઇન્ટ પ્લસ રહ્યા હતા. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી. આમ તો આગલા દિવસના કડાકાની સાધારણ રિકવરી હતી.


કેટલાક સારા સમાચાર-સંકેત

ગુરુવારે માર્કેટ સાધારણ વધઘટવાળું રહી સેન્સેક્સ સવાસો પૉઇન્ટ ઉપર જઈ પાછો ફર્યો અને અંતમાં ૮૦ પૉઇન્ટ માઈનસ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી માત્ર ત્રણ પૉઇન્ટ પ્લસ રહ્યો હતો. ખાનગી સહિતના બૅન્ક શૅરોમાં વેચવાલી રહી હતી. નબળાં ફંડામેન્ટલ્સની અસર રૂપે ફોરેન ઈન્વેસ્ટર્સ પણ વેચવાલ હતા. દરમ્યાન રિઝર્વ બૅન્કે તા. ૧ ઑક્ટોબરથી રેપો રેટ મુજબ બૅન્ક રેટ નક્કી કરવાની જાહેરાત કરી હતી, તેથી બૅન્કોના વ્યાજદર ઑકટોબરથી ઘટશે એવી આશા છે. ખાસ કરીને હોમ લોન અને ઑટો લોન સસ્તી થશે એવી ગણતરી છે. એક સારા સમાચાર એ હતા કે ચાલુ નાણાકીય વરસના પ્રથમ કવાર્ટરમાં ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ) ૨૮ ટકાની વૃદ્ધિ સાથે ૧૬ અબજ ડૉલર ઉપર પહોંચ્યું હતું. બીજી પોઝિટિવ બાબત એ છે કે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનો રોકાણ પ્રવાહ ચાલુ રહેશે એવા સંકેત જોવાયા હતા. નાણાં ખાતાએ ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટર સાથેની મીટિંગમાં જાહેર ક્ષેત્રના એકમોને તેમના મૂડીખર્ચ ઝડપી બનાવવા સૂચના આપી છે જે આ સેકટરને વેગ આપવામાં ભૂમિકા ભજવશે. વધુ એક સારી બાબતમાં નીતિન ગડકરીએ કરેલી જાહેરાત મુજબ સરકારે ૬૮ રોડ પ્રોજેકટસ તારવ્યા છે અને તે આગામી ત્રણ મહિનામાં પાંચ લાખ કરોડ રૂપિયાના રોડ પ્રોજેકટસ ખાનગી કંપનીઓને ઑફર કરશે. સરકાર હાઈબ્રિડ વાહન પર જીએસટી ઘટાડવાનું વિચારે છે, જીએસટી કાઉન્સીલની બેઠક ૨૦ સપ્ટેમ્બરે મળવાની છે, જેમાં નિકાસકારોના રિફંડ માટે સિંગલ ઓથોરિટીની સ્થાપના થશે, જેથી નિકાસકારોને આ રકમ મેળવવામાં વધુ સરળતા થશે. ઑટો એક્સપોર્ટ તેમ જ જેમ્સ અૅન્ડ જ્વેલરીની નિકાસને પ્રોત્સાહન આપવા માટે ટૂંકમાં પગલાં ભરાશે એવા નિર્દેશ બહાર આવ્યા હતા. તેમના જણાવ્યાનુસાર સરકાર ધીમા અર્થતંત્રને ઝડપ આપવા પ્રયાસ કરી રહી છે. નાણાપ્રધાન સીતારમણે તાજેતરમાં ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરના અગ્રણીઓ સાથે બેઠક કરીને તેમની સમસ્યા અને રજૂઆત ધ્યાનમાં લીધી હતી. સ્પેશ્યલ ઈકૉનૉમિક ઝોન્સમાં અપાતી કરરાહત માટેની મુદત લંબાવે એવી શક્યતા પણ વ્યક્ત થઈ છે. આ બધાં વિચાર-પગલાં દર્શાવે છે કે સરકાર ઈકૉનૉમી રિવાઈવલ બાબતે ગંભીર છે.


ત્યાં સુધી બજારની ગતિ પણ ધીમી જ રહેશે

ગમે તે હોય છેલ્લાં બે સપ્તાહથી શુક્રવાર માર્કેટ માટે શુભ રહ્યો છે. આખા સપ્તાહમાં જે વધઘટ કરે તે, પણ શુક્રવારે માર્કેટ પ્લસ રહ્યું છે. પોઝિટિવ ગ્લોબલ સંકેતને પરિણામે શુક્રવારે સેન્સેક્સ ૩૩૭ પૉઇન્ટ અને નિફટી ૯૮ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા. અહીં એ નોંધવું રહ્યું કે વિદેશી રોકાણકારો હજી વેચવાલ રહ્યા છે અને સ્થાનિક સંસ્થાકીય ઈન્વેસ્ટરો ખરીદદાર રહ્યા છે. ચીને રિઝર્વ જરૂરિયાતમાં પચાસ બેસિસ પૉઇન્ટની રાહત આપવાને પગલે ગ્લોબલ માર્કેટ પર સારી અસર હતી. યુએસ-ચીન વચ્ચેની વેપાર વાટાઘાટના પણ શુભ સંકેત હતા. આને કારણે ગ્લોબલ સ્લો ડાઉનનો ભય ઓછો થયો હતો, જ્યારે ભારત સરકાર તેના જીડીપી દરને ઊંચે લઈ જવા ચોક્કસ ઉપાયના પગલાં ભરશે એવી આશાને આધારે પણ બજારમાં રિકવરી નોંધાઈ હતી. એશિયન માર્કેટમાં પણ સુધારો નોંધાયો હતો. હવે આ સપ્તાહમાં બજારને સરકાર તરફથી નવા પગલાંની આશા રહેશે. જેના આધારે જ માર્કેટ વધઘટ કરશે. વર્તમાન સંજોગોમાં જ્યાં સુધી મોદી સરકાર આર્થિક સુધારા માટે આક્રમક વલણ નહીં અપનાવે ત્યાં સુધી બજારની ગતિ ધીમી જ રહેશે. આવા સમયમાં બહુ જ સિલેક્ટિવ સ્ટૉકસમાં રોકાણ કરવું સલાહભર્યું ગણાશે. માર્કેટ એક્સપર્ટ નીલેશ શાહ કહે છે, સરકારના પગલાં સાચી દિશાના છે, કિંતુ આ પગલાં ટેસ્ટ મૅચની જેમ લેવાઈ રહ્યા છે, જ્યારે કે હાલ દશા વન ડે જેવી છે. અલબત્ત, આ પગલાં સતત આવતા રહે તો આગામી સમય માટે આશા વધે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે ઈન્વેસ્ટરોને આ ભાવે વેચવામાં ખચકાટ થાય છે અને ખરીદવામાં પણ ખચકાટ થાય છે.
jayesh.chitalia@gmail.com

Whatsapp-channel Whatsapp-channel

09 September, 2019 07:57 AM IST | મુંબઈ | શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK