ભારતીય ઇક્વિટી માર્કેટ : સંવત ૨૦૭૦ ટ્રેલર હતું, ખરું પિક્ચર હવે જોવા મળશે

Published: Oct 27, 2014, 05:11 IST

ગઈ દિવાળીથી હાલમાં સમાપ્ત થયેલી દિવાળીના એક વર્ષમાં ઇક્વિટીઝમાં ૨૬ ટકા ઉછાળો આવ્યો છે. કેન્દ્રમાં નવી સ્થિર સરકાર આર્થિક સુધારાને આગળ ધપાવી શકશે એવી અપેક્ષા છે.

બ્રોકર-કૉર્નર-અમર અંબાણી

વૈશ્વિક બજારોમાં ગભરાટ ફેલાતાં સ્થાનિક સ્તરે રોકાણકારો પોતાનાં જોખમોને એ પ્રમાણે ઍડ્જસ્ટ કરવા લાગતાં તાજેતરમાં નિફ્ટી પણ વૉલેટાઇલ રહ્યો હતો. સારી ક્વૉલિટીના સ્ટૉક્સ ખરીદવા માટે આ ઉત્તમ તક છે. ભારતીય ઇક્વિટીઝમાં અમે લાંબા ગાળાની તેજીના વલણની અપેક્ષા રાખીએ છીએ. મહત્વના આર્થિક સુધારા તથા અર્નિંગ્સવૃદ્ધિ હવે પછીની રૅલીનાં પરિબળો બની રહેશે.

હાલનો સુધારો પાશેરામાં પહેલી પૂણી છે. સુધારાના મોરચે ખરાં પગલાં તો હવે જોવા મળશે. સંસદના શિયાળુ સત્ર પર બજારની બારીક નજર રહેશે. તાજેતરમાં જ જાહેર થયેલાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો સંસદના ઉપલા ગૃહમાં કેન્દ્ર સરકારને વધુ સત્તા પૂરી પાડનારાં બની રહેશે. રાજ્યસભામાં બેઠકો વધશે તો કેન્દ્ર સરકારને સુધારા આગળ ધપાવવાનું સરળ બની રહેશે. એટલે જ એમ કહી શકાય કે આ વીતેલું વરસ ટ્રેલર હતું, ખરું પિક્ચર તો હવે જોવા મળશે.

કૉર્પોરેટ અર્નિંગ્સ વધશે

કૉર્પોરેટ અર્નિંગ્સને સંબંધ છે ત્યાં સુધી એ છેલ્લાં છ વર્ષના સામાન્ય સ્તર કરતાં ઓછામાં ઓછા ૩૫ ટકા નીચે છે, પરંતુ વ્યાજદરમાં ઘટાડો અને ખર્ચ પર નિયંત્રણને પરિણામે આગળ જતાં ઊંચી અર્નિંગ્સ જોવા મળી શકશે. આર્થિક મોરચે લાંબા ગાળા સુધી નીચા સ્તરે રહ્યા બાદ દેશના GDP (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ)માં વૃદ્ધિ શરૂ થઈ છે અને વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૫.૭૦ ટકા સાથે આર્થિક વિકાસદર ૨૭ માસની ઊંચી સપાટીએ રહ્યો છે. છથી સાત ટકા ફુગાવા સાથે છથી આઠ ટકા વચ્ચેનો રિયલ GDPઆગામી પાંચ વર્ષના સમયગાળામાં GDPને દ્વિઅંકથી ઉપર પહોંચાડી શકશે. ઇક્વિટી માર્કેટ અહીંથી ઉપર જશે એ હકીકત છે. રાજકોષીય તથા કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ પર કાબૂથી વાતાવરણ સુધર્યું છે. આ ઉપરાંત ગ્લોબલ રેટિંગ એજન્સી સ્ટાન્ડડ્ર્સ ઍન્ડ પુઅર્સે ભારતના આઉટલુકને નેગેટિવમાંથી સ્ટેબલ કર્યું છે.

ચોમાસું પાછળથી સુધરતાં સપ્ટેમ્બરમાં ખાદ્ય ચીજોનો ફુગાવો ઘટયો છે. ડિમાન્ડમાં વધારાની સામે ઑઇલની ઉત્પાદનવૃદ્ધિ ઊંચી રહી છે જેને કારણે ક્રૂડના ભાવ નીચા રહેશે. કૃષિઉત્પાદનોના લઘુતમ ટેકાના ભાવમાં સામાન્ય વધારો કરવામાં આવ્યો છે એને કારણે પણ ફુગાવાને કાબૂમાં રાખવામાં મદદ મળશે. વ્યાજદર ઘટવા જોઈએ એવું અમે દૃઢપણે માનીએ છીએ. છતાં રિઝર્વ બૅન્ક આગામી વર્ષના પ્રારંભમાં જ આ મોરચે કવાયત હાથ ધરશે. નીચા ફુગાવા અને નીચા વ્યાજદરનું સંયોજન શૅરબજાર માટે હકારાત્મક બની રહેશે. નીચો ફુગાવો નાણાકીય બચત વધારશે જે ઇન્વેસ્ટમેન્ટ સાઇકલને ગતિશીલ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

વૉલેટિલિટી આવી શકે, પરંતુ...

યુરોપ તથા ચીનની મંદી, જિયોપૉલિટિકલ અશાંતિ તથા અમેરિકા દ્વારા વ્યાજદરમાં વધારો હાલમાં ભારત માટે ચિંતાના વિષયો છે. આ પરિબળો અવારનવાર વૉલેટિલિટી પેદા કરી શકે છે, પરંતુ એનાથી ભારતની વિકાસગાથાને બ્રેક નહીં લાગે અને ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ તથા FII (ફૉરેન ઈન્સ્ટિટયુશનલ ઇન્વેસ્ટર્સ)નો પ્રવાહ ચાલુ રહેશે. ભારત સરકારનાં પગલાંઓથી વૈશ્વિક સમુદાય અત્યાર સુધી સંતુષ્ટ છે. વૈશ્વિક સ્તરે ઊભરતાં બજારોમાં ભારતીય ઇક્વિટીઝ આજે નોંધપાત્ર સારી સ્થિતિમાં છે. ભારતની ઇક્વિટી બજારનું કૅપિટલાઇઝેશન મેક્સિકો, બ્રાઝિલ, રશિયા તથા સાઉથ આફ્રિકા કરતાં ઊંચું છે. મોટા ભાગનાં ક્ષેત્રોમાં મોટી સંખ્યાની લાર્જ સાઇઝ કંપનીઓના ટેકાએ ભારતીય ઇક્વિટી બજારનું કૅપિટલાઇઝેશન થયું છે, જેને કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારત માટે અતિ ઉત્સાહી છે. ચીનની મંદીએ ભારતની તકો વધારી દીધી છે. ૨૦૧૪માં અત્યાર સુધી FIIનો ૧૩ અબજ ડૉલરનો નેટ ઇનફ્લો રહ્યો છે અને આગામી છથી આઠ મહિનામાં બીજા દસથી બાર અબજ ડૉલરના ઇનફ્લોની શક્યતા રહેલી છે.

નજર રાખવા જેવા સ્ટૉક્સ

ટૂરિઝમ ફાઇનૅન્સ કૉર્પોરેશન, TVS શ્રીચક્ર, સુનીલ હાઈટેક જેવા કેટલાક મિડ કૅપ માટે અમે આ દિવાળીમાં ભલામણ કરી છે. મજબૂતીકરણના આ તબક્કાનો તમે લાભ લેશો અને ઇક્વિટીઝમાં ફાળવણી વધારશો એવી અમે આશા રાખીએ છીએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK