અમેરિકામાં પણ વ્યાજદર ઘટશે એવી આશાએ સોનાના ભાવમાં નીચલા મથાળે ફરી ખરીદી

Published: Feb 28, 2020, 11:34 IST | Mumbai Desk

કોરોના ઇફેક્ટ : અમેરિકામાં પણ વ્યાજદર ઘટશે એવી આશાએ સોનાના ભાવમાં નીચલા મથાળે ફરી ખરીદી

બે દિવસના ભારે પ્રૉફિટ-બુકિંગ પછી અમેરિકામાં પણ વ્યાજદર ઘટાડવો પડશે એવા સંકેતો સાથે સોનાના ભાવમાં આજે વૃદ્ધિ જોવા મળી રહી છે. દિવસભર ભારતીય બજારમાં મોટી હિલચાલ જોવા મળી હતી નહીં, કારણ કે વૈશ્વિક બજારમાં જોવા મળેલા ઉછાળા સામે રૂપિયો મજબૂત થતાં ભારતમાં પડતર ઓછી થઈ હોવાથી ભાવ સાંકડી વધઘટે પડેલા રહ્યા હતા.

અમેરિકામાં ગઈ કાલે બેરોજગારીના આંકડા અને ગ્રાહક ભાવાંકના આંકડા અંદાજ અનુસાર જ આવ્યા હતા એટલે એની બજાર પર કોઈ અસર જણાતી નથી. છેલ્લા એક પખવાડિયાથી સોનાના ભાવમાં તેજીના સૌથી મોટા પરિબળ કોરોના વાઇરસનો વ્યાપ હજી પણ વધી રહ્યો છે, નવા દરદીઓની સંખ્યા ચીન કરતાં અન્ય દેશોમાં વધી ગઈ છે એટલે એની અસર હેઠળ બજારને ઘટેલા ભાવે ટેકો મળ્યો હતો.

વૈશ્વિક બજારમાં સોનું ૦.૬૭ ટકા કે ૧૧.૦૩ ડૉલર વધી ૧૬૫૧.૯૯ અને કોમેક્સ એપ્રિલ વાયદો ૦.૭૦ ટકા વધી ૧૬૫૪.૫૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર હતું. ચાંદી ૦.૫૧ ટકા કે ૯ સેન્ટ વધી ૧૮.૦૧ ડૉલર અને માર્ચ વાયદો ૦.૭૧ ટકા કે ૧૨ સેન્ટ વધી ૧૭.૯૬ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર હતા.

હાજર બજારમાં અમદાવાદ અને મુંબઈ ખાતે સોનાના ભાવ પ્રતિ ગ્રામ ૧૦ રૂપિયા વધ્યા હતા. જોકે ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઈ ચાંદી ૧૬૫ ઘટી ૪૮,૩૮૫ રૂપિયા અને અમદાવાદ ખાતે ૧૬૦ ઘટી ૪૮,૪૪૦ રૂપિયા પ્રતિ કિલો રહી હતી.
સ્થાનિક બજારમાં સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ. ૪૨,૬૪૦ ખૂલી ઉપરમાં ૪૨,૮૨૦ રૂપિયા અને નીચામાં ૪૨,૪૫૬ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૦૮ વધીને ૪૨,૬૧૨ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૨૮૧ ઘટીને ૮ ગ્રામદીઠ ૩૪,૫૬૦ રૂપિયા અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૧ ઘટીને ૧ ગ્રામદીઠ ૪૧૯૯ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની માર્ચ વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૧૨ વધીને બંધમાં ૪૨,૪૬૧ રૂપિયાના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૪૬,૮૯૯ ખૂલી ઉપરમાં ૪૭,૧૫૦ રૂપિયા અને નીચામાં ૪૬,૮૨૬ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૩૪૭ વધીને ૪૬,૯૨૩ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી ૩૪૮ વધીને ૪૬,૯૧૭ રૂપિયા અને ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી ૪૯૫ વધીને ૪૮,૧૧૫ રૂપિયા બંધ રહ્યા હતા.

ડૉલર સામે રૂપિયો મજબૂત
એશિયાઈ ચલણો સામે નબળો ડૉલર વૈશ્વિક ધોરણે ક્રૂડ ઑઇલના ભાવ નબળા પડી રહ્યા હોવાથી ભારત જેવા આયાત આધારિત દેશોની વ્યાપારખાધમાં ફાયદો થશે એવી ધારણાએ રૂપિયો પણ વધીને બંધ આવ્યો હતો. ત્રણ દિવસથી ભારતીય ચલણ ડૉલર સામે વધી રહ્યું છે. જોકે શૅરબજારમાં વિદેશી સંસ્થાઓની ચાર દિવસથી ચાલી રહેલી ભારે વેચવાલીના કારણે ચલણની તેજી પર બ્રેક હતી. ગઈ કાલે રૂપિયો ડૉલર સામે ૭૧.૬૫ ખૂલી વધીને ૭૧.૫૫ થઈ દિવસના અંતે ૭૧.૫૯ની સપાટીએ બંધ આવ્યો હતો. ગઈ કાલે એમાં છ પૈસાનો વધારો જોવા મળી રહ્યો છે.

ભાવતાલ
સોનું ૯૯.૯ ટકા ૪૨,૬૧૩ રૂપિયા
સોનું ૯૯.૫ ટકા ૪૨,૪૪૨ રૂપિયા
ચાંદી ૯૯.૯ ટકા ૪૭,૦૩૦ રૂપિયા

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK