કોરોના સંકટ: 1.70 લાખ કરોડનું જંગી રાહત-પૅકેજ

Published: 27th March, 2020 11:13 IST | Agencies | New Delhi

ગરીબો, ખેડૂતો, મહિલાઓ, મજૂરો પર સરકારની સહાય વરસી પડી

નિર્મલા સીતારમણ
નિર્મલા સીતારમણ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કોરોના વાઇરસ સામેની લડાઈમાં ૧.૭૦ લાખ કરોડના રાહત પૅકેજની જાહેરાત કરી છે. તેમણે કોરોના સામે લડાઈમાં મદદ કરી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમના માટે ૫૦ લાખ રૂપિયાના મેડિકલ વીમાની જાહેરાત કરી છે એમાં હેલ્થ વર્કર, પેરામેડિકલ સ્ટાફ, ટેક્નિકલ સ્ટાફ, ડૉક્ટર સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે. એનાથી ૨૦ લાખ જેટલા કર્મચારીઓને લાભ મળશે.

ગરીબોને મફત અનાજ

અત્યાર સુધી દરેક ગરીબને દર મહિને પાંચ કિલો ઘઉં અથવા ચોખા મળતા હતા. આગામી ત્રણ મહિના સુધી દરેક ગરીબને હવે પાંચ કિલો વધારાના ઘઉં અને ચોખા મળશે. મતલબ કુલ ૧૦ કિલો ઘઉં અને ચોખા મળશે. એ સાથે ૧ કિલો દાળ પણ મળશે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત આ રાહતનો ફાયદો ૮૦ કરોડ ગરીબ લોકોને મળશે. મતલબ કે દેશની બે તૃતીયાંશ વસ્તી.

હેલ્થ વર્કર્સને મેડિકલ ઇન્શ્યૉરન્સ કવર

કોરોના વાઇરસ સામે લડવામાં દેશના હેલ્થ વર્કર્સની ભૂમિકાનું મહત્ત્વ સમજતાં સરકારે તેમને આગામી ત્રણ મહિના માટે ૫૦ લાખ રૂપિયાનું મેડિકલ ઇન્શ્યૉરન્સ કવર આપવાની જાહેરાત કરી છે.  દેશભરમાં બાવીસ લાખ હેલ્થ વર્કર્સ છે. ૧૨ લાખ ડૉક્ટર્સ છે.

 ખેડૂતો, મહિલાઓનાં ખાતાંમાં સીધા પૈસા

ડાયરેક્ટ કૅશ ટ્રાન્સફર અંતર્ગત ૮.૬૯ કરોડ રૂપિયાની મદદ કરવામાં

આવશે. ખેડૂતોને એનો પહેલો હપ્તો એપ્રિલના પહેલા અઠવાડિયામાં મળી જશે. એનો ફાયદો ૮.૬૯ કરોડ ખેડૂતોને મળશે.

મહિલાઓ ઃ મહિલા જનધન ખાતાધારકોને આગામી ત્રણ મહિના સુધી ૫૦૦ રૂપિયા પ્રતિ મહિને આપવામાં આવશે. એનો ફાયદો ૨૦ કરોડ મહિલાઓને થશે.

વૃદ્ધ, દિવ્યાંગ અને વિધવા ઃ આગામી ત્રણ મહિના માટે બે હપ્તામાં ૧૦૦૦ રૂપિયાની મદદ કરવામાં આવશે. ત્રણ કરોડ લોકોને એનો ફાયદો થશે.

મનરેગા ઃ મજૂરીને ૧૮૨ રૂપિયાથી વધારીને ૨૦૨ રૂપિયા કરવામાં આવી છે.

ઈપીએફમાં સરકાર યોગદાન કરશે, ૭૫ ટકા ફન્ડ ઉપાડી શકાશે

સરકાર ત્રણ મહિના સુધી પ્રોવિડન્ટ ફન્ડમાં કર્મચારીઓ અને કંપની બન્નેનું યોગદાન સ્વયં કરશે. મતલબ ઈપીએફમાં ૨૪ ટકા યોગદાન સરકાર આપશે. પીએફ ફન્ડ રેગ્યુલેશનમાં સંશોધન કરવામાં આવશે. જમા રકમના ૭૫ ટકા અથવા ત્રણ મહિનાના પગારમાંથી જે કંઈ પણ ઓછું હશે એ ઉપાડી શકાશે.

૧૦૦થી ઓછા કર્મચારીઓવાળા સંસ્થાન અને ૧૫,૦૦૦થી ઓછો પગાર મેળવતા કર્મચારીઓને આને લાભ મળશે.

દેશભરમાં ૮૦ લાખથી વધુ કર્મચારીઓ અને ૪ લાખથી વધુ સંસ્થાનોને.

મહિલાઓને મફત સિલિન્ડર

જે ગરીબ મહિલાઓને ઉજ્જ્વલા યોજના અંતર્ગત મફત ગૅસ-કનેક્શન મળ્યાં છે, તેમને આગામી ત્રણ મહિના સુધી મફતમાં ગૅસ-સિલિન્ડર મળશે. ગરીબી રેખા નીચે આવતા ૮.૩૯ કરોડ પરિવારોને જેમના ઘરની મહિલાઓને ઉજ્જ્વલા યોજના અંતર્ગત ગૅસ-કનેક્શન મળ્યું છે.

નિર્માણ ક્ષેત્ર સાથે સંકળાયેલા ૩.૫ કરોડ રજિસ્ટર્ડ વર્કર જેઓ લૉકડાઉનના કારણે આર્થિક પરેશાનીઓને સામનો કરી રહ્યા છે તેમને મદદ કરવામાં આવશે. તેમના માટે ૩૧,૦૦૦ કરોડ રૂપિયાનું ફન્ડ રાખવામાં આવ્યું છે. 

મહિલા સહાયતા સમૂહ (સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ)ને પહેલાં ૧૦ લાખ રૂપિયાની લોન મળતી હતી. હવે ૨૦ લાખ રૂપિયાની લોન મળશે. એનાથી ૭ કરોડ પરિવારને ફાયદો થશે.

રાહત પૅકેજ પર એક નજર

દેશના સ્વાસ્થ્ય-કર્મચારીઓ માટે ૫૦ લાખનો વીમો

ગરીબોને ભોજન અને નાણાં બન્નેની મદદ મળી રહેશે.

આગામી ૩ મહિના માટે ગરીબોને મફતમાં ભોજન અપાશે.

ગરીબ કલ્યાણ યોજનાઓ હેઠળ ગરીબોને ૧.૭૦ લાખ કરોડ રૂપિયાની મદદ અપાશે.

પ્રધાનમંત્રી અન્ન યોજના હેઠળ પાંચ કિલો વધારે ઘઉં અને ચોખા આગામી ૩ મહિના સુધી મળશે.

આ યોજનાનો ફાયદો ૮૦ કરોડ લોકોને મળશે.

એક કિલો કઠોળ પણ ફ્રીમાં અપાશે.

વિધવા, વૃદ્ધ અને દિવ્યાંગોને વધારાના ૧૦૦૦ રૂપિયા આગામી ત્રણ મહિના માટે મળશે.

ત્રણ કરોડ વિધવા અને દિવ્યાંગોને એનો લાભ મળશે આ પૈસા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા તેમના ખાતામાં જશે.

૨૦ કરોડ મહિલા જનધન અકાઉન્ટ હોલ્ડરને વધારાના ૫૦૦ રૂપિયા આગામી ત્રણ મહિના માટે મળશે.

ઉજ્જ્વલા યોજના અંતર્ગત લાભાર્થીઓને આગામી ત્રણ મહિના માટે મફતમાં સિલિન્ડર આપવામાં આવશે. ૮ કરોડથી વધુ મહિલાઓને ફાયદો થશે.

મનરેગામાં મજૂરી કરતા મજૂરો માટે રોજની મજૂરી ૧૮૨થી વધારી ૨૦૨ રૂપિયા અપાશે.

પીએમ કિસાન યોજના, કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ૮ કરોડ ૭૦ લાખ ખેડૂતોને ફાયદો મળશે.

૨૦૦૦ રૂપિયાનો હ‍પ્તો એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં જ ટ્રાન્સફર કરી દેવાશે

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK