સોનાના ભાવમાં ભારે અફરાતફરી: વધ્યા મથાળેથી ૧૨૦ ડૉલરના ઘટાડા બાદ સુધારો

Published: 12th January, 2021 12:00 IST | Mayur Mehta | Mumbai

મુંબઈ માર્કેટમાં ચાંદીના ભાવ સતત ચોથા દિવસ તૂટયા, સોનું ૮૮૭ અને ચાંદી ૨૩૬૧ રૂપિયા ઘટી

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ડોનલ્ડ ટ્રમ્પની વિદાય અને બાઇડનની એન્ટ્રી વચ્ચેના સમયગાળામાં સોનામાં ભારે અફરાતફરી જોવા મળી હતી. ગત સપ્તાહે સોનું વધીને ૧૯૫૯ ડૉલર થયું હતું જે ઘટીને સોમવારે ૧૮૩૯ ડૉલર થયું હતું. વર્લ્ડ માર્કેટમાં સોનાનો ભાવ વધ્યા મથાળેથી ૧૨૦ ડૉલર ઘટ્યા બાદ સોમવાર સાંજથી સોનામાં નીચા મથાળે લેવાલીનો દોર શરૂ થયો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૮૮૭ રૂપિયા અને ચાંદી ૨૩૬૧ રૂપિયા ઘટી હતી. ચાંદીના ભાવ એક તબક્કે ૭૦,૦૦૦ રૂપિયાની સપાટી વટાવી ગયા હતા, ત્યારબાદ છેલ્લા ચાર દિવસથી સતત ઘટી રહ્યા છે.

વિદેશી પ્રવાહો

સોનામાં બાઇડનના સત્તારોહણ પૂર્વે ૨૦૨૧ના આરંભિક બે અઠવાડિયામાં ભારે અફરાતફરી જોવા મળી રહી છે. વર્લ્ડ માર્કેટમાં એક તબક્કે ૧૯૬૦ ડૉલરની નજીક પહોંચેલું સોનું સોમવારે ૧૮૪૦ ડૉલરની નીચે ગયું હતું. ડોનલ્ડ ટ્રમ્પની હકાલપટ્ટી કરવાની પ્રક્રિયા અને તે અગાઉ અમેરિકન સંસદ પર હુમલાની ઘટનાઓ તદ્દન નાટયાત્મક અને અકલ્પનીય હતી. શુક્રવારે અમેરિકાના જોબ-ડેટા નબળા આવતાં બાઇડને તાત્કાલિક રિલીફ પૅકેજ લાવવા પર ભાર મૂક્યો હતો તેને કારણે સ્ટૉક માર્કેટ અને બૉન્ડ યીલ્ડ ઉછળતાં ડૉલર પણ ૦.૨ ટકા વધ્યો હતો. ડૉલર વધતાં સોનામાં વેચવાલીનું દબાણ વધ્યું હતું. શુક્રવારે સોનું ચાર ટકા ઘટયા બાદ સોમવારે પણ સવારથી ભાવ સતત ઘટતા હતા. એનલિસ્ટો સોના અને ચાંદીના ભાવ તૂટતાં ખરીદવાની નવી તક આવી હોવાનું કહી રહ્યા છે કારણ કે સતત ત્રણ વર્ષથી તગડું રિટર્ન આપતી બુલિયન માર્કેટમાં હજુ તેજીની વિપુલ તકો પડેલી છે.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકામાં ડિસેમ્બર મહિનામાં ૧.૪૦ લાખ લોકોએ નોકરીઓ ગુમાવી હતી, ગત મે મહિના પછી પ્રથમ વખત અમેરિકામાં આટલી મોટી સંખ્યામાં રોજગારી ઘટી હતી, માર્કેટની ધારણા ૭૧,૦૦૦ નોકરીઓ ઘટવાની હતી. અમેરિકામાં હૉસ્પિટાલિટી, પ્રાઇવેટ એજ્યુકેશન અને ગવર્નમેન્ટ સૅકટરમાં કામ કરતા લોકોએ સૌથી વધુ નોકરીઓ ગુમાવી હતી. અમેરિકાનો જોબલેસ રેટ ડિસેમ્બરમાં ૬.૭ ટકા જળવાયેલો હતો. અમેરિકામાં કામ કરતાં વર્કરોના વેતન ડિસેમ્બરમાં ૦.૮ ટકા એટલે કે પ્રતિ કલાક ૨૩ સેન્ટ વધીને ૨૯.૮૧ ડૉલર થયા હતા જેમાં નવેમ્બરમાં ૦.૩ ટકાનો વધારો થયો હતો. ચીનનો કન્ઝયુમર્સ પ્રાઇસ ઇન્ડેક્સ ડિસેમ્બરમાં ૦.૨ ટકા વધ્યો હતો જે નવેમ્બરમાં ૦.૫ ટકા ઘટ્યો હતો, ખાસ કરીને ફુડ પ્રાઇસનો ઇન્ડેક્સ ડિસેમ્બરમાં ૧.૨ ટકા વધ્યો હતો જે નવેમ્બરમાં બે ટકા ઘટ્યો હતો. ફેબ્રુઆરીમાં આવી રહેલા લૂનાર ન્યુ યરની ડિમાન્ડ બજારમાં દેખાવાની શરૂ થઈ ચૂકી છે. જોકે ચીનનો પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ ડિસેમ્બરમાં ૦.૪ ટકા ઘટ્યો હતો જે નવેમ્બરમાં ૧.૫ ટકા ઘટ્યો હતો.

શોર્ટ ટર્મ-લોગ ટર્મ ભાવિ

મોટા ભાગના ઇકૉનૉમિસ્ટો માની રહ્યા છે કે છેલ્લા ચાર-પાંચ સેશનથી અમેરિકન ડૉલર સુધરી રહ્યો છે તે એકદમ કામચલાઉ છે કારણ કે કોરોના વાઇરસના સતત વધી રહેલા કેસોના કારણે જે આર્થિક ખાનાખરાબી થઈ છે તેમાંથી બહાર નીકળવા માટે અમેરિકન બજેટમાં તોતિંગ વધારો થશે જેને કારણે કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ આસમાની ઊંચાઈએ પહોંચશે જે ડૉલરને ગમે ત્યારે તોડશે. ડૉલરનો ઘટાડો સોનાની તેજી માટે પૉઝિટિવ છે, આ ઉપરાંત ચીન-ભારતની વધી રહેલી ફિઝિકલ ડિમાન્ડ અને પેપર ગોલ્ડ માર્કેટમાં વધી રહેલું આકર્ષણ સોનાને નવી તેજી તરફ દોરી જશે. કોરોના વાઇરસની વૅક્સિનને સફળતાં મળશે તો શોર્ટ ટર્મ સોનું હજુ થોડું ઘટી શકે છે પણ લોગ ટર્મ હજુ તેજીના ચાન્સીસ બુલંદ છે.

સોવરિન ગોલ્ડ બૉન્ડની દસમી સિરિઝ ચાલુ થઈ, છેલ્લી તારીખ ૧૫ જાન્યુઆરી રહેશે

સોવરિન ગોલ્ડ બૉન્ડની દસમી સિરિઝ તા.૧૧ જાન્યુઆરી સોમવારથી શરૂ થઈ હતી જેની છેલ્લી તારીખ ૧૫ જાન્યુઆરી નક્કી થઈ છે. સોવરિન ગોલ્ડ બૉન્ડની નવમી સિરિઝમાં સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ૫૧૦૪ રૂપિયા રાખવામાં આવ્યો છે, ઑનલાઇન અને ડિઝિટલ મોડમાં પેમેન્ટ કરે તેને ૫૦ રૂપિયા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ સિરિઝનું સેટલમેન્ટ તા. ૧૯ જાન્યુઆરીએ થશે. અગાઉની સોવરિન ગોલ્ડ બૉન્ડની સિરિઝ તા. ૨૮ ડિસેમ્બરથી ૧ જાન્યુઆરી અને ૯-૧૩ નવેમ્બર હતી તેમાં અનુક્રમે સોનાનો ભાવ પ્રતિ એક ગ્રામ ૫૦૦૦ રૂપિયા અને ૫૧૭૭ રૂપિયા હતો. સોવરિન ગોલ્ડ બૉન્ડની મુદત આઠ વર્ષની છે, પણ ઇન્વેસ્ટર પાંચ વર્ષ પછી નાણાં પરત મેળવી શકે છે. સરકાર ઇન્વેસ્ટરને દર વર્ષે બે ટકા ઇન્ટરેસ્ટ આપે છે.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૪૯,૫૩૪

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૪૯,૩૩૬

ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૫,૦૧૩

(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK