Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > રૂપિયામાં શાનદાર ઉછાળો-ડૉલેક્સમાં તેજી

રૂપિયામાં શાનદાર ઉછાળો-ડૉલેક્સમાં તેજી

30 September, 2019 12:08 PM IST | મુંબઈ
કરન્સી-કૉર્નર - બિરેન વકીલ

રૂપિયામાં શાનદાર ઉછાળો-ડૉલેક્સમાં તેજી

કરન્સી

કરન્સી


હવે લગભગ દર શુક્રવાર મિની બજેટ જેવો બની ગયો છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મેગા સ્ટિમ્યુલસ આપ્યા પછી શૅરબજારમાં તેજી આવી અને હજી પણ સુધારાનો દોર ચાલુ છે. શુક્રવારે નાણાપ્રધાને કહ્યું કે સરકાર ખર્ચ અને રોકાણ વધારશે. હાલપૂરતી રાજકોષીય ખાધની પરવા નથી. નાણાકીય વર્ષના અંતે જોયું જશે. વૈશ્વિક ફલક પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો હાઉડી શો, બ્લુમબર્ગ બિઝનેસ ફોરમમાં એમનું પ્રવચન અને મેગા કૉર્પોરેટસ સાથેની બેઠકો જોતા પ્રવાસ ઘણો ફળદાયી રહ્યો છે. ભારતમાં વિદેશી રોકાણ માટે ઘણી કંપનીઓ આગળ આવશે. ટ્રેડ-વૉરના સંદર્ભમાં ભારત આમ પણ આકર્ષક બન્યું જ છે, પણ તાજેતરના ટૅકસકટ પછી વિદેશી કંપનીઓ માટે ભારત વધુ હોટ-ફેવરીટ બનશે.

શૅરબજારની સાથે રૂપિયામાં પણ શાનદાર ઉછાળો આવ્યો છે. રૂપિયો ઘટીને ૭૨.૨૨ થયો હતો તે ફરી ૭૦.૫૫ થઈ ગયો છે. રૂપિયામાં હવે બેતરફી મોટી વધઘટ આવે છે. રૂપિયામાં હવે વૈશ્વિક હેજફંડો સક્રિય કામકાજ કરે છે. કેરિ ટ્રેડ વધ્યા છે. કેરિ ટ્રેડ એટલે નીચા વ્યાજદરવાળી કરન્સીમાં ધિરાણ લઈ ઊંચા વ્યાજદરવાળી કરન્સીમાં નાણાં રોકવા. વ્યાજદર તફાવત કમાવાય. હવે રૂપિયામાં દૈનિક ૫૦-૭૫ પૈસા વધઘટ સામાન્ય રહેશે. શોર્ટ ટર્મ રેન્જ ૭૦.૩૭-૭૧.૪૪ છે. બ્રોડ રેન્જ ૬૯.૯૩-૭૨.૮૮ છે.



વૈશ્વિક બજારોની વાત કરીએ તો ડૉલર ઇન્ડેકસમાં ગર્ભિત તેજી છે. ડૉલેકસ ૯૯.૩૧ બંધ હતો. ૯૯.૮૮ વટાવાતા ૧૦૧ આવી શકે. અમેરિકન મનિ માર્કેટમાં રેપો રેટમાં મજબૂતાઈ છે. ડૉલરની શોર્ટેજ દેખાય છે. યુરોપમાં રોકાણકારો કરન્સી હેજ, સોલવન્સી હેજ તરીકે ડૉલર અને ગોલ્ડનો સંગ્રહ કરી રહ્યા છે. અમેરિકાએ જેટલા ડૉલર ઇસ્યુ કર્યા છે એમાંના ૭૦ ટકા ડૉલર અમેરિકાની બહાર છે. ફેડને વહેલા મોડા મનિ પ્રિન્ટિંગ કરવું જ પડશે, અન્યથા ડૉલરમાં અસાધારણ તેજી આવશે. શુક્રવારે જોબ ડેટા કેવો આવે એના પર બજારની નજર છે. નબળો જોબ ડેટા આવે તો રેટ કટ નવેમ્બરમાં આવે, અન્યથા ડિસેમ્બરમાં તો રેટ કટ પાક્કો દેખાય જ છે. આવતા મહિને ચીન અને અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટ કેવી રહે એ જોઈએ. ચીન આમ તો થાકયું છે પણ નમતું જોખતું નથી. વાર્યા ના રહે એ હાર્યા રહે. યુરોપમાં મંદી વકરી રહી છે. યુરો ૧.૦૯૨૦ થયો છે, પણ હવે ઝડપી ઘટાડામાં ૧.૦૮નું લેવલ તૂટી જશે. યુરોની રેન્જ ૧.૦૭૮૮-૧.૧૦૮૮ છે. ભારતમાં પણ યુરો વધઘટે ૭૩.૩૦-૭૪ આવશે. ધીમી મંદી રહેશે. યુરોમાં એકસપોર્ટ હેજ કરતા રહેવાય. આયાત હોય તો અંડરહેજ રખાય. પાઉન્ડમાં પણ નરમાઈ છે. બ્રેક્ઝિટ ડેડલાઇન નજીક આવતી છે અને બ્રિટિશ રાજકારણમાં નેતાગીરીનો દુકાળ છે. વામણા નેતાઓનો ફાલ ફાટી નીકળ્યો છે. પાઉન્ડની રેન્જ ૧.૨૧૦૦-૧.૨૪૦૦ છે. રૂપિયા સામે પાઉન્ડ એક તબક્કે ૧૦૫ હતો તે ૮૬ થઈ ગયો છે. અને આગળ જતા ૮૨ થઈ શકે છે.


ચીનમાં આર્થિક મંદી ઘેરાતી જાય છે. સ્વાઇન ફ્લુને કારણે પીગ ટપોટપ મરી રહ્યા છે અને પોર્કના ભાવો અતિશય વધતા ફુગાવો વધ્યો છે. યુઆન ૭.૧૧૦-૭.૧૪ વચ્ચે અથડાઈ ફરી ૭.૨૦ તરફ જશે. ૧ ઑકટોબરે ચીનમાં સત્તાધારી પક્ષની ૭૦મી વર્ષગાંઠ છે. એક વીક રજાઓ છે. હોંગકોંગના દેખાવો શાંત પડતા નથી. મંદી વકરી છે. અે માટે પડકારો કઠિન છે. અન્ય એશિયાઇ કરન્સીમાં બજાર ટકેલું છે. થાઇ બહાર સ્ટાર પરફોર્મર છે. ચાલુ ખાતામાં પુરાંત હોવાને કારણે થાઇ ભાત ઇમર્જિગ એશિયામાં સેફ હેવન છે.

ઘરઆંગણે સરકાર લિક્વિડિટી ઠાલવી રહી છે એ આગળ જતા સિસ્ટમમાં દેખાશે. દિવાળીમાં થોડી રોનક દેખાશે. ચોમાસું ઘણું સારું રહ્યું છે. ખરિફ પાકમાં કદાચ થોડું નુકસાન થાય, પણ રવિ પાક માટે પૂરતું પાણી મળી ગયું છે. ક્રૂડ ઑઇલના ભાવ ઘટે તો ભારતમાં ફુગાવાના મોરચે સ્થિતિ સુધરશે, રેટ કટ માટે સાનુકૂળ સમય રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

30 September, 2019 12:08 PM IST | મુંબઈ | કરન્સી-કૉર્નર - બિરેન વકીલ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK