ફેડે ત્રીજી વાર રેટ-કટ કર્યો, વિશ્વભરમાં વ્યાજદરમાં તીવ્ર ઘટાડો

Published: Nov 04, 2019, 15:07 IST | કરન્સી-કૉર્નર - બિરેન વકીલ | મુંબઈ

ડાઉ અને સેન્સેક્સમાં વિક્રમી તેજી, રૂપિયામાં પણ મજબૂતાઈ, યુઆનમાં શાનદાર સુધારો

કરન્સી
કરન્સી

ફેડે ૨૦૧૯માં સતત ત્રીજો રેટ-કટ કર્યો. હવે નવા દરો ૧.૫૦ ટકા છે. ફેડે ત્રીજો કટ કર્યા પછી હવે આગળ પર ડિસેમ્બરમાં વ્યાજદર નહીં ઘટે એવા સંકેતો આપ્યા છે. રેટ-કટ પછી શૅરબજાર અને સોનામાં તેજી આવી છે. ડૉલર થોડો ઘટયો છે. વૈશ્વિક બજારોમાં રેટ-કટની મોસમ જાણે કે પૂરબહારમાં ખીલી છે. ૨૦૧૯માં ફેડે ૭૫ બેસિસ પૉઇન્ટ ઘટાડો કર્યો છે. ભારતે ૧૩૫, ઓસીએ ૭૫, યુરોપે ૧૦, બ્રાઝિલે ૧૫૦, ડેન્માર્ક ૧૦, રશિયા ૧૨૫, ચીન ૧૧, હૉન્ગકૉન્ગ ૭૫, કોરિયા ૫૦, મેક્સિકો ૫૦, ઇન્ડોનેશિયા ૧૦, ચીલી ૧૦૦ અને ટર્કીએ ૧૦૦૦ બેસિસ પૉઇન્ટ વ્યાજદર ઘટાડયા છે. શૅરબજારમાં ફાટફાટ તેજી હોવા છતાં ફેડે વ્યાજદર ઘટાડવાનું નક્કી કર્યુ એની પાછળ દેખીતા કારણોમાં વૈશ્વિક વ્યાજદરોનું ઘટાડાતરફી વલણ, અમેરિકામાં બૅન્કિંગમાં તરલતાની અછત તેમ જ નીચો ફુગાવો પણ કારણભૂત ગણાય.

ફેડ પર પ્રમુખ ટ્રમ્પનો સતત હલ્લો અને વ્યાજદર ઘટાડવાના દેકારાની પણ કદાચ ફેડ પર અસર પડી હોઈ શકે. જો કે રેટ-કટ પછી શૅરબજારમાં રોકેટગામી તેજી આવી અને ડાઉ જોન્સ ઇન્ડેકસ નવી ઊંચાઈએ ગયો. શુક્રવારે નોન ફાર્મ પેરોલ આંકડા ઘણા સારા હતા. રોજગારીમાં ૮૫,૦૦૦ના વધારાની અપેક્ષા સામે ૧.૨૮ લાખનો વધારો થયો હતો. અમેરિકી જોબ માર્કેટ રોકસોલિડ છે. મૅન્યુફૅકચરિંગ થોડું ધીમું પડ્યું છે, પણ વપરાશ ઘણો સારો છે. મંદીની વાતો વચ્ચે અમેરિકી શૅરબજાર વાર્ષિક ૨૨ ટકા વધ્યું છે. આ મંદી ખરેખર લાખેણી મંદી છે.

ભારતીય બજારમાં પણ સ્લોડાઉનની વાતો વચ્ચે સેન્સેક્સ ૪૦૩૦૦ની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો છે. જો કે તેજીનો માહોલ લાર્જ કૅપ શૅરો પૂરતો મર્યાદિત લાગે છે. સ્મોલ કૅપ અને મિડ કૅપ શૅરોમાં મોટા ભાગના શૅરો ટોચની સપાટીથી તો ઘણા નીચા છે.

કરન્સી બજારની વાત કરીએ તો ડૉલરમાં એકંદરે નરમાઈ છે. સિટી બૅન્કે ડૉલર ઇન્ડેકસમાં નોંધપાત્ર નરમાઈ આવશે એવી આગાહી કરી છે. ડોલેકસ તાજેતરમાં ૯૯.૭૦ થયો ત્યારે લાગતું હતું કે ૧૦૨-૧૦૩ થશે, પણ હવે ૯૭.૭૦ તૂટતાં ૯૬.૬૦ અને ૯૫.૩૦ સુધીની સંભાવના છે. ઇલિયટ વેવ મુજબ ડૉલરમાં મંદીનો ત્રીજો વૅવ શરૂ થયો છે અને ૯૪ સુધી જવાની સંભાવના છે.

રૂપિયાની વાત કરીએ તો શૅરબજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી વધવાથી ડૉલરની આવકો વધતા રૂપિયો મજબૂત રહ્યો હતો. રૂપિયો ૭૦.૭૦-૭૧.૧૦ વચ્ચે અથડાઈ ૭૦.૮૮ બંધ હતો. જીડીપીની તુલનાએ રાજકોષીય ખાધ ૭ ટકા રહેવાનો સત્તાવાર અંદાજ છે. ડૉ. રઘુરામ રાજનના મતે આ ખાધમાં ઓફ બેલેન્સ સીટ દેવાઓ જેવા કે ફૂડ કૉર્પોરેશનના દેવા અને નૅશનલ હાઇવે ઑથોરિટીના દેવાંને ઉમેરાય તો આંકડો ૧૦ ટકા જેવો થાય જે મોટો કહેવાય. રૂપિયાને હાલમાં વૈશ્વિક વ્યાજદરોમાં ઘટાડાનો ટેકો મળી રહ્યો છે. ભારતીય બોન્ડનું વળતર ઘણું સારું રહ્યું છે. ઇમર્જિંગ દેશોમાં ભારતના વ્યાજદર ઘણા આકર્ષક છે.

ટેક્નિકલી રૂપિયાની ટ્રેડિંગ રેન્જ ૭૦.૬૨-૭૧.૪૮ છે. રૂપિયામાં બ્રોડ રેન્જ ૬૯.૩૦-૭૨.૮૪ છે. આ રેન્જને ત્રણ સબ રેન્જમાં વહેચી શકાય. નીચલી રેન્જ ૬૯.૩૦-૭૦.૬૨ વચલી રેન્જ ૭૦.૬૨-૭૧.૪૮ અને ઉપલી રેન્જ ૭૧.૪૮-૭૨.૮૪ ગણી શકાય. રેન્જ ધીમે ધીમે મોટી થતી જાય છે.

એશિયામાં ચીની શૅરબજારમાં મજબૂતાઈ હતી. યુઆનમાં પણ સારો એવો સુધારો છે. આર્થિક સ્લોડાઉન વકરતું જાય છે, પણ લિક્વિડિટી ઇન્ફયુઝનને કારણે એસેટ બબલ બની રહ્યા છે. યુઆન ૭.૧૨થી સુધરીને ૭.૦૨ થઈ ગયો છે. ચીન અને અમેરિકા વચ્ચે આંશિક ટ્રેડ ડીલ થવાના આશાવાદે બજારો સુધર્યા છે. ફેડના રેટ કટ પછી શૅરબજારોમાં માહોલ તેજીનો છે.

યુરોપમાં પાઉન્ડમાં મામૂલી નરમાઈ હતી. પાઉન્ડ ૧.૨૯૪૦ હતો. બ્રેક્ઝિટ મામલે વધુ એક વખત યુકેમાં ચૂંટણી થોપાઈ છે. હજી પણ નો-ડીલ બ્રેક્ઝિટ થઈ શકે એવી ચેતવણી યુરોપે ઉચ્ચારી છે. યુરો ટકેલો છે. યુરો ૧.૧૧૫૦ આસપાસ ટકેલો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK