Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નાણાનીતિમાં ફેડનો યુ-ટર્ન : રૂપિયામાં વણથંભી તેજી

નાણાનીતિમાં ફેડનો યુ-ટર્ન : રૂપિયામાં વણથંભી તેજી

25 March, 2019 10:05 AM IST |
કરન્સી-કૉર્નર - બિરેન વકીલ

નાણાનીતિમાં ફેડનો યુ-ટર્ન : રૂપિયામાં વણથંભી તેજી

નાણાનીતિમાં ફેડનો યુ-ટર્ન : રૂપિયામાં વણથંભી તેજી


અત્યાર સુધી વ્યાજદર વધારા અંગે ગોળગોળ વાતો કરતી ફેડે અચાનક ગૂગલી ફેંક્યો છે. ગયા સપ્ટેમ્બરમાં ફેડે કહ્યું હતું કે ૨૦૧૯માં બે કે ત્રણ વ્યાજદર વધારા આવશે. હવે તાજેતરની મીટિંગમાં ફેડે કહ્યું કે ૨૦૧૯માં એક પણ વ્યાજદર વધારો નહીં આવે, એટલે હળવી નાણાનીતિને વધુ હળવી બનાવવાનો સંકેત ફેડે આપ્યો છે. એટલું જ નહીં, પણ રાજકોશીય અખતરાના ભાગરૂપે ફેડે એમ પણ કહ્યું કે બૅલૅન્સશીટ પ્રોગ્રામ ધીરે ધીરે સપ્ટેમ્બર, ૨૦૧૯માં પૂરો થઈ જશે અને ઑક્ટોબર ૨૦૧૯થી ફેડ તેની પાસે રહેલી મૉર્ગેજ સિક્યૉરિટીના ર્પોટફોલિયોને મહિને ૨૦ અબજ ડૉલરની મર્યાદા ધ્યાનમાં રાખીને ટ્રેઝરી સિક્યૉરિટીમાં કન્વર્ટ કરશે. આનો મતલબ એ થયો કે ક્વૉન્ટિટી ઇઝિંગનો બીજો ભાગ શરૂ થવાનો છે. સાદી ભાષામાં કહીએ તો આવનારી મંદી ફેડને દેખાઈ ચૂકી છે અને ફેડે આગોતરું આયોજન કરી લીધું છે. યુરોપમાં મંદીના સાફ સાફ સંકેત દેખાઈ રહ્યા છે. જર્મનીની મહાકાય બૅન્ક ડોઇશને કૉમર્સ બૅન્કમાં મર્જ કરવી પડી છે અને જર્મની ૧૦ વર્ષના બૉન્ડનું યીલ્ડ માઇનસ ૦.૦૭ થઈ ગયું છે, જે ૨૦૦૭ પછીનું સૌથી ઊંચું યીલ્ડ છે. યુરોપનાં મૅક્રો ઇકૉનૉમી ઇન્ડિકેટર ચીસો પાડીને કહે છે કે મંદી ખૂબ નજીક આવી ચૂકી છે. મે મહિનામાં યુરોપિયન સંસદની ચૂંટણી થવાની છે એમાં દક્ષિણ યુરોપના બળવાખોર દેશો ઇટલી, પોર્ટુગલ, સ્પેન વગેરે રશેલ્સના આધિપત્યને પડકારશે. રશેલ્સની પીછેહઠ થાય તો યુરોનું પતન નિશ્ચિત છે. આમ તો યુરોમાં ભંગાણ ભીંત પરનું લખાણ છે. ક્યારે અને કેટલા વેવથી તૂટે એ પ્રfન ચર્ચાનો છે.

રૂપિયાની વાત કરીએ તો ચૂંટણી પછી સ્થિર સરકાર આવવાના આશાવાદથી શૅરબજારમાં ફૂલગુલાબી તેજી છે અને રૂપિયામાં જોરદાર ઉછાળો છે. ગયા વર્ષે રૂપિયો એશિયામાં સૌથી કમજોર કરન્સી હતી અને એક તબક્કે રૂપિયો ૬૭થી થઈને ૭૪.૪૪ થઈ ગયો હતો. એ પછી ૨૦૧૯માં આ લખાય છે ત્યાં સુધી રૂપિયો એશિયાની બેસ્ટ કરન્સી રહી છે અને પુલવામામાં હુમલા ૭૧.૪૪ થયા પછી સતત વધી ૬૮.૪૪ થઈ ગયો છે. રૂપિયાની એકધારી તેજીથી ચિંતિત રિઝવર્‍ બૅન્કે ડૉલર-રૂપીની સ્વેપ વિન્ડો ખોલી હોવા છતાં રૂપિયાની તેજીને નાથી શકાઈ નથી. બજારની ડૉલરનાં ઘોડાપૂર આવ્યાં છે. ડૉલરનો આટલો બધો પુરવઠો બજારમાં સમાઈ શકે તેમ નથી. રૂપિયાની તેજીને બળ મળવાનું બીજું એક કારણ અમેરિકાન ડૉલરની વ્યાપક નબળાઈ પણ ગણી શકાય. ડૉલર ઇન્ડેક્સ ૯૭.૩૦થી ઘટીને ૯૫.૪૦-૯૬ આસપાસ રમી રહ્યો છે અને અમેરિકામાં પણ આગળ જતાં સ્લોડાઉન જોતાં ડૉલર ઇન્ડેક્સ વધુ ઘટશે. ચીન સાથેની અમેરિકાની વ્યાપારની લડત ખૂબ લાંબી ચાલી છે અને ચીનને કેટલું નુકસાન થયું એની ખબર નથી, પરંતુ અમેરિકા આ લડાઈમાં હાંફી રહ્યું હોય તેવું લાગે છે. ફેબ્રુઆરી માસનો જૉબડેટા અતિશય કંગાળ આવ્યો હતો. આ સિવાય ૨૦૧૯માં જીડીપી વિકાસદર પણ ૧.૮ ટકા જ મામૂલી વધવાની અપેક્ષા છે. ચાલુ ક્વાર્ટરની વ્યાપારખાધમાં ૪૦ ટકાનો તોતિંગ વધારો થઈને ઇતિહાસમાં ઊંચામાં ઊંચી વ્યાપારખાધ નોંધાઈ છે. ટ્રમ્પને પારોઠનાં પગલાં ભરવાં પડે એવી ઘડી આવી ચૂકી છે. અત્યારે તો રૂપિયો તેજીના મદમાં છે. સ્થિર સરકારના આશાવાદ સિવાય રૂપિયાને બીજું કંઈ દેખાતું નથી, જ્યારે બજાર વૈશ્વિક પ્રશ્નો, જેવા કે ટ્રેડ વૉર, યુરોપમાં દેવાસંકટ, આર્થિક તનાવ, ક્રૂડ ઑઇલની તેજી, અલ-નિનોના કારણે નબળા ચોમાસાની સંભાવના - આવા પ્રકારનાં નેગેટિવ કારણો ડિસ્કાઉન્ટ કરવાનું શરૂ કરશે પછી એટલે કે ચૂંટણી પછી રૂપિયો ફરી ૭૧થી ૭૨ થવાની પ્રબળ શક્યતા છે.



આ પણ વાંચોઃ કર્ણાટક સરકારે Ola Taxi નું છ મહિના માટે લાયસન્સ કર્યું રદ્દ


વિશ્વબજારની વાત કરીએ તો યુરોપમાં ઘટયા ભાવથી થોડો સુધારો આવ્યો હતો, પણ અન્ડરટોન નબળો છે. દરેક ઉછાળે યુરોમાં વેચવાલી આવી છે. પાઉન્ડમાં પણ બજાર અથડાઈ રહ્યું છે. બ્રેક્ઝિટના મામલે હજુ મડાગાંઠ યથાવત્ રહી છે. યુરોમાં લૉન્ગ ટર્મ મંદીતરફી ટ્રેન્ડ છે. એશિયામાં ચીની શૅરબજારમાં નોંધપાત્ર સુધારો આવ્યો છે. ચીની યુઆન પણ સુધર્યો છે. પાછલા ત્રણ માસમાં શાંઘાઈ શૅરબજાર ૨૪૦૦થી ૩૦૦૦ થયું. શૅરબજારને બૅરોમીટર સમજીએ તો વ્યાપારયુદ્ધમાં ચીનનો હાથ ઉપર અને અમેરિકાનો હાથ નીચે રહેશે તેવું બજાર કહે છે.


Whatsapp-channel Whatsapp-channel

25 March, 2019 10:05 AM IST | | કરન્સી-કૉર્નર - બિરેન વકીલ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK