૨૦૨૧-૨૨ના અંદાજપત્ર માટેનું કાઉન્ટડાઉન શરૂ

Published: 25th January, 2021 10:34 IST | Jitendra Sanghvi | Mumbai

માગ અને મૂડીરોકાણના ઝડપી પુશ માટે ચીલાચાલુ નહીં, પણ ઇનોવેટિવ અંદાજપત્ર એ આજના સમયનો તકાદો છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

આજથી બરાબર એક અઠવાડિયા બાદ આવતા સોમવારે (ફેબ્રુઆરી પહેલી) પેશ કરાનાર ૨૦૨૧-૨૨ માટેના અંદાજપત્રનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સામાન્ય સંજોગોમાં પણ આપણા દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ થતા અંદાજપત્રનું અદકેરું મહત્ત્વ છે. આ વાર્ષિક પૉલિસી ડૉકયુમેન્ટ પ્રજાના પ્રત્યેક વર્ગ (નોકરિયાત, નાના અને મધ્યમ ઉદ્યોગો, મોટા ઉદ્યોગો, અર્થશાસ્ત્રીઓ, બૅન્કો અને અન્ય નાણાકીય સેવાઓ, બાંધકામ ક્ષેત્ર અને  ટૂરિઝમ વગેરે)માં અનેક અપેક્ષાઓ જન્માવે છે. એટલે આતુરતાપૂર્વક તેની રાહ જોવાતી હોય છે. છેલ્લા દસ મહિનામાં અર્થતંત્રને કોરોનાની મહામારીએ જબરદસ્ત આંચકો આપ્યો છે. આર્થિક વિકાસની ગાડી પટરી પરથી ઊતરી ગઈ છે. આર્થિક વિકાસના દર બાબતે અસ્વીકાર્ય અને અવિશ્વસનીય રેકૉર્ડ સ્થપાયા છે. અનેક માઇક્રો-મેક્રો આર્થિક પેરામિટર્સને પણ આ વાત એટલી જ લાગુ પડે છે. એટલે આજના વિશિષ્ટ સંજોગોમાં અંદાજપત્રનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે.

હકીકતમાં આ અંદાજપત્ર વર્તમાન સરકાર, વડા પ્રધાન અને નાણાપ્રધાન માટે એક આકરી કસોટી સમાન પુરવાર થશે. સરકાર કરવેરામાં કેવી રાહતો આપે છે, માળખાકીય સવલતો માટેના પ્રોજેકટો માટે મૂડીરોકાણમાં કેવો વધારો કરે છે અને  સાથે-સાથે એ મૂડીરોકાણ નવી રોજગારીના સર્જનને અને તે દ્વારા આવક અને માગના વધારાને કેવું પુશઅપ આપે છે તે ભણી બધી નજર મંડાયેલી છે.

સરકારને અનેક મર્યાદાઓ વચ્ચે આ કામ કરવાનું છે. ખાસ કરીને કરવેરાની અને અન્ય રેવન્યુ ઇન્કમમાં ૨૦૨૦-૨૧ના વર્ષે ઘટાડો થયો છે (અર્થતંત્રની ગાડી પાટે ન ચડે ત્યાં સુધી એ ઘટાડો ૨૦૨૧-૨૨ના શરૂઆતના મહિનાઓમાં પણ ચાલુ રહી શકે) ત્યારે મૂડીખર્ચ વધારવાનું સરકાર માટે ટાઇટ-રોપ વૉકિંગ જેવું બની શકે, કારણ કે આમ કરવા જતા ફિસ્કલ ડેફિસિટ (રાષ્ટ્રીય આવકના ટકા તરીકે) વધે. જીડીપીના ઘટાડાને કારણે ખર્ચના વધારા સિવાય પણ ફિસ્કલ ડેફિસિટ અને જીડીપીનો ગુણોત્તર વધવાનો.

આ ગુણોત્તર એક મૅજિક આંકડો છે જે વધતાં જ સરકાર આક્રમક ટીકાનો ભોગ બને છે. એટલે મૂડીખર્ચ વધાર્યા પછી પણ ફિસ્કલ ડેફિસિટનો વધારો મર્યાદિત કરવો નાણાપ્રધાન માટે ‘ફાઇન બેલેન્સિંગ અૅક્ટ’ જેવું મુશ્કેલ બને. ડેવીલ અને ડીપ-સી વચ્ચેની આ પસંદગી નાણાપ્રધાન અને વડા પ્રધાન માટે એક મોટો પડકાર છે.

એ પડકારને તકમાં ફેરવવાની તક ઝડપી લેવા માટે પોલિટિકલ વીલ અને કરેજ (રાજકીય ઇચ્છાશક્તિ અને હિંમત) માત્ર જરૂરી નહીં પણ અનિવાર્ય છે. વર્તમાન સરકારે આઝાદી પછીના દાયકાઓ સુધી અનેક સરકારો દ્વારા મુલતવી રખાયેલ આર્થિક અને રાજકીય સુધારાઓના અમલ કરવાની હિંમત દર્શાવી છે એટલે લોકોની  સરકાર પાસેની અપેક્ષાઓ અનેકગણી વધી છે. શરૂઆતના તબક્કાની અનેક મુશ્કેલીઓ અને અવરોધો છતાં સરકાર કરવેરાના ક્ષેત્રે જીએસટી જેવા ઐતિહાસિક સુધારા (જે માટે બંધારણીય સુધારાની આવશ્યકતા હતી)ના અમલમાં પણ સફળ રહી છે.

સરકારે મૂડીખર્ચ વધાર્યા પછી પણ ફિસ્કલ ડેફિસિટ ન વધે એમ નહીં પણ તેમાં મર્યાદિત વધારો થાય એ માટે રેવન્યુ અકાઉન્ટની ડેફિસિટ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે.

કેન્દ્રીય કર્મચારીઓનાં વેતન, લોન પરના વ્યાજનો ખર્ચ, રોકડ સહાય (સબીસિડી) અને સંરક્ષણ (ડિફેન્સ)નો ખર્ચ રેવન્યુ અકાઉન્ટના મુખ્ય ખર્ચાઓ છે. એ ખર્ચની અસરકારકતા (એફિસિઅન્સી) અને ઉત્પાદકતા ( પ્રોડક્ટિવિટી) વધે તો જ રેવન્યુ ખર્ચ પરનો અંકુશ શક્ય બને.

વર્તમાન સંજોગોમાં આ ખર્ચાઓ ઘટાડવાનું સહેલું નહીં હોય. એ ખર્ચાઓ પર ચાંપતી નજર રાખીને સરકારી કર્મચારીઓની કાર્યક્ષમતા વધારીને, સબસિડી (ટાર્ગેટ ગ્રુપને ન પહોંચતી હોય તેવી), ખાસ કરીને નોન-મેરિટ સબસિડી ઘટાડવાની રાજકીય હિંમત દ્વારા, અમેરિકા અને અન્ય વિકસિત દેશો સાથે ડિપ્લોમસી દ્વારા રાજકીય સંબંધો સુધારીને અને સંરક્ષણ માટેના શસ્ત્ર સરંજામનું સ્થાનિક ઉત્પાદન વધારવાની આત્મનિર્ભરતા દ્વારા આ ખર્ચાઓ ઘટાડી શકાય.

સામાન્ય રીતે આપણે ત્યાં વર્ષોવર્ષ કેપિટલ અકાઉન્ટની સરપ્લસ દ્વારા રેવન્યુ અકાઉન્ટની ડેફિસિટ સરભર કરાય છે. એટલે કે કેપિટલ અકાઉન્ટ પર ઊભી કરાયેલ લોનોમાંથી અમુક ભાગ રેવન્યુ અકાઉન્ટના ખર્ચાઓ માટે કરાય છે.

પરિણામે આ લોનો પરનું વ્યાજ ચૂકવ્યા પછી પણ તે દ્વારા નવા પ્રોજેક્ટો જોઈએ તે ઝડપે અને જોઈએ તે પ્રમાણમાં ઊભા ન થતા હોઈ તે દ્વારા આવકનો ધાર્યો વધારો થતો નથી. આ સ્થિતિ લાંબે ગાળે અર્થતંત્ર માટે હાનિકારક પુરવાર થાય છે.

લોકસભામાં પૂરી બહુમતી હોઈ લોકભોગ્ય ન હોય તો પણ અર્થતંત્રના અને દેશના વિશાળ હિતમાં હોય તેવા પગલાંવાળા ફાઇનૅન્સ બીલ પર મંજૂરીની મહોર મરાવવા માટે સરકાર સક્ષમ છે.

આજના સંદર્ભમાં ચીલાચાલુ નહીં પણ ઇનોવેટિવ અંદાજપત્રની જરૂર છે જે માગ અને મૂડીરોકાણને તરત જ પુશ કરે.

પુનરુક્તિના ભોગે પણ કહેવું પડે કે કોરોનાની મહામારીના સંદર્ભમાં વિશ્વના અનેક દેશોએ દાખલ કરેલ રાહતોના મસમોટા પૅકેજને કારણે રોકડ નાણાંની લિક્વિડિટી)નો અતિરેક  ભારત જેવા ઇમર્જિંગ માર્કેટ માટે મોટો પ્લસ પૉઇન્ટ છે. લિક્વિડિટીના અતિરેક સામે રોકાણ માટેની તકો મર્યાદિત છે. અમેરિકામાં સત્તાની ફેરબદલી સાથે રાહતના નવા પૅકેજની જાહેરાત ઝડપી બનશે. જેને કારણે હાલની લિક્વિડિટીમાં વધારો થશે. વિશ્વમાં વ્યાજના નીચા દર પણ આ મૂડીને ભારતમાં ખેંચી લાવશે.

ભારતને આ લિક્વિડિટીનો મોટો ફાયદો મળ્યો છે જેને કારણે (વૅક્સિનેશનની શરૂઆત, સમયસરના રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનને કારણે ઝડપથી કાબૂમાં આવેલ મહામારી અને કૉર્પોરેટ ક્ષેત્રે કંપનીઓના ઉત્સાહપ્રેરક અર્નિંગ જેવાં કારણો તો ખરા જ) સેન્સેક્સે ૫૦૦૦૦ની ઐતિહાસિક સપાટી સર કરી છે. તે સાથે સેન્સેક્સની ૪૦૦૦૦થી ૫૦૦૦૦ ઉપર પહોંચવાની ૧૦૦૦૦ પૉઇન્ટની જર્ની સૌથી ટૂંકા ગાળાની બની છે. તો પણ અર્થતંત્ર અને સેન્સેક્સ વચ્ચેનું ડિસકનેક્ટ અને સેન્સેક્સનો ઝડપી વધારો સંયમપૂર્વક ન વર્તનાર રોકાણકાર માટે જોખમકારક તો છે જ. જોકે તે વિદેશી મૂડીરોકાણકારોના સરકાર પરના અને ભારતના અર્થતંત્ર પરના વિશ્વાસનું સૂચક છે તે એક અલગ વાત છે.

૧૦૦ દિવસથી વધુ સમય માટે ચાલી રહેલ કિસાન આંદોલનનો કોઈ અંત નજરે પડતો નથી. આંદોલનકર્તાઓને અમાન્ય ત્રણ કાયદાઓ ૧૮ મહિના માટે સસ્પેન્ડ કરવાની (હોલ્ડ પર રાખવાની) અને તે દરમ્યાન એક કમિટી દ્વારા આ મડાગાંઠનો ઉકેલ લાવવાની સરકારે કરેલી દરખાસ્ત પણ આંદોલનના નેતાઓને માન્ય નથી. તેમને માન્ય હોય એવો ઉકેલ ન આવે ત્યાં સુધી અમર્યાદિત મુદત માટે આ કાયદાઓ હોલ્ડ પર રાખવાની તેમની માગ અને જીદ અફર છે.

આવા આંદોલનના માહોલ વચ્ચે રજૂ કરાનાર અંદાજપત્રમાં અર્થતંત્રના લાંબા ગાળાના હિતમાં હોય એવાં પગલાં લેવા માટે સરકાર પક્ષે મજબૂત પોલિટિકલ વીલની જરૂર પડશે. કોઈ એક ક્ષેત્ર કે પક્ષના હિતમાં હોય તેવા નહીં પણ સમગ્ર દેશના ફાયદામાં હોય એવા પગલાં લેવાની હિંમત દાખવવામાં સરકાર પાછીપાની નહીં કરે તેવી આશા રાખી શકાય.

અંદાજપત્રની પૂર્વ સંધ્યાએ પ્રસિદ્ધ થયેલ રિઝર્વ બૅન્કનો ‘સ્ટેટ ઑફ ધ ઇકૉનૉમી’ પરનો એક પૉઝિટિવ રિપોર્ટ સરકારનો હોંસલો વધારશે. આ અહેવાલ પ્રમાણે અગત્યના મેક્રો ઇકૉનૉમિક પેરામિટર્સ (આયાતો, નિકાસો, મૂડીરોકાણ માટેનું ખર્ચ, બૅન્ક ધિરાણ માટેની માગ, વીજળી માટેની માગ, બિઝનેસ કૉન્ફિડન્સ)ના સારા દેખાવની શરૂઆત ડિસેમ્બર ૨૦૨૦ અને જાન્યુઆરી ૨૦૨૧માં થઈ છે. જેને પરિણામે ડિસેમ્બર ક્વૉર્ટરનો આર્થિક વિકાસનો દર, બે ક્વૉર્ટરના નેગેટિવ દર પછી પૉઝિટિવ (૦.૧ ટકો) થવાની રિઝર્વ બૅન્કને આશા છે. 

વિશ્વના અનેક દેશોમાં મહામારીનું બીજું મોજું પ્રસરી રહ્યું છે ત્યારે આપણે ત્યાં નવા કેસ ઘટતા જાય છે. વૅક્સિનેશનની શરૂઆત સાથે લોકોનો આત્મવિશ્વાસ વધશે તો અર્થતંત્રના સેવાના ક્ષેત્રે વિકાસ ઝડપી બનશે. મહામારીના કન્ટ્રોલમાં અને આર્થિક વિકાસનો દર વધારવામાં સરકારને કુદરતનો સાથ મળી રહ્યો હોય તેમ નથી લાગતું?

(લેખક ઇન્ડિયન મર્ચન્ટ‍્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK