Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > 90 દેશો લૉકડાઉનમાં : ડૉલરમાં તેજી, રૂપિયામાં નરમાઈ

90 દેશો લૉકડાઉનમાં : ડૉલરમાં તેજી, રૂપિયામાં નરમાઈ

06 April, 2020 01:30 PM IST | Mumbai
Biren Vakil | vakilbiren@gmail.com

90 દેશો લૉકડાઉનમાં : ડૉલરમાં તેજી, રૂપિયામાં નરમાઈ

કરન્સી

કરન્સી


અમેરિકાની આર્થિક રાજધાની ન્યુ યૉર્કમાં કોરોનાના કેસ ૧ લાખને વટાવી ગયા છે અને અમેરિકામાં કુલ કેસ ૨.૭૫ લાખ થઈ ગયા છે. શુક્રવારે નૉન-ફારમ પે-રોલ જૉબ ડેટામાં નોકરીનો ઘટાડો ૧.૫ લાખ થવાની ધારણા હતી, પણ ૭ લાખ રોજગારી ઘટી છે. બે સપ્તાહમાં એક કરોડ લોકો બેકાર થયાની સંભાવના છે. અત્યારનું લૉકડાઉન જોતાં આવતા મહિને જે જૉબ ડેટા હશે એ એપ્રિલ માટેનો હશે અને એમાં રોજગારી ઘટાડો ૧૫-૧૬ લાખ અને બેકારીદર ૨૦૦૯માં ૯.૯ ટકા હતો એને વટાવી ૧૨-૧૫ ટકા થવાની શક્યતા છે. ગયા મહિના સુધી બેકારીદર ૩.૫ ટકા જેટલો એટલે ૫૦ વર્ષનો નીચો હતો. માત્ર એક મહિનામાં આર્થિક કટોકટીએ ઘણુંબધું બદલી નાખ્યું છે. અત્યારે વિશ્વમાં ૨૦૫ દેશોમાં કોરોનાનો કેર છે અને ૯૦ દેશોમાં લૉકડાઉન છે. યુરોપમાં ઇટલી અને સ્પેનમાં કોરોનાના હાહાકારથી હેલ્થ ક્રાઇસિસની સાથે આર્થિક કટોકટી પણ ચિંતાનો વિષય છે. ખાસ કરીને રોજગારી મામલે મોટું સંકટ છે. જો કોરોના જલદી કાબૂમાં ન આવે તો સંખ્યાબંધ દેશો માટે કોરોના સંકટ કરતાં ભૂખમરાનું સંકટ વધી જાય એવી ભીતિ છે. ડેટા એનલિસ્ટ લોકો રિગ્રેસન અને ડેટાને આધારે મોડેલ્સ બનાવી રહ્યા છે તેમાંના ઘણા મોડેલ એમ કહે છે કે અમેરિકામાં ૧૫-૨૦ એપ્રિલ પછી કેસ ઘટી શકે. ઇટલીમાં કેસ વધવાની તીવ્રતા ઘટી છે.

ભારતની વાત કરીએ તો વસ્તીના પ્રમાણમાં તેમ જ અમેરિકા યુરોપની તુલનાએ કોરોના કેસ ઘણા ઓછા છે. જોકે હવેના અમુક સપ્તાહો નિર્ણાયક છે. લૉકડાઉનને કારણે આર્થિક ઘટમાળ થંભી ગઈ છે. હેલ્થ ક્રાઇસિસ અને આર્થિક સંકટ બેઉ મામલે ચિંતા છે, પણ અત્યારે હેલ્થ મિશન પ્રાયોરિટી છે. દેશે ઘણા આર્થિક સંકટ જોયા છે એટલે આ સંકટને પણ પહોંચી વળશે એવી આશા રાખવી જરૂરી છે.



કરન્સી બજારોમાં રૂપિયો ૭૬.૪૦ની નવી નીચી સપાટીએ ગયો હતો. ઘણીખરી ઇમર્જિંગ કરન્સી, ખાસ કરીને ઇન્ડો રૂપિયો, કોલંબિયા પેસો, બ્રાઝિલ રિયાલ અને મેક્સિકન પેસોમાં મોટો ઘટાડો થયો છે. જોકે ફિલિ પેસો, રૂપિયો, કોરિયા વોનને ક્રૂડ ઑઇલના મોટા ઘટાડાથી આયાત બિલ ઘટવાની રાહત થઈ શકે છે. ચીની યુઆન પણ કોરોના સંકટ પછી ટકેલો રહ્યો છે એની પણ થોડી સારી અસર થશે. જોકે અમેરિકામાં ડિપ રીસેશનની સંભાવના જોતા આગામી ચાર-છ મહિના આર્થિક મોરચે ઘણા પડકારજનક છે. અમેરિકી સરકારે ૨૦૦૦ અબજ ડૉલરનું આર્થિક પૅકેજ આપ્યું છે, પણ ક્રાઇસિસનો વ્યાપ જોતાં આ આંકડો ૫૦૦૦-૮૦૦૦ અબજ ડૉલર સુધી પહોંચી શકે એમ છે. ભારતમાં પણ સ્ટિમ્યુલસનું કદ વધશે.


વિશ્વ બજારની વાત કરીએ તો ડૉલરને ફ્લાઇટ ટુ ક્વૉલિટી- સેફ હેવનનો લાભ મળી રહ્યો છે. અમેરિકામાં વ્યાજદરોમાં તીવ્ર ઘટાડો અને બજેટ ખાધ ૧૪૦૦ અબજ ડૉલરની નવી ઊંચી સપાટીએ પહોંચવાની ભીતિ વચ્ચે પણ ડૉલર ઇન્ડેકસ ફરી ૧૦૦.૫૦ થઈ ગયો છે. ૧૦૪થી ઘટીને ૯૬ થઈ ફરી ૧૦૦ થઈ ગયો છે એ જોતાં આગામી કેટલાક દિવસો કરન્સી બજારોમાં મોટી વધઘટ રહેશે. બૉન્ડ બજારોમાં પણ મોટી વધઘટ છે. ઘણાખરા દેશોમાં રેટિંગ ડાઉનગ્રેડ આવશે. યુરો ફરી નબળો પડ્યો છે. ઇટલીએ જર્મની અને સબળા દેશો પાસે મદદ માગી છે અને મદદ ન મળે તો યુરોમાંથી નીકળી જવાની ધમકી આપી છે. એક્ઝિટનું બ્લૅકમેઇલિંગ વધશે તો જર્મની પોતે જ કદાચ કંટાળીને યુરોમાંથી નીકળી જાય. ૨૦૧૨માં યુરો ટકી ગયો હતો, પણ આ વખતે કટોકટી મોટી છે. યુરો ૧.૦૮ ચાલે છે અને બે-ત્રણ માસમાં ૧.૦૪ સુધી જવાની શકયતા છે. પાઉન્ડ પણ ૧.૩૬ની વચગાળાના ટોપથી ઘટીને ૧.૧૪૮૦ થઈ ૧.૨૨ છે તે ફરી ૧.૧૭ જઈ શકે છે. કોરોના ક્રાઇસિસ રીસેશન બનશે કે ડિપ્રેશન - એનો જવાબ વાઇરસ પર કાબૂ, સરકારોની અને કૉર્પોરેટ્સની સજ્જતા જેવી બાબતો પર આધાર રાખે છે.


Whatsapp-channel Whatsapp-channel

06 April, 2020 01:30 PM IST | Mumbai | Biren Vakil

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK