Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > કોરોના વાઇરસની રસી મળી હોવાના અહેવાલ અને શૅરબજારની તેજી

કોરોના વાઇરસની રસી મળી હોવાના અહેવાલ અને શૅરબજારની તેજી

06 February, 2020 10:01 AM IST | Mumbai Desk

કોરોના વાઇરસની રસી મળી હોવાના અહેવાલ અને શૅરબજારની તેજી

કોરોના વાઇરસની રસી મળી હોવાના અહેવાલ અને શૅરબજારની તેજી


કોરોના વાઇરસની રસી મળી ગઈ છે અને એનો વ્યાપ હવે અંકુશમાં હોવાની ચર્ચા વચ્ચે વૈશ્વિક શૅરબજારમાં સતત ખરીદીના કારણે અને માગમાં અભાવ વચ્ચે સોનાના ભાવ મહત્ત્વના ટેકા પર ટકી રહ્યા છે. અમેરિકામાં ખાનગી ક્ષેત્રની રોજગારીના જાન્યુઆરીના આંકડા પણ સોનાની તેજી માટે નિરાશાજનક છે. બજારની ૧.૫૭ લાખની ધારણા સામે ૨.૯૧ નવી રોજગારીનું સર્જન થયું હોવાના અહેવાલ મળ્યા છે. આથી ભાવમાં ઊંચા મથાળેથી ઘટાડો જોવા મળી રહ્યો છે.

સોનાના ભાવમાં મંગળવારે થોડી તેજી દેખાઈ હતી, પણ અમેરિકન શૅરબજારમાં જોવા મળેલી તેજીના કારણે સોનાના ભાવ ઘટવાના શરૂ થયા હતા. એક તબક્કે હૉન્ગકૉન્ગમાં એક કોરોના વાઇરસના દરદીનું મૃત્યુ થયાના અહેવાલથી, વાઇરસનો ફેલાવો વધી રહ્યો છે એવી ગણતરીએ એમાં વૃદ્ધિ આવ્યા બાદ બુધવારે એવી ચર્ચા શરૂ થઈ હતી કે ચીનમાં વાઇરસના ઉપચારની રસી મળી ગઈ છે અને હવે એનાથી ફેલાવામાં રાહત મળશે. આ ધારણાથી સોનું ઉપરની સપાટીથી નીચે ગબડી પડ્યું હતું. વૈશ્વિક બજારમાં સોનાના ભાવ બુધવારે મિશ્ર જોવા મળતા હતા, પણ દિવસની ઊંચી સપાટીથી ઘટી ગયા હતા. કોમેક્સ ખાતે એપ્રિલ વાયદો ૦.૦૪ ટકા વધી ૧૫૫૬.૦૫ અને ચાંદી માર્ચ વાયદો ૦.૧૨ ટકા વધી ૧૭.૫૮૨ની સપાટીએ હતા. હાજરમાં સોનું દિવસની ઊંચી સપાટી ૧૫૬૧થી ગબડી ૧૫૫૨.૫૭ કે ૩૫ સેન્ટ ઘટ્યું છે, જ્યારે ચાંદી ૧૭.૭૨૫૪ની ઊંચી સપાટી સામે ઘટી ગઈ છે અને અત્યારે ૧૭.૫૮૮ ડૉલર પ્રતિ ઔંસ છે.



વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ત્રણ દિવસથી માગના અભાવે અને શૅરબજારની તેજીના કારણે ઘટાડો જોવા મળી રહ્યો છે. ૩૧ જાન્યુઆરીએ ૧૫૮૯.૩૧ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ ભાવ મંગળવારે ૧૫૬૦.૪ ડૉલરની સપાટીએ હાજરમાં બંધ રહ્યા હતા. ચાંદીના ભાવ પણ ૧૮.૦૪ની સપાટીથી ગબડી મંગળવારે ૧૭.૬૮ની સપાટીએ બંધ રહ્યા હતા. ચીનમાં આર્થિક વિકાસ પાંચ ટકા નીચે આવી પડશે અને વધુ નુકસાન અટકાવવા માટે ચીન સરકારે ૨૪૩ અબજ ડૉલરનો નાણાપુરવઠો બજારમાં ઠાલવ્યો છે. આ બાજુ કંપનીઓનાં સારાં પરિણામ અને ક્રૂડ ઑઇલના નીચા ભાવના કારણે અમેરિકન શૅર દરેક નિરાશા ખંખેરી સતત વધી રહ્યા છે. રોકાણકાર જ્યારે જોખમી ઍસેટ ક્લાસમાં રોકાણ કરતા હોય ત્યારે સોના જેવી, વ્યાજ સાથે નહીં જોડાયેલી અસ્કયામતમાં ઘટાડો જોવા મળે છે.


ભારતમાં હાજરમાં સોનું મુંબઈ ખાતે ૩૫૫ ઘટી ૪૧,૪૫૫ રૂપિયા અને અમદાવાદ ખાતે ૩૩૫ ઘટી ૪૧,૩૮૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યું છે. સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૦,૨૦૧ ખૂલી, ઉપરમાં ૪,૦૨૮૦ અને નીચામાં ૪૦,૦૦૦ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૪૧ ઘટીને ૪૦,૧૬૧ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૧૪૩ વધીને ૮ ગ્રામદીઠ ૩૨,૦૩૨ રૂપિયા અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૧૧ વધીને ૧ ગ્રામદીઠ ૩૯૮૨ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૯૯ વધીને બંધમાં ૪૦,૨૫૫ રૂપિયાના ભાવ રહ્યા હતા.
મુંબઈ હાજર ચાંદી ૪૧૦ ઘટી ૪૬,૯૧૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૩૪૦ ઘટી ૪૬,૯૫૦ રૂપિયા પ્રતિ કિલો રહી છે. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૪૫,૬૯૦ ખૂલી, ઉપરમાં ૪૬,૦૧૬ અને નીચામાં ૪૫,૩૫૬ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૧૦ ઘટીને ૪૫,૫૨૪ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી ૨૭ ઘટીને ૪૫,૫૩૨ રૂપિયા અને ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી ૯ ઘટીને ૪૫,૫૪૬ રૂપિયા બંધ રહ્યા હતા.

ડૉલર સામે રૂપિયો સ્થિર
ડૉલર સામે દિવસની વૃદ્ધિ ગુમાવી રૂપિયો આજે મંગળવારના સ્તરની નજીક સ્થિર સપાટીએ બંધ આવ્યો હતો. એશિયાનાં અન્ય ચલણની સાથે રૂપિયો આજે વધીને ૭૧.૨૫ની સપાટીએ ખુલ્યો હતો જે વધીને ૭૧.૧૬ થઈ ગયો હતો. શૅરબજારની તેજી અને કોરોના વાઇરસનો ઉપચાર મળી ગયો હોવાની ચર્ચા વચ્ચે એ વધી રહ્યો હતો. સામે ક્રૂડ ઑઇલના ભાવ વધવાનું શરૂ થતાં અને આજે ગુરુવારે રિઝર્વ બૅન્કની ધિરાણ નીતિ હોવાના કારણે ટ્રેડર્સે પોતાની ખરીદી હળવી કરતાં એ ફરી ઘટી ગયો હતો. દિવસના અંતે રૂપિયો ડૉલર સામે એક પૈસો વધી ૭૧.૨૪ની સપાટીએ બંધ આવ્યો હતો.


ભાવ-તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૪૦,૨૧૦
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૪૦,૦૪૯
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૪૫,૫૧૦
(સોર્સ:ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

Whatsapp-channel Whatsapp-channel

06 February, 2020 10:01 AM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK