Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > આર્થિક વિકાસની ચિંતાએ બૅન્કિંગ-મેટલ્સ શૅરની આગેવાનીમાં શૅરબજારમાં ઘટાડો

આર્થિક વિકાસની ચિંતાએ બૅન્કિંગ-મેટલ્સ શૅરની આગેવાનીમાં શૅરબજારમાં ઘટાડો

14 November, 2019 10:06 AM IST | Mumbai

આર્થિક વિકાસની ચિંતાએ બૅન્કિંગ-મેટલ્સ શૅરની આગેવાનીમાં શૅરબજારમાં ઘટાડો

શૅરબજાર

શૅરબજાર


અંતે નબળા આર્થિક વિકાસના જૂના આંકડાઓ અને એનાથી પણ નબળી આગાહીઓની અસર ભારતીય શૅરબજાર ઉપર ગઈ કાલે જોવા મળી હતી. આ ઉપરાંત, અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર સમજૂતીની અનિશ્ચિતતાની પણ બજાર ઉપર અસર જોવા મળી હતી. ભારતમાં ફુગાવો રિઝર્વ બૅન્કના ચાર ટકાના લક્ષ્યાંકને પાર કરી જશે એવી શક્યતાએ બૅન્કિંગ શૅરોમાં ભારે વેચવાલીની અસરથી સેન્સેક્સ અને નિફ્ટી આજે બે સપ્તાહની નીચી સપાટીએ બંધ આવ્યા હતા. સોમવારે જાહેર થયેલા છ વર્ષમાં સૌથી નબળા ઔદ્યોગિક ઉત્પાદનના કારણે બજારનું માનસ ખરડાયેલું હતું ત્યારે જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે દેશનો વિકાસ ઘટીને પાંચ ટકાની નીચે રહેશે એવી આગાહીઓની પણ બજાર પર અસર પડી હતી.

દિવસના અંતે સેન્સેક્સ ૨૨૯.૦૨ પૉઇન્ટ કે ૦.૫૭ ટકા ઘટી ૪૦,૧૧૬.૦૬ અને નિફ્ટી ૭૩ પૉઇન્ટ કે ૦.૬૧ ટકા ઘટી ૧૧,૮૪૦.૪૫ની સપાટીએ બંધ આવ્યો હતો. નિફ્ટી ઘટવા માટે આઇસીઆઇસીઆઇ બૅન્ક, એચડીએફસી બૅન્કનો ઘટાડો એટલો વ્યાપક હતો કે દેશની મૂલ્યની દૃષ્ટિએ સૌથી મોટી બે કંપની રિલાયન્સ અને ટીસીએસના શૅર વધ્યા હોવાની પણ બજાર પર અસર જોવા મળી હતી નહીં.



દેશની અગ્રણી મોબાઇલ કંપની વોડાફોન આઇડિયામાંથી બ્રિટિશ કંપની વોડાફોન નીકળી જશે અથવા તો નવું મૂડીરોકાણ નહીં લાવે એવા નિવેદન પછી જિયોના માલિક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅર આજે ૩.૧૦ ટકા વધી ૧૪૭૨ રૂપિયાની સપાટીએ બંધ આવ્યા હતા. ટીસીએસના શૅરમાં પણ આજે ખરીદી જોવા મળી હતી અને શૅર ૩.૭૬ ટકા વધી ૨૧૭૮.૫૫ રૂપિયાની સપાટીએ બંધ આવ્યા હતા.


આજે નૅશનલ સ્ટૉક એક્સચેન્જનાં ૧૧ સેક્ટરમાં બધા ઘટીને બંધ આવ્યા હતા. સૌથી વધુ ઘટાડો બૅન્કિંગ, મીડિયા અને પીએસયુ બૅન્કમાં જોવા મળ્યો હતો. એક્સચેન્જ ‍પર ૩૩ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૬૫ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૩૪ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૧૦૮ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.

બીએસઈ ઉપર ૭૨ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૧૪૦ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૨૦૬ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૨૫૨માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૧.૧૩  ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૦.૭૭ ટકા ઘટ્યા હતા.


દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડના માલિક એવા એચડીએફસી એએમસીના શૅર વધુ એક નવી ઊંચાઈએ બંધ આવ્યા હતા. શૅર છેલ્લા ચાર દિવસથી સતત નવી વિક્રમી સપાટી પાર કરી રહ્યા છે. આજે શૅરનો ભાવ ૭.૭૧ ટકા વધી ૩૬૦૪.૨૦ રૂપિયાની સપાટીએ બંધ આવ્યો હતો.

બૅન્કિંગમાં વેચવાલી

નિફ્ટી બૅન્ક આજે ૧.૮૪ ટકા, નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ૧.૭૭ ટકા અને નિફ્ટી પીએસયુ બૅન્ક ૩.૧૪ ટકાના ઘટાડા સાથે બંધ આવ્યા હતા. છેલ્લા ચાર સત્રમાં સતત ત્રણ ટકા વધી નિફ્ટી બૅન્ક આજે ઘટીને બંધ આવ્યો હતો.

ખાનગી બૅન્કોમાં આજે યસ બૅન્ક ૬.૫૧ ટકા, ઍક્સિસ બૅન્ક ૩.૧૮ ટકા, સિટી યુનિયન બૅન્ક ૩.૧૭ ટકા, આરબીએલ ૩.૧ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૨.૨૪ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૨.૧૪ ટકા, કોટક મહિન્દ્ર ૦.૭૧ ટકા અને એચડીએફસી બૅન્ક ૦.૪૭ ટકા ઘટીને બંધ આવ્યા હતા.

સરકારી બૅન્કોમાં યુનિયન બૅન્ક ૪.૬૨ ટકા, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૩.૬૯ ટકા, આઇડીબીઆઇ બૅન્ક ૩.૬ ટકા, બૅન્ક ઑફ બરોડા ૩.૨૬ ટકા, કૅનેરા બૅન્ક ૩.૦૫ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૨.૩૧ ટકા અને પંજાબ નૅશનલ બૅન્ક ૨.૨૭ ટકા ઘટ્યા હતા.

મેટલ્સમાં પણ ઘટાડો

અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર સંધી અટકી પડે એવી ચિંતા ઉપર ભારતમાં પણ આર્થિક વિકાસ ઘટી રહ્યો છે એવા સંકેતો મળતાં આજે મેટલ્સ શૅરોમાં ફરી વેચવાલી જોવા મળી હતી. ગયા સપ્તાહે ૨૬૫૯ની ઊંચાઈએથી નિફ્ટી મેટલ્સ ઇન્ડેક્સ ૩.૮૫ ટકા ઘટી ગયો છે જેમાં આજે ૨.૦૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

મેટલ્સ શૅરમાં જિન્દલ સ્ટીલ ૫.૮ ટકા, નાલ્કો ૫.૫૪ ટકા, સ્ટીલ ઑથોરિટી ૪.૪૨ ટકા, હિન્દુસ્તાન કોપર ૩.૨૧ ટકા, વેદાન્ત ૨.૮૨ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૧.૩૧ ટકા, તાતા સ્ટીલ ૧.૧૫ ટકા અને હિન્દ્સ્તાન ઝિંક ૦.૭૮ ટકા ઘટ્યા હતા. જુલાઈ-સપ્ટેમ્બરમાં નફો ૩૨.૭ ટકા અને આવક ૮.૭૬ ટકા ઘટી હોવાથી હિદાલ્કોના શૅર પણ ૩.૫૯ ટકા ગબડી પડ્યા હતા.

પરિણામની અસરે બજારમાં વધઘટ

કૉલ ઇન્ડિયાના શૅર આજે ૧.૨૬ ટકા ઘટ્યા હતા. કંપનીનો નફો ૧૪.૨૧ ટકા વધ્યો હતો, પણ વેચાણ ૬.૨૭ ટકા ઘટ્યું હતું. કંપનીનું પરિણામ બજારની અપેક્ષા કરતાં નબળું હતું.

અદાણી પોર્ટના શૅર આજે નબળાં પરિણામના કારણે ૪.૩૬ ટકા ઘટી બંધ આવ્યા હતા. જુલાઈ- સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં નફો ૦.૯ ટકા અને આવક ૭.૫ ટકા ઘટી હોવાથી અદાણી એન્ટરપ્રાઇઝના શૅર પણ ૬.૦૨ ટકા ઘટ્યા હતા.

બ્રિટાનિયાના શૅર ૪.૯૪ ટકા વધ્યા હતા. કંપનીનો નફો ૩૨.૯ ટકા અને આવક ૬.૨૫ ટકા વધી હતી. આર્થિક મંદી વચ્ચે ગ્રાહકોની ખરીદી ધીમી પડી છે ત્યારે કંપનીનાં પરિણામ ધારણા કરતાં સારાં આવતાં ભાવ વધ્યા હતા.

આ ક્વૉર્ટરમાં નફો ૯૮.૬ ટકા અને આવક ૧૨.૫ ટકા વધી હોવાથી ગૅસ વિતરણની કંપની મહાનગર ગૅસના શૅર ૩.૫૭ ટકા વધ્યા હતા.

તાજ ગ્રુપની માલિક ઇન્ડિયન હોટેલ્સના શૅર આજે ૬.૦૮ ટકા વધ્યા હતા, કારણ કે કંપનીએ ગયા વર્ષની ખોટ સામે આ વર્ષે ૭૧.૩ કરોડ રૂપિયાનો નફો જાહેર કર્યો હતો અને આવક પણ ૪.૪ ટકા વધી હતી.

ભારતીય બજારમાં ઇન્ડેક્સ ફંડ્સનું રિટર્ન સ્ટૉક ફંડ્સ કરતાં વધારે

સતત બીજા વર્ષે ભારતીય શૅરબજારમાં ઇન્ડેક્સ આધારિત ફંડમાં રોકાણકારોનું વળતર સીધી રીતે બજારમાં કંપનીઓની પસંદગી કરતા અન્ય ફંડ્સ કરતાં વધારે રહ્યું હતું. રોઇટર્સની રીફીનીટીવથી એકત્ર કરવામાં આવેલા આંકડા અનુસાર ૨૦૧૯માં ઇન્ડેક્સ ફંડ્સનું વળતર ૯.૬ ટકા રહ્યું છે જ્યારે અન્ય ફંડ્સમાં વળતર ૫.૭ ટકા છે. ગયા વર્ષે ઇન્ડેક્સ ફંડ્સનું વળતર ૨.૩ ટકા અને અન્ય ફંડ્સમાં રોકાણકારોએ પૈસા ગુમાવવા પડ્યા હતા.

ભારતમાં સેન્સેક્સ ગયા સપ્તાહે નવી વિક્રમી સપાટી ઉપર હતો અને નિફ્ટી પણ વિક્રમી સપાટીની નજીક પહોંચી રહ્યો છે, પણ આ વર્ષે ભારતમાં તેજી માત્ર કેટલીક કંપનીઓને આધારિત છે. નિફ્ટી ઇન્ડેક્સ ૨૦૧૯માં ૯.૬૭ ટકા વધ્યો છે જ્યારે નિફ્ટી મિડ કૅપ ઇન્ડેક્સમાં ૬.૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

ડિવિડન્ડ પરનો ટૅક્સનો ભાર ફરી શૅરહોલ્ડર પર?

સત્તાવાર નહીં જાહેર થયેલી પણ સૂત્રોએ આપેલી માહિતી અનુસાર કંપનીઓ વધુ મૂડીરોકાણ કરવા આગળ આવે એટલા માટે ભારત સરકાર ડિવિડન્ડ ઉપર લાદવામાં આવેલા ટૅક્સમાં ફેરફાર કરવા જઈ રહી છે. ભારતીય કંપનીઓ પોતાના શૅરહોલ્ડરને જે ડિવિડન્ડનું વિતરણ કરે છે એના ઉપર ૧૫ ટકા ટૅક્સ ભરે છે. શૅરહોલ્ડરને એના પર ટૅક્સ ભરવાનો થતો નથી. હવે સરકાર કંપનીઓના બદલે આ ટૅક્સ શૅરહોલ્ડર પાસેથી વસૂલ કરે એવી દરખાસ્ત બની છે. વર્ષે સરકારને આ ટૅક્સથી ૬૦,૦૦૦ કરોડ રૂપિયા જેટલી આવક થાય છે. આ જાહેરાત ૧ ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં થાય એવી શક્યતા છે.

Whatsapp-channel Whatsapp-channel

14 November, 2019 10:06 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK