Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ખાદ્ય તેલોમાં ચારથી છ મહિનામાં તેજીનો કરન્ટ દેખાશે : થૉમસ મિલ્કે

ખાદ્ય તેલોમાં ચારથી છ મહિનામાં તેજીનો કરન્ટ દેખાશે : થૉમસ મિલ્કે

07 March, 2019 11:30 AM IST |
મયૂર મહેતા, ક્વાલા લમ્પુર

ખાદ્ય તેલોમાં ચારથી છ મહિનામાં તેજીનો કરન્ટ દેખાશે : થૉમસ મિલ્કે

ફૂડ ઑયલ

ફૂડ ઑયલ


કૉમોડિટી કરન્ટ

ખાદ્ય તેલોમાં આવતા છ મહિનામાં તેજીનો કરંટ દેખાશે તેવી આગાહી ઑઇલ વર્લ્ડના એડિટર અને જાણીતા વિfલેષક થૉમસ મિલ્કેએ ઇન્ટરનૅશનલ પામતેલ કૉન્ફરન્સમાં કુઆલા લમ્પુરમાં કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ટ્રેડવોરના કારણે ચીનની ખાદ્ય તેલોની ઇમ્પોર્ટ વધતાં તેમ જ બાયોડીઝલમાં પામતેલનો વપરાશ વધતાં આવતા છ મહિનામાં મલેશિયન પામતેલ બેન્ચમાર્ક થ્રી મન્થ વાયદો વધીને ૨૩૫૦થી ૨૪૫૦ રિંગિટ થશે, જે બુધવારે ૨૧૫૧ રિંગિટ રહ્યો હતો. ચીનમાં સોયાબીન ક્રશિંગ ૭૦ લાખ ટન ઘટતાં સોયાખોળની ડિમાન્ડ વધશે, જે સોયાતેલના ભાવમાં પણ તેજી લાવવામાં મદદ કરશે. સોયાતેલ બેન્ચમાર્ક આર્જેન્ટિનાના એફઓબી (ફ્રી ઑન બોર્ડ) ભાવ છ મહિનામાં વધીને પ્રતિ ટન ૭૧૦થી ૭૪૦ ડૉલર થશે.



થૉમસ મિલ્કેએ જણાવ્યું હતું કે ખાદ્ય તેલોમાં તેજી લાવવા માટે સૌથી મોટું પરિબળ ટ્રેડવોર રહેશે. ટ્રેડવોરને કારણે ચીનની સોયાબીન ઇમ્પોર્ટ સતત ઘટી રહી છે, જેને કારણે ચાલુ સીઝનમાં ચીનનું સોયાબીન ક્રશિગ ૭૦ લાખ ટન ઘટશે, જેને કારણે ચીનની પામતેલ, સોયાતેલ અને રાયડાતેલની ઇમ્પોર્ટ વધશે. ચીન ચાલુ સીઝનમાં ૯.૫૦ લાખ ટન સોયાતેલની ઇમ્પોર્ટ કરશે તેવો અંદાજ છે જે ગઈ સીઝનમાં ૪.૮૧ લાખ ટન જ રહી હતી. ચીન પામતેલની ઇમ્પોર્ટ ચાલુ સીઝનમાં ૫૮.૪૦ લાખ ટન કરશે, જે ગઈ સીઝનમાં ૫૪.૨૨ લાખ ટન રહી હતી, જ્યારે રાયડાતેલની ઇમ્પોર્ટ ૧૨.૮૦ લાખ ટન કરશે, જે ગઈ સીઝનમાં ૧૦.૬૭ લાખ ટન રહી હતી. ચીનની ખાદ્ય તેલોની કુલ ઇમ્પોર્ટ ચાલુ સીઝનમાં ૯૯.૬૦ લાખ ટન રહેશે, જે ગઈ સીઝનમાં ૮૭.૦૮ લાખ ટન રહી હતી. ચીનમાં સોયાબીનનું ક્રશિંગ ઘટતાં સોયાખોળ, સનફલાવર ખોળ અને રાયડાખોળની ઇમ્પોર્ટ વધશે. ચીનની સોયાખોળની ઇમ્પોર્ટ ૫૦થી ૬૦ લાખ ટન, રાયડાખોળની અઢી લાખ ટન અને સનફલાવર ખોળની ઇમ્પોર્ટ છ લાખ ટન વધવાનો અંદાજ છે. ચીનની તેલીબિયાં ખોળની ઇમ્પોર્ટ વધતાં સોયાતેલના ભાવમાં તેની અસર જોવા મળશે અને સોયાતેલના ભાવ પણ આવતાં છ મહિનામાં વધશે.


ખાદ્ય તેલોમાં તેજી થવાનું બીજું કારણ ખાદ્ય તેલોમાંથી બનતાં બાયોડીઝલના ઉત્પાદનમાં થયેલો વધારો છે તેનું વિવરણ કરતાં થોમસ મિલ્કેએ જણાવ્યું હતું કે ખાદ્ય તેલોનો સરપ્લસ સ્ટૉક ધરાવનારા દેશો ખાસ કરીને ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, યુરોપિયન દેશો અને અમેરિકામાં બાયોડીઝલનું ઉત્પાદન વધશે, જેને કારણે ખાદ્ય તેલોનો વપરાશ ખાદ્ય વપરાશને બદલે ઇંધણમાં વધશે અને ખાદ્ય વપરાશમાં ખાદ્ય તેલોની સપ્લાય ઘટશે. યુરોપિયન દેશોમાં પામતેલ-રાયડાતેલ અને સોયાતેલમાંથી બનતાં બાયોડીઝલનું ઉત્પાદન 20૧૯માં ૧૩૫ લાખ ટન થવાનો અંદાજ છે, જે 20૧૮માં ૧૩૩ લાખ ટન થયું હતું. ઇન્ડોનેશિયામાં પામતેલમાંથી બનતા બાયોડીઝલનું ઉત્પાદન 20૧૯માં ૭૫ લાખ ટન થવાનો અંદાજ છે, જે 20૧૮માં બાવન લાખ ટન થયું હતું. આ જ રીતે અમેરિકામાં ત્રણ લાખ ટન, બ્રાઝિલમાં પાંચ લાખ ટન અને મલેશિયામાં ત્રણ લાખ ટન બાયોડીઝલનું ઉત્પાદન 20૧૯માં વધવાનો અંદાજ છે.

વર્લ્ડનાં ખાદ્ય તેલોના વપરાશમાં પામતેલનો હિસ્સો ૩૨ ટકા છે, જે ૧૯૯૨-૯૩માં માત્ર ૧૬ ટકા હતો. પામતેલના ઉત્પાદનનો ગ્રોથ ચાલુ સીઝનમાં ધીમો પડતાં પામતેલની સપ્લાય ઘટશે, જે પણ ખાદ્ય તેલોમાં તેજીનું કારણ બનશે એ વિશે થોમસ મિલ્કેએ જણાવ્યું હતું કે છેલ્લામ ત્રણ વર્ષથી પામતેલનું ઉત્પાદન જંગી માત્રામાં વધી રહ્યું હોવાથી સોયાતેલને બદલે પામતેલનો વપરાશ ઝડપથી વધી રહ્યો છે. 20૧૭માં વૈશ્વિક પામતેલનું ઉત્પાદન ૮૮ લાખ ટન અને 20૧૮માં પામતેલનું ઉત્પાદન ૪૨ લાખ ટન વધ્યું હતું, જે હવે 20૧૯માં ૨૮ લાખ ટન જ પામતેલનું ઉત્પાદન વધવાની ધારણા છે. ખાસ કરીને ઇન્ડોનેશિયામાં 20૧૮માં પામતેલનું ઉત્પાદન ૪૦ લાખ ટન વધ્યું હતું, જે 20૧૯માં ૧૫ લાખ ટન જ વધવાનો અંદાજ છે.


વૈશ્વિક ખાદ્ય તેલોની સપ્લાય અને ડિમાન્ડ વિશે થૉમસ મિલ્કેએ જણાવ્યું હતું કે ચાલુ સીઝનમાં ખાદ્ય તેલોનું ઉત્પાદન ૫૦ લાખ ટન વધવાનો અંદાજ છે, જે ગઈ સીઝનમાં ૧૧૦ લાખ ટન વધ્યું હતું, જ્યારે તેની સામે વપરાશ ચાલુ સીઝનમાં ૮૮ લાખ ટન વધવાનો અંદાજ છે જે ગઈ સીઝનમાં ૮૫ લાખ ટન વધ્યું હતું. ચાલુ સીઝનમાં ઉત્પાદનના વધારા કરતાં વપરાશનો વધારો ૩૮ લાખ ટન વધુ રહેશે, જે પણ ખાદ્ય તેલોમાં તેજીનું કારણ બનશે. ચાલુ સીઝનમાં વર્લ્ડમાં પામતેલ પરની ડિપેન્ડન્સી વધશે, જેને કારણે પામતેલની એક્સર્પોટ 20૧૯માં ૨૮ લાખ ટન વધશે જે 20૧૮માં ૬ લાખ ટન જ વધી હતી.

આ પણ વાંચો : બાયોડીઝલનો વપરાશ વધારવાની વિશ્વના ક્રૂડતેલ ઇમ્પોર્ટરોમાં હોડ

પામતેલનો ઉત્પાદન-ગ્રોથ ધીમો પડતાં લૉન્ગ ટર્મ ખાદ્ય તેલોમાં મોટી તેજી થશે

વર્લ્ડમાં છેલ્લાં ૨૬ વર્ષમાં પામતેલનું ઉત્પાદન ૧૮૦ ટકા વધ્યું છે. દર વર્ષે પામતેલનું ઉત્પાદન ૫૭ લાખ ટન વધી રહ્યું છે, પણ હવે પામતેલના ઉત્પાદનનો ગ્રોથ ધીમો પડી રહ્યો હોવાથી આવતાં વર્ષોમાં ખાદ્ય તેલોના વધી રહેલા વપરાશ સામે ઉત્પાદનમાં થઈ રહેલો ઘટાડો મોટી તેજીમાં પરિણમશે એવું થોમસ મિલ્કેએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષથી પામતેલની પ્રતિ હેક્ટર ઉત્પાદકતા વધતી અટકી ગઈ છે. છેલ્લાં પાંચ-છ વર્ષથી પામતેલની ઉત્પાદકતા પ્રતિ હેક્ટર ૪૦૦૦ કિલોએ સ્થિર થઈ ચૂકી છે, જેની સામે સોયાબીનની પ્રતિ હેક્ટર ઉત્પાદકતા ૧૮ ટકા, રાયડાની ઉત્પાદકતા ૨૬ ટકા અને સનફલાવરની ઉત્પાદકતા ૫૩ ટકા વધી છે. આ ઉપરાંત મલેશિયામાં લેબર કૉસ્ટ, ફર્ટિલાઇઝર કૉસ્ટ વધતાં નાના પ્લાન્ટેશન ધરાવનારાઓએ પામની ખેતી છોડી દીધી છે. ઉપરાંત ડિફોરેસ્ટાઇઝેશનની ઝુંબેશને કારણે પામનો એરિયા વધવાના ચાન્સ રહ્યા નથી. આ તમામ પરિબળો આવનારાં વર્ષોમાં પામતેલના ઉત્પાદનનો ગ્રોથ ધીમો પાડશે તેની સામે વર્લ્ડમાં વસ્તી વધી રહી છે અને મિડલ ક્લાસ વધી રહ્યો હોવાથી ખાદ્ય તેલોનો વપરાશ ઝડપથી વધશે. આ સંજોગોમાં ખાદ્ય તેલોમાં લૉન્ગ ટર્મ મોટી તેજી જોવા મળશે.

Whatsapp-channel Whatsapp-channel

07 March, 2019 11:30 AM IST | | મયૂર મહેતા, ક્વાલા લમ્પુર

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK