નરમ ડૉલરથી સોનાના ભાવ ફરી બે સપ્તાહની ઉપરની સપાટીએ

Published: 7th October, 2020 10:56 IST | Bullion Watch | Mumbai

ડૉલરની નબળાઈ અને શૅરબજારની તેજી વચ્ચે અત્યારે સોનાના ભાવમાં વધ-ઘટ જોવા મળી રહી છે.

ગોલ્ડ
ગોલ્ડ

ડૉલરની નબળાઈ અને શૅરબજારની તેજી વચ્ચે અત્યારે સોનાના ભાવમાં વધ-ઘટ જોવા મળી રહી છે. સોનું સોમવારે બે સપ્તાહની ઊંચી સપાટીએ હતું, પણ શૅરબજારમાં તેજી, ટ્રેડર્સની જોખમ લેવાની વૃત્તિ વચ્ચે એના ભાવની વૃદ્ધિ પર બ્રેક લાગી છે. ડૉલર ઇન્ડેક્સ ૦.૩૯ ટકા ઘટ્યો હોવાથી સોમવારે કૉમેક્સ ખાતે સોનું વાયદો ૦.૬૮ ટકા વધી ૧૯૨૦.૧૦ ડૉલર અને ચાંદી વાયદો ૨.૨૧ ટકા વધી ૨૪.૫૬૦ ડૉલર પ્રતિ ઔંસ બંધ રહ્યા હતા.

દરમ્યાન બજારની નજર અમેરિકામાં બીજા તબક્કાના સ્ટિમ્યુલસ ઉપર પણ છે. જો આ પૅકેજ જાહેર થાય તો ફુગાવો વધી શકે અને બૉન્ડના યીલ્ડ પણ વધી શકે એટલે સોનાના ભાવને તેજી માટે વધુ એક પરિબળ મળી શકે છે. આજે અમેરિકન બજારમાં ૧૦ વર્ષના બૉન્ડના યીલ્ડ ૦.૭૬ ટકા આસપાસ છે અને છેલ્લા ચાર દિવસથી એમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. સોનું ફુગાવા સામે રક્ષણ આપતી કૉમોડિટી છે અને એમાં વૃદ્ધિ થાય અને બૉન્ડના યીલ્ડ પણ વધે તો સોના તરફ આકર્ષણ વધી શકે છે.

આજે અમેરિકન ડૉલરના વિશ્વનાં ૬ અન્ય ચલણ સામેના માપદંડ ગણાતા ડૉલર ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ડૉલર ઇન્ડેક્સ અત્યારે ૦.૧૦ ટકા ઘટી ૯૩.૪૫૫ની સપાટી પર છે. નરમ ડૉલરને કારણે સોનું મજબૂત છે. વૈશ્વિક બજારમાં સોનું ડિસેમ્બર વાયદો ૦.૧૩ ટકા કે ૨.૫૦ ડૉલર વધી ૧૯૨૨.૬૦ અને હાજરમાં ૦.૨૨ ટકા કે ૪.૨૪ ડૉલર વધી ૧૯૧૭.૭૭ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ચાંદી આંશિક રીતે નરમ છે. ચાંદીનો વાયદો ૦.૪૭ ટકા કે ૧૧ સેન્ટ ઘટી ૨૪.૪૫ અને હાજરમાં ૦.૧૮ ટકા કે ૪ સેન્ટ ઘટી ૨૪.૩૪ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.

વિદેશમાં ભાવ વધતાં ભારતમાં પણ સુધારો

વિદેશી બજારમાં સોનાના ભાવમાં તેજી અને તહેવારો અગાઉ ગ્રાહકોની ખરીદી ફરી બજાર આવશે એવી ધારણાએ હાજરમાં સોનાના ભાવ વધ્યા હતા. આજે મુંબઈમાં હાજરમાં ૪૪૫ વધી ૫૨,૮૭૫ અને અમદાવાદમાં ૪૭૦ વધી ૫૨,૮૪૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યા હતા. મુંબઈમાં હાજર ચાંદી ૮૩૦ વધી ૬૨,૮૧૦ અને અમદાવાદમાં ૮૨૦ વધી ૬૨,૭૭૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવ રહ્યા હતા.

એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૦,૪૬૮ ખૂલી, ઉપરમાં ૫૦,૮૭૮ અને નીચામાં ૫૦,૪૬૮ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૨૨૧ વધીને ૫૦,૮૪૭ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૫૩ વધીને ૮ ગ્રામદીઠ ૪૦,૯૪૧ અને ગોલ્ડ-પેટલ ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૨૨ વધીને ૧ ગ્રામદીઠ ૫૧૫૪ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૨૨૬ વધીને બંધમાં ૫૦,૯૩૦ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૬૧,૭૯૦ ખૂલી, ઉપરમાં ૬૨,૨૩૦ અને નીચામાં ૬૧,૭૧૩ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૧૧૨ વધીને ૬૨,૦૫૩ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૧૪૨ વધીને ૬૨,૦૬૪ અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૧૪૧ વધીને ૬૨,૦૬૩ રૂપિયા બંધ રહ્યા હતા.

રિઝર્વ બૅન્કના હસ્તક્ષેપ વચ્ચે ડૉલર સામે રૂપિયો નરમ

વૈશ્વિક બજારમાં ડૉલર નરમ હતો એટલે ભારતીય બજારમાં રૂપિયો મક્કમ ખૂલ્યો હતો. બીજી તરફ કૉર્પોરેટ અને શૅરબજારમાં નવો ડૉલર-પ્રવાહ આવી રહ્યો છે ત્યારે એનાથી પણ રૂપિયાને સતત ટેકો મળી રહ્યો છે. રૂપિયો મજબૂત થાય તો નિકાસકારોને નુકસાન થાય અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતની સ્પર્ધાત્મકતા ઘટે એટલે આજે રિઝર્વ બૅન્કે બજારમાં હસ્તક્ષેપ કર્યો હોવાની ધારણા છે. સોમવારે ડૉલર સામે રૂપિયો ૭૩.૨૯ બંધ રહ્યા બાદ આજે વધીને ૭૩.૧૭ ખૂલ્યો હતો પણ બૅન્કોએ ભારે માત્રામાં ડૉલરની ખરીદી કરી હતી અને રૂપિયો વેચ્યો હતો એટલે રૂપિયો દિવસની ઊંચી સપાટી સામે ઘટી ગયો હતો. સત્રના અંતે રૂપિયો ૧૭ પૈસા ઘટીને ૭૩.૪૬ બંધ રહ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK