Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અમેરિકામાં ઝીરોથી નીચે વ્યાજદરની ચર્ચાઓ વચ્ચે સોનામાં વધી રહેલી તેજી

અમેરિકામાં ઝીરોથી નીચે વ્યાજદરની ચર્ચાઓ વચ્ચે સોનામાં વધી રહેલી તેજી

14 May, 2020 11:56 AM IST | Mumbai
Bullion Watch

અમેરિકામાં ઝીરોથી નીચે વ્યાજદરની ચર્ચાઓ વચ્ચે સોનામાં વધી રહેલી તેજી

ગોલ્ડ

ગોલ્ડ


કોરોના વાઇરસની અસરો અને એનાથી અર્થતંત્ર પર થઇ રહેલા નુકસાન વિશેની અનિશ્ચિતતા વચ્ચે સોનાના વૈશ્વિક ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે. અમેરિકામાં વ્યાજદર ઝીરોથી પણ નીચે જાય એવી આશાઓ વચ્ચે ડૉલર નબળો પડ્યો હોવાથી પણ બજારને ટેકો મળી રહ્યો છે.

દરમ્યાન બુધવારે પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ એપ્રિલમાં ૧.૩ ટકા ઘટ્યો હતો અને માર્ચમાં પણ એ ૦.૨ ટકા ઘટ્યો હતો. બજારની ધારણા કરતાં આ ઘટાડો વધારે છે. સમગ્ર વર્ષ માટે જથ્થાબંધ ફુગાવો ૧.૨ ટકા ઘટ્યો હતો, જે નવેમ્બર ૨૦૧૫ પછીનો સૌથી મોટો ઘટાડો છે.



વૈશ્વિક બજારમાં સોનું જૂન વાયદો આજે ૧.૦૮ ટકા કે ૧૮.૫ ડૉલર વધી ૧૭૨૫.૩ અને હાજરમાં ૦.૮૧ ટકા કે ૧૩.૮૪ ડૉલર વધી ૧૭૧૬.૫૪ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ચાંદી જુલાઈ વાયદો ૦.૯૦ ટકા કે ૧૪ સેન્ટ વધી ૧૫.૮૫ ડૉલર અને હાજરમાં ૧૩ સેન્ટ વધીને ૧૫.૫૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.


ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશનના ટૅક્સ સિવાયના રેફરન્સ રેટ અનુસાર આજે ભારતમાં સોના-ચાંદીના ભાવ મક્કમ રહ્યા હતા. સોનાના ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૧ વધી ૪૫,૮૯૪ અને ચાંદીના ભાવ પ્રતિ કિલો ૯૦ ઘટીને ૪૨,૯૧૫ રૂપિયા રહ્યા હતા. વૈશ્વિક બજારમાં લગભગ સ્થિર ભાવ અને ડૉલર સામે રૂપિયો નબળો પડતાં ભારતમાં ભાવમાં સામાન્ય વધ-ઘટ જોવા મળી હતી. સોનું જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૫૬૧૩ ખૂલી, ઉપરમાં ૪૫૭૪૮ અને નીચામાં ૪૫૫૦૧ રૂપિયાના મથાળે અથડાઈને પ્રથમ સત્રના અંતે ૯૦ વધીને ૪૫૭૧૫ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની મે કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૮ રૂપિયા ઘટીને ૮ ગ્રામદીઠ ૩૭,૧૬૬ અને ગોલ્ડ-પેટલ મે કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે  પાંચ રૂપિયા વધીને ૧ ગ્રામદીઠ ૪૫૯૭ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ ૮૮ વધીને બંધમાં ૪૫૭૨૩ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૩,૦૧૫ ખૂલી, ઉપરમાં ૪૩,૧૩૭ અને નીચામાં ૪૨,૮૧૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૧૫ રૂપિયા ઘટીને ૪૩,૦૩૯ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની જૂન ૩૦ રૂપિયા ઘટીને ૪૩,૪૧૨ અને ચાંદી-માઇક્રો જૂન ૩૨ ઘટીને ૪૩,૫૧૭ રૂપિયા બંધ રહ્યા હતા.


અમેરિકામાં ઝીરોથી નીચે વ્યાજદર

અમેરિકામાં વ્યાજદર ઝીરોની નીચે જાય એવી ચર્ચા શરૂ થઈ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્વીટ કરીને આ બાબતને ટેકો જાહેર કર્યો છે. ફેડરલ રિઝર્વના ચૅરમૅન જેરોમ પૉવેલ આજે અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક કરશે અને એમાં આ સંદર્ભે સંકેત મળે છે કે નહીં એના પર પણ બજારની નજર રહેશે. નીચા વ્યાજના દર સોનાના ભાવ માટે તેજીનું બળ બની રહે છે, કારણ કે સોનું વ્યાજ સાથે જોડાયેલું નહીં, પણ એક પ્રકારની રોકડ જ છે.

યુરોપ અને જપાનમાં નેગેટિવ વ્યાજદરનો વર્ષો પછી પણ વિકાસ થયો નથી અને ચૅરમૅન પૉવેલ પોતે નેગેટિવ વ્યાજદરની તરફેણ કરી રહ્યા નથી, પણ વ્યાજના સ્વાપ અને અન્ય સોદાઓના આધારે અત્યારે એવી સંભાવના વ્યક્ત થઈ રહી છે કે અમેરિકામાં ડિસેમ્બર કે જુલાઈ ૨૦૨૧ સુધીમાં વ્યાજના દર ઝીરોની નીચે થઈ શકે છે.

જો વ્યાજનો દર ઘટે તો બૅન્કોના નફા ધોવાઈ જાય, અમેરિકામાંથી બહાર નાણાં ખેંચાઈ જાય, પણ સોનાના ભાવમાં ફાયદો થઈ શકે. સોનું વ્યાજ સાથે જોડાયેલું ન હોવાથી એનો સંગ્રહ કરવાનો ખર્ચ ઘટે છે અને એનું રોકાણ વધારે વળતર આપે છે.

રૂપિયો ઊછળ્યો, પણ વૃદ્ધિ જાળવી ન શક્યો

ભારતમાં અપેક્ષાથી મોટા ૨૦ લાખ કરોડ રૂપિયાના આર્થિક પૅકેજની મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હોવાથી અર્થતંત્ર મજબૂત થશે એવી આશાએ ડૉલર સામે આજે રૂપિયો ઊછળ્યો હતો, પણ દિવસના અંતે એ સામાન્ય વૃદ્ધિ સાથે બંધ રહ્યો હતો. મંગળવારે ૭૫.૫૧ બંધ રહેલો રૂપિયો આજે વધીને ૭૫.૩૧ ખૂલ્યો હતો અને ફરી એ ૭૫.૩૦ થયો હતો, પણ વૈશ્વિક બજારમાં જોખમોથી દૂર જવાની વૃત્તિ ચાલુ રહેતાં રૂપિયો પણ દિવસની ઊંચાઈ પરથી લપસી પડ્યો હતો. દિવસના અંતે તે પાંચ પૈસા વધીને ૭૫.૪૬ની સપાટીએ બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારમાં ડૉલર ઇન્ડેક્સ ૦.૦૩ ટકા ઘટીને ૯૯.૯૦ રહ્યો હતો અને ક્રૂડ ઑઇલના ભાવમાં ઘટાડાના વલણથી પણ ભારતીય ચલણને ટેકો મળ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

14 May, 2020 11:56 AM IST | Mumbai | Bullion Watch

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK