કોરોના વાઇરસને કારણે સ્ટિમ્યુલસ આવશે એવી રાહે સોના-ચાંદીમાં પ્રૉફિટ-બુકિંગ

Published: Feb 12, 2020, 12:46 IST | Bullion Watch | Mumbai

ચાર દિવસથી સતત મજબૂત જોવા મળી રહેલા સોનાના ભાવમાં ગઈ કાલે સાવચેતીના માહોલ વચ્ચે વેચવાલી જોવા મળી રહી હતી.

ગોલ્ડ
ગોલ્ડ

ચાર દિવસથી સતત મજબૂત જોવા મળી રહેલા સોનાના ભાવમાં ગઈ કાલે સાવચેતીના માહોલ વચ્ચે વેચવાલી જોવા મળી રહી હતી. વૈશ્વિક ભાવમાં ઘટાડાના કારણે ભારતમાં પણ હાજર અને વાયદાના ભાવ સતત બીજા દિવસે પણ ઘટીને બંધ આવ્યા હતા. બજારની નજર એક તરફ ચીનના કોરોના વાઇરસના વ્યાપ પર છે અને બીજી તરફ ગઈ કાલથી બે દિવસ ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પૉવેલની કૉન્ગ્રેસ સમક્ષ જુબાનીથી મળતા સંકેતો પર પણ રહેલી છે. પોવેલ કોઈ રીતે અમેરિકન અર્થતંત્રને વાઇરસનાં જોખમોથી બચાવવા કોઈ સ્ટિમ્યુલસની વાત કરે છે કે નહીં એ વિશે શૅરબજાર અને બુલિયન માર્કેટ રાહ જોઈ રહ્યું છે.

કોરોના વાઇરસમાં સોમવારે મૃત્યુ આંક વધ્યો હતો, પણ નવા દરદીઓમાં ઉમેરો અગાઉના દિવસો કરતા ઓછો થયો હોવાથી એશિયા અને યુરોપનાં શૅરબજારમાં તેજી જોવા મળી રહી છે. અમેરિકન બજાર પણ મજબૂતીના સંકેત આપી રહ્યાં હોવાથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

વૈશ્વિક બજારમાં સોનું હાજર ગઈ કાલે ૦.૧૭ ટકા કે ૨.૭૫ ઘટી ૧૫૬૯.૪૦ ડૉલર છે, જ્યારે કોમેક્સ પર એપ્રિલ વાયદો ૬.૫૫ ડૉલર ઘટી ૧૫૭૨.૯૫ની સપાટી પર છે. ચાંદી હાજરમાં ૦.૧૬ ટકા ઘટી ૧૭.૭૪ ડૉલર અને માર્ચ વાયદો ૦.૩૫ ટકા ઘટી ૧૭.૭૨૩ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.

ભારતમાં પણ સોના-ચાંદીના વાયદા અને હાજર ભાવમાં નરમાઈનો માહોલ હતો. મુંબઈ હાજર સોનું ૧૬૦ ઘટી ૪૧,૭૯૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૨૧૦ ઘટી ૪૧,૮૩૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ રહ્યું હતું. સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૦,૫૬૬ ખૂલી ઉપરમાં ૪૦,૫૬૬ અને નીચામાં ૪૦,૩૮૧ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૨૦૮ ઘટીને ૪૦,૪૭૧ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૯૩ ઘટીને ૮ ગ્રામદીઠ ૩૨,૨૭૧ રૂપિયા અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૧૫ ઘટીને ૧ ગ્રામદીઠ ૪૦૦૪ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની માર્ચ વાયદો ૧૦ ગ્રામદીઠ ૨૦૧ ઘટીને બંધમાં ૪૦,૪૦૬ રૂપિયાના ભાવ રહ્યા હતા.

મુંબઈ હાજર ચાંદી ૨૯૦ ઘટી ૪૭,૩૧૫ રૂપિયા અને અમદાવાદ ખાતે ૨૯૦ ઘટી ૪૭,૩૦૦ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૪૬,૦૭૩ ખૂલી ઉપરમાં ૪૬,૧૭૦ અને નીચામાં ૪૫,૯૫૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૨૨૪ ઘટીને ૪૬,૦૦૫ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી ૨૧૯ ઘટીને ૪૬,૦૩૧ રૂપિયા અને ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી ૨૨૩ ઘટીને ૪૬,૦૩૨ રૂપિયા બંધ રહ્યા હતા.

જેરોમ પૉવેલ પર નજર

દરમિયાન, અમેરિકામાં ફેડરલ રિઝર્વના ચૅરમૅન જેરોમ પૉવેલ બે દિવસ કૉન્ગ્રેસ સમક્ષ પોતાનું નિવેદન આપશે. આ નિવેદનથી અમેરિકાની આર્થિક ગતિવિધિઓનો અને એના ભાવિનો ખ્યાલ આવશે જે સોનાના ભાવ માટે મહત્ત્વના સંકેત બની શકે છે. બજારની એવી ગણતરી છે કે ચીનના કોરાના વાઇરસથી અમેરિકન અર્થતંત્રને સુરક્ષિત કરવા માટે કોઈ પગલાં કે સ્ટિમ્યુલસનો સંકેત પણ ચૅરમૅન પૉવેલ આપી શકે છે. જો આવો કોઈ સંકેત મળે તો સોનાના ભાવ વધી શકે છે. ૨૦૧૯માં ફેડરલ રિઝર્વે વ્યાજનો દર ત્રણ વખત ઘટાડ્યો હતો અને ડિસેમ્બરમાં હાલપૂરતો વ્યાજદર સ્થિર રહેશે એવો સંકેત આપ્યો હતો.

શૅરબજારમાં સ્ટિમ્યુલસની ગણતરીએ વધારે રિસ્ક લેવામાં આવી રહ્યું છે અને એના કારણે વૈશ્વિક બજારોમાં તેજી જોવા મળી રહી છે. સોનાના ભાવ ચાર દિવસ વધી ઘટી ગયા છે. જો પૉવેલ કોઈ સ્ટિમ્યુલસના સંકેત આપે તો ફરી તેજી જોવા મળી શકે છે. આ સિવાય સોનામાં અત્યારે પણ વૈશ્વિક સેન્ટ્રલ બૅન્કોની ખરીદી અને ઈટીએફની માગના કારણે તેજીનો અન્ડરટોન છે.

ડૉલર સામે રૂપિયો સ્થિર

દેશના મહત્વના આર્થિક ડેટા જાહેર થવાના છે અને ભારતમાં ફુગાવો વધી શકે છે એવી ગણતરી વચ્ચે ભારતીય શૅરબજારમાં વૃદ્ધિ, એશિયામાં અન્ય ચલણો ડૉલર સામે મજબૂત હોવા છતાં ડૉલર સામે રૂપિયો સોમવારના સ્તર પર સ્થિર બંધ આવ્યો હતો. રૂપિયો ડૉલર સામે ૭૧.૨૩ની સપાટીએ વધીને ખૂલ્યા બાદ ઉપરમાં ૭૧.૧૯ થઈ ફરી ઘટી ૭૧.૩૩ થઈ આગલા દિવસના બંધ કરતાં બે પૈસા વધી ૭૧.૨૮ની સપાટીએ બંધ આવ્યો હતો. ભારતમાં ફુગાવો વધી શકે છે અને દેશનું ઔદ્યોગિક ઉત્પાદન ઘટી શકે છે એવી ગણતરીએ બજારમાં સાવચેતી જોવા મળી રહી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK