Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સ્ટિમ્યુલસ પૅકેજ આવશે કે નહીં એની મૂંઝવણ વચ્ચે સોનું નરમ રહ્યું

સ્ટિમ્યુલસ પૅકેજ આવશે કે નહીં એની મૂંઝવણ વચ્ચે સોનું નરમ રહ્યું

21 October, 2020 01:47 PM IST | Mumbai
Bullion Watch

સ્ટિમ્યુલસ પૅકેજ આવશે કે નહીં એની મૂંઝવણ વચ્ચે સોનું નરમ રહ્યું

ગોલ્ડ

ગોલ્ડ


સોમવારે એક તબક્કે એવી ધારણા હતી કે અમેરિકામાં ચૂંટણી પહેલાં નવું સ્ટિમ્યુલસ પૅકેજ જાહેર થશે નહીં, પણ આજે ફરી એવી આશા જોવા મળી રહી છે કે પૅકેજ વિશે કોઈક સહમતી છેલ્લી ઘડીએ જોવા મળશે. બીજી તરફ ડૉલર નબળો છે. સ્ટિમ્યુલસની આશાએ જોખમ લેવાની વૃત્તિ વધી હોવાથી સોનું નરમ છે, જ્યારે ડૉલર નબળો પડ્યો હોવાથી ઘટાડા પર લગામ જોવા મળી રહી છે. આમ છતાં સોનું ૧૯૦૦ ડૉલરની મહત્ત્વની સપાટી પર ટકી રહેવામાં સફળ છે.

કોરોના વાઇરસના કેસ અમેરિકા, યુરોપ અને સાઉથ અમેરિકામાં વધી રહ્યા છે, પણ બજારમાં વિશ્વાસ છે કે લોકો અને બિઝનેસ પર કોઈ નવાં નિયંત્રણ આવી રહ્યાં નથી એટલે એનાથી આર્થિક નુકસાન થશે નહીં એને કારણે જોખમ લેવાની વૃત્તિ પર કોઈ અસર નથી અને નથી કોઈ ડરનો માહોલ. આ ઉપરાંત આજે અમેરિકામાં નવા સ્ટિમ્યુલસ પૅકેજ પર ચર્ચા થશે. એવો વર્ગ છે કે આ પૅકેજ ૫૦૦ અબજ ડૉલરથી ૧૨૦૦ અબજ ડૉલરની વચ્ચે હોઈ શકે છે. જો આમાં નિષ્ફળતા મળે તો જોખમ વધી જશે અને એને કારણે સોનાના ભાવ વધી શકે છે. જોકે એવા સંજોગોમાં ડૉલરમાં સંભવિત વધારો સોનાના ભાવ પર અંકુશ રાખી શકે છે.



સોમવારે અમેરિકન ડૉલર ઇન્ડેક્સ (વિશ્વનાં ૬ મુખ્ય ચલણ સામે અમેરિકન ડૉલરનું મુલ્ય નક્કી કરતો ઇન્ડેક્સ) ૦.૨૭ ટકા ઘટ્યો હતો એને કારણે સોનું ૦.૨૮ ટકા વધી ૧૯૧૧.૭૦ ડૉલર અને ચાંદી ૧.૨૮ ટકા વધી ૨૪.૬૯૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ આવ્યા હતા. આજે પણ ડૉલર ઇન્ડેક્સ ૦.૨૩ ટકા જેટલો નબળો છે જે અમેરિકન ડૉલરની નબળાઈ સૂચવે છે, પણ અન્યત્ર બજારમાં જોખમ લેવાની વૃત્તિ વધારે છે અને સ્ટિમ્યુલસની ચર્ચા ચાલી રહી છે એટલે બજારમાં સાવચેતીનો મહોલ છે. અત્યારે અમેરિકન ટ્રેડિંગ શરૂ થયું ત્યારે સોનું ડિસેમ્બર વાયદો ૦.૩૭ ટકા કે ૭.૧૦ ડૉલર ઘટી ૧૯૦૪.૬ અને હાજરમાં ૨.૮૪ ડૉલર ઘટી ૧૯૦૧.૨૪ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ચાંદી વાયદો બે સેન્ટ ઘટી ૨૪.૬૮ અને હાજરમાં ૧૮ સેન્ટ વધી ૨૪.૫૭ ડૉલરની સપાટી પર છે.


સોના-ચાંદીમાં ભારતમાં નરમ વલણ

હાજર બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. હાજરમાં મુંબઈમાં સોનું ૨૫૫ ઘટી ૫૨,૮૯૫ અને અમદાવાદમાં ૨૩૦ ઘટી ૫૨,૬૬૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ રહ્યું હતું. ચાંદીમાં મુંબઈમાં હાજર ૮૦૦ ઘટી ૬૩,૭૦૦ અને અમદાવાદમાં ૮૦૫ ઘટી ૬૩,૬૭૫ રૂપિયા પ્રતિ કિલો રહી હતી. સોનાના વાયદાના ભાવમાં મામૂલી વધ-ઘટ સાથે મિશ્ર વલણ હતું, જ્યારે ચાંદીના વાયદા વધ્યા હતા.


સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૦,૬૦૦ ખૂલી, ઉપરમાં ૫૦,૭૫૦ અને નીચામાં ૫૦૪૯૧ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૨૪ વધીને ૫૦,૭૧૧ રૂપિયા  બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૬ ઘટીને ૮ ગ્રામદીઠ ૪૦,૬૪૯ અને ગોલ્ડ-પેટલ ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે બે રૂપિયા ઘટીને ૧ ગ્રામદીઠ ૫૧૧૭ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૬ રૂપિયા ઘટીને બંધમાં ૫૦,૭૪૫ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૬૨,૦૫૦ ખૂલી, ઉપરમાં ૬૨,૫૭૫ અને નીચામાં ૬૧,૬૬૨ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૨૯૪ વધીને ૬૨,૩૮૯ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૨૯૪ વધીને ૬૨,૩૮૮ અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૨૯૩ વધીને ૬૨,૩૮૫ રૂપિયા બંધ રહ્યા હતા. બુલડેક્સનો ઑક્ટોબર વાયદો ૧૫,૫૩૬ના સ્તરે ખૂલી, ઊંચામાં ૧૫,૬૦૦ અને નીચામાં ૧૫,૪૯૯ના મથાળે અથડાઈ ૧૦૧ પૉઇન્ટની મૂવમેન્ટ સાથે ૨૧ પૉઇન્ટ વધી ૧૫,૫૮૨ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

વૈશ્વિક ડૉલરની નબળાઈ વચ્ચે પણ રૂપિયો નરમ

વૈશ્વિક બજારમાં અમેરિકામાં નવા સ્ટિમ્યુલસની આશા વચ્ચે જોખમ લેવાની વૃત્તિ વધી હોવાથી ડૉલર નબળો પડ્યો હતો છતાં આજે ભારતીય રૂપિયો નરમ બંધ આવ્યો હતો. જોકે શૅરબજારમાં ઇક્વિટી રોકાણનો પ્રવાહ આવી રહ્યો હોવાથી રૂપિયાના ઘટાડા પર બ્રેક જોવા મળી હતી. સોમવારે ૭૩.૩૭ની સપાટીએ બંધ આવેલો રૂપિયો આજે ૭૩.૩૬ ખૂલ્યો હતો અને પછી દિવસમાં એક તબક્કે ૭૩.૨૯ થઈ ઘટીને ૭૩.૫૩ થઈ દિવસના અંતે ૧૨ પૈસા ઘટીને ૭૩.૪૯ બંધ આવ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

21 October, 2020 01:47 PM IST | Mumbai | Bullion Watch

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK