વૈશ્વિક બજારમાં સાડાછ વર્ષની ઊંચી સપાટી પરથી સોનાના ભાવમાં ઘટાડો

Published: Jan 29, 2020, 13:46 IST | Bullion Watch | Mumbai

સોમવારે એપ્રિલ ૨૦૧૩ પછીની સૌથી ઊંચી સપાટીએ બંધ રહેલા સોનાના ભાવમાં મંગળવારે હળવું પ્રૉફિટ-બુકિંગ જોવા મળી રહ્યું છે.

ગોલ્ડ
ગોલ્ડ

સોમવારે એપ્રિલ ૨૦૧૩ પછીની સૌથી ઊંચી સપાટીએ બંધ રહેલા સોનાના ભાવમાં મંગળવારે હળવું પ્રૉફિટ-બુકિંગ જોવા મળી રહ્યું છે. અમેરિકન શૅરબજારમાં આજે થોડી વૃદ્ધિની અપેક્ષા છે જેની અસરથી સોનું પણ નરમ જોવા મળી રહ્યું છે. જોકે ચીનના કોરોના વાઇરસની અસરથી બજારમાં હજી પણ સોનું વધી શકે એવો આશાવાદ જોવા મળી રહ્યો છે. આજથી ફેડરલ રિઝર્વની બે દિવસની બેઠક પણ શરૂ થઈ રહી છે. વ્યાજદરમાં કોઈ પણ ફેરફારની અપેક્ષા નથી, પણ આર્થિક ગતિવિધિઓ વિશે ચૅરમૅન જેરોમ પૉવેલના નિવેદન પર નજર રહેશે.

વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના હાજર અને વાયદાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. કૉમેક્સ ફેબ્રુઆરી ગોલ્ડ વાયદો ૦.૨૩ ટકા ઘટીને ૧૫૭૩.૮૦ ડૉલર પ્રતિ ઔંસ હતો, જ્યારે ચાંદીનો માર્ચ વાયદો ૨૯ સેન્ટ ઘટીને ૧૭.૭૬૨ ડૉલર પ્રતિ ઔંસ ચાલી રહ્યા છે. હાજરમાં સોનું ૦.૫૦ ટકા કે ૭.૮૭ ડૉલર ઘટીને ૧૫૭૪.૧૯ અને ચાંદી ૧.૮૪ ટકા કે ૩૩ સેન્ટ ઘટીને ૧૭.૭૬૬ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.

વૈશ્વિક બજારમાં ઊંચા મથાળે જોવા મળેલા ઘટાડા અને ભારતમાં રૂપિયો મજબૂત થતાં સ્થાનિક ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. આજે સોનું ૨૦૦ રૂપિયા ઘટીને મુંબઈમાં ૪૧,૭૦૦ અને અમદાવાદમાં ૪૧,૮૩૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતું. સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૦૫૬૨ ખૂલી, ઉપરમાં ૪૦૬૦૮ અને નીચામાં ૪૦૪૩૧ રૂપિયાના મથાળે અથડાઈને પ્રથમ સત્રના અંતે ૬૩ ઘટીને ૪૦૫૨૨ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૦૯ વધીને ૮ ગ્રામદીઠ ૩૨૨૩૬ અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૮ વધીને ૧ ગ્રામદીઠ ૩૯૭૯ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ ૭૫ ઘટીને બંધમાં ૪૦૪૮૨ રૂપિયાના ભાવ રહ્યા હતા.

મુંબઈમાં હાજર ચાંદીના ભાવ ૮૭૦ ઘટી ૪૭,૯૧૦ રૂપિયા અને અમદાવાદમાં ૮૫૦ ઘટીને ૪૮,૨૨૦ રૂપિયા પ્રતિ કિલો રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૬૯૨૩ રૂપિયા ખૂલી, ઉપરમાં ૪૬૯૭૦ અને નીચામાં ૪૬૬૪૧ રૂપિયાના સ્તરને સ્પર્શીને પ્રથમ સત્રના અંતે ૧૭૪ ઘટીને ૪૬૮૩૧ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી ૧૬૫ ઘટીને ૪૬૮૬૦ રૂપિયા અને ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી ૧૬૫ ઘટીને ૪૬૮૫૯ રૂપિયા બંધ રહ્યા હતા.

સેફ હેવનની તેજીનો દોર

અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદિલીને કારણે સોનાના ભાવ ૧૬૦૦ ડૉલર પ્રતિ ઔંસ થયા પછી સોમવારે પ્રથમ વખત ૧૫૮૩ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ આવ્યા હતા. બંધની દૃષ્ટિએ સોનાના ભાવ એપ્રિલ ૨૦૧૩ એટલે કે સાડાછ વર્ષની ઊંચી સપાટીએ બંધ આવ્યા છે. સોનાના ભાવ ૨૦૨૦ના પ્રથમ થોડા દિવસમાં જ ચાર ટકા વધી ગયા છે.

ભાવ વધવા માટેનું માત્ર કારણ એ છે કે જ્યારે વિશ્વમાં રાજકીય, આર્થિક કે અન્ય પ્રકારની આફત આવી પડે ત્યારે સોનું રોકાણનું સ્વર્ગ ગણાય છે. વ્યાજદર સાથે નહીં જોડાયેલી આ અસ્કયામત એકદમ તરલ છે, રોકડમાં જલદી રૂપાંતરિત થઈ જાય છે અને વિશ્વના કોઈ પણ ખૂણે એ વેચી શકાય છે. ચીનમાં ઘાતક કોરોના વાઇરસને કારણે ચીનના મંદ પડી રહેલા અર્થતંત્ર પર આફત આવી છે. વૈશ્વિક આર્થિક વિકાસ ટ્રેડ વૉરને કારણે જ્યારે માંડ બેઠો થઈ રહ્યો છે ત્યારે વાઇરસને કારણે એના ઉપર વધુ ખરાબ અસર કરી શકે છે એવી ગણતરીએ સોનું ઊછળી રહ્યું છે.

ડૉલર સામે રૂપિયો વધ્યો

ચાર દિવસમાં ૨૪ પૈસા નબળા પડ્યા પછી ડૉલર સામે ભારતીય ચલણ રૂપિયો આજે વધ્યો હતો. ક્રૂડ ઑઇલના ઘટેલા ભાવને કારણે બજારમાં રૂપિયો મજબૂત થયો હતો. જોકે સામે છેડે ડૉલર મજબૂતીના કારણે વૃદ્ધિ પર બ્રેક લાગી હતી. ડૉલર સામે રૂપિયો આજે ૭૧.૩૭ ખૂલ્યા પછી વધીને ૭૧.૨૬ થઈ દિવસના અંતે ૭૧.૩૩ની સપાટીએ બંધ આવ્યો જે આગલા બંધ કરતાં ૧૦ પૈસાનો વધારો દર્શાવે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK