સોનાના ભાવ 1560 ડૉલરની સપાટીની આસપાસ ફરી રહ્યા છે

Published: Feb 08, 2020, 07:36 IST | Bullion Watch | Mumbai

કોરોના વાઇરસની અર્થતંત્ર પર કેટલી અસર થશે એની રાહમાં સોનાના ભાવ 1560 ડૉલરની સપાટીની આસપાસ ફરી રહ્યા છે

ગોલ્ડ
ગોલ્ડ

શૅરબજારમાં જૂન મહિના પછીની સૌથી મોટી તજી જોવા મળી છે. અમેરિકન ડૉલર ઑક્ટોબર પછી સૌથી મજબૂત છે ત્યારે સોનાના ભાવ સાપ્તાહિક ધોરણે ત્રણ મહિનામાં સૌથી મોટા ઘટાડા તરફ આગળ વધી રહ્યા છે. અમેરિકન જૉબ રિપોર્ટની બજાર પર અસર પડી નથી અને ભાવ સ્થિર સપાટીએ જોવા મળી રહ્યા છે. સોના માટે કોરોના વાઇરસથી વૈશ્વિક અર્થતંત્રની ગતિને આંચકો લાગે છે કે નહીં એ જ તેજી કે મંદી માટેનું સૌથી મોટું કારણ અત્યારે લાગી રહ્યું છે. લેબર ડિપાર્ટમેન્ટના અહેવાલ અનુસાર ડિસેમ્બરના ૧.૪૫ લાખ સામે જાન્યુઆરીમાં કૃષિ સિવાયનાં ક્ષેત્રોમાં રોજગારી ૨.૨૫ લાખ વધી છે જે બજારના અંદાજ ૧.૬૦ લાખ કરતાં ઘણી વધારે છે. અમેરિકામાં બેરોજગારીનો આંકડો જોકે ૩.૫ ટકા સામે ૩.૬ ટકા આવ્યો છે. આ દર્શાવે છે કે અમેરિકાનું અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં છે. સોનાના ભાવમાં ક્ષણિક વધારો આવ્યા પછી એ ફરીથી પોતાની દિવસની સપાટીએ આવી ગયા હતા.

જોકે બજારની નજર કોરોના વાઇરસને કારણે વિશ્વમાં સેન્ટ્રલ બૅન્કોને વ્યાજદર ઘટાડવા પડશે કે નહીં, આ વાઇરસને કારણે વૈશ્વિક અર્થતંત્ર પર મંદી હાવી થઈ શકે કે નહીં એના પર રહેલી છે. આંકડાના આધારે સોનામાં તાત્કાલિક અસર જોવા મળી શકે, પણ લાંબા ગાળે એની ચાલ પર કોઈ અસર જોવા મળશે નહીં. વૈશ્વિક હાજર બજારમાં સોનાનો ભાવ ગયા સપ્તાહે ૧૫૮૯ ડૉલર પ્રતિ ઔંસ હતો જે અત્યારે ૧૫૬૨ ડૉલર ચાલી રહ્યો છે. સોનાના ભાવમાં ૨૭ ડૉલરનો ઘટાડો છે. ચાંદીના ભાવ ગયા સપ્તાહે ૧૮.૦૪ ડૉલર હતા જે આજે ૧૭.૬૮ ડૉલર પ્રતિ ઔંસ ચાલી રહ્યા છે. ચાંદીના ભાવ અઠવાડિયામાં ૩૬ સેન્ટ ઘટી ગયા છે. આજે કૉમેક્સ પર એપ્રિલ સોનું વાયદો ૦.૦૯ ટકા કે ૧.૩૫ ડૉલર વધી ૧૫૭૧.૩૫ અને ચાંદી ૯ સેન્ટ ઘટી ૧૭.૭૨૭ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર હતા.

મુંબઈમાં હાજર સોનું ૨૦૦ વધી ૪૧,૯૦૦ અને અમદાવાદમાં ૨૨૫ વધી ૪૧,૯૮૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યું હતું. સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૦૩૯૩ ખૂલી, ઉપરમાં ૪૦,૬૦૦ અને નીચામાં ૪૦,૩૦૨ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૭૬ વધીને ૪૦,૫૨૭ રૂપિયા બંધ રહ્યો હતો.

મુંબઈમાં હાજર ચાંદી ૧૪૦ વધી ૪૭,૫૯૦ અને અમદાવાદમાં ૧૬૫ વધી ૪૭,૬૦૫ રૂપિયા પ્રતિ એક કિલોનો ભાવ હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૬,૨૦૦ ખૂલી, ઉપરમાં ૪૬,૩૭૫ અને નીચામાં ૪૬,૦૩૩ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૧૬ વધીને ૪૬,૨૩૬ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી ૨૨ વધીને ૪૬,૨૬૦ અને ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી ૨૨ વધીને ૪૬,૨૬૩ રૂપિયા બંધ રહ્યા હતા.

બજારમાં વધ-ઘટનો આધાર શેના પર?

સોનાના ભાવ ઘટે એવા પરિબળ તરીકે અમેરિકા અને ચીન બન્નેએ પ્રથમ તબક્કાની વ્યાપાર-સંધિ અમલમાં મૂકવા માટે કટિબદ્ધતા દર્શાવી છે. ચીને પોતાના ભાગ તરીકે અમેરિકાથી આયાત થતી ૭૫ અબજ જેટલી ચીજો પર ટૅરિફ ઘટાડ્યા હતા. આ ઉપરાંત અમેરિકામાં રોજગારીના પ્રાથમિક આંકડા ધારણા કરતાં સારા આવ્યા છે જે દર્શાવે છે કે અમેરિકન અર્થતંત્ર મજબૂત છે.

ભાવ વધી શકે એ માટે બજારમાં કોરોના વાઇરસની અસરની રાહ જોવામાં આવી રહી છે. આ વાઇરસને કારણે વૈશ્વિક વિકાસને કેટલો ધક્કો લાગે છે, વ્યાજદર ઘટી શકે છે કે નહીં એના પર નજર રાખવી રહી. એટલું ચોક્કસ છે કે આ સ્થિતિમાં કોઈ પણ દેશ પોતાનો વ્યાજદર વધારશે નહીં અને એટલે સોનું ઘટી રહ્યું નથી.

ડૉલર સામે રૂપિયો પણ નબળો

અન્ય એશિયન ચલણની જેમ ભારતીય રૂપિયો પણ ડૉલર સામે ઘટીને બંધ આવ્યો હતો. શૅરબજારમાં વેચવાલી, કોરોના વાઇરસને કારણે ફરી એક વખત જોખમી ઍસેટ છોડીને સલામતી તરફ પ્રયાણ કરી રહેલા રોકાણકારોને કારણે ચલણ નરમ રહ્યું હતું. આજે રૂપિયો ડૉલર સામે નરમ ૭૧.૨૬ ખૂલ્યો હતો અને પછી વધારે ઘટીને ૭૧.૪૯ થઈ દિવસના અંતે ૭૧.૪૦ની સપાટીએ બંધ આવ્યો હતો. શુક્રવારે રૂપિયો ૨૨ પૈસા અને સમગ્ર સપ્તાહમાં આઠ પૈસા ઘટીને બંધ આવ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK