વૈશ્વિક બજારમાં સોનું અને ચાંદી ઊંચી સપાટીએથી ગબડ્યાં

Published: May 19, 2020, 09:09 IST | Bullion Watch | Mumbai

દુનિયામાં વધતા ભાવના પગલે ભારતમાં પણ સોનું અને ચાંદી વિક્રમી સપાટી તરફ, પછી ઘટાડા સાથે નરમાઈ : કોરોના વાઇરસની રસીના અહેવાલો વચ્ચે સોનું ૩૮.૧ ડૉલર અને ચાંદી ૭૭ સેન્ટ તૂટી

ગોલ્ડ
ગોલ્ડ

એશિયાઈ અને યુરોપનાં બજારમાં સોનાના ભાવ પાંચ સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ અમેરિકન સત્રમાં એમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે અને ગઈ કાલની બધી વૃદ્ધિ ગુમાવી ભાવ ઘટાડા તરફ આગળ વધી રહ્યા છે. ચાંદીમાં પણ ભાવ આગલા બંધ કરતાં વધેલા છે, પણ એ ઊંચી સપાટીથી સરકી રહ્યા છે. ચાંદીના ભાવ એક તબક્કે ૧૧ મહિનાની ઊંચી સપાટીએ હતા. હાજરમાં સોનાના ભાવ સાત વર્ષની ઊંચી સપાટીએ જોવા મળ્યા હતા.

વૈશ્વિક બજારમાં સોનાનો જૂન વાયદો ગઈ કાલે એક તબક્કે ૧૭૭૫.૮૦ ડૉલરની ઊંચાઈએ પહોંચ્યા પછી આગલા બંધથી ૧.૦૬ ટકા કે ૧૮.૭૦ ડૉલર ઘટી ૧૭૩૭.૬૦ ડૉલરની સપાટીએ છે એટલે કે ઊંચા મથાળેથી એમાં ૩૮.૧ ડૉલરનો ઘટાડો જોવા મળ્યો છે. હાજરમાં સોનું સાત વર્ષની ઊંચી સપાટી ૧૭૬૫.૪૩ ડૉલર પહોંચ્યા પછી અત્યારે આગલા બંધથી ૦.૫૮ ટકા કે ૧૦.૧૧ ડૉલર ઘટી ૧૭૩૩.૫૬ ડૉલરની સપાટી પર છે. હાજરમાં સોનું ઊંચા મથાળેથી ૩૧.૮૭ ડૉલર ઘટી ગયું છે.

સોનાની જેમ ચાંદીમાં પણ ઊંચે મથાળેથી તીવ્ર ઘટાડો છે. ચાંદી જુલાઈ વાયદો એક તબક્કે ૧૭.૯૯ ડૉલર થયા પછી અત્યારે ૧૭.૨૨ ડૉલર એટલે કે ઊંચા મથાળેથી ૭૭ સેન્ટ નીચે છે. હાજરમાં ચાંદી દિવસની ઊંચી સપાટી ૧૭.૫૭ ડૉલર સામે અત્યારે ૬૨ સેન્ટ ઘટી ૧૬.૯૬ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.

અગાઉ, અમેરિકન ટ્રેડિંગ શરૂ થયું એ પહેલા સોનાની તેજીનાં કારણો જોવા મળી રહ્યાં હતાં. જપાનનું અર્થતંત્ર મંદીમાં સરી પડ્યું હતું. કોરોના વાઇરસ ફરી માથું ઊંચકી રહ્યો છે ત્યારે દુનિયા લૉકડાઉન ખોલી રહી છે અને ફેડરલ રિઝર્વના ચૅરમૅન જેરોમ પોવેલે ગયા સપ્તાહના અંતે નિવેદન આપ્યું હતું કે હજી પણ જરૂર પડે તો અમેરિકાના અર્થતંત્રમાં ફેડ નાણાપ્રવાહ ઉમેરી શકે છે. આ કારણોસર સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી હતી. શૅરબજાર, ક્રૂડ ઑઇલની સાથે સોનું પણ વધી રહ્યું હતું, પણ અમેરિકન ટ્રેડિંગમાં શૅરબજાર ખૂલતાની સાથે જ એમાં ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકન ડ્રગ કંપની મોડેર્નાએ કોરોના વાઇરસની વૅક્સિન શોધી લીધી હોવાનો દાવો કર્યો હોવાથી જોખમી અસ્કયામતો એવી શૅરબજારમાં તેજી જોવા મળી હતી અને સોનામાં ભારે વેચવાલી જોવા મળી રહી છે.

સોનાના ભાવ ૫૦,૦૦૦ની નજીક આવ્યા પછી થોડા ઘટ્યા

વૈશ્વિક બજારમાં ઊંચા ભાવની સાથે ભારતમાં પણ સોના અને ચાંદીના ભાવ વધ્યા હતા. જોકે અત્યારે વૈશ્વિક ભાવ ઘટી ગયા હોવાથી વિક્રમી સપાટી પરથી નીચે આવી ગયા છે.

ભારતીય હાજર બજાર લૉકડાઉનના કારણે હજી બંધ છે, પણ ખાનગીમાં અને વાયદામાં ભાવ સર્વાધિક ઊંચી સપાટીએ પહોંચી ગયા હતા. આજે એક તબક્કે સોનું પ્રતિ ૧૦ ગ્રામ વધી ૫૫૮ વધી ૪૯,૨૭૭ રૂપિયાની સપાટીએ હતું જે ઇતિહાસની સૌથી ઊંચી સપાટી છે. આ પછી વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં જોવા મળેલા ઘટાડાના કારણે ગઈ કાલે ૪૮,૩૮૧ રૂપિયાની સપાટી પર છે. ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશનના ટૅક્સ સિવાયના રેફરન્સ રેટમાં સોનું ૭૯૪ વધી પ્રતિ ૧૦ ગ્રામ ૪૭,૮૬૧ રૂપિયા રહ્યું હતું.

એમસીએક્સ સોનું જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૭,૬૫૯ ખૂલી, ઉપરમાં ૪૭,૯૮૦ અને નીચામાં ૪૭,૫૬૦ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૫૪૧ વધીને ૪૭,૯૨૨ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૫૭૧ વધીને ૮ ગ્રામદીઠ ૩૮,૭૪૪ રૂપિયા અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૭૬ વધીને ૧ ગ્રામદીઠ ૪૮૭૩ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૫૮ વધીને બંધમાં ૪૭,૯૧૦ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદી બે દિવસમાં ૫૫૦૦ વધી

ચાંદીના ભાવ શુકવારે ૨૭૦૨ રૂપિયા વધ્યા પછી ગઈ કાલે પણ ૪૯,૫૧૧ થઈ ગયા હતા જે ગઈ કાલના દિવસમાં ૨૮૦૯ રૂપિયા પ્રતિ કિલોની વૃદ્ધિ દર્શાવે છે, પણ સોનાની પાછળ એ પણ ઘટી ૪૭,૬૨૮ રૂપિયા થઈ ગયું હતું. ચાંદીના ભાવ પણ વિક્રમી સપાટી તરફ આગળ વધી રહ્યા છે. રેફરન્સ રેટમાં ચાંદી ૩૦૮૫ ઊછળી પ્રતિ કિલો ૪૮,૧૨૦ રૂપિયા રહી છે.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૪૭,૧૯૦ ખૂલી, ઉપરમાં ૪૮,૯૮૦ અને નીચામાં ૪૭,૧૯૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૨૧૦૬ વધીને ૪૮,૮૨૪ બંધ રહ્યો હતો. ચાંદી-મિની જૂન ૨૧૧૨ વધીને ૪૯,૧૭૭ રૂપિયા અને ચાંદી-માઇક્રો જૂન ૨૧૩૧ વધીને ૪૯,૨૬૬ રૂપિયા બંધ રહ્યા હતા.

કેન્દ્રના આર્થિક પૅકેજની નિરાશામાં રૂપિયો ગબડ્યો

ક્રૂડ ઑઇલના ઊંચા ભાવ, દેશના અર્થતંત્રને કોરોના વાઇરસના લૉકડાઉનની અસરથી ફરી બેઠું કરવા બજારની અપેક્ષાથી નબળા પૅકેજ અને વિદેશી સંસ્થાઓની શૅરબજારમાં સતત વેચવાલી વચ્ચે ગઈ કાલે ડૉલર સામે રૂપિયો નબળો બંધ આવ્યો હતો.

ગયા સપ્તાહે ૭૫.૫૮ની સપાટીએ બંધ રહેલો રૂપિયો આજે ૭૫.૮૫ ખૂલી વધુ ઘટી ૭૫.૯૧ની સપાટીએ બંધ રહ્યો હતો. આજના દિવસમાં એમાં ૩૩ પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો.

એશિયાઈ બજારમાં ગઈ કાલે રૂપિયો સૌથી નબળું ચલણ હતું અને હજી એના ભાવમાં ઘટાડો આવી શકે એવી આગાહી નિષ્ણાતો કરી રહ્યા છે. કેન્દ્ર સરકારના પૅકેજમાં આર્થિક રીતે સીધી માગ વધે એવી કોઈ જાહેરાત નથી એ વચ્ચે લૉકડાઉન વધુ ૧૪ દિવસ લંબાવી દેતાં આર્થિક વિકાસને અસર થશે અને એનાથી કેન્દ્રની નાણાખાધ વધશે એવી ચિંતા પણ ચલણ બજારમાં જોવા મળી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK