ગોલ્ડમાં જબરદસ્ત તેજી છે : ભાવ 50,000ની પણ પાર

Published: Jun 25, 2020, 08:23 IST | Bullion Watch | Mumbai

સોનામાં તેજી : ભારતમાં ઐતિહાસિક ૫૦,૨૩૦ રૂપિયાનો ભાવ, વૈશ્વિક વાયદો નવ વર્ષની ઊંચી સપાટીએ

ગોલ્ડ- પ્રતીકાત્મક તસવીર
ગોલ્ડ- પ્રતીકાત્મક તસવીર

બુધવારે વૈશ્વિક બજારમાં સોનાના ભાવ ૧૭૯૬ ડૉલરની ઑક્ટોબર ૨૦૧૨ પછીની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા અને તેની સાથે ભારતમાં ભાવ ૫૦,૨૩૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની ઇતિહાસની ઊંચી સપાટીએ હતા. શૅરબજારમાં એક તરફ વિક્રમી ઉછાળા આવી રહ્યા છે, અમેરિકન અર્થતંત્રના આંકડા સારા આવી રહ્યા છે છતાં સોનામાં અચાનક ઉછાળો કેમ જોવા મળી રહ્યો છે. એક, કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે અને તેમાં કોઈ રાહત મળી રહી નથી અને બીજું શૅરબજારની વિક્રમી તેજી ટકી શકે નહીં એટલે હેજિંગની વૃત્તિ જોવા મળી રહી છે.

સતત ચાર દિવસથી સોનાના ભાવમાં વૃદ્ધિ જોવા મળી રહી છે અને ૧૮૦૦ ડૉલર પ્રતિ ઔંસની ૨૦૧૧ પછીની પ્રથમ વખત ઊંચી સપાટી પાર કરવા માટે પ્રયત્ન જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસના વધી રહેલા કેસ અને ટ્રમ્પ વહીવટી તંત્ર કૅનેડા અને યુરોપ સામે ફરી ટેરિફનું શસ્ત્ર ઉગામે એવા અહેવાલ વચ્ચે તેજીનો માહોલ બની રહ્યો છે. બજારમાં સોનું વધવા માટે એવી પણ ધારણા છે કે અત્યારે લિક્વિડિટીના કારણે અર્થતંત્ર મજબૂત લાગી રહ્યા છે કે આર્થિક વિકાસ ઝડપી સુધરી જશે, હકીકતે વાઇરસના કારણે સ્થિતિ સામાન્ય થતાં સમય લાગી શકે છે.

ગત ગુરુવારે સોનાનો વાયદો ૧૭૩૧ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર બંધ રહ્યો હતો. આ પછી તેમાં સતત તેજી જોવા મળી રહી છે. આજે એક તબક્કે ભાવ ૧૭૯૬.૧૦ ડૉલરની ઊંચી સપાટી સુધી પહોંચ્યા હતા અને એમ લાગી રહ્યું હતું કે હવે તે ૧૮૦૦ ડૉલર પાર કરશે. પ્રોફિટ બુકિંગના કારણે તેમાં ઘટાડો આવ્યો હતો. મંગળવારે સોનાનો ઑગસ્ટ વાયદો ૦.૮ ટકા વધી ગયો હતો અને તા. ૪ ઑક્ટોબર ૨૦૧૨ પછીની ઊંચી સપાટીએ હતો.

અત્યારે સોનું ઑગસ્ટ વાયદો ૦.૨૦ ટકા કે ૩.૫૦ ડૉલર ઘટી ૧૭૭૮.૮૦ ડૉલર અને હાજરમાં ૦.૦૬ ટકા કે ૧.૧૧ ડૉલર વધી ૧૭૬૯.૫૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. ધારણા કરતાં ઉદ્યોગો સાથે વધારે જોડાયેલી હોવાથી અને આર્થિક મંદી વધારે વિકરાળ બનશે એવી આઇએમએફની આગાહી બાદ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ચાંદી વાયદો ૨.૪૨ ટકા કે ૪૪ સેન્ટ તૂટી ૧૭.૮૦ ડૉલર અને હાજરમાં ૧.૫૮ ટકા કે ૨૮ સેન્ટ ઘટી ૧૭.૬૬ ડૉલર પ્રતિ ઔંસ છે.

શૅરની સાથે સોનું કેમ વધે છે?

છેલ્લા એક મહિનાથી શૅરબજારમાં તેજી વચ્ચે પણ સોનું વધી રહ્યું છે તે એક અસામાન્ય ઘટના છે. સામાન્ય રીતે આર્થિક મંદી કે જોખમી શૅરમાં ખરીદી આવે ત્યારે સલામત ગણાતું સોનું ઘટે છે અને જ્યારે શૅરોમાં ઘટાડો જોવા મળે ત્યારે સલામતીની વૃત્તિના કારણે સોનામાં વૃદ્ધિ જોવા મળે છે. જોકે માર્ચમાં શૅરના કડાકા વચ્ચે સોનું ઘટ્યું હતું અને ત્યારે શૅર વધી રહ્યા છે છતાં તે વધી રહ્યું છે. જોકે ટ્રેડર્સ જણાવી રહ્યા છે કે વાઇરસના વધતા કેસના જોખમ વચ્ચે શૅરબજારની તેજી ટકી શકે એમ નહીં હોવાથી સંભવ છે કે હેજિંગ કરી નફોને સોનામાં રોકાણ કરી સુરક્ષિત થવાની વૃત્તિના કારણે અત્યારે બન્ને સાથે વધી રહ્યા છે.  

ભારતમાં સોનું હાજરમાં ૫૦,૨૫૦ રૂપિયાની વિક્રમી સપાટીએ બંધ

બુધવારે વૈશ્વિક બજારમાં સોનાના ભાવ ૧૭૯૬ ડૉલરની સાત વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા અને ડૉલર સામે રૂપિયો નબળો પડી જતાં ભારતમાં ભાવ સર્વકાલીન ઊંચી સપાટીએ જોવા મળ્યા હતા. ભારતમાં અમદાવાદ અને મુંબઈ ખાતે સોનું ૫૦,૨૩૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની સપાટી પાર કરી બંધ આવ્યું હતું જે આ ધાતુના ઇતિહાસમાં સૌથી ઊંચા ભાવ છે. હાજર બજારમાં મુંબઈ ખાતે સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૬૦ ઊછળી ૫૦,૨૩૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૪૪૫ વધી ૫૦,૨૫૫ રૂપિયાની સપાટીએ બંધ આવ્યું હતું.

એમસીએક્સ સોનું ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૮,૩૩૩ ખૂલી, ઉપરમાં ૪૮,૫૮૯ અને નીચામાં ૪૮,૨૪૨ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૮૦ વધીને ૪૮,૪૧૨ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જૂન કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૨૬૫ વધીને ૮ ગ્રામદીઠ ૩૮,૭૯૨ અને ગોલ્ડ-પેટલ જૂન કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૨૪ વધીને ૧ ગ્રામદીઠ ૪૯૩૧ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની જુલાઈ વાયદો ૧૦ ગ્રામદીઠ ૯૮ વધીને બંધમાં ૪૮,૨૮૪ રૂપિયાના ભાવ રહ્યા હતા.

હાજરમાં ચાંદીના ભાવ ૯૦ ઘટી ૪૯,૯૦૦ અને અમદાવાદ ખાતે ૬૦ ઘટી ૪૯,૮૭૦ રૂપિયા રહ્યા હતા. એક તબક્કે ચાંદીના ભાવ પણ ૫૦,૨૦૦ની સપાટીને પાર હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૮,૭૧૩ ખૂલી, ઉપરમાં ૪૮,૯૩૨ અને નીચામાં ૪૮,૪૬૨ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૨૪૮ ઘટીને ૪૮,૫૩૬ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની જૂન ૨૯૩ ઘટીને ૪૮,૬૭૩ અને ચાંદી-માઇક્રો જૂન ૩૬૪ ઘટીને ૪૮,૬૨૯ રૂપિયા બંધ રહ્યા હતા.

રૂપિયાનો દિવસનો સુધારો, શૅરબજારની વેચવાલીમાં ધોવાયો

વૈશ્વિક બજારમાં બે દિવસના ઘટાડા બાદ ફરી ડૉલર બુધવારે વધતો જોવા મળ્યો હતો. છ વૈશ્વિક ચલણો સામે ડૉલરનું મૂલ્ય નક્કી કરતો ડૉલર ઇન્ડેક્સ અત્યારે ૦.૨૯ ટકા વધી ૯૬.૮૮૫ની સપાટી ઉપર છે. રોકડ માટે સલામત ગણાતા ચલણમાં જાપાનનો યેન ડૉલર સામે નબળો છે પણ અન્ય ચલણો જેમ કે પાઉન્ડ, યુરો સામે વધેલો છે. ડૉલર અને યેનની આ મજબૂતી દર્શાવે છે કે ભલે લાંબાગાળા માટે નહીં પણ અત્યારે જોખમી અક્સ્યામતોથી રોકાણકાર દૂર થઈ રહ્યો છે.

શૅરબજારમાં ઘટાડો અને વૈશ્વિક રીતે મજબૂત ડૉલરના કારણે ભારતીય રૂપિયો આજે ડૉલર સામે દિવસનો ઉછાળો પચાવી શક્યો નહોતો અને આગલા બંધથી ઘટીને બંધ આવ્યો હતો. મંગળવારે ૭૫.૬૬ની સપાટીએ બંધ આવેલો રૂપિયો આજે વધીને ૭૫.૬૧ ખૂલ્યો પણ પછી યુરોપ, એશિયા અને ભારતીય શૅરમાં જોવા મળેલા ઘટાડા સાથે ૭૫.૭૨ની નીચી સપાટીએ બંધ રહ્યો હતો જે આગલા દિવસની સપાટી કરતાં છ પૈસાનો ઘટાડો સૂચવે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK