બિટકોઇનમાં આગઝરતી તેજી - રૂપિયો સુધર્યો

Published: 23rd November, 2020 12:27 IST | Biren Vakil | Mumbai

વૅક્સિનના આશાવાદ અને અમેરિકી રાજકીય ઘમાસાણથી બજારોમાં અજંપો

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં કોરોના પ્રકોપ ફરી વધ્યો છે, ભારતમાં પણ અમુક રાજ્યમાં ફરી કેસ વધ્યા છે. અમુક રાજ્યમાં ફરી નાઇટ કરફ્યુ આવ્યો છે. ફાઇઝર અને મોર્ડનાની કોવિડ વૅક્સિન ૯૫ ટકા જેવી અસરકારક હોવાના દાવા અને ફાઇઝરની વૅક્સિન આવતા બે માસમાં મળશે એવા આશાવાદે બજારોમાં એક જાતની રાહત છે. ક્રિપ્ટોકરન્સી બિટકોઇનમાં જોરદાર તેજી આવી છે. બિટકોઇન ૧૪૭ ટકા વધીને ૪૦૦૦ ડૉલરથી વધીને ૧૮,૭૦૦ ડૉલર નજીક પહોંચ્યો છે. વિશ્વના સૌથી મોટા મની મેનેજર બ્લૅક રોકે કહ્યું છે કે બિટકોઇન કદાચ સોનાને સૅફ હેવન તરીકે રિપ્લેસ કરી શકે. જોકે એવા જ એક મોટા હેજફન્ડ બ્રિજવોટર હાઉસના વડા રે ડાલિયો બિટકોઇનને હજી શંકાની નજરે જુએ છે. બિટકોઇનના આરંભથી જ એમાં અસાધારણ મોટી તેજી-મંદી આવ્યા કરે છે. બિટકોઇન પાછળની ટેક્નૉલૉજી પ્લોકચેઇનને હેકિંગ પ્રૂફ હોવાના દાવા કરાયા છે, પણ અનેક બિટકોઇન હૅક થયા છે અને ચોરાઈ ગયાના કિસ્સા બન્યા છે. સોનાનો ઇતિહાસ ૫૦૦૦ વર્ષ જૂનો છે અને બિટકોઇનનો ઇતિહાસ ૨૦ વર્ષ જૂનો છે. બિટકોઇન રેગ્યુલેશન અંગે હજી વિવિધ સરકારોનાં વલણો અસ્પષ્ટ છે. અમેરિકામાં ફેડ પોતાનો ડિજિટલ કોઇન ફેડકોઇન લોન્ચ કરવા ધારે છે. ફેસબુકનો મહત્વાકાંક્ષી કોઇન પ્રોજેકટ લીબ્રા પણ વિરોધનો સામનો કરી રહ્યો છે. સરકારો બિટકોઇનના પ્રભુત્વને સ્વીકારી શકશે કે કેમ એ મોટો પ્રષ્ન છે. જોકે સામાજિક તનાવ અને રાજકીય અરાજકતા તેમ જ પ્રાઇવેટ વેલ્થ પર સરકારોની મેલી નજરને કારણે ઘણા સુપરરિચ લોકો, ટૅક્સસેવી લોકો બિટકોઇનમાં નાનું મોટું રોકાણ કરી રહ્યા છે. માર્ચમાં બિટકોઇન ૪૦૦૦ ડૉલર હતો અને હાલમાં ૧૮,૦૦૦ ડૉલર છે. વિકસિત દેશોમાં બેસુમાર લિક્વિડિટી છે. ફંડ-મેનેજર્સ, બૅન્કો અને હાઈ નેટવર્થ રોકાણકારોની જોખમ લેવાની ક્ષમતા પણ પારાવાર વધી છે. સ્માર્ટ મની, ડર્ટી મની, હવાલા, તમામ જાતનાં નાણાં ડિજિટલ એસેટ્સમાં આવી રહ્યા છે. સોનાની તુલનાએ બિટકોઇનનો બીટા ( તેજી-મંદીની તીવ્રતા) અનેક ગણો વધારે હોઈ બેઉ વચ્ચે સરખમાણી વાજબી નથી. સલામતીમાં બેશક સોનું મેદાન મારી જાય.
દરમ્યાન અમેરિકાની વાત કરીએ તો રાજકીય ઘમાસાણ હજી ચાલુ છે. કોરોના વધતા ફરી અનેક નિયંત્રણો આવ્યાં છે. ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડન ૫૫ લાખથી વધુ મતોથી જીત્યા છે, પણ ટ્રમ્પ હજી હાર માનતા નથી અને પ્રેસિડન્ટ ઇલેક્ટ ટીમને સહયોગ આપતા નથી. બેઉ પક્ષો વચ્ચેની લડાઈમાં સ્ટિમ્યુલસ અટવાયું છે. અનેક રોજગારીઓ ખતરામાં આવી ગઈ છે. આગામી ૧૪ ડિસેમ્બરે ઇલેક્ટોરલ કૉલેજ સત્તાવાર વિજેતા જાહેર કરશે. એ ઉપરાંત જ્યૉર્જિયામાં ૫ જાન્યુઆરીએ બે સૅનેટરની ચૂંટણી છે એ સૅનેટના કબજા માટે ગેમ ચેન્જર બને એમ છે. નવા પ્રમુખે ૨૦ જાન્યુઆરીએ શપથ લેવાના હોય છે. ટ્રમ્પે ચૂંટણીને પડકારતા ઘણા કેસ દાખલ કર્યા છે પણ એમને અદાલતમાં સફળતા મળતી નથી.
ડૉલર ઇન્ડેક્સ દિશાહીન દેખાઈ રહ્યો છે. ડૉલેક્સની રેન્જ ૯૨.૫૦-૯૪.૫૦ જેવી, અત્યંત સિમિત રેન્જ થઈ ગઈ છે. યુરો અને પાઉન્ડ પણ સુસ્ત રહ્યા છે. શૅરબજારોમાં ઊંચા મથાળે થોડી વેચવાલી આવી રહી છે. યુરોપ અને અમેરિકામાં કોરોના કેસનો સેકન્ડ વૅવ વકર્યો છે. જોકે વૅક્સિનના આશાવાદને કારણે શૅરબજારો વધ્યાં છે. બજારને સૌથી મોટી ચિંતા સેકન્ડ લૉકડાઉનની છે. બાઇડન સત્તાવાર રીતે લૉકડાઉનની ના કહે છે, પણ રાજકારણીઓ માટે અભી બોલા અભી ફોક કોઈ નવી વાત નથી.
કરન્સી બજારોની વાત કરીએ તો રૂપિયો થોડો સુધર્યો છે. શુક્રવારે રૂપિયો ૭૪.૧૫ બંધ હતો. વપરાશી ફુગાવો સતત સાતમા મહિને વધીને ૭.૫ ટકા રહ્યો છે. ફુગાવો, સેકન્ડ લૉકડાઉનની ભીતિ અને વધતી જતી રાજકોષીય ખાધને અવગણી રૂપિયો વિદેશી મૂડીરોકાણની તેજીને કારણે ઘટતો નથી. એકંદરે બજારમાં રાજકીય, આર્થિક, વૅક્સિન ક્યારે આવશે, કોરોના લૉકડાઉનનું શું થશે, એમ અનેક જાતની અચોક્કસતા છે. સોના-ચાંદીમાં સીમિત કારોબાર છે. મેટલમાં તેજી છે. ઇમર્જિંગ બજારોમાં ઇન્ડોનેશિયા બૉન્ડ સ્ટાર પરફોર્મર છે. ભારતીય બૉન્ડનો દેખાવ ઘણો નબળો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK