Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વીતેલા પાંચેપાંચ દિવસ લાભ પાંચમ હવે બજારની નજર પૅકેજ પર

વીતેલા પાંચેપાંચ દિવસ લાભ પાંચમ હવે બજારની નજર પૅકેજ પર

09 November, 2020 02:21 PM IST | Mumbai
Jayesh Chitalia

વીતેલા પાંચેપાંચ દિવસ લાભ પાંચમ હવે બજારની નજર પૅકેજ પર

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વીતેલું સપ્તાહ યુએસ ઇલેક્શન અને એનાં સંભવિત પરિણામ પર નજર કરતાં-કરતાં આગળ વધ્યું હતું. આ ચૂંટણીમાં પ્રેસિડન્ટ તરીકે ટ્રમ્પ કરતાં બાઇડન આગળ હોવાના અહેવાલની સાથે-સાથે ભારતીય બજાર અને ગ્લોબલ માર્કેટ ઊંચા ગયાં હતાં, ખાસ કરીને ભારતીય માર્કેટનો સેન્સેક્સ પાંચેપાંચ દિવસ ઊંચાઈ તરફ રહીને કુલ ૨૨૦૦ પૉઇન્ટથી વધુ ઉપર વધી ગયો હતો, જે એના કોવિડ-19 પહેલાંના ઊંચા લેવલથી હવે બહુ દૂર નથી. દરમ્યાન ભારતીય અર્થતંત્રના સંકેત પણ માર્કેટને ઊંચે લઈ જવામાં નિમિત્ત બન્યા હતા. વડા પ્રધાન-નાણાપ્રધાનનાં નિવેદનો રિવાઇવલ અને આર્થિક સુધારાના નિર્દેશ કરતાં રહ્યાં છે.

આર્થિક રિકવરીને સમર્થન
આર્થિક રિકવરીના સંકેત સમય સાથે વધુ ગતિ ધારણ કરી રહ્યા હોવાનું જોવાય છે. ઑક્ટોબર મહિનામાં જીએસટીનું કલેક્શન એક લાખ કરોડ રૂપિયા ઉપર પહોંચ્યું એ એનું મહત્ત્વનું ઉદાહરણ ગણી શકાય. આ કલેક્શનનો આંકડો છેલ્લે ફેબ્રુઆરીમાં નોંધાયો હતો. બીજી બાજુ, ફાઇનૅન્સ સેક્રેટરીએ સ્ટ્રેસ્ડ સેકટર્સને રિવાઇવલ કરવામાં મદદરૂપ થવા માટે ખાતરી આપી છે. આવા સેકટરમાં હૉસ્પિટાલિટી, ટૂરિઝમ સમાન સેકટરનો સમાવેશ થાય છે. દરમ્યાન ઑક્ટોબરમાં પરચેઝ મૅનેજર્સ ઇન્ડેકસમાં સતત ત્રીજા મહિને સુધારો નોંધાતાં રિકવરીને વધુ સમર્થન પ્રાપ્ત થયું છે. ઈ-વે બિલમાં ધરખમ વધારો થયો છે, ઔદ્યોગિક ઉત્પાદનમાં સતત ત્રીજા મહિને વૃદ્ધિ થઈ, નોમુરા બિઝનેસ રિઝમ્પશન ઇન્ડેક્સમાં વધારો થયો છે. આર્થિક રિકવરીના આંકડાકીય પુરાવા સતત સામે આવી રહ્યા છે.



રિલાયન્સનો કડાકો ચર્ચામાં
ગયા સોમવારે માર્કેટ ફલૅટ ખૂલીને સાધારણ વધઘટ સાથે આગળ વધ્યું હતું. યુએસ ઇલેક્શનના પરિણામની અનિશ્ચિતતાની તલવાર લટકતી હોવાથી સાવચેતીનો માહોલ હતો. જોકે માર્કેટ સોમવારે શરૂમાં તૂટવાનું કારણ મુખ્યત્વે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના તૂટેલા ભાવ હતા, એનાં ક્વૉટરલી પરિણામો નિરાશાજનક રહેતાં આમ થયું હતું કે પછી માર્કેટમાં રિલાયન્સના શૅરમાં મોટેપાયે વેચવાલી થઈ હતી, જેને લીધે સોમવારે રિલાયન્સ સતત ચર્ચાના કેન્દ્રમાં હતો. જોકે બજાર અંતમાં પ્લસ રહ્યું હતું. સેન્સેક્સ ૧૪૬ પૉઇન્ટ અને નિફ્ટી ૨૬ પૉઇન્ટ વધીને અનુક્રમે ૩૯,૭૫૭ અને ૧૧,૬૬૯ બંધ રહ્યા હતા. આ વધારામાં બૅન્કિંગ-ફાઇનૅન્સ સ્ટૉક્સમાં લેવાલીનો મોટો ફાળો હતો. મંગળવારે તો માર્કેટે શરૂઆત જ પૉઝિટિવ કરી હતી. યુએસ ઇલેક્શનના સંકેતને આધારે તેમ જ અન્ય પૉઝિટિવ પરિબળોને પરિણામે સેન્સેક્સ અંતમાં ૫૦૩ પૉઇન્ટ અને નિફ્ટી ૧૪૪ પૉઇન્ટ વધીને બંધ રહ્યા હતા.


ભારતે સ્ટિમ્યુલસ આપવાની જરૂર
બુધવારે પણ માર્કેટે શરૂઆત તો પૉઝિટિવ કરી હતી. જોકે માર્કેટની નજર યુએસ ઇલેક્શન પર જ હતી. બપોરથી માર્કેટ પૉઝિટિવમાંથી નેગેટિવ થવા લાગ્યું હતું, પરંતુ અંતમાં સેન્સેક્સ ૩૫૫ પૉઇન્ટ વધીને અને નિફ્ટી ૯૫ પૉઇન્ટ વધીને ૧૨,૦૦૦ નજીક પહોંચી ગયા હતા. સિલેકટેડ મિડ કૅપ સ્ટૉક્સમાં ક્યાંક કરન્ટ જોવાયો હતો. દરમ્યાન આઇએમએફનાં ચીફ ઇકૉનૉમિસ્ટ ગીતા ગોપીનાથે કરેલા નિવેદન મુજબ ભારત સરકારે મોટેપાયે ફિસ્કલ સ્ટિમ્યુલસ આપવાની જરૂર છે.

યુએસ ઇલેક્શનના સંકેતથી ઉછાળો
ગુરુવારે માર્કેટનો સુધારો સંગીનપણે આગળ વધ્યો હતો. અમેરિકાની પ્રેસિડન્ટ ચૂંટણીના પરિણામના સંકેતને પગલે બજારને જાણે જબરદસ્ત બૂસ્ટ મળી રહ્યું હોય એમ સેન્સેક્સ અને નિફ્ટી મોટા ઉછાળા સાથે નવી ઊંચાઈ હાંસલ કરવા તરફ આગળ વધ્યા હતા. સેન્સેક્સ ૭૨૪ પૉઇન્ટના કૂદકા સાથે ૪૧,૩૪૦ બંધ આવ્યો અને નિફ્ટી ૨૧૧ પૉઇન્ટના કૂદકા સાથે ૧૨,૧૨૦ બંધ થયો હતો. માર્કેટ સતત યુએસ ઇલેક્શનના રિઝલ્ટને ફૉલો કરતું હતું, જેમાં બાઇડન ટ્રમ્પ કરતાં આગળ હતા. અર્થાત્ ટ્રમ્પની હારને સ્વીકારીને ભારતીય માર્કેટ હોશભેર આગળ વધતું પ્રી-કોવિડના સ્તરે આવી ગયું હતું. અર્થાત્ ૨૦૨૦માં કોવિડ-19 બાદ જે મૂડીધોવાણ થયું હતું એ રિકવર થઈ ગયું હતું.


લૉન્ગ ટર્મ ગ્રોથ સ્ટોરી
શુક્રવારે માર્કેટ ફરી જોમમાં રહ્યું હતું અને સતત ઉછાળા સાથે સેન્સેક્સ ૪૨,૦૦૦ની નજીક અને નિફ્ટી ૧૨,૨૦૦ની પાર પહોંચી ગયો હતો. ફૉરેન ઇન્વેસ્ટરોની આ દિવસોમાં આક્રમક ખરીદી રહી હતી. ગુરુવારે યુએસ અને યુરોપ માર્કેટ પણ વધ્યાં હતાં, જેની અસર શુક્રવારે ચાલુ રહી હતી. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે ૧૫૦ અબજ પાઉન્ડના સ્ટિમ્યુલસ પૅકેજની જાહેરાત કરી હતી. ટેક શૅરો તેજીમાં આવી ગયા હતા. ભારતીય માર્કેટમાં બૅન્ક-ફાઇનૅન્સ સ્ટૉક્સનો તેજીનો કરન્ટ ચાલુ રહ્યો હતો. દરમ્યાન ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ ઇન્વેસ્ટરો સાથે વર્ચ્યુઅલ રાઉન્ડ ટેબલ મીટિંગ કરીને તેમને ભારતમાં રોકાણ માટે આમંત્રણ આપ્યું હતું, તેમના કહેવા મુજબ ભારત ગ્લોબલ ઇન્વેસ્ટરોને ડેમોક્રૅસી, ડેમોગ્રાફી, ડિમાન્ડ અને ડાઇવર્સિટી ઑફર કરતો દેશ છે. ભારત તેમને વિશ્વસનિયતા સાથે વળતર આપી શકે છે.

પ્રૉફિટ બુકિંગનો સમય
શુક્રવારે બજાર સતત તેજીતરફી ટ્રેન્ડ સાથે અને એમાં થોડા કરેક્શન સાથે સેન્સેક્સને ૫૫૩ પૉઇન્ટ અને નિફ્ટીને ૧૪૩ પૉઇન્ટ ઊંચે લઈ ગયું હતું, અંતમાં સેન્સેક્સ ૪૧,૮૯૩ અને નિફ્ટી ૧૨,૨૬૩ બંધ રહ્યા હતા. ૨૦૨૦ની આ રૅલી મુખ્યત્વે ફાર્મા અને આઇટી સેકટરને કારણે હતી, જેને મહામારીમાં સૌથી વધુ બિઝનેસનો લાભ થયો હતો. બજારના ઉછાળામાં બેન્ચમાર્ક ઇન્ડેક્સ ઉપરાંત સ્મૉલ અને મિડ કૅપ ઇન્ડેક્સ પણ નોંધપાત્ર વધ્યા હતા. માર્કેટ કૅપ હવે નવી ઊંચાઈ પર પહોંચી ગયું છે.શે. જોકે છેલ્લા અમુક જ દિવસોમાં સતત વધેલા બજારમાં આ નવા સપ્તાહમાં દિવાળીના ઉત્સાહ વચ્ચે પ્રૉફિટ બુકિંગ થઈ શકે. 

યુએસ ચૂંટણીનાં પરિણામ કરતાં પૅકેજ વધુ મહત્ત્વનું
યુએસ ઇલેક્શનનાં પરિણામ ભારતીય અર્થતંત્ર, બજાર, વેપાર, રાજકારણ વગેરે પર અસર કરશે. નિષ્ણાતોમાં આ મામલે ભિન્ન મત છે. અમુક વર્ગ ટ્રમ્પની જીતને ભારતની ફેવરમાં માને છે, જ્યારે બીજો વર્ગ બાઇડન સત્તા પર આવવાથી ભારતને વેપારલાભ થવાની શકયતા જુએ છે. એક વર્ગ એવો પણ છે જે માને છે કે પ્રેસિડન્ટ કરતાં પણ વધુ મહત્ત્વની બાબત હાલ યુએસ સ્ટિમ્યુલસ પૅકેજ ક્યારે અને કેવું જાહેર થાય છે એના પર બજાર રિએક્ટ કરશે. અલબત્ત, ટ્રમ્પનું પુનઃ આગમન થાય તો નીતિઓનું સાતત્ય જળવાઈ રહે એવું બને. બાકી બાઇડનના આવવાથી નીતિવિષયક ફેરફાર નિશ્ચિત મનાય છે, જેની શૉર્ટ ટર્મ અસર માટે તૈયાર રહેવું પડે. આ લખાય છે ત્યારે યુએસ પ્રેસિડન્ટની ચૂંટણીમાં ટ્રમ્પ કરતાં બાઇડન આગળ હોવાના અહેવાલને બજારે વધાવી લીધો છે. જોકે આ મામલે હાલ અમેરિકામાં કાનૂની વિવાદ ઊભા થવાની શક્યતા પણ ઊભી છે. જ્યારે કે ભારતમાં શૅરબજારમાં યુએસ ચૂંટણીની અનિશ્ચિતતા દૂર થતાં નવું જોમ આવતાં સેન્સેક્સ અને નિફ્ટી પ્રી-કોવિડના લેવલ ઉપર આવી ગયા છે. દિવાળી આસપાસ બજાર નવું હાઈ લેવલ હાંસલ કરે એવી શક્યતા વધી છે. ભારતમાં આર્થિક પ્રવૃ‌ત્ત‌િઓ પણ વેગ પકડી રહી હોવાથી અર્થતંત્રના સુધારા માટેની આશા વધી છે.

Whatsapp-channel Whatsapp-channel

09 November, 2020 02:21 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK