Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > માર્કેટ ઇન્ડેક્સ સતત ઊંચે જાય તો ચેતજો, કારણ કે તેજીનો પાયો નબળો છે

માર્કેટ ઇન્ડેક્સ સતત ઊંચે જાય તો ચેતજો, કારણ કે તેજીનો પાયો નબળો છે

11 November, 2019 04:25 PM IST | Mumbai
Jayesh Chitalia

માર્કેટ ઇન્ડેક્સ સતત ઊંચે જાય તો ચેતજો, કારણ કે તેજીનો પાયો નબળો છે

માર્કેટ ઇન્ડેક્સ સતત ઊંચે જાય તો ચેતજો, કારણ કે તેજીનો પાયો નબળો છે


સરકાર સતત આર્થિક સુધારાનાં પગલાં ભરવા માંડી છે, હજી ભરતી રહેશે એવી આશાએ બજારની તેજીનો દોર ચાલી રહ્યો છે. જોકે આમાં આશાવાદ જ વધુ છે, નક્કરતા ઓછી છે એ માટે માત્ર વાયદા અને વચનની આશાએ ઘેલા થઈ જતા નહીં. અમલ મહત્ત્વનો છે એ યાદ રાખજો. પ્રૉફિટ-બુકિંગ આવવું જ જોઈએ. સળંગ તેજી ચાલે તો ચેતવા જેવું હશે.

ગત સપ્તાહે પહેલા દિવસે માર્કેટે પોઝિટિવ ટ્રેન્ડ ચાલુ રાખ્યો હતો
ગયા સપ્તાહમાં પ્રથમ દિવસે માર્કેટે પૉઝિટિવ ટ્રેન્ડનો દોર ચાલુ રાખ્યો હતો. સેન્સેક્સ ૧૩૭ પૉઇન્ટના વધારા સાથે ૪૦૩૦૦ ઉપર બંધ રહ્યો હતો, જ્યારે નિફટી ૫૧ પૉઇન્ટના સુધારા સાથે ૧૧૯૪૦ પહોંચી ગયો હતો. સોમવારે બજારમાં યુએસ-ચીન ટ્રેડ ઍગ્રીમેન્ટની પૉઝિટિવ અસર છવાઈ હતી તેમ જ સારા ક્વૉર્ટરલી પરિણામની પણ અસર હતી. બજારના સુધારાનો આ સળંગ સાતમો દિવસ હતો. મંગળવારે બજારે ટર્ન લીધો અને સાધારણ નીચે ઊતર્યું હતું. સેન્સેક્સ ૫૪ પૉઇન્ટ અને નિફટી ૨૪ પૉઇન્ટ માઇનસ થયા હતા. ગ્લોબલ સારા સંકેત છતાં અહીં બજાર ડાઉન થવાનું કારણ પ્રૉફિટ-બુકિંગ હતું. જો કે સર્વિસ ઉદ્યોગનો ગ્રોથ ઑક્ટોબરમાં નીચો રહ્યો હોવાનું નેગેટિવ પરિબળ પણ હતું. આમ પણ સાત દિવસની સતત પૉઝિટિવ ચાલ બાદ બજારને કરેક્શનની જરૂર હતી જ. નિષ્ણાતોના મતે બજાર હાલમાં કૉન્સોલિડેશનના તબક્કામાં પ્રવેશી રહ્યું હોવાથી આ ટ્રેન્ડ દર્શાવે છે. બજાર પાસે હાલમાં કોઈ ટ્રિગર નથી. માર્કેટને હવે સરકાર તરફથી નવા પગલાની અપેક્ષા છે અથવા ગ્લોબલ સ્તરે પૉઝિટિવ ડેવલપમેન્ટની આશા છે.


બુધવારે પણ બજારે શરૂઆત કરેક્શનથી જ કરી, કિન્તુ પછીથી બજાર પૉઝિટિવ બની, અંતમાં સેન્સેક્સ ૨૨૧ પૉઇન્ટની વૃદ્ધિ સાથે ૪૦૪૬૯ બંધ, જ્યારે નિફટી ૪૯ પૉઇન્ટ પ્લસ સાથે ૧૧૯૬૬ પૉઇન્ટ બંધ રહ્યો હતો. સેન્સેક્સ માટે ઓલટાઈમ હાઈ લેવલ હતું. જો કે સ્થાનિક સ્તરે કોઈ પણ નક્કર ડેવલપમેન્ટ વિના વધી રહેલી માર્કેટને ધ્યાનમાં રાખતા બજારથી સાવચેત રહેવું જરૂરી છે. પ્રોફિટ બુકિંગ ગમે ત્યારે મોટેપાયે આવી શકે. ખાસ કરીને ઈન્ડેકસ વેઈટેડ સ્ટૉકસ વધે છે એ પણ નોંધવું રહ્યું.


મૂડીઝે મૂડ બગાડ્યો
ગુરુવારે બજારે સતત વધઘટ સાથે વધુ એક વાર નવું હાઈ લેવલ બનાવ્યું હતું. સેન્સેક્સ ૧૮૪ પૉઇન્ટ અને નિફટી ૪૬ પૉઇન્ટના વધારા સાથે ૧૨ હજાર ઉપર બંધ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ ૪૦૬૦૦ ઉપર બંધ રહ્યો હતો. યુએસ-ચીન વેપારયુદ્ધ શાંતિ-સમાધાન તરફ વળી રહ્યો હોવાના અહેવાલે આ સુધારો નોંધાયો હતો. શુક્રવારે બજારે ફરીવાર વોલેટિલિટી દર્શાવી હતી. જો કે  ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે છ અગ્રણી ભારતીય નાણાં સંસ્થાઓના આઉટલૂક નેગેટિવ કરતા  બજારનો મૂડ ખરાબ થયો હતો. અલબત્ત, એકધારા વધેલા બજારને કરેક્શનની જરૂર હતી એ થયું. પ્રોફિટ બુકિંગે પણ આ કરેક્શનમાં ભાગ ભજવ્યો હતો. સેન્સેક્સ ૩૩૦ પૉઇન્ટ માઈનસ અને નિફટી ૧૦૪ પૉઇન્ટ માઈનસ થઈ ૧૨ હજાર નીચે ૧૧૯૦૮ બંધ રહ્યો હતો. સેન્સેક્સ ૪૦૩૨૩ બંધ રહ્યો હતો.


હવેના સપ્તાહમાં શું ?
બજારની નજર હવે હોલસેલ અને રિટેલ ઈન્ફ્લેશન (ફુગાવા)ના તેમ જ ઔદ્યોગિક ઉત્પાદનના ડેટાની જાહેરાત પર રહેશે. આ ડેટા ઈકૉનૉમિની સ્થિતિનો કંઈક અંશે નિર્દેશ કરશે. તેની અસર ટૂંકા ગાળાની રહેશે. જો કે આગામી ૧૨ મહિનામાં નિફ્ટી ૧૨૭૦૦થી ૧૩૦૦૦ આસપાસ પહોંચવાનો અંદાજ મુકાઈ રહ્યો છે. આ સપ્તાહમાં પણ વધઘટના ટ્રેન્ડ સાથે બજારમાં સેન્ટિમેન્ટ પૉઝિટિવ રહેવાની ધારણા છે. બજાર વધુ પડતું વધી ગયું છે, જેનું કારણ સેન્ટિમેન્ટ ઉપરાંત ફોરેન ઈન્વેસ્ટરોની ખરીદી છે. બાકી સરકાર પાસેથી પ્રોત્સાહક પગલાનો આશાવાદ છે. આ સંજોગોમાં મોટા ઘટાડામાં નાની-નાની ખરીદી સિલેક્ટિવ ધોરણે કરાય, બાકી ઊંચા ભાવે પડાય નહીં.


આર્થિક સાથે સામાજિક-રાજકીય સમસ્યા
બૅન્ક એનપીએને કારણે બૅન્કોના ધિરાણ અટકી ગયા છે, નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓ સતત ક્રાઇસિસમાં છે, પ્રવાહિતાની સમસ્યા વધતી ગઈ છે. તેમાં વળી દિવાન હાઉસિંગ, એચડીઆઇએલ, આઇએલએફએસ વગેરેની ગરબડથી શરૂઆત થઈ, જે પીએમસી બૅન્ક સહિત અન્ય બૅન્કો સુધી વિસ્તરતી રહી છે. નાણાપ્રધાન અને રિઝર્વ બૅન્ક ગવર્નરે તાજેતરમાં મિટિંગ કરીને ઈકૉનૉમીના વર્તમાન સંજોગોના તાગની ચર્ચા કરી હતી. અર્થાત્, સરકાર અર્થતંત્રના  મામલે ગંભીર બનતી જાય છે એવું અનુમાન થઈ શકે. કિંતુ સરકાર એ પછી કેવાં નક્કર પગલાં  અમલમાં મૂકે છે એ જોવું સૌથી વધુ મહત્ત્વનું બને છે. આર્થિક વિકાસદર નીચો જ છે, માત્ર વાતો-વચનોથી તે ઊંચે જશે નહીં. આર્થિક ક્ષેત્રે અઢળક સમસ્યા ઊભી છે અને તેના ઈલાજ સીમિત થઈ રહ્યા છે. બીજી બાજુ દેશમાં રાજકીય અને સામાજિક સમસ્યા પણ સતત વધી રહી છે. વર્તમાન રોજગારી છિનવાઈ રહી છે, નવી રોજગારીનું સર્જન સાવ સીમિત છે.

કરવેરાની રાહતો બજારનું બૂસ્ટ
નાણાપ્રધાને જે કરરાહત કૉર્પોરેટ સેકટરને આપી છે એને કારણે આશરે ૬૦ ટકા કંપનીઓ નીચા વેરામાળખામાં આવી જશે. આશરે ત્રણ લાખ કંપનીઓ હવે પછી ૨૨ ટકાના ટૅક્સ સ્લેબમાં આવી જશે, જે  હાલમાં ૨૫થી ૩૦ ટકાના સ્લેબમાં છે. વાસ્તવમાં અસરકારક ટૅક્સ રેટ ૩૪.૯૪ ટકા છે તે ૨૫.૧૭ ટકા થઈ જશે. અલબત્ત, આ નવા દરનો લાભ એ કંપનીઓને મળશે જે તેમને મળતા પ્રોત્સાહન અને મુક્તિ છોડવાનું સ્વીકારશે. નાણાપ્રધાને મિનિમમ ઓલ્ટરનેટિવ ટૅક્સ (મૅટ) પણ ૧૮.૫ ટકાથી ઘટાડી ૧૫ ટકા કર્યો છે. નવા એકમો માટે તો ૧૫ ટકા જેવો ટૅક્સ જ રાખ્યો છે. આ ઉપરાંત સરકાર હવે પછી બજેટમાં અથવા બજેટ પૂર્વે વધુ કરરાહતો લાવવાની છે, જેમાં ખાસ કરીને મૂડીબજાર કેન્દ્રમાં રહેશે. આમ આગામી દિવસોમાં કરરાહતો કૉર્પોરેટ સેકટર તેમ જ મૂડીબજારને વેગ તથા બળ આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે એવું માની શકાય. ગયા સપ્તાહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વિદેશી રોકાણ આકર્ષવા અને ગ્રોથને વેગ આપવા કરવેરા બાબતે વધુ રાહત લાવવાની વાત કરી હતી.

આ પણ જુઓ : અંબાણીના આંગણે અવસરઃ જુઓ સિતારાઓથી સજ્જ પાર્ટીની તસવીરો

વ્યાજબોજનો ઘટાડો
આ ઉપરાંત રિઝર્વ બૅન્ક આગામી નાણાં નીતિમાં રેટ-કટ લાવશે એ નિશ્ચિત જણાય છે, જેનાથી પણ કંપનીઓ પરનો વ્યાજ-બોજ ઘટશે. આમ કરબોજ અને વ્યાજ-બોજ ઘટવાથી કંપનીઓની નફાશક્તિ વધી શકે છે. જેની અસર કંપનીઓની ઓવરઑલ કામગીરી પર પડશે. રોકાણકારોએ  બન્ને બાબતોનો સૌથી વધુ લાભ કઈ કંપનીઓને મળશે તેનો અભ્યાસ કરવો જોઈએ અથવા તેની જાણકારી મેળવવી જોઈએ, જે તેમને રોકાણ નિર્ણયમાં સહાયરૂપ થઈ શકે. બૅન્કો હાલ જ્યારે અવિશ્વાસના અને શંકાના દાયરામાં છે ત્યારે ઇન્વેસ્ટમેન્ટ માટે વધુ ધ્યાન ઇક્વિટી, મ્યુચ્યુઅલ ફન્ડ તરફ વધે એ સ્વાભાવિક છે. તેમાં કૉર્પોરેટ સેકટરની કામગીરી સુધારાતરફી બને તો સોનામાં સુગંધ ભળી શકે. હવે વાસ્તવિક માગ અને વપરાશ ઝડપથી વધે તેની રાહ જોવાઈ રહી છે. આ સાથે ઇન્વેસ્ટમેન્ટ પ્રવાહ ઝડપ સાથે વધે તેની પણ પ્રતીક્ષા ખરી.

રિયલ્ટીને રિયલ રાહત થશે?
નાણાપ્રધાને તાજેતરમાં જ રિયલ્ટી સેક્ટરને સહાય કરવાની જાહેરાત કરી છે, જેમાં પ્રથમ પૅકેજ તરીકે ૨૫૦૦૦ કરોડ રૂપિયા ફાળવાયા છે. આ સહાય માત્ર અટકી પડેલા તેમ જ ઇન્સૉલ્વન્સીમાં પ્રોસેસ થયેલા તેમ જ એનપીએ જાહેર થયેલા પ્રોજેક્ટસને મળશે. આ માટે સરકાર વર્તમાન કાનૂનમાં સુધારા-વધારા કરશે. આમાં હજી ઘણી શરતો ભળશે. વાસ્તવમાં તે કઈ રીતે વ્યવહારમાં મુકાય છે તેનું મહત્ત્વ છે. નાણાં ખાતું આ વિષયમાં રિઝર્વ બૅન્ક સાથે પણ વાતચીત કરી રહ્યું છે. બૅન્કો રિયલ્ટી કંપની કે તેમના પ્રોજેકટ માટે ધિરાણ આપતાં ખચકાય છે, જેથી સરકાર નવાં સાધનો કે માર્ગ વિચારે છે એવું નાણાપ્રધાને કહ્યું છે. આગામી દિવસોમાં બજેટ પૂર્વે યા બજેટમાં આ વિશેની વધુ જાહેરાતની આશા રાખી શકાય. આ સેકટરને અત્યંત રાહત અને પ્રોત્સાહનની જરૂર છે, જે વ્યાપક વર્ગને અસર કરે છે અને તેની સાથે સ્ટીલ, સિમેન્ટ સહિત અનેક વેપાર-ઉદ્યોગ સંકળાયેલા છે. બધા માટે ઘર (અફોર્ડેબલ હાઉસ) સરકારનું પણ પોતાનું મિશન છે. અલબત્ત, આ સહાય અને અન્ય પૅકેજનો અમલ કેટલો ઝડપથી  અને અસરકારક સ્વરૂપે થાય છે એ જોવું રહ્યું. માત્ર  જાહેરાતથી કેવળ સારું લાગે છે, સારું થઈ જતું નથી. અમલીકરણ સૌથી  અગત્યની બાબત છે. 



jayesh.chitalia@gmail.com


Whatsapp-channel Whatsapp-channel

11 November, 2019 04:25 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK