સેન્સેક્સ ખાતે ITC, HDFC તથા HCL ટેક્નૉલૉજીઝ જૈસે-થે બંધ હતા. નિફ્ટીમાં HCL ટેક્નૉલૉજીઝ ૧.૧ ટકા, ITC ૦.૪ ટકા તો HDFC નહીંવત ઘટી છે.
પ્રતીકાત્મક તસવીર
કૉમેડી સર્કસ અને ક્રાઇમ પૅટ્રોલવાળી આૅપ્ટિમિસ્ટિક્સ શૅરદીઠ ૧૭૫ના ભાવે આજે ૧૦૯ કરોડ રૂપિયાનો SME IPO કરશે, ૨૧ કરોડ રૂપિયા પ્રમોટર વિપુલ ડી. શાહના ઘરમાં જશે ઃ GNFCનો નફો વધીને ચારગણો થયો, શૅરનો ભાવ સવા ટકો સુધર્યો ઃ પરિણામના જોરમાં નવીન ફ્લોરિન ૧૦૪૩ રૂપિયા તથા ન્યુલૅન્ડ લૅબ ૧૬૮૦ની તેજીમાં નવા શિખરે ઃ કુલ ૪ ભરણાં લિસ્ટિંગ થયાં, તમામમાં એકંદર સારો લિસ્ટિંગ ગેઇન મળ્યો ઃ પરિણામની પૂર્વસંધ્યાએ સ્ટેટ બૅન્કમાં સુધારો આગળ વધ્યો
ટ્રમ્પે હમણાંથી ફરી એક વાર શાંતિનો આલાપ શરૂ કર્યો છે. આ માણસના દિમાગનું કશું ઠેકાણું નથી. છાશવારે કંઈક ને કંઈક ધતિંગ આદરી હેડલાઇન્સમાં રહેવાની ઘેલછા તેનાથી છૂટતી નથી. બ્રેન્ટક્રૂડ આનાથી લગભગ અલિપ્ત રહી ૮૦ ડૉલર નજીક ટેકલું છે. બહુમતી એશિયન બજાર ગુરુવારે નરમ હતાં. સિંગાપોર એક ટકો તથા ચાઇના અને થાઇલૅન્ડ અડધો ટકો સુધર્યું છે. સામે સાઉથ કોરિયા પોણાપાંચ ટકા, હૉન્ગકૉન્ગ દોઢ ટકો, જપાન એક ટકો, તાઇવાન અડધો ટકો માઇનસ હતું. યુરોપ રનિંગમાં સાધારણથી અડધા ટકાની આસપાસ ઉપર દેખાયું છે. ડૉલર સામે રૂપિયો ૯૫.૧૩ના આગલા બંધ સામે નીચામાં ૯૫.૨૪ થઈ રનિંગમાં ૯૫.૨૦ ક્વોટ થતો હતો.
ADVERTISEMENT
ઘરઆંગણે ક્લોઝિંગ ઑક્શન સેશનની નવી પ્રથા દાખલ થવાના પગલે BSE તેમ જ NSE વચ્ચે ઇન્ડાઇસિસ તેમ જ અગ્રણી શૅરોના ભાવમાં અસાધારણ ડિસ્ટર્બન્સ હજી થાળે પડ્યું નથી. બન્ને બજાર વચ્ચે ફ્રન્ટલાઇન તેમ જ ચલણી શૅરોના ભાવમાં મોટા ફરકના પગલે હાલ તો આર્બિટ્રેઝર્સને જલસા થઈ ગયા છે. અત્યાર સુધી કહેવાતું હતું કે બજાર કદી ખોટું હોતું નથી. અેના ભાવ દેશકાળનો અરીસો છે, પરંતુ આ ન્યુ ઇન્ડિયા છે, ક્યા ભાવને સાચા ગણવા એ સૌથી મોટો પ્રશ્ન છે. આજના સમયમાં બજાર ભાગ્યે જ સાચું હોય છે એમ કહેવામાં અમને જરાય સંકોચ નથી. સેન્સેક્સ આગલા બંધથી ૨૦૧ પૉઇન્ટ પ્લસ, ૭૮,૭૮૨ ખૂલી ઉપરમાં ૭૮,૯૫૫ તથા નીચે ૭૮,૬૩૪ બતાવી ૩૭૪ પૉઇન્ટ કે અડધો ટકો વધી ૭૮,૯૫૫ ગઈ કાલે બંધ થયો છે. સામે નિફ્ટી આગલા બંધથી ૧૬ પૉઇન્ટ જેવા સુધારામાં ૨૪,૬૪૧ ખૂલી ઉપરમાં ૨૪,૬૭૭ અને નીચામાં ૨૪,૬૦૪ દેખાડી ૧૧ પૉઇન્ટ કે ૦.૦૫ ટકા વધીને ૨૪,૬૩૬ બંધ રહ્યો છે. બપોરના ૩.૨૦ વાગ્યે નિફ્ટી ૨૪,૬૨૮ નજીક હતો જે ક્લોઝિંગ ઑક્શન સેસનના અંતે ૨૪,૬૩૬ બંધ આવ્યો છે.
બજારનો ગઈ કાલનો સુધારો મુખ્યત્વે રિલાયન્સને આભારી છે. આ શૅર ત્રણ ગણા કામકાજે ઉપરમાં ૧૩૨૫ થઈ ૩.૪ ટકા વધી સેન્સેક્સમાં ૧૩૨૫ બંધ આપીને બજારને ૨૫૧ પૉઇન્ટ ફળ્યો છે. નિફ્ટી ખાતે અે ૩.૫ ટકા વધી ૧૩૨૫ બંધમાં ટૉપ ગેઇનર બન્યો છે. સ્ટેટ બૅન્ક પરિણામની પૂર્વસંધ્યાએ સવાબે ગણા કામકાજે ઉપરમાં ૧૦૮૮ બતાવી ત્રણ ટકા વધી ૧૦૮૫ બંધમાં સેકન્ડ બેસ્ટ ગેઇનર હતી. નિફ્ટી ખાતે સ્ટેટ બૅન્ક ૨.૮ ટકા વધી ૧૦૮૫ રહી છે. ICICI બૅન્ક ચારેક ગણા વૉલ્યુમે સેન્સેક્સમાં ૨.૩ ટકા વધી ૧૪૭૭ બંધમાં બજારને ૧૯૯ પૉઇન્ટ લાભદાયી નીવડી છે. નિફ્ટીમાં આ શૅર માત્ર અડધો ટકો સુધરી ૧૪૫૭ હતો. ટાઇટન ૫૦૦૭ની લાઇફટાઇમ હાઈ બનાવી દોઢ ટકો વધી ૪૯૮૪ નજીક વિક્રમી સપાટી બનાવી ૧.૭ ટકા વધ્યો છે. JSW સ્ટીલ ૧૩૩૫ની ઑલટાઇમ હાઈ દેખાડી ૧.૭ ટકા ઘટી ૧૩૦૮ નજીક બંધ આવી છે. બન્ને બજાર ખાતે વધનારા અન્ય શૅરમાં ભારત ઇલેક્ટ્રૉનિક્સ અઢી ટકા, એટર્નલ બે ટકા, સિપ્લા સવા ટકો, નેસ્લે એક ટકો મુખ્ય હતા. પાવરગ્રીડ ચારેક ટકા બગડી ૨૭૧ના બંધમાં બન્ને બજાર ખાતે ટૉપ લુઝર હતી. TCS સેન્સેક્સમાં બે ટકાથી વધુ તો નિફ્ટીમાં ૧.૭ ટકા, તાતા સ્ટીલ નિફ્ટીમાં ૧.૯ ટકા તો સેન્સેક્સમાં એક ટકો ઘટી છે. મારુતિ, મહિન્દ્રા, ઇન્ડિગો સવાથી દોઢ ટકા તો બજાજ ઑટો પોણાબે ટકા બગડી છે.
ગણતરીની મિનિટમાં જોરદાર સ્પાઇક બતાવવાનો વારો ગઈ કાલે BSEનો હતો. સેન્સેક્સ જે ૩.૨૮ વાગ્યે ૭૮,૭૮૫ હતો અે માત્ર બે જ મિનિટમાં ઊછળી ૭૮,૯૫૫ નજીક પહોંચી ગયો હતો. છેલ્લા ચાર દિવસથી બન્ને બજારમાં સેન્સેક્સ નિફ્ટી, અન્ય સેક્ટોરલ, ફ્રન્ટલાઇન જાતો વગેરેમાં જે ક્લોઝિંગ આવે છે અે કેવળ અૅડ્જસ્ટમેન્ટના ખેલને આભારી છે. વાસ્તવિકતા સાથે અેને ખાસ નિસ્બત નથી.
પ્રોવિઝનલ ફીગર પ્રમાણે BSEનું માર્કેટકૅપ ૧.૧૧ લાખ કરોડ વધીને ૪૯૩.૫૫ લાખ કરોડના બેસ્ટ લેવલે તો NSEનું માર્કેટકૅપ ફક્ત ૧૧,૦૦૦ કરોડ વધી ૪૯૨.૩૮ લાખ કરોડના નવા શિખરે ગયું છે. સેન્સેક્સ ખાતે ITC, HDFC તથા HCL ટેક્નૉલૉજીઝ જૈસે-થે બંધ હતા. નિફ્ટીમાં HCL ટેક્નૉલૉજીઝ ૧.૧ ટકા, ITC ૦.૪ ટકા તો HDFC નહીંવત ઘટી છે.
GMM ફૉડલર સારાં પરિણામો પાછળ ૧૪.૮ ટકા કે ૧૨૭ની તેજીમાં ૯૮૪ બંધ આપી ‘એ’ ગ્રુપમાં ઝળકી હતી. નવીન ફ્લોરિનમાં રિઝલ્ટ બાદ બ્રોકરેજ હાઉસ જેફરીઝના બુલિશ વ્યુમાં ભાવ ૮૭૫૪ની નવી સર્વોચ્ચ સપાટી બતાવી પોણાચૌદ ટકા કે ૧૦૪૩ના ઉછાળે ૮૬૪૪ થયો છે. ન્યુલૅન્ડ લૅબને પણ પરિણામ માફક આવતાં ૨૨,૫૦૦ નજીક નવી લાઇફટાઇમ હાઈ દેખાડી શૅર સાડાઆઠ ટકા કે ૧૬૮૦ના જમ્પમાં ૨૧,૬૪૫ રહ્યો છે. સામે ફર્સ્ટ સૉર્સ સૉલ્યુશન્સ પરિણામ પાછળ નીચામાં ૨૮૦ થઈ સવાતેર ટકા તૂટી ૨૯૪ના બંધમાં ‘એ’ ગ્રુપમાં ટૉપ લુઝર બની છે.
M. V. ઇલેક્ટ્રોસિસ્ટમ્સમાં શૅરદીઠ ૧૯૮નો લિસ્ટિંગ ગેઇન
ગઈ કાલે કુલ ૪ IPO બલિસ્ટેડ થયા છે. મેઇન બોર્ડમાં નવી દિલ્હીની જુનિયર ગ્રીન એનર્જી ૧૦ના શૅરદીઠ ૨૨૫ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૧૭થી શરૂ થયા બાદ હાલમાં નીચામાં દોઢ રૂપિયો થયા પછી છેલ્લે ચાલતા ૨૩ના પ્રિમિયમ સામે ૨૪૨ ખૂલી ૨૫૯ બંધ થતાં ૧૫.૪ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. ૧૮૦૦ કરોડનો આ ઇશ્યુ રીટેલમાં ૯૮ ટકા સહિત કુલ ૮.૪ ગણો ભરાયો હતો. ફરીદાબાદની એમ.વી. ઇલેક્ટ્રોસિસ્ટમ્સ પાંચના શૅરદીઠ ૪૨૫ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટમાં ૬૦થી શરૂ થઇ ઉપરમાં ૧૩૩ બોલાયા બાદ છેલ્લે ચાલતા ૧૦૯ના પ્રીમિયમ સામે ૫૧૯ ખૂલી ૬૨૩ બંધ રહેતાં ૪૬.૫ ટકા લિસ્ટિંગ ગેઇન છુટ્યો છે. ૨૯૦ કરોડનો આ ઇશ્યુ રીટેલમાં ૨૧૮ ગણા સહિત કુલ ૨૦૧ ગણો છલકાયો હતો. SME સેગમેન્ટમાં અમદાવાદી ધવલ પૅકેજિંગ ૧૦ના શૅરદીઠ ૯૭ની ઇશ્યુ પ્રાઇસ તથા ૮થી શરૂ થઈ ૧૫ થયા બાદ ઘટી છેલ્લે બોલાતા ૮ના પ્રીમિયમ સામે BSEમાં ૧૧૦ ખૂલી ૧૧૨ બંધ આવતાં ૧૫.૫ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. ફરિદાબાદની વનએન્ડિંગ ટેક્નૉલૉજીઝ ૧૦ના શૅરદીઠ ૯૬ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટમાં છેલ્લે છેલ્લે ૭થી શરૂ થઈ ત્યાં જ રહેલા પ્રીમિયમ સામે BSE ખાતે ૧૨૦ ખૂલી ૧૨૬ બંધ થતાં ૩૧.૩ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. આગલા દિવસે ૧૩ ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૬૬૭ બંધ થયેલી મનીપાલ હેલ્થ ગઈ કાલે ૬૨૬નું નવું બૉટમ બતાવી સવાબે ટકા ઘટી ૬૫૧ બંધ હતી. ભાવોભાવ, ૮૮ બંધ થયેલી H.R. હાTજીન ગઈ કાલે ૮૩નું તળિયું બતાવી પાંચ ટકા તૂટી ૮૩ થઈ છે. મુંબઈના બોરીવલીની ફ્યુઝન ક્લાસરૂમનો SME IPO
આજે લિસ્ટિંગમાં જશે. પ્રીમિયમ હાલ ઝીરો છે.
દરમ્યાન મેઇન બોર્ડમાં આર્ડી ઇન્ડસ્ટ્રીઝનો બેના શૅરદીઠ ૫૩ના ભાવનો ૪૨૬ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૧૫ ગણો ભરાયો છે. આગલા દિવસનું ૧૪ વાળું પ્રીમિયમ હાલમાં ૧૫ ચાલે છે. મુંબઈના માહિમ ખાતેની GV ઇલેક્ટ્રિકલ્સનો ૧૦ના શૅરદીઠ ૧૩૦ના ભાવનો ૪૨૨૫ લાખનો BSE SME IPO ગઈ કાલે આખરી દિવસે રીટેલમાં ૯૧ ગણા સહિત કુલ ૧૧૨ ગણો ભરાયો છે. પ્રીમિયમ ૨૬નું છે. ભરણું ૭મીએ બંધ થશે. બૅન્ગલોર અર્બનની એજસ ટેક્નૉલૉજીઝનો ૧૦ના શૅરદીઠ ૧૦૫ના ભાવનો ૨૪ કરોડનો BSE SME ઇશ્યુ આખરી દિવસે રીટેલમાં ૨૫ ગણા સહિત કુલ ૩૦ ગણો ભરાયો છે. પ્રીમિયમ ૧૨ રૂપિયા તો ઔરંગાબાદ અર્થાત છત્રપતિ સંભાજીનગરની LAPL ઑટોમોટિવનો ૧૦ના શૅરદીઠ ૯૪ના ભાવનો ૩૨ કરોડનો BSE SME ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૭ ગણા સહિત કુલ ૪.૩ ગણો ભરાયો છે. પ્રીમિયમ ૩૦ ચાલે છે.
એસ્ટર DMનો નફો ૮૧ ટકા ગગડ્યો, શૅર ઑલટાઇમ હાઈ થયો
પૉલિસીબાઝાર ફેમ પી.બી. ફીનટેકની ત્રિમાસિક આવક ૪૦ ટકા વધી ૧૮૮૮ કરોડ થઈ છે, નેટ નફો ૯૨ ટકાના વૃદ્ધિદરમાં ૧૬૩ કરોડ નોંધાયો છે. શૅર ૧૮ ગણા કામકાજે ઉપરમાં ૧૬૬૫ થઈ બે ટકા ઘટી ૧૫૯૭ હતો. બર્ગર પેઇન્ટ્સની આવક ૧૨ ટકા વધીને ૩૫૮૦ કરોડ તથા નેટ પ્રૉફિટ ૨૧ ટકા વધીને ૪૦૪ કરોડ આવ્યો છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૫૫૭ બનાવી સવા ટકો ઘટીને ૫૩૯ બંધ હતો. બાયર ક્રૉપસાયન્સની જૂન ક્વૉર્ટરની આવક સવાચાર ટકા ઘટીને ૧૮૩૫ કરોડ થઈ છે પણ નફો ૧૫.૪ ટકા વધી ૩૨૨ કરોડ થયો છે. શૅર ઉપરમાં ૪૩૨૧ થઈ સવાબે ટકા ઘટી ૪૨૧૦ હતો. ડેટામેટિક્સ ગ્લોબલની આવક દસેક ટકા વધી ૫૧૪ કરોડ થઈ છે. નફો ૪૪ ટકાના વધારામાં ૭૨ કરોડ રહ્યો છે. ભાવ ઉપરમાં ૮૮૧ દેખાડી ૨.૩ ટકા ઘટી ૮૫૬ હતો.
અગાઉ સુવેન ફાર્મા તરીકે ઓળખાતી કોહેન્સ લાઇફ સાયન્સની આવક ૨૩ ટકા ઘટી ૪૨૨ કરોડ થતાં કંપની ૪૯ કરોડના નફામાંથી ૨૪ કરોડની નેટ લૉસમાં આવી ગઈ છે. શૅર ઉપરમાં ૪૬૭ થઈ અઢી ટકા વધી ૪૪૦ થયો છે. GNFCની આવક ૩૯.૮ ટકા વધીને ૨૨૩૮ કરોડ થઈ છે પણ ચોખ્ખો નફો અગાઉના ૮૩ કરોડ સામે ચાર ગણો, ૩૧૨ કરોડ નોંધાયો છે. ભાવ પાંચ ગણા વૉલ્યુમે ઉપરમાં ૫૬૨ થઈ સવા ટકો સુધરી ૫૪૫ બંધ હતો. એસ્ટર DMની આવક ૨૧.૬ ટકા વધીને ૧૩૧૧ કરોડ થવા છતાં ચોખ્ખો નફો ૮૧ ટકા ગગડીને ૧૬ કરોડે આવી ગયો છે. શૅર ૮૭૪ના શિખરે જઈ અડધો ટકો સુધરી ૮૪૪ રહ્યો છે. JK લક્ષ્મી સિમેન્ટની આવક સાડાનવ ટકા વધી ૧૯૦૫ કરોડ થઈ છે, ચોખ્ખો નફો ૨૮ ટકાના ઘટાડામાં ૧૦૮ કરોડ નોંધાયો છે. ભાવ ઉપરમાં ૬૨૨ થઈ ૦.૪ ટકા ઘટી ૫૬૯ રહ્યો છે. બાયોકૉનની આવક ૧૦ ટકાના વધારામાં ૪૩૩૬ કરોડ થઈ છે. નફો અગાઉના ૩૧ કરોડ સામે ૪ ગણો, ૧૪૧ કરોડ જોવાયો છે. શૅર નીચામાં ૪૨૧ થઈ ત્રણેક ટકા વધી ૪૩૭ બંધ થયો છે.
ગોરેગામની લીપ ઇન્ડિયાનો ૨૪૮૦ કરોડનો ઇશ્યુ આજે
આજે, શુક્રવારે કુલ ત્રણ ભરણાં ખૂલશે. અેમાંથી બે મેઇન બોર્ડના છે. મુંબઈના ગોરેગામ ખાતેની લીપ ઇન્ડિયા, એકના શૅરદીઠ ૧૫૯ની અપરબેન્ડમાં કુલ ૨૪૮૦ કરોડનો ઇશ્યુ કરવાની છે. અેમાંથી OFS પેટે ૨૦૦૦ કરોડ પ્રમોટર્સ લઈ જશે. ઇશ્યુમાં QIB પોર્શન ૫૦ ટકા છે. ૨૦૧૩માં સ્થપાયેલી આ કંપની સપ્લાય ચેઇન મૅનેજમેન્ટ તથા એસેટ્સ-પુલિંગ સર્વિસિસ ક્ષેત્રે લગભગ મોનોપૉલી હોવાનો દાવો કરે છે. ગત વર્ષે ૫૪ ટકા વધારામાં ૭૪૭ કરોડની આવક ઉપર ૬૬ ટકા વધારામાં ૬૨૩૪ લાખ નેટ નફો કર્યો છે. દેવું ૨૫ ટકા વધી ૧૦૧૮ કરોડ થઈ ગયું છે. ઇશ્યુમાંથી જે ૪૮૦ કરોડ કંપનીમાં જવાના છે અેમાંથી ૩૬૦ કરોડ દેવાની ચુકવણીમાં જશે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર લગભગ ઝીરો છે. ઇશ્યુ બાદ ઇક્વિટી વધી ૪૪૦૫ લાખ થશે. આ ધોરણે ગત વર્ષની અર્નિંગ પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ ૧૧૨નો તથા ૨૦૨૪-૨૫ની કમાણીની રીતે ૧૮૭નો અતિ ઊંચો પીઇ બતાવે છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ આઠથી શરૂ થયા બાદ ઘટતું રહી ત્રણ થયા પછી હાલમાં ૧૦ ચાલે છે.
બીજી કંપની નવી દિલ્હીની ટેકનોક્રાફ્ટ વેન્ચર્સ છે. ૧૯૯૮માં સ્થપાયેલી પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ક્ષેત્રે કાર્યરત આ કંપની ૧૦ના શૅરદીઠ ૨૧૨ની અપરબેન્ડમાં કુલ ૨૫૨ કરોડનું ભરણું કરશે અેમાંથી ૫૦ કરોડ ઑફર ફૉર સેલ પેટે પ્રમોટર્સના ઘરમાં જવાના છે. ઇશ્યુમાં QIB પોર્શન ૫૦ ટકા છે. કંપનીએ ગત વર્ષે ૨૩ ટકા વધારામાં ૩૪૭ કરોડની આવક ઉપર ૫૪ ટકા વધારામાં ૪૩૩૨ લાખ નેટ નફો બતાવ્યો છે. દેવું ૯૦ કરોડ નજીક છે. ગત વર્ષની કમાણી મૂજબ ઇશ્યુ પ્રાઇસ પોસ્ટ ઇશ્યુ ઇક્વિટીના સંદર્ભમાં ૧૯.૪નો પીઇ બતાવે છે. ગ્રેમાર્કેટમાં ૧૦થી શરૂ થયેલું પ્રીમિયમ ૧૨ થયા બાદ હાલમાં ૧૫ બોલાય છે.
ત્રીજી કંપની મુંબઈના અંધેરી-વેસ્ટની ઑપ્ટિમિસ્ટિક્સ એન્ટરટેઇનમેન્ટ ૧૦ના શૅરદીઠ ૧૭૫ની અપરબેન્ડમાં કુલ ૧૦૯ કરોડનો NSE SME IPO આજે કરવાની છે. તેમાંથી ઑફર ફૉર સેલ પેટે ૨૧ કરોડ રૂપિયા પ્રમોટર વિપુલ ડી. શાહના ઘરમાં જશે. ૨૦૦૦માં સ્થપાયેલી આ કંપની ટીવી, ફિલ્મ, ડિજિટલ પ્લૅટફૉર્મ માટે કન્ટેન્ટ ક્રીએશન તથા પ્રોડક્શનનું કામકાજ કરે છે. કંપની અત્યાર સુધીમાં ૧૫૦થી વધુ ટીવી-શો બનાવી ચૂકી છે જેમાં કૉમેડી સર્કસ, ક્રાઇમ પૅટ્રોલ, બાલવીર, રાઇઝિંગ સ્ટાર, લેડીઝ સ્પેશ્યલ વગેરે સામેલ છે. કંપનીએ ગત વર્ષે ૯ ટકા વધારામાં ૧૩૬ કરોડ જેવી આવક ઉપર ૩૯ ટકા વધારામાં ૨૪૦૪ લાખ નેટ પ્રૉફિટ કર્યો છે. દેવું ૯૫ કરોડથી વધીને ૧૧૩ કરોડ વટાવી ગયું છે. ઇશ્યુમાંથી ૫૬ કરોડ જેવી રકમ દેવાની ચુકવણીમાં જશે. ઇશ્યુમાં માર્કેટ મેકર્સ માટે ૧૧ કરોડના શૅર અનામત છે. QIB પોર્શન ૫૦ ટકા જેવો છે. ગ્રેમાર્કેટમાં પ્રિમિયમ પાંચ રૂપિયાથી શરૂ થયું છે.
