એક ડઝન ઇન્ડાઇસિસમાં ૧૦ ટકાથી વધુ મોટાં ગાબડાં, સોમવારના હૉટ સ્ટૉકને મંગળવારે કોઈ અડવા પણ તૈયાર નહોતું
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ત્રણ વર્ષમાં બજારે ક્યારેય ન જોયો હોય એવો સપના-સભર ટ્રેડિંગ ડે સોમવારે જોયો તો સપના ચૂર-ચૂર કરનારો મંગળવાર પણ બજારે દેખાડ્યો. વિવિધ એક્ઝિટ પોલ્સમાં બીજેપી અને એનડીએના સાથી પક્ષોને મળીને 350-400 બેઠકો મળવાનાં સપનાં દેખાડવામાં આવ્યાં પછી ઍક્ચ્યુઅલ રિઝલ્ટ આવ્યાં એમાં બીજેપીને 272ના મેજોરિટીના આંકડા સુધી પહોંચવાનાં ફાંફાંની જમીની સચ્ચાઈ જોવા મળી, એને ઓળખી જઈને સોમવારની આક્રમક લેવાલીથી પણ વધુ હતાશાભરી વેચવાલી મંગળવારે નીકળી. પરિણામે એનએસઈના મુખ્ય આંકો પાણી-પાણી થઈ ગયા. નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સમાં 9.34 ટકા, 6600નું ગાબડું, ૧૩ મેની 62941ની બૉટમથી પણ નીચે જઈ 60663નો લો કરી 64022ના સ્તરે બંધ રહ્યો. સોમવારે માત્ર ટ્રેઇલર છે એવું માનનારાઓની પૂરી ફિલ્મ ઊતરી જવાની સાથે નિફ્ટી બૅન્ક, નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસિસ અને નિફ્ટી મિડકૅપ સિલેક્ટ સાત-સાત ટકા ગબડી અનુક્રમે 46928, 20819 અને 10841ના સ્તરે બંધ રહ્યા હતા. નિફ્ટીમાં 6 ટકા, 1380 પૉઇન્ટ્સનો માતબર ઘટાડો આ ઇન્ડેક્સને 21884 સુધી ઘસડી લાવ્યો. ઇન્ટ્રા-ડે 21281 સુધી ગયો હોવાથી પહેલો સપોર્ટ 200 દિવસીય ઍવરેજ આસપાસ 20900નો ગણવો. પાંચ માસની બૉટમ તૂટી ચૂકી છે, 21137થી નીચે જાય તો 2024ની જાન્યુઆરીમાં બનેલી બૉટમ પણ તૂટશે.



