Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > બિઝનેસ સમાચાર > ઉંમરના ૪૦ અને ૫૦ વર્ષના પડાવે રોકાણ માટે શાને પ્રાધાન્ય આપવું જોઈએ?

ઉંમરના ૪૦ અને ૫૦ વર્ષના પડાવે રોકાણ માટે શાને પ્રાધાન્ય આપવું જોઈએ?

18 September, 2023 03:19 PM IST | Mumbai
Khyati Mashru Vasani

ઉંમરના આ પડાવે પહોંચેલા લોકોની કમાવાની શક્તિ અને એમની માનવીય ક્ષમતાઓ એની ટોચ ઉપર હોય છે

પ્રતીકાત્મક તસવીર

ફાઇનૅન્સ પ્લાન

પ્રતીકાત્મક તસવીર


જે લોકો પોતાની કારકિર્દીની શરૂઆત કરતા હોય એ લોકો માટે તો રોકાણ કરવા બાબતની સલાહ ભરપૂર મળતી રહેતી હોય છે. હકીકતમાં મેં પોતે પણ આવા યુવાઓ માટે રોકાણ કરવા માટેના પાંચ  મુદ્દાઓ વિશે સમજણ આપતો લેખ લખ્યો હતો, પરંતુ મધ્યમ વયના લોકો માટે રોકાણ કરવા વિષયક બહુ માર્ગદર્શન ઉપલબ્ધ હોતું નથી. એથી આજે આપણે ચાલીસી અને પચાસીની વયે પહોંચેલા લોકો માટે કરવા જેવાં રોકાણ બાબત ચર્ચા કરીશું. 


ઉંમરના આ પડાવે પહોંચેલા લોકોની કમાવાની શક્તિ અને એમની માનવીય ક્ષમતાઓ એની ટોચ ઉપર હોય છે. એમની પાસે એમના રિટાયરમેન્ટ સુધી હજી આગામી ૧૫-૨૦ અથવા ૨૫-૩૦ વર્ષનો સમય હાથમાં હોય છે. આથી આ લોકો એમના પોર્ટફોલિયોમાં ઇક્વિટી માર્કેટનું જોખમ લઈ શકવાની સ્થિતિમાં હોય છે. બીજું કે એમની આર્થિક જરૂરિયાતો યુવાઓની સરખામણીએ વધારે જટિલ હોય છે. તેઓ પોતાનાં બાળકોની સ્કૂલ અથવા  યુનિવર્સિટીઓની ફીસ ભરવા માટે તેમ જ પોતાના રિટાયરમેન્ટ માટે બચત કરતા હોય છે. આ દરેક જરૂરિયાત માટે ઘણું મોટું ભંડોળ જમા કરવું પડે છે. વળી આ પ્રત્યેક આર્થિક લક્ષ્ય માટેનો સમયગાળો અલગ-અલગ હોય છે એટલે રોકાણ કરવાનું દેખાય એટલું સરળ હોતું નથી. 



૧. માનવમૂડીમાં વૃદ્ધિ કરવી


પોતાની જાતને વિવિધ ટ્રેઇનિંગ અને ભણતર દ્વારા શિક્ષિત કરતા રહેવાથી તમારી કમાવાની ક્ષમતામાં તમે વધારો કરી શકશો. આવું પ્રશિક્ષણ કરવું ફાયદામંદ નીવડે છે, કેમ કે આ ફાયદો મેળવવા માટે તમારા હાથમાં રિટાયરમેન્ટ સુધી લાંબી સમયાવધિ હોય છે. જેમ ઉંમર વધે એમ પરિવર્તન અપનાવવું અઘરું હોય છે અને આ જ કારણસર મેડિકલ સ્કૂલ્સ અને મોંઘા એમબીએના પ્રોગ્રામોમાં ૪૦થી વધુ વયના ખૂબ ઓછા લોકો જોવા મળે છે. તેમ છતાં, મધ્ય વયના લોકોએ આવા શૈક્ષણિક પ્રોગ્રામોમાં, કૉન્ફરન્સિસમાં પોતાની કુશળતા વધારવા માટે, નેટવર્કિંગ વધારવા માટે તથા પોતાના ક્ષેત્રના પ્રવર્તમાન ટેક્નૉલૉજિકલ ડેવલપમેન્ટ વિશે માહિતગાર રહી શકાય તથા પોતાની ક્ષમતામાં વધારો કરી શકાય એ માટે નિયમિત રીતે રોકાણ કરતાં રહેવું જોઈએ.

૨. તમારી પાસે જે છે એની સુરક્ષા કરો


તમે જેટલી વધુ મૂડી ભેગી કરો એટલું જ મહત્ત્વનું એ મૂડીને સંભાળવાનું હોય છે. જો પરિવારના સભ્યો તમારા પર આર્થિક રીતે નિર્ભર હોય તો ઇન્શ્યૉરન્સના જે પ્રકારો તમારી ઉંમરના ૨૦ અને ૩૦ વર્ષે મૂલ્યવાન હોય છે (જેવા કે હેલ્થ, ડિસેબિલિટી, પ્રૉપર્ટી) અને લાઇફ ઇન્શ્યૉરન્સ, એ દરેક તમારા ૪૦ અને ૫૦ વર્ષે પણ એટલા જ જરૂરી છે. એટલે તમારી ઇન્શ્યૉરન્સની જરૂરિયાતોની સમીક્ષા કરવા ઉપરાંત, તમારા ઇમર્જન્સી ફન્ડની રકમને પણ ધ્યાનમાં લો. એક વર્ષના ખર્ચ જેટલું ભંડોળ આ માટે રાખવાનું લક્ષ્ય રાખો. જેટલી વિશેષ તમારી કારકિર્દી હશે તેમ જ જેટલી વધુ આવક હશે તો તમારી નોકરી છૂટી જવાના સંજોગોમાં નવી નોકરી મળતા પણ એટલો જ વધુ સમય લાગશે. ઉપરાંત આ તબક્કે, તમારી પોતાની હેલ્થ માટે અથવા તમારાં વૃદ્ધ માતા-પિતાની સંભાળ રાખવા માટે પણ તમારે નોકરીમાંથી થોડોક વખત રજા લેવી પડી શકે છે. માટે આ ઇમર્જન્સી ભંડોળ ખૂબ જ મહત્ત્વનું છે.

૩. જીવનશૈલીને દાબમાં રાખો

આ તમારા કમાણીનાં ટોચનાં વર્ષો હોય છે, પરંતુ ઊંચી આવક સાથે ઊંચી જીવનશૈલી જાળવવાના ખર્ચાઓ પણ વધતા જાય છે અને વધારાની આવક ચાઉં થઈ જાય છે. વૈભવી કાર, કૂતરા પાળવા અને એમના માટે રાખવા પડતા કૅરટેકર, ઘર માટે સફાઈ-કર્મચારીઓ વગેરે પાછળ ખર્ચાઓ વધતા જાય છે. આનો ઇલાજ એ છે કે જેમ તમારી આવક વધે એમ તમારે બચત પણ વધારવી જોઈએ. નહીં તો તમને રિટાયરમેન્ટના ભંડોળ માટે રકમ ઓછી પડશે.

૪. થોડુંક વધારે જોખમ ખેડો

૪૦ અને ૫૦ વર્ષના લોકોએ પોતાના પોર્ટફોલિયોમાં વધારે જોખમી ઍસેટ ક્લાસનો સમાવેશ કરવો જોઈએ, કેમ કે આ પોર્ટફોલિયોમાંથી એમણે હજી બીજાં ૪૦થી ૫૦ વર્ષ માટે ઉપાડ કરવાનો હોય છે. આથી ઓછા જોખમવાળા અને ઓછું વળતર આપતા ઍસેટ ક્લાસમાં રોકાણ કરીને એમણે સંતુષ્ટ ન થવું જોઈએ. જ્યારે તમે ૫૦ની ઉંમરે પહોંચો ત્યારે ઓછા અસ્થિર પ્રકારના ઊંચી ગુણવત્તાવાળા ડેબ્ટ પેપર અથવા સંબંધિત ડેબ્ટ ફન્ડ્સમાં રોકાણ કરો. એ ખરું છે કે ઇક્વિટીની સરખામણીમાં આવા ડેબ્ટ પેપર્સનું વળતર ઓછું હોય છે, પરંતુ આવા બૉન્ડ્સ, ઇક્વિટી નીચે જાય ત્યારે પોર્ટફોલિયોને સંતુલિત રાખવાનું કામ કરે છે. વહેલા રિટાયરમેન્ટ અથવા નોકરી છૂટી જવાના સંજોગોમાં આ બૉન્ડ્સ સુરક્ષા પ્રદાન કરે છે તેમ જ માર્કેટ અસ્થિર અથવા નીચી હોય એવે વખતે ઇક્વિટી વેચવાને બદલે આવા બૉન્ડ્સમાં કરેલાં રોકાણો જીવનજરૂરી ખર્ચ માટે કામ આવે છે.

૫. સલાહકાર પાસેથી સલાહ મેળવો

જેમ-જેમ તમારી સંપત્તિ વધે તેમ-તેમ જરૂરી નથી કે તમારાં રોકાણો પણ વધુ ને વધુ જટિલ બને. જ્યારે તમે નિવૃત્તિની વધુ નજીક આવો ત્યારે રોકાણ બાબતની સલાહ લેવા નાણાકીય વ્યાવસાયિકને કરેલી ચુકવણી લેખે લાગશે. તમારે રિટાયરમેન્ટ દરમ્યાન જોઈતાં નાણાં માટેનું આયોજન કરવા, ટૅક્સ પ્લાનિંગ અથવા એસ્ટેટ પ્લાનિંગ જેવાં જટિલ ક્ષેત્રોમાં આવા સલાહકારની મદદની જરૂર પડી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

18 September, 2023 03:19 PM IST | Mumbai | Khyati Mashru Vasani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK