Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > પતંગ ચગાવતી વખતે તમે નાણાકીય આયોજનના કયા પાઠ શીખ્યા?

પતંગ ચગાવતી વખતે તમે નાણાકીય આયોજનના કયા પાઠ શીખ્યા?

16 January, 2023 03:49 PM IST | Mumbai
Khyati Mashru Vasani

મકરસંક્રાંતિનાં પર્વને ધ્યાનમાં રાખીને આપણે નાણાકીય આયોજનના કયા પાઠ શીખી શકીએ છીએ એની આજે વાત કરીશું

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

ફાઇનૅન્સ પ્લાન

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


વાચકો, આપ સૌએ મકરસંક્રાંતિના દિવસે અને ત્યાર પછીના એટલે કે રવિવારના દિવસે મનભરીને પતંગ ચગાવી હશે. જેઓ સારી રીતે પતંગ ચગાવી જાણે છે એમને ખબર છે કે હવાની દિશા, દોરાની મજબૂતી, ફીરકી પકડવાની રીત, કન્ની બાંધવાની કળા એ બધું કેટલું મહત્ત્વ ધરાવે છે. આ જ પર્વને ધ્યાનમાં રાખીને આપણે નાણાકીય આયોજનના કયા પાઠ શીખી શકીએ છીએ એની આજે વાત કરીશું. જો અહીં જણાવાયેલા મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવે તો નાણાકીય પતંગ ગોથાં ખાધા વગર બહુ જ સરસ રીતે ઊડી શકે છે!

પતંગ પર લક્ષ રાખો અર્થાત્ નાણાકીય લક્ષ્ય નિશ્ચિત કરીને આગળ વધો



પતંગ ચગાવનારાઓને ખબર છે કે પતંગનો આકાર અને એની બનાવટમાં વપરાયેલા કાગળનું પણ ઘણું મહત્ત્વ હોય છે. એ ઉપરાંત પતંગ પર સતત નજર રહેવી જોઈએ. પતંગ ઊંચે ઉડાડવાનું લક્ષ્ય હોય છે એથી એના પર નિયંત્રણ હોવું જરૂરી છે. નાણાકીય બાબતોમાં લક્ષ્યો રાખવાં જોઈએ, જેમાં ટૂંકા ગાળાનાં અને લાંબા ગાળાનાં લક્ષ્યો સામેલ છે. આપણાં રોકાણો એને અનુરૂપ હોવા જોઈએ. અનિશ્ચિતતાભરી સ્થિતિમાં નાણાકીય લક્ષ્યોમાં આવશ્યક ફેરફારો કરી શકાય છે.


પતંગને હવામાં આવવા દેવી જોઈએ અર્થાત્ નાણાકીય આયોજન કરવું જોઈએ

પતંગ ઉડાડતી વખતે સૌથી પહેલાં પતંગને હવામાં આવવા દેવી પડે છે. એ જ રીતે નાણાકીય બાબતોમાં પહેલાં આયોજન કરવાનું હોય છે. હવાની દિશાથી લઈને ટિચકી મારવા સુધીની દરેક બાબતનું ધ્યાન રાખવાનું હોય છે. એ જ રીતે નાણાકીય આયોજનમાં પણ દરેક બાબતને મહત્ત્વ આપવું જોઈએ. પરિવારની આવક, ખર્ચ અને રોકાણો એ ત્રણે વસ્તુઓ આયોજનમાં સામેલ હોય છે. એ ઉપરાંત લક્ષ્યો નિર્ધારિત કરવાં, કરજને કાબૂમાં રાખવું. રોકાણનું આયોજન કરવું, પોર્ટફોલિયોની સમીક્ષા કરવી વગેરે કાર્યો એમાં આવી જાય છે. સૌથી પહેલાં પરિવારનું બજેટ બનાવવાનું હોય છે, જેનાથી સંભવિત બચતનો અને એ બચતના રોકાણનો અંદાજ આવી જાય છે. જરૂર લાગે તો આ કામમાં નિષ્ણાતની મદદ લેવી. 


ફીરકી બરાબર હોવી જોઈએ અર્થાત‍્ ઇમર્જન્સી ફન્ડ હોવું જોઈએ

પતંગ હવામાં સ્થિર થાય એ જરૂરી છે એ જ રીતે ફીરકી પણ સ્થિર થવી જોઈએ અને એમાં પૂરતો માંજો એટલે કે દોરો હોવો જોઈએ. ફીરકીમાં પણ દોરો ક્યાંય ભરાઈ જાય નહીં એટલી એ સારી હોવી જોઈએ. આપણો સંપત્તિસર્જનનો પ્રવાસ ક્યાંય અટકે નહીં એ માટે આપણી પાસે ઇમર્જન્સી ફન્ડ હોવું જરૂરી છે. પતંગને બરાબર ચગાવવા માટે ફીરકીમાં માંજો લપેટવાનું અને છૂટોદોર આપવાનું કામ જરૂર પડ્યે કરતા રહેવું પડે છે. આમ કરવાથી જ પતંગને સ્થિર રાખી શકાય છે. એ જ રીતે ઇમર્જન્સી ફન્ડ હોય તો નાણાકીય સ્થિરતા આવે છે અને સંપત્તિસર્જનના માર્ગમાં સરળતાથી આગળ વધી શકાય છે. ઇમર્જન્સી ફન્ડનાં નાણાં બચત ખાતામાં અથવા ફિક્સ્ડ ડિપોઝિટમાં રાખી શકાય છે. આ રકમ છથી બાર મહિનાના ખર્ચ પૂરા થઈ શકે એટલી હોવી જોઈએ. એમાં ઈએમઆઇના હપ્તાને પણ ગણતરીમાં લઈ લેવા જોઈએ. 

માંજો અને ફીરકી પકડવાની શિસ્ત જરૂરી છે અર્થાત્ નાણાકીય બાબતોમાં પણ શિસ્ત હોવી જોઈએ

પતંગ કપાય નહીં એ માટે માંજો સ્થિર પકડવાનો હોય છે. પકડ ઢીલી પડે નહીં અને જ્યારે જરૂર પડે ત્યારે ટાઇટ પકડી રાખવાની ન હોય એ શિસ્ત દરેકે શીખવાની હોય છે. આ ઉપરાંત ફીરકી પણ કેવી રીતે પકડવી એ સાથીદારને ખબર હોવી જોઈએ. ઘણા લોકો એક હાથે ફીરકી પકડીને બીજા હાથે પતંગ ચગાવવામાં માહેર હોય છે. એમણે આ શિસ્ત બરાબર શીખી લીધેલી હોય છે. આ જ રીતે નાણાકીય બાબતોમાં પણ બચત અને રોકાણ નિયમિતપણે કરવાની શિસ્ત તથા રોકાણ આવશ્યક હોય એટલા ગાળા માટે રાખી મૂકવાની ધીરજ અગત્યની છે. 

આ પણ વાંચો : નવા વર્ષમાં રોકાણ બાબતે કઈ બાબતોનું ધ્યાન રાખવું?

યોગ્ય દિશામાં ઊડવું અર્થાત્ યોગ્ય વિકલ્પોમાં રોકાણ કરવું

હવા ઘણી આવતી હોય ત્યારે પતંગ સહેલાઈથી ઊંચે તો ચડી જાય છે, પરંતુ એને યોગ્ય દિશા આપવાનું ઘણું જરૂરી હોય છે. પતંગ ચગાવનારે અને ફીરકી પકડનારે પણ કઈ દિશામાં ઊભા રહેવું એ જાણવું જોઈએ. આ જ રીતે રોકાણ માટે પણ યોગ્ય વિકલ્પોની પસંદગી કરવામાં આવવી જોઈએ. યોગ્ય રોકાણની સાથે-સાથે અલગ-અલગ ઍસેટ ક્લાસમાં રોકાણ અને વૈવિધ્યીકરણ કરવાનું હોય છે. જોખમ ખમવાની પોતાની શક્તિના આધારે યોગ્ય વિકલ્પની પસંદગી કરવાની હોય છે. 

પતંગ ચગાવતી વખતે રક્ષણ કરવું અર્થાત્ વીમાનું કવચ રાખવું

પતંગ ચગાવનારાઓના હાથમાં માંજાને કારણે કાપા પડી જતા હોય છે. આથી આંગળીઓ પર મેડિકલ ટેપ અથવા બેન્ડેજ કે પછી કપડાનું કવચ રાખીને આંગળીને માંજાના કાચથી રક્ષણ આપવાનું હોય છે. આંગળીને વધારે ઈજા થઈ જાય તો પતંગ ચગાવવાનું માંડી વાળવું પડતું હોય છે. આ જ રીતે નાણાકીય બાબતોમાં આગળ વધતાં પહેલાં આરોગ્ય વીમાનું અને જીવન વીમાનું પૂરતું રક્ષણ હોવું જોઈએ. આ રક્ષણ સાથે જ સંપત્તિસર્જનના માર્ગમાં પ્રગતિ થઈ શકે છે. પૂરતી રકમના વીમા વગર ઘણું મોટું નાણાકીય નુકસાન થવાનું જોખમ રહે છે. જેમને પતંગ ચગાવતા ન આવડતું હોય તેઓ આવતા વર્ષ સુધી શીખી લે અને જેમણે નાણાકીય આયોજનના ઉક્ત પાઠનો હજી અમલ કર્યો ન હોય તેઓ પણ શીખતા અને અમલ કરતાં જાય. 

Whatsapp-channel Whatsapp-channel

16 January, 2023 03:49 PM IST | Mumbai | Khyati Mashru Vasani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK