કલમ 194Rની જોગવાઈઓની ભાષા કલમ 28(iv)ની ભાષા જેવી જ હતી
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
વર્તમાન નાણાકીય વર્ષ માટેના બજેટમાં આવકવેરા ધારાની કલમ 28(iv)માં ફેરફાર કરવામાં આવ્યો છે. એ મુજબ બિઝનેસમાં કે પ્રોફેશનમાં મળેલા કોઈ બેનિફિટ કે પર્ક્વિઝિટ (જેનું નાણાંમાં રૂપાંતર થઈ શકતું હોય કે ન હોય)ને આવક ગણવામાં આવશે અને એને બિઝનેસની આવક તરીકે કરપાત્ર ગણવામાં આવશે. પહેલાં સમજ એવી હતી કે જે નાણાં સિવાયની આવક હશે એને જ કર લાગુ પડશે એવું આ કલમ કહેવા માગે છે, પરંતુ આ કલમ વિશે ઘણી ચર્ચા થઈ હતી અને કાનૂની ખટલા થયા હતા. આ સંબંધેનો એક કેસ (Mahindra & Mahindra Ltd. -vs.- CIT [2018] 404 ITR 1 (SC) [TS-220-SC-2018]) સર્વોચ્ચ અદાલત સમક્ષ ઉપસ્થિત થયો હતો. અદાલતે ચુકાદામાં કહ્યું હતું કે લોનની માફી સંબંધે બેનિફિટ રોકડમાં કે રોકડ સ્વરૂપે મળ્યો હોવાથી કલમ 28(iv)ની જોગવાઈઓ લાગુ નહીં પડે. આમ આ લોનમાફીને કરજદારના હાથમાં આવક તરીકે કરપાત્ર ગણવામાં આવશે.
અહીં નોંધવું ઘટે કે પાછલા વર્ષે આવકવેરા ધારામાં કલમ 194R ઉમેરવામાં આવી હતી. બિઝનેસ કે પ્રોફેશનમાં મળતા બેનિફિટ કે પર્ક્વિઝિટ સંબંધે ટૅક્સ વિધહોલ્ડિંગ લાગુ થશે. કલમ 194Rની જોગવાઈઓની ભાષા કલમ 28(iv)ની ભાષા જેવી જ હતી. આ કારણસર એવું માની લેવાયું હતું કે કલમ 194R હેઠળનું ટૅક્સ વિધહોલ્ડિંગ ફક્ત નાણાં સિવાયના બેનિફિટ/પર્ક્વિઝિટને લાગુ પડશે.
ADVERTISEMENT
આ સંબંધે અસ્પષ્ટતા હોવાથી સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાઇરેક્ટ ટૅક્સિસે કલમ 194R લાગુ પડવા વિશે સ્પષ્ટતા કરવા પરિપત્રક (Circular No. 12 of 2022) બહાર પાડ્યું હતું. આ પરિપત્રકમાં કહેવામાં આવ્યું હતું કે કલમ 194Rની જોગવાઈઓ રોકડમાં પ્રાપ્ત બેનિફિટ કે પર્ક્વિઝિટને લાગુ થશે. એમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે માફ કરવામાં આવેલી લોનની મુદ્દલ રકમ કરજદારને મળેલો બેનિફિટ હોવાથી એ પણ કલમ 194R હેઠળ આવરી લેવાશે.
થયું એવું કે બોર્ડે ઉક્ત પરિપત્રક બહાર પાડ્યું એને પગલે નવો વિવાદ શરૂ થયો. એની પહેલાં સર્વોચ્ચ અદાલતના ઉક્ત ચુકાદાને પગલે મુદ્દાનો હલ આવી ગયો હતો.
આ પણ વાંચો : સોનાના રોકાણકારો માટે બજેટમાં જાહેર કરાયેલી મહત્ત્વપૂર્ણ દરખાસ્ત
કરદાતાઓએ એવું ધારી લીધું હતું કે પ્રાપ્તકર્તાના હાથમાં આવેલી વસ્તુ બાબતે કરવેરો લાગુ પડે કે નહીં એનો નિર્ણય વિધહોલ્ડિંગ ટૅક્સની જોગવાઈઓના આધારે લઈ શકાય નહીં. આમ, પરિપત્રક કાયદાની જોગવાઈઓની ઉપરવટ જઈ શકે નહીં. પરિપત્રકને સંસદની મંજૂરી મળી હોય તો વાત જુદી છે.
સરકારને ઉક્ત કમીનો અંદાજ આવી ગયો હોવાથી એણે કલમ 28(iv)ની જોગવાઈઓમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આંશિક રીતે રોકડમાં અને આંશિક રીતે રોકડ સિવાયની રીતે પ્રાપ્ત થયેલાં પર્ક્વિઝિટને આ કલમની જોગવાઈઓ લાગુ પડશે એવો એનો પ્રસ્તાવ છે. પરિણામે, લોનની માફી કલમ 28(iv) હેઠળ કરવેરાના કાર્યક્ષેત્રમાં નહીં આવે, કારણ કે સર્વોચ્ચ અદાલતે આપેલો ચુકાદો હવે પ્રસ્તાવિત સુધારાની ઉપરવટ નહીં જઈ શકે.
પ્રસ્તાવિત સુધારાની ઘણી મોટી અસર લોન રીસ્ટ્રક્ચરિંગ અને ઇનસોલ્વન્સી ઍન્ડ બૅન્કરપ્સી કોડ (આઇબીસી)ના કેસ પર થશે, કારણ કે લોન રાઇટ ઑફ કરવાથી અગાઉની ખોટ ભૂંસાઈ જશે અને અમુક કેસમાં ફડચામાં ગયેલી કંપની હસ્તગત કરનાર રોકાણકારે સામાન્ય જોગવાઈઓ અનુસાર તથા મિનિમમ ઑલ્ટરનેટ ટૅક્સની જોગવાઈઓ (જો ખોટની રકમ રાઇટ ઑફની રકમ કરતાં ઓછી હોય) અનુસાર કરવેરાની ચુકવણી કરવી પડી શકે છે.
સામાન્ય રીતે કરજદાર લોનને ડિડક્શન તરીકે ક્લેમ કરતા નહીં હોવાથી લોનની માફીને આવકવેરા ધારાની કલમ 41(1)ની જોગવાઈઓ કદાચ લાગુ નહીં થાય. આ સંજોગોમાં કલમ 28(iv)ની સુધારિત જોગવાઈઓ લાગુ થઈ શકે છે. અગાઉ, સર્વોચ્ચ અદાલતના ચુકાદાની દૃષ્ટિએ આ બેનિફિટ કરપાત્ર નહોતો. આ બેનિફિટ સંબંધે બેનિફિટ આપનારને ટૅક્સ વિધહોલ્ડિંગની જોગવાઈ લાગુ થશે. બૅન્કો અને કેટલીક નિશ્ચિત નાણાકીય સંસ્થાઓ (જેમનો ઉલ્લેખ પરિપત્રક ક્ર. ૧૮/૨૦૨૨માં કરવામાં આવ્યો છે) એ માફ કરેલી લોનના કિસ્સામાં ટૅક્સ વિધહોલ્ડિંગની જોગવાઈ લાગુ નહીં થાય.
જો નિશ્ચિત બૅન્કિંગ/નાણાકીય સંસ્થાઓ સિવાયના ધિરાણકર્તાઓએ જો લોન માફ કરી હશે તો કલમ 194Rની જોગવાઈઓ લાગુ થશે.


