હવામાનની જેવી રીતે ઋતુઓ અનુસાર સાઇકલ હોય છે એવી રીતે અર્થતંત્રમાં પણ સાઇકલ હોય છે
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં જેમ-જેમ વધુ અને વધુ રોકાણકારો મ્યુચ્યુઅલ ફન્ડોનાં રોકાણમાં ભાગ લઈ રહ્યા છે એમ-એમ મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગ ઝડપી ગતિએ વધી રહ્યો છે. જેમ-જેમ ઉદ્યોગ વિકસતો જાય છે એમ-એમ રોકાણકારોની આકાંક્ષાઓ અને જરૂરિયાતો પૂરી કરવાના ઉદ્દેશ સાથે; ઍસેટ મૅનેજમેન્ટ કંપનીઓ (એએમસી) વિવિધ ઑફર્સ આપતીરહે છે. તાજેતરમાં ડાઇવર્સિફાઇડ મ્યુચ્યુઅલ ફન્ડની શ્રેણીમાં આવી નવીનતમ ઑફર એ બિઝનેસ સાઇકલ ફન્ડ્સની છે.
હવામાનની જેવી રીતે ઋતુઓ અનુસાર સાઇકલ હોય છે એવી રીતે અર્થતંત્રમાં પણ સાઇકલ હોય છે. દેશની એકંદર આર્થિક ગતિવિધિઓમાં બિઝનેસ સાઇકલમાં વિવિધતા નજરે પડે છે. એક બિઝનેસ સાઇકલમાં જુદા-જુદા ઇકૉનૉમિક પ્રદેશો તથા ક્ષેત્રોમાં એકસાથે વિસ્તરણ જોવા મળે છે અને ત્યાર બાદ ત્યાં જ ફરી સંકુચન જોવા મળે છે. આવા બદલાવો નક્કી સમયાંતરે નહીં તો પણ આવી રીતે શ્રેણીબદ્ધ બદલાવો વારંવાર થાય છે. આવા બદલાવો ઘણાં પરિબળો પર આધારિત છે, જેવા કે ફુગાવો, વ્યાજના દરો, સરકારી નીતિઓ, વિદેશમાં થતી ગતિવિધિઓ અને ત્યાંની નીતિઓ, માગમાં આવતા ફેરફાર અને નાણાંની સપ્લાય વગેરે. સમયાંતરે એવું બની શકે કે કોઈ અમુક અર્થતંત્રમાં ચોક્કસ પ્રકારની બિઝનેસ સાઇકલમાં માર્કેટનાં અમુક ક્ષેત્રોમાં વૃદ્ધિની સારી તકો ઉપલબ્ધ હોય.
ADVERTISEMENT
બિઝનેસ સાઇકલ ફન્ડ શું છે?
બિઝનેસ સાઇકલ ફન્ડનો હેતુ, વૃદ્ધિ પામતી બિઝનેસ સાઇકલો દરમ્યાન એનાં વિવિધ સેક્ટર્સ તથા સ્ટૉક્સમાં એ બિઝનેસ સાઇકલના વિવિધ તબક્કાઓ દરમ્યાન રોકાણ કરીને લાંબા સમયગાળામાં મૂડીમાં વૃદ્ધિ કરવાનો છે. બિઝનેસ સાઇકલ ફન્ડ સેક્ટરની મર્યાદામાં ન બંધાતાં, કેવળ વિવિધ કંપનીઓમાં રોકાણ કરે છે, જ્યારે સેક્ટર ફન્ડ્સ કેવળ ચોક્કસ સેક્ટરની કંપનીઓમાં જ રોકાણ કરે છે. ઉદાહરણ તરીકે, એક ટેક્નૉલૉજી સેક્ટર મ્યુચ્યુઅલ ફન્ડ કેવળ ટેક્નૉલૉજી સંબંધિત કંપનીઓમાં જ રોકાણ કરે છે. એથી વિરુદ્ધ, એક બિઝનેસ સાઇકલ ફન્ડ એ દરેક કંપનીમાં રોકાણ કરે છે, જેની ઉપર અર્થતંત્રના એક ચોક્કસ પાસાની સકારાત્મક અસર જોવા મળી શકે છે. દા.ત. જો ફન્ડ મૅનેજરને એવું લાગે કે ડિજિટલ ક્ષેત્રમાં થતી પહેલને કારણે અર્થતંત્રને ફાયદો થશે તો એ બૅન્કો, ટેક્નૉલૉજી, એન્ટરટેઇનમેન્ટ ઉદ્યોગમાં હોય એવી કંપનીઓમાં રોકાણ કરી શકે છે.
બિઝનેસ સાઇકલ ફન્ડમાં રોકાણ કરવાના શું ફાયદા છે?
એક ઇકૉનૉમિક સાઇકલ દરમ્યાન ચોક્કસ ક્ષેત્રની કામગીરી બદલાતી રહે છે, એ સમજવું મહત્ત્વપૂર્ણ છે. દા.ત. ફાઇનૅન્શિયલ ક્ષેત્ર રિકવરી તેમ જ તેજીના ગાળા દરમ્યાન વધુ સારું પ્રદર્શન કરશે. ફાર્મા અને એફએમસીજી જેવા ઉદ્યોગો મંદીના તબક્કા જેવા તબક્કાઓ દરમ્યાન અન્ય ઉદ્યોગો કરતાં નોંધપાત્ર રીતે વધુ સારું પ્રદર્શન કરશે. ઉદાહરણ તરીકે જ્યારે રોગચાળા દરમ્યાન અર્થતંત્રમાં ઘટાડો થયો હતો ત્યારે પણ ફાર્માસ્યુટિકલ અને કમ્યુનિકેશન્સ ઉદ્યોગો નફાકારક હતા.
ફન્ડ મૅનેજર પાસે મોટી રિસર્ચ ટીમ હોવાને કારણે એ સારી રીતે નિર્ણય લેવાની સ્થિતિમાં હોય છે, કેમ કે કોઈ ચોક્કસ ક્ષેત્રની બધી કંપનીઓ શ્રેષ્ઠ સમયમાં પણ સારું પ્રદર્શન નથી કરતી હોતી. રોકાણ વિષયક આવી નીતિઓને કારણે રોકાણકારોને પણ સુરક્ષિતતાનો અનુભવ થાય છે કે તેમનો પોર્ટફોલિયો માર્કેટની વિવિધ પરિસ્થિતિઓ દરમ્યાન માર્કેટમાં મળતી વિવિધ તકોનો ફાયદો લઈ શકશે. બિઝનેસ સાઇકલ્સ નાની થતી ગઈ છે, એથી બદલાતી પરિસ્થિતિઓ અનુસાર ઝડપી નિર્ણયો લેવા જરૂરી હોય છે.
બિઝનેસ સાઇકલ ફન્ડમાં કેવાં જોખમો રહેલાં છે?
ટાઇમિંગ એ બિઝનેસ સાઇકલ ફન્ડનું મોટું જોખમ છે. બિઝનેસ સાઇકલના તબક્કાઓ ખૂબ ઝડપથી બદલાઈ શકે છે અને એવા બદલાવોને ધ્યાનમાં લઈને ફન્ડ મૅનેજરે રોકાણ માટેના અનુકૂળ અને ત્વરિત નિર્ણયો લેવા પડે છે, જેથી પોર્ટફોલિયોમાં વધુ ફેરફારો થઈ શકે.
શું તમારે બિઝનેસ સાઇકલ ફન્ડ્સમાં રોકાણ કરવું જોઈએ?
આ બાબતનો નિર્ણય વ્યક્તિલક્ષી છે. દરેક વ્યક્તિએ આમાં સામેલ વળતર અને જોખમોને ધ્યાનમાં રાખવું મહત્ત્વપૂર્ણ છે. ડાઇવર્સિફાઇડ ઇક્વિટી ફન્ડ્સની તુલનામાં વધુ જોખમની ક્ષમતાવાળા રોકાણકારો આ ફન્ડ દ્વારા ઉત્પન્ન થતા વધુ આલ્ફાનો લાભ મેળવી શકે છે. જો તમે નવા રોકાણકાર હો તો થીમેટિક ફન્ડથી દૂર રહેવું અને ડાઇવર્સિફાઇડ ઇક્વિટી ફન્ડ્સમાં રોકાણ કરવું વધુ સારું રહેશે. રોકાણકારો પોતાના વિશ્વસનીય રોકાણ સલાહકારની સલાહ લઈ શકે છે અથવા રોકાણ કરતાં પહેલાં ઑફર ડૉક્યુમેન્ટનો સંપૂર્ણ અભ્યાસ કરી શકે છે.
મ્યુચ્યુઅલ ફન્ડ્સ બજારનાં જોખમોને આધિન છે, બધા યોજના-સંબંધિત દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.
હૅપી ઇન્વેસ્ટિંગ


