સામાન્ય ક્ષમતાથી માત્ર ૨૭ ટકા બચ્યું છે ઃ મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગણ, કર્ણાટકમાં પાણીનું સ્ટોરેજ અતિશય નીચે જતાં અનેક ડૅમો સુકાવા લાગ્યા : મ્યાનમારમાં ચોમાસું ૨૦ દિવસ વિલંબથી શરૂ થવાની આગાહીથી ભારતીય ચોમાસું મોડું થવાની શક્યતા
પ્રતીકાત્મક તસવીર
ભારત વિશ્વનો સૌથી મોટો કૃષિપ્રધાન દેશ હોવાની સાથે ગંગા-યમુના જેવી વિશાળ નદીઓ હોવા છતાં નૅશનલ વૉટરગ્રિડ જેવી સુવિધા ન હોવાથી જે વર્ષે ઓછો વરસાદ પડે ત્યારે અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થઈ છે. ગ્લોબલ વૉર્મિંગની અસર સમગ્ર વિશ્વમાં કૂદકે ને ભૂસકે વધી રહી હોવાથી અલ નીનો અને લા નીના જેવી સિસ્ટમ અનેક દેશોમાં છાશવારે ઊભી થાય છે અને આ પ્રકારની સિસ્ટમને કારણે કાં તો અતિ દુકાળ પડે છે અથવા તો અતિવૃષ્ટિ જેવી સમસ્યા સર્જાય છે. તાજેતરમાં દોઢથી બે વર્ષની લાંબી અલ નીનો સિસ્ટમ પૂરી થઈ ચૂકી છે અને લા નીના સિસ્ટમ ધીમે-ધીમે બની રહી છે. લા નીનાની અસરને લીધે હાલ બ્રાઝિલમાં રિયો ગ્રાન્દે દો સુલ નામના વિસ્તારમાં છેલ્લા આઠ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ વિસ્તારનાં તમામ શહેરો અને ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. આ વિસ્તારમાં હજી ખેતરમાં સોયાબીનનો પાક ઊભો છે એ અડધોઅડધ ધોવાઈ ચૂક્યો છે. બ્રાઝિલના હવામાન ખાતાએ હજી પણ આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ગ્લોબલ વૉર્મિંગની અસરે ચીન, મલેશિયા, ઇન્ડોનેશિયા વગેરે દેશોમાં હાલ હીટવેવની અસર ચાલુ છે ત્યારે બ્રિટન, અમેરિકા, કૅનેડા વગેરેમાં ઉનાળુ સીઝન ચાલુ થઈ હોવા છતાં વરસાદ કેડો મૂકતો નથી એને કારણે આ દેશોમાં રાતે કાતિલ ઠંડી પડી રહી છે. આમ ગ્લોબલ વૉર્મિંગ, અલ નીનોની અસર અને ભારતીય સ્થિતિ બધું ભેગું થતાં હાલ ભારતમાં પાણીના સ્ટોરેજમાં મોટો ઘટાડો થયો છે જેને કારણે આગામી ખરીફ સીઝનમાં ખાદ્યાન્નનું ઉત્પાદન ઓછું થશે અને જો ચોમાસાનો આરંભ મોડો થશે તો અનેક શહેરોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થવાનો ભય છે.
ભારતમાં પાણીના સ્ટોરેજની સ્થિતિ
સેન્ટ્રલ વૉટર કમિશન દર સપ્તાહે ભારતમાં પાણીના સ્ટોરેજ વિશે રિપોર્ટ બહાર પાડે છે. છેલ્લા સપ્તાહે બહાર પાડેલો રિપોર્ટ અનેક રીતે ચિંતાજનક છે. ચાલુ વર્ષે અલ નીનોની અસરે દેશના અનેક વિસ્તારમાં વરસાદ ઓછો પડતાં પાણીનાં તળ ઝડપથી નીચે જઈ રહ્યાં છે એનો સીધો મતલબ એ છે કે દેશમાં પાણીનું સ્ટોરેજ સતત ઘટી રહ્યું છે. સેન્ટ્રલ વૉટર કમિશનના રિપોર્ટ અનુસાર ગયા સપ્તાહે સતત ૩૧મા સપ્તાહે દેશમાં પાણીનું સ્ટોરેજ ઘટ્યું હતું એને કારણે પાણીનું સ્ટોરેજ સામાન્ય ક્ષમતાથી માત્ર ૨૭ ટકા હોવાથી ૭૩ ટકા ઓછું છે. ગયા વર્ષે આ સમયે દેશના પાણીનું સ્ટોરેજ સામાન્યથી ૭૯ ટકા હતું જેની છેલ્લાં ૧૦ વર્ષની ઍવરેજ ૯૨ ટકા સ્ટોરેજની છે. આમ પાણીનું સ્ટોરેજ ગયા વર્ષથી અને છેલ્લાં ૧૦ વર્ષની ઍવરેજથી અત્યંત ઓછું છે.
સેન્ટ્રલ વૉટર કમિશન દેશના ૧૫૦ વિસ્તારોના પાણીના સ્ટોરેજ વિશે દર સપ્તાહે રિપોર્ટ તૈયાર કરીને જાહેર કરે છે. હાલ ૧૫૦ વિસ્તારોમાં પાણીનું સ્ટોરેજ ૪૭.૬૫૮ અબજ ક્યુબિક મીટર છે જેની સામાન્ય ઍવરેજ ૧૭૮.૭૮૪ અબજ ક્યુબિક મીટરની છે. આમ પાણીનું સ્ટોરેજ સામાન્યથી માત્ર ૨૭ ટકા છે. સેન્ટ્રલ વૉટર કમિશનના રિપોર્ટ અનુસાર દેશના ૧૧૭ વિસ્તારોમાં પાણીનું સ્ટોરેજ ૪૦ ટકા કરતાં ઓછું છે.
ADVERTISEMENT
દેશના અનેક ડૅમો સુકાવા લાગ્યા
પાણીનું સ્ટોરેજ ઝડપથી ઘટી રહ્યું હોવાથી દેશના અનેક ડૅમો સાવ સુકાઈ ગયા છે; જેમાં મહારાષ્ટ્રના ભીમા ડૅમ, આંધ્ર પ્રદેશ અને તેલંગણમાં નાગાર્જુન સાગર, તેલંગણમાં પ્રિયદર્શિની અને જુરાલા ડૅમ અને કર્ણાટકના તથીહાલા ડૅમમાં પાણી ઝડપથી સુકાવા લાગ્યું છે. પશ્ચિમ ભારતમાં મહારાષ્ટ્રમાં પાણીના સ્ટોરેજની સ્થિતિ બેહદ ચિંતાજનક છે. મહારાષ્ટ્રમાં પાણીનું સ્ટોરેજ સામાન્યથી હાલ માત્ર ૨૧ ટકા છે, જ્યારે પશ્ચિમ ભારતનાં તમામ રાજ્યોમાં પાણીનું સ્ટોરેજ ઍવરેજથી માત્ર ૨૮ ટકા છે. પૂર્વીય ભારતમાં પશ્ચિમ બંગાળની સ્થિતિ ચિંતાજનક છે, ત્યાં પાણીનું સ્ટોરેજ સામાન્યથી માત્ર ૨૧ ટકા છે. દક્ષિણ ભારતમાં કર્ણાટકમાં પાણીનું સ્ટોરેજ સામાન્યથી માત્ર ૨૪ ટકા છે.
ખરીફ સીઝનને મોટી અસર થશે
દેશના અનેક વિસ્તારમાં પાણીનું સ્ટોરેજ ચિંતાજનક રીતે ઘટતું જતું હોવાથી ખરીફ સીઝનના વાવેતરની સીઝન મોડી શરૂ થવાની ધારણા છે. મ્યાનમારના હવામાન ખાતાએ ચોમાસાની શરૂઆત મોડી થવાની આગાહી કરી છે. જોકે વિશ્વની અનેક હવામાન એજન્સીઓએ જૂનથી ઑગસ્ટ દરમ્યાન લા નીના ઇફેક્ટની શરૂઆત થતાં અનેક વિસ્તારમાં ભારે વરસાદ અને અતિવૃષ્ટિ જેવી સ્થિતિ જોવા મળે એવી આગાહી કરી છે. સામાન્ય રીતે ભારતમાં ખરીફ સીઝનમાં પ્રી-મૉન્સૂન વાવેતર મોટા પ્રમાણમાં થાય છે, કારણ કે અનેક વિસ્તારમાં ડૅમોમાં અને જમીનમાં પાણીનું સ્ટોરેજ પર્યાપ્ત હોવાથી ખેડૂતો શરૂઆતનું પાણી સ્ટોરેજમાંથી આપીને ખરીફ સીઝનની શરૂઆત કરે છે અને ત્યાર બાદ ચોમાસું શરૂ થયા બાદ પર્યાપ્ત વરસાદ મળતાં ખરીફ પાકોનો વિકાસ ખૂબ જ સારો થાય છે. પ્રી-મૉન્સૂન વાવેતર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય તલ, મગ, અડદ, તુવેર જેવા ખૂબ સંવેદનશીલ પાકો પર ચોમાસું સીઝનના પાછલા તબક્કામાં ભારે વરસાદ પડે તો નુકસાન થતું નથી.
ભારતમાં ચોમાસું મોડું શરૂ થવાની શક્યતા
દેશમાં ચોમાસાની સત્તાવાર રીતે જૂન મહિનામાં કેરલાથી શરૂઆત થાય એ પહેલાં બીજા દેશોના દરિયાકિનારામાં ચોમાસાની ઍક્ટિવિટી ચાલુ થઈ ગઈ છે. મ્યાનમારમાં ૨૮મી મે આસપાસ ચોમાસું બેસતું હોય છે, પરંતુ જો ત્યાં વિલંબ થાય તો ભારતમાં પણ શરૂઆત વિલંબથી થાય એવી સંભાવના નકારી શકાય એમ નથી. ભારતીય ચોમાસું સારું જવાની આગાહીઓ આવી રહી છે, પરંતુ સામે બંગાળની ખાડીમાં મુશ્કેલીથી ભારત સહિત તમામ વિસ્તારને અસર કરી શકે છે. બંગાળની ખાડીનાં પાણી ઊકળતાં હોય છે અને દરિયાની સપાટીનું તાપમાન ૩૨ ડિગ્રી સેલ્સિયસ અને એથી વધુ છે, પરંતુ ઉપર ઍન્ટિસાઇક્લોનિક વાવાઝોડું મુક્તપણે આગળ વધ્યું નથી અને એ એપ્રિલ પછી શુષ્ક થઈને મે મહિનામાં પ્રવેશ કરી રહ્યું છે.
પ્રી-મૉન્સૂન લો ડિપ્રેશન ૧૮ મે સુધીમાં ઇન્ટર ટ્રૉપિકલ કન્વર્ઝન્સ ઝોન જે સમગ્ર વિશ્વમાં વરસાદી પટ્ટો છે એને દક્ષિણ અને મધ્ય મ્યાનમારમાં લઈ જાય છે, એમ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆતના સંકેત આપે છે. ઉત્તર મ્યાનમારમાં આવા કોઈ સંકેત મળતા નથી એટલે મ્યાનમારના રાષ્ટ્રીય આગાહીકારે કહ્યું છે કે ચોમાસું ૯થી ૧૪ જૂનની વચ્ચે દેશમાં પહોંચવાની સંભાવના છે જે ઓછામાં ઓછા ૨૦ દિવસનો વિલંબ સૂચવે છે. આંદામાન અને નિકોબાર ટાપુઓ ભારતીય જળસીમામાં પ્રથમ બંદર અને શ્રીલંકા માટે પરંપરાગત ફૉલો-ઑન લૉન્ચ પર આની શું અસર થશે એ જોવાનું રહેશે.