શૅરબજારમાં ફ્યુચર્સ અને ઑપ્શન્સ (એફઍન્ડઓ)ના સોદા કરનારાઓની સંખ્યા વધી રહી છે, જેમાં પણ ખાસ કરીને નાના રોકાણકારો સુધ્ધાં ઑપ્શન્સ ટ્રેડિંગમાં વધુ ભાગ લેતા થયા છે : તેઓ આ માર્ગે વધુપડતું જોખમ ઉઠાવી રહ્યા છે, આમ કરતાં પહેલાં આટલું સમજી લેવામાં સાર છે...
F & O સ્પેશ્યલ ભાગ -૧
પ્રતીકાત્મક તસવીર
રોકાણકારો ઘણી વાર એવી માયાજાળમાં ફસાઈને નુકસાન કરતાં હોય છે કે સેબી (સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા) જેવી કૅપિટલ માર્કેટની નિયમન સંસ્થાએ તેમને ચેતવણી આપી લાલ બત્તી ધરી સમજાવવું પડે કે આ માર્ગ મોટે ભાગે જોખમનો અને નુકસાનનો જ છે. થોડા સમય પહેલાં ઑપ્શન ટ્રેડિંગમાં રીટેલ ઇન્વેસ્ટર્સમાંથી ૯૦ ટકા ખોટ કરે છે, એવું સેબીના એક અહેવાલમાં આવ્યું અને સંબંધિત બધા વર્ગની આંખો ઊઘડી, પરંતુ એ પછી પણ એમાં ટર્નઓવર કે કામકાજ ઘટ્યું નહીં, જેનું સેબીને પણ આશ્ચર્ય થયું.
વાત સારી રીતે સમજવી હોય તો સિક્કાની બીજી બાજુ માંડીને એ વાત પણ સમજી લેવી જરૂરી છે કે નાના-નાના રોકાણકારોએ કરેલું આ નુકસાન કોને ફાયદો કરાવે છે? બહુ જ સરળ વાત છે, એકનું નુકસાન એ બીજાનો ફાયદો; એક ખરીદે તો સામે કોઈ વેચનારો હોય તો જ સોદો થઈ શકે. બેઉ સરખા બળિયા હોય તો ચાલે, પણ ઑપ્શનના સોદામાં તો ખરીદીને સોદા કરવાવાળા નબળા વર્ગ સામે નાણાકીય રીતે અતિ બળવાન સંસ્થાઓ અને પ્રોફેશનલ ઑપ્શન રાઇટર્સ હોય ત્યારે જીત કોની થાય એ કોઈ પણ સમજી શકે એવી વાત છે! શૅરબજારોની ઑનલાઇન અને હવે તો મોબાઇલ ઍપ્સ થકી વધેલી પારદર્શિતાને કારણે આ નફા-નુકસાનનું સમીકરણ આસાનીથી સમજી શકાય છે.
ADVERTISEMENT
આટલું યાદ રાખો
એફઍન્ડઓ મુખ્યત્વે મોટા રોકાણકારો, ખાસ કરીને સંસ્થાકીય રોકાણકારો પોતાના પોર્ટફોલિયો હેજ કરી શકે એટલા માટે છે, નહીં કે ગજાબહારનો સોદો કરી આંધળૂકિયા કરી નેકેડ સોદા કરનારા સટ્ટાખોરો માટે.
શૅરબજારમાં પછેડી જેટલા જ પગ લાંબા કરવામાં મજા છે, પછી એ રોકાણ હોય કે એફઍન્ડઓ.
ઑપ્શન ખરીદીને પ્રીમિયમમાં પૈસા ગુમાવી દેવા કરતાં એટલી જ રકમનું રોકાણ મ્યુચ્યુઅલ ફન્ડના એસઆઇપીમાં નિયમિત રોકવાથી જોખમ ઓછું રહે અને ભવિષ્ય સુધરી શકે.