મુંબઈમાં સતત ચોથે દિવસે સોનું વધ્યું : ચાર દિવસમાં સોનું ૨૩૯૧ રૂપિયા વધ્યું
સોનું-ચાંદીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ડોનલ્ડ ટ્રમ્પે કૅનેડા, મેક્સિકો અને ચીનથી આયાત થતી ચીજો પર ટૅરિફવધારો અમલી કરતાં કૅનેડાએ પણ અમેરિકન ચીજો પર પચીસ ટકા ટૅરિફવધારો લાગુ કરતાં ટૅરિફવૉર શરૂ થતાં ઇન્ફ્લેશન વધવાની અને ઇકૉનૉમિક કન્ડિશન બગડવાની શક્યતા વધી હતી. ઇન્ફ્લેશન વધવાની શક્યતાએ ડૉલર ઊછળતાં સોનામાં વેચવાલી આવી હતી, પણ નીચા મથાળે સેફ હેવન ડિમાન્ડ વધતાં ફરી સોનામાં તેજીની આગેકૂચ જોવા મળી હતી. યુનાઇટેડ બૅન્ક ઑફ સ્વિટ્ઝરલૅન્ડે આગામી થોડા દિવસોમાં સોનું ૨૮૫૦ ડૉલર થવાની અને જે.પી. મૉર્ગને વધુ તેજી થવાની આગાહી કરી હતી.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૬૧૮ રૂપિયા વધ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૨૨૦ રૂપિયા ઘટ્યો હતો. મુંબઈમાં સોનું સતત ચોથે દિવસે વધ્યું હતું, ચાર દિવસમાં સોનાના ભાવમાં ૨૩૯૧ રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો. ભારતીય રૂપિયો ગગડીને ૮૭ના લેવલને પાર કરી જતાં સોનાની પડતર ઊંચી જતાં તેજીની આગેકૂચ આગામી દિવસોમાં વધશે.
ADVERTISEMENT
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાએ કૅનેડા-મેક્સિકોથી આયાત થતી ચીજો પર પચીસ ટકા અને ચીનથી આયાત થતી ચીજો પર ૧૦ ટકા ટૅરિફવધારાનો અમલ શરૂ કરી દીધો છે. અમેરિકાના નિર્ણય સામે કૅનેડાએ અમેરિકાથી આયાત થતી ચીજો પર પચીસ ટકા ટૅરિફ લાદી દીધી છે. ચીને અમેરિકન ટૅરિફ સામે વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશનને ફરિયાદ કરી છે. ટૅરિફવધારાને કારણે અમેરિકામાં ઇન્ફ્લેશન વધવાના પૂરેપૂરા ચાન્સ હોવાથી ફેડ માટે રેટ-કટ લાવવાનું લગભગ અશક્ય બનશે જેને કારણે સોમવારે ડૉલર ઇન્ડેક્સ ૧.૩૦ ટકા ઊછળીને ૧૦૯.૮૮ પૉઇન્ટે પહોંચ્યો હતો. જોકે રેટ-કટના ચાન્સ ઝીરો થતાં ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ ૦.૦૫૭ ટકા ઘટીને ૪.૫૧ ટકાએ પહોંચ્યાં હતાં. અમેરિકી ડૉલર સુધરતાં યુરો, યેન, પાઉન્ડ સહિત લગભગ તમામ કરન્સી ઘટી હતી.
ચીનમાં લુનર ન્યુ યરની રજાઓ હોવાથી ઑફિશ્યલ મૅન્યુફૅક્ચરિંગ, સર્વિસ અને પ્રાઇવેટ સેક્ટરના જાન્યુઆરીના ગ્રોથડેટા મોડા જાહેર થશે, પણ પ્રાઇવેટ એજન્સી કેઝીનના રિપોર્ટ અનુસાર જાન્યુઆરી મહિનાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઘટીને ૫૦.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૫૦.૫ પૉઇન્ટ હતો.
ચાલુ સપ્તાહે અમેરિકાનો જૉબડેટા શુક્રવારે જાહેર થશે, જેમાં ૧.૫૦થી ૧.૮૦ લાખ નવી નોકરીઓ ઉમેરાવાની ધારણા છે જે ગયા મહિને ૨.૩૩ લાખ ઉમેરાઈ હતી. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડની ગુરુવારે પૉલિસી મીટિંગમાં મોટે ભાગે પચીસ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ આવવાની શક્યતા છે. ૨૦૨૪માં ઑગસ્ટ અને નવેમ્બરમાં બે વખત રેટ-કટ લાવ્યા બાદ બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ સળંગ ત્રીજો રેટ-કટ લાવશે. આ ઉપરાંત અમેરિકા, યુરો એરિયા, બ્રિટન સહિત અનેક દેશોના મૅન્યુફૅક્ચરિંગ-સર્વિસ અને પ્રાઇવેટ સેક્ટરના ગ્રોથડેટા જાહેર થશે. અમેરિકાના જૉબ-ઓપનિંગ ડેટા, પ્રાઇવેટ સેક્ટરના જૉબડેટા, એક્સપોર્ટ-ઇમ્પોર્ટ, ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનના ડેટા ચાલુ સપ્તાહે જાહેર થવાના છે. યુરો એરિયાના ઍડ્વાન્સ ઇન્ફ્લેશનના ડેટા પણ ચાલુ સપ્તાહના આરંભે જાહેર થશે.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ડોનલ્ડ ટ્રમ્પે સત્તાનાં સૂત્રો સંભાળ્યા બાદ એક એક્ઝિક્યુટિવ ઑર્ડર પર સહી કરી હતી, જે આગામી ૬૦ દિવસમાં અમેરિકાને બેલાસ્ટિક, હાઇપરસૉનિક અને ઍડ્વાન્સ ક્રૂઝ મિસાઇલ અટૅકથી સુરક્ષિત કરવા માટેની બુલેટપ્રૂફ ટેક્નૉલૉજી વિકસાવવાનો હતો. આ ઑર્ડરમાં ટ્રમ્પે આયર્ન ડ્રોન તૈયાર કરવાની સૂચના આપી હતી જેમાં સ્પેસ બેઝ્ડ લેસર સિસ્ટમ વિકસાવવાનો છે. આ વિચાર કંઈ નવો નથી. ૧૯૮૩માં તે વખતના તત્કાલીન પ્રેસિડન્ટ રોનાલ્ડ રેગને સ્ટાર વૉર પ્રોગ્રામ તૈયાર કર્યો હતો, જેમાં પણ સ્પેસ બેઝ્ડ મિલિટરી ઇક્વિપમેન્ટ તૈયાર કરાયાં હતાં. ટ્રમ્પે ઇન્ટરકૉન્ટિનેન્ટલ બેલાસ્ટિક ન્યુક્લિયર મિસાઇલ તૈયાર કરવાનું કહ્યું છે જે હાલના મિસાઇલ કરતાં ૧૦૦ ગણા વધારે અસરકારક હોય તેમ જ સાત ગણા ઝડપી હોવાં જોઈએ. ટ્રમ્પ ચીન અને રશિયાને ધ્યાનમાં રાખીને આગામી ૬૦ દિવસમાં ન્યુક્લિયર અને સ્પેસ બેઝ્ડ અતિ આધુનિક મિસાઇલ તૈયાર કરીને વિશ્વમાં અમેરિકાને એક નવી મિલિટરી તાકાત બનાવવા ઇચ્છે છે. ડોનલ્ડ ટ્રમ્પના નવા એક્ઝિક્યુટિવ ઑર્ડરથી વર્લ્ડમાં આગામી દિવસોમાં જિયોપૉલિટકલ ટેન્શન વધી શકે છે જે સોનાની તેજીને સતત સપોર્ટ કરશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૮૨,૭૦૪
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૮૨,૩૭૩
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૩,૩૧૩
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

