Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ટ્રમ્પના ટૅરિફવધારાના ભયથી સોનું ઑલટાઇમ હાઈ સપાટીએ ૨૮૦૦ ડૉલરને પાર

ટ્રમ્પના ટૅરિફવધારાના ભયથી સોનું ઑલટાઇમ હાઈ સપાટીએ ૨૮૦૦ ડૉલરને પાર

Published : 01 February, 2025 08:21 AM | IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

બ્રિક્સ દેશોને ટૅરિફવધારાની ધમકી ટ્રમ્પે આપતાં સેફ હેવન ડિમાન્ડ વધી

સોનું-ચાંદીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

કૉમોડિટી કરન્ટ

સોનું-ચાંદીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર


ડોનલ્ડ ટ્રમ્પના ટૅરિફવધારાનો ભય વિસ્તરતાં સોનામાં સેફ હેવન ડિમાન્ડથી નવી ઑલટાઇમ હાઈ સપાટી જોવા મળી હતી. વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૨૮૦૩.૪૦ ડૉલરની સપાટીએ પહોંચ્યું હતું. સોનું વધતાં ચાંદી પણ વધીને ૩૧.૭૫ ડૉલરની સપાટીએ પહોંચી હતી.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર



યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે પચીસ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ લાવીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૨.૭૫ ટકાએ પહોંચાડ્યા હતા. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે ૨૦૨૪માં જૂન, સપ્ટેમ્બર, ઑક્ટોબર અને ડિસેમ્બરમાં ચાર વખત રેટ-કટ કર્યા બાદ જાન્યુઆરીમાં સળંગ પાંચમો રેટ-કટ કર્યો હતો. છેલ્લા સાત મહિનામાં યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૪.૫ ટકાથી ઘટાડીને ૨.૭૫ ટકાએ લાવી દીધો છે. યુરો એરિયાનું ઇન્ફ્લેશન બે ટકાના લેવલે સ્થિર રહેવાનો વિશ્વાસ વધતાં યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક સતત રેટ-કટ લાવી રહી છે. યુરો એરિયાનો ગ્રોથરેટ ચોથા ક્વૉર્ટરમાં ઘટીને ઝીરો થયો હતો જે ત્રીજા ક્વૉર્ટરમાં ૦.૪ ટકા હતો અને માર્કેટની ધારણા ૦.૧ ટકાની હતી.


અમેરિકન ડૉલર ઇન્ડેક્સ ૦.૪૪ ટકા વધીને ૧૦૮.૨૪ પૉઇન્ટે પહોંચ્યો હતો. ડોનલ્ડ ટ્રમ્પે કૅનેડા, મેક્સિકો અને ચીન પર ૧ ફેબ્રુઆરીથી ટૅરિફવધારો કરવાની જાહેરાત કરી હતી, પણ આ નિર્ણય બાબતે હજી ફેરવિચારણા થવાની શક્યતા ઍડ્મિનિસ્ટ્રેશન દ્વારા બતાવવામાં આવતાં ડૉલર ઇન્ડેક્સ સુધર્યો હતો. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે સતત પાંચમો રેટ-કટ લાવતાં યુરોની નબળાઈને કારણે ડૉલર સ્ટ્રૉન્ગ થયો હતો. જોકે જૅપનીઝ ઇન્ટરેસ્ટ રેટના વધારા વિશે બૅન્ક ઑફ જપાનના ડેપ્યુટી ગવર્નર રોયઝો હિમિની કરેલી કમેન્ટને પગલે યેન સુધર્યો હોવાથી ડૉલરમાં મર્યાદિત વધારો થયો હતો.

અમેરિકાનો ચોથા ક્વૉર્ટરનો ઍડ્વાન્સ ગ્રોથરેટ ૨.૩ ટકા રહ્યો હતો જે છેલ્લાં ત્રણ ક્વૉર્ટરનો સૌથી ઓછો ગ્રોથરેટ હતો અને ત્રીજા ક્વૉર્ટરનો ફાઇનલ ગ્રોથરેથ ૩.૧ ટકા રહ્યો હતો તેમ જ માર્કેટની ધારણા ૨.૬ ટકા ગ્રોથની હતી. અમેરિકામાં ફિક્સ્ડ ઇન્વેસ્ટમેન્ટ અને એક્સપોર્ટ-ઇમ્પોર્ટ ઘટતાં ગ્રોથરેટમાં ઘટાડો નોંધાયો હતો. જોકે પર્સનલ કન્ઝમ્પ્શન, સ્પે​ન્ડિંગ અને પ્રૉપટી સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ વધ્યું હતું.


અમેરિકામાં નવા અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ ૨૫ જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહના અંતે ૧૬ હજાર ઘટીને ૨.૦૭ લાખે પહોંચ્યા હતા જેના વિશે માર્કેટની ધારણા ૨.૨૦ લાખની હતી. અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ બે મહિનાની ઊંચાઈએ પહોંચ્યા બાદ ઘટતાં લેબર માર્કેટની સ્ટ્રેન્ગ્થ વધી હતી.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

ડોનલ્ડ ટ્રમ્પ દરરોજ સવાર પડે ત્યારે નવી ધમકીઓ આપી રહ્યા છે. ગુરુવારે ટ્રમ્પે બ્રિક્સ સંગઠનને ધમકી આપી હતી કે બ્રિક્સ દેશો ડૉલરના વિકલ્પે નવી કરન્સી બહાર નહીં પાડે એવી ખાતરી આપે અન્યથા બ્રિક્સ દેશો પર ૧૦૦ ટકા ટૅરિફ લાગુ પડશે. બ્રિક્સ દેશોએ ૨૦૨૪માં ડૉલરના વિકલ્પે નવી કરન્સી બહાર પાડવાની જાહેરાત કરી હતી. બ્રાઝિલ, રશિયા, ચીન, ભારત અને સાઉથ આફ્રિકા એમ પાંચ દેશનું બ્રિક્સ સંગઠન પ્રારંભમાં રચાયું હતું, પણ આ સંગઠનમાં ૨૦૨૪માં સાઉદી અરેબિયા, ઇજિપ્ત, યુનાઇડેટ આરબ અમીરાત, ઇથોપિયા, ઈરાન અને ઇન્ડોનેશિયા જોડાયા હતા. આમ આ સંગઠન હવે વધુ સ્ટ્રૉન્ગ બન્યું હોવાથી જો ડૉલરના વિકલ્પે નવી કરન્સી બહાર પાડે તો અમેરિકન ડૉલરનું વર્ચસ તૂટી શકે છે. ચીન અને રશિયા ડૉલરની તાકાતને ઘટાડવા વર્ષોથી મહેનત કરી રહ્યા હોવાથી ટ્રમ્પની નવી ધમકીની અસરથી અનેક પ્રકારની નવી કન્ટ્રોવર્સી ઊભી થશે અને જો આ કન્ટ્રોવર્સી વધુ વકરશે તો સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધશે.

સોનાનો ભાવ જાન્યુઆરીમાં ૧૨.૭૪ ટકા અને ચાંદીનો ભાવ .૭૩ ટકા વધ્યો

મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોના-ચાંદી સતત ત્રીજે દિવસે વધ્યાં હતાં. સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૭૮૩ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૩૪૯ રૂપિયા વધ્યો હતો. સોનું છેલ્લા ત્રણ દિવસમાં ૧૭૭૩ રૂપિયા અને ચાંદી છેલ્લા ત્રણ દિવસમાં ૩૭૮૩ રૂપિયા વધી હતી. ૨૦૨૫નો પ્રથમ મહિનો જાન્યુઆરીમાં મુંબઈમાં સોનાનો ભાવ ૯૭૦૭ રૂપિયા અને ચાંદીનો ભાવ ૭૫૧૬ રૂપિયા વધ્યો હતો. જાન્યુઆરીમાં સોનું ૧૨.૭૪ ટકા વધ્યું હતું જે ૨૦૨૪ના આખા વર્ષ દરમ્યાન ૨૦.૪૨ ટકા વધ્યું હતું જ્યારે ચાંદીનો ભાવ જાન્યુઆરીમાં ૮.૭૩ ટકા વધ્યો હતો જે ૨૦૨૪ના આખા વર્ષ દરમ્યાન ૧૭.૧૯ ટકા વધ્યો હતો. ૨૦૨૫ના આરંભથી સોના-ચાંદીમાં તેજીની આગેકૂચ ચાલુ થઈ ચૂકી છે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૮૨,૦૮૬
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૮૧,૭૫૭
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૩,૫૩૩
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

Whatsapp-channel Whatsapp-channel

01 February, 2025 08:21 AM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK