અમદાવાદી એ-વન લિમિટેડ સતત આઠમા દિવસે મંદીની સર્કિટમાં : ડિક્સન ટેક્નો ૧૭ મહિનાની બૉટમ સાથે ૬૦૭ રૂપિયા ડાઉન
પ્રતીકાત્મક તસવીર
ITCમાં ૩૫ મહિનાની બૉટમ, ટ્રેન્ટ પોણાબે વર્ષના તળિયે જઈને સેન્સેક્સ નિફ્ટીમાં ટૉપ લૂઝર : સુધારાની ચાલ જાળવી રાખતાં સ્ટેટ બૅન્ક ઑલટાઇમ હાઈ : માથે પરિણામ વચ્ચે માર્કેટ લીડર રિલાયન્સ બે ટકા ગગડી, લાર્સન સવાત્રણ ટકા ડૂલ : ઈરાન સાથે વેપાર બદલ ટ્રમ્પની ૨૫ ટકાની નવી ટૅરિફ વચ્ચે રાઇસ એક્સપોર્ટ કરતી કંપનીઓ સુધારામાં : અનલિસ્ટેડ માર્કેટમાં NSEનો શૅર ઘટીને ૨૧૦૦ની અંદર : અમદાવાદી એ-વન લિમિટેડ સતત આઠમા દિવસે મંદીની સર્કિટમાં : ડિક્સન ટેક્નો ૧૭ મહિનાની બૉટમ સાથે ૬૦૭ રૂપિયા ડાઉન
એક સુભાષિત છે એ મુજબ, અમુકની સોબતમાં બે બાજુનું દુઃખ. ટ્રમ્પનું પણ કંઈક આવું જ છે. આ માણસનો સમાવેશ બેશક અમુકમાં થઈ શકે એવું તેનું વર્તન છે. આની સોબત કરતી વખતે ભારતે બહુ સાચવવાનું છે. ભારત ખાતેના અમેરિકન રાજદૂત તરફથી ટ્રેડ ડીલ તેમ જ બન્ને દેશો વચ્ચેના સંબંધ વિશે ડાહી-ડાહી વાતો સોમવારે વહેતી થઈ હતી એના કારણે ટ્રમ્પ ઍડ્મિનિસ્ટ્રેશનનું વલણ ભારત પ્રત્યે પૉઝિટિવ થયું હોવાની છાપ પડી હતી. એના કારણે જ ૭૧૪ પૉઇન્ટ ગગડેલો સેન્સેક્સ નીચલા મથાળેથી ૧૧૦૧ પૉઇન્ટ બાઉન્સ થઈ છેવટે ૩૦૨ પૉઇન્ટ વધીને બંધ આવ્યો હતો. માર્કેટની સળંગ પાંચ દિવસની ખરાબી અટકી હતી. આ ઘટનાને માંડ ૨૪ કલાક પણ થયા નહોતા. ત્યાં ટ્રમ્પ તરફથી ભારતને એક વધુ આઘાત લાગે એવું પગલું જાહેર થયું છે. ઈરાન સાથે વેપારી સંબંધ રાખનારા તમામ દેશો ઉપર ટ્રમ્પે તાકીદે અમલી બને એ રીતે નવી પચીસ ટકા ટૅરિફ નાખી દીધી છે. આના કારણે આપણી લગભગ સવાસો કરોડ ડૉલરની નિકાસ સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. કહાની કા સબક? ટ્રમ્પનો વિશ્વાસ ન કરવો. આ કુકરી ક્યારે ગાંડી થાય એ નક્કી નહીં.
ADVERTISEMENT
આ વાતનો અંદેશો બજારને પણ હોય એમ ગઈ કાલની એની ચાલ પરથી લાગે છે. ટ્રેડડીલ માટે મંગળવારે ઊભય પક્ષી બેઠક મળવાની છે એવા હવામાનમાં સેન્સેક્સ આગલા બંધથી ૨૦૧ પૉઇન્ટ પ્લસ ૮૪,૦૭૯ ખૂલીને તરત ઉપરમાં ૮૪,૨૫૮ વટાવી ગયો હતો અને આ ક્ષણિક મજબૂતી પછી બજાર માઇનસ ઝોનમાં સરકી લગભગ આખો દિવસ નરમ જ રહ્યું હતું. શૅરઆંક ઉપલા મથાળેથી ૯૯૫ પૉઇન્ટ ખરડાઈ નીચામાં ૮૩,૨૬૩ નજીક જઈ છેવટે ૨૫૦ પૉઇન્ટ ઘટી ૮૩,૬૨૮ નજીક બંધ થયો છે. નિફ્ટી ઉપરમાં ૨૫,૯૦૦ નજીક જઈ ત્યાંથી ગગડી ૨૫,૬૦૩ બતાવી ૫૮ પૉઇન્ટની નરમાઈમાં ૨૫,૭૩૨ થયો છે. રસાકસીવાળી માર્કેટ બ્રેડ્થમાં વધેલા ૧૫૮૬ શૅર સામે ૧૫૪૨ કાઉન્ટર ઘટ્યાં છે. માર્કેટકૅપ ૯૩,૦૦૦ કરોડ ઘટીને ૪૬૭.૮૦ લાખ કરોડ થયું છે. બજારનાં સેક્ટોરલ મિશ્ર હતાં. ટેલિકૉમ ૧.૨ ટકા, કૅપિટલ ગુડ્સ ૦.૭ ટકા, રિયલ્ટી તથા એનર્જી ઇન્ડેક્સ અડધો ટકો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૬ ટકા નરમ હતાં. IT અડધો ટકો, નિફ્ટી મીડિયા તથા પીએસયુ બૅન્ક નિફ્ટી પોણો ટકો પ્લસ હતો.
નિફ્ટી ખાતે ONGC ૩.૪ ટકા વધીને ૨૪૪ નજીક તથા સેન્સેક્સમાં એટર્નલ સવાત્રણ ટકા વધીને ૨૯૪ બંધ આપી ટૉપ ગેઇનર બન્યો છે. ટ્રેન્ટ ૩.૪ ટકા કે ૧૩૮ રૂપિયાની ખરાબીમાં ૩૯૧૯ બંધ થઈ ટૉપ લૂઝર હતી. નીચામાં ભાવ ૩૮૩૦ની પોણાબે વર્ષની નીચી સપાટીએ ગયો હતો. રિલાયન્સ માથે રિઝલ્ટ વચ્ચે ૨.૧ ટકા ગગડી ૧૪૫૧ના બંધમાં બજારને ૧૮૨ પૉઇન્ટ નડી છે. લાર્સન સવાત્રણ ટકા કે ૧૩૦ રૂપિયા તૂટી ૩૮૮૮નો બંધ આપી સેકન્ડ વર્સ્ટ પર્ફોર્મર બની ૧૨૯ પૉઇન્ટ ભારે પડી છે. અન્ય નોંધપાત્ર ઘટેલી જાતોમાં ઇન્ડિગો બે ટકા, મારુતિ સુઝુકી ૧.૧ ટકા, અદાણી પોર્ટ્સ તથા ભારત ઇલે. એક-એક ટકો, ડૉ. રેડ્ડીઝ લૅબ બે ટકા, જિયો ફાઇનૅન્સ સવા ટકો, ગ્રાસિમ તથા સિપ્લા ૧.૨ ટકા મુખ્ય છે. ITC લગભગ ૩૫ મહિનાની બૉટમ, ૩૩૪ની અંદર જR એક ટકો ઘટીને ૩૩૪ ઉપર બંધ થઈ છે.
સ્ટેટ બૅન્ક ૧૦૨૯ની ઑલટાઇમ હાઈ બનાવી ૧.૩ ટકાની આગેકૂચમાં ૧૦૨૮ થઈ છે. ICICI બૅન્ક ૧.૭ ટકા વધુ ઊંચકાઈને ૧૪૩૬ વટાવી બજારને ૧૪૧ પૉઇન્ટ ફળી છે. હિન્દાલ્કો પોણાબે ટકા વધીને ૯૩૬ હતી. મેક્સ હેલ્થકૅર ૧.૪ ટકા સુધરી છે. કેમ્પ્લાસ્ટ સન્માર ૧૧.૭ ટકા તથા બાલાજી એમાઇન્સ ૧૧ ટકા કે ૧૨૦ રૂપિયા ઊછળી એ-ગ્રુપમાં મોખરે હતી. ડિક્સન ટેક્નો ૧૧,૧૮૨ની ૧૭ મહિનાની બૉટમ બનાવી પાંચ ટકા કે ૬૦૭ રૂપિયા ખરડાઈ ૧૧,૨૩૬ થઈ છે. અશોકા બિલ્ડકૉન તથા વોડાફોન ૪-૪ ટકા ગગડી હતી.
એક્સ-બોનસમાં ઉત્તમ ઇન્વેસ્ટમેન્ટ નવી ટોચે જઈને ૭.૬ ટકા મજબૂત
નરીમાન પૉઇન્ટ ખાતેની ઉત્તમ ઇન્વેસ્ટમેન્ટ એક શૅરદીઠ ચાર શૅરના મેઇડન બોનસમાં એક્સ બોનસ થતાં ગઈ કાલે ૬૮૩ની ટૉપ બતાવી ૭.૬ ટકા ઊછળી ૬૬૭ રહી છે. બેસ્ટ ઍગ્રોલાઇફ બે શૅરદીઠ એક બોનસમાં ગુરુવારે બોનસ બાદ થવાની છે. ભાવ ગઈ કાલે ત્રણ ટકા વધી ૪૫૧ હતો. કોટક મહિન્દ્ર બૅન્ક પાંચના શૅરના એક રૂપિયાના વિભાજનમાં બુધવારે એક્સ સ્પ્લિટ થશે. શૅર ઉપર ૨૧૪૪ થઈ નામપૂરતો ઘટીને ૨૧૩૨ હતો. અજમેરા રિયલ્ટી ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં એક્સ સ્પ્લિટની પૂર્વસંધ્યાએ ઉપરમાં ૯૩૨ થઈ અડધો ટકો ઘટી ૯૧૫ રહી છે. બાય ધ વે, બેસ્ટ ઍગ્રોમાં બોનસ ઉપરાંત ૧૦ના શૅરનું એકમાં વિભાજન પણ થવાનું છે. એની રેકૉર્ડડેટ ૧૬ જાન્યુઆરી છે. અમદાવાદી સિલ્વર ટચ ટેક્નોમાં બોનસ માટે ૧૬મીએ બોર્ડ મીટિંગ છે. ભાવ ૪.૭ ટકા ગગડી ૧૫૧૬ થયો છે. એ-વન લિમિટેડ સતત ૭ દિવસથી મંદીની સર્કિટમાં બંધ થયા પછી ગઈ કાલે પાંચ ટકા તૂટી ૩૫ થઈ ત્યાં જ બંધ આવી છે.
આનંદ રાઠી વેલ્થ લિમિટેડે બાવીસ ટકા વધારામાં ૨૮૯ કરોડ પ્લસની આવક તથા ૨૯ ટકા વધારામાં ૧૦૦ કરોડ નજીકનો નફો મેળવ્યો છે. શૅર ઉપરમાં ૩૨૦૪ બતાવી અડધો ટકો વધી ૩૧૪૪ બંધ થયો છે. સરકારનું ૭૨.૨ ટકા હોલ્ડિંગ ધરાવતી NLC ઇન્ડિયાએ એની સબસિડિયરી NLC ઇન્ડિયા રીન્યુએબલનો પબ્લિક ઇશ્યુ લાવીને એનું લિસ્ટિંગ કરાવવાનું નક્કી કર્યું છે. શૅર ગઈ કાલે ૨૬૩ થઈ નજીવો ઘટીને ૨૫૫ બંધ થયો છે. NSE તરફથી ઇશ્યુ લાવવાની તૈયારી શરૂ થઈ છે એ માર્ચ પૂરો થાય એ પહેલાં બજારમાં લિસ્ટિંગ મેળવવા ઉત્સુક છે. અન-લિસ્ટેડ માર્કેટમાં શૅરનો ભાવ ૧૦ જાન્યુઆરીના રોજ ૨૩૦૦ હતો એ ઘસાઈને હાલ ૨૧૦૦ની અંદર આવી ગયો છે. દરમ્યાન BSE લિમિટેડ આગલા દિવસની તેજી બાદ ગઈ કાલે ઉપરમાં ૨૮૭૪ નજીક જઈને દોઢ ટકો વધીને ૨૮૩૨ થયો છે.
આર્મર સિક્યૉરિટી શૅરદીઠ ૫૭ રૂપિયાના ભાવે આજે મૂડીબજારમાં
આજે નવી દિલ્હીની રેસિડેન્શ્યલ તેમ જ કમર્શિયલ ક્ષેત્રે સિક્યૉરિટીઝ સર્વિસિસ પૂરી પાડતી આર્મર સિક્યૉરિટી ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૫૭ની અપર બૅન્ડમાં ૨૭ કરોડનો NSE SME IPO કરવાની છે. ગ્રેમાર્કેટમાં એકથી શરૂ થયેલું પ્રીમિયમ હાલ બે બોલાય છે. ૧૯૯૯માં સ્થપાયેલી આ કંપનીએ ગયા વર્ષે ૧૦ ટકા વધારામાં ૩૬૫૬ લાખ આવક ઉપર ૫૧ ટકા વૃદ્ધિદરથી ૩૯૭ લાખ તથા નફો ૨૯૦ લાખ થયો છે. દોઢ વર્ષમાં દેવું ૧૮૦ લાખથી વધીને ૬૦૧ લાખ થઈ ગયું છે. ઇશ્યુ બાદ ઇક્વિટી વધીને ૧૬૮૭ લાખ થશે. ગયા વર્ષની કમાણી પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ ૨૪ પ્લસનો ઊંચો પીઈ બતાવે છે.
દરમ્યાન ગઈ કાલે ભારત કોકિંગ કોલનો ૧૦ના શૅરદીઠ ૨૩ના ભાવનો ૧૦૭૧ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૮૭ ગણા સહિત કુલ ૧૪૭ ગણા પ્રતિસાદમાં તથા ડિફેઇલ ટેક્નૉલૉજીઝનો ૧૦ના શૅરદીઠ ૭૪ના ભાવનો ૧૩૭૭ લાખનો SME IPO રીટેલમાં ૯૯ ગણા સહિત કુલ ૧૦૫ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. ભારત કોકિંગ કોલમાં ૧૦નું અને ડિફેઇલમાં ૮ રૂપિયાનું પ્રીમિયમ ચાલે છે. સોમવારે જે બે SME IPO ખૂલ્યા હતા એમાં જામનગરની નર્મદેશ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝનો ૧૦ના શૅરદીઠ ૫૧૫ની ઇશ્યુ પ્રાઇસ સાથે ૪૪૮૭ લાખનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૧.૧ ગણો અને બૅન્ગલોરની અવના ઇલેક્ટ્રો સિસ્ટમ્સનો ૧૦ના શૅરદીઠ ૫૯ના ભાવનો ૩૫૨૨ લાખનો ઇશ્યુ કુલ ૨૧ ગણો ભરાયો છે. ગ્રેમાર્કેટમાં અપના ઇલે.માં ૧૬ રૂપિયા અને નર્મદેશમાં ઝીરો પ્રીમિયમ છે.
ઇન્ફી માથે પરિણામ વચ્ચે નજીવો પ્લસ, TCSમાં તગડા ઇન્ટરિમનો ટેકો
TCSનાં પરિણામ નબળાં આવ્યાં છે, પરંતુ સ્પેશ્યલ સહિત શૅરદીઠ કુલ ૫૭ રૂપિયાના બમ્પર ઇન્ટરિમની રેકૉર્ડ ડેટ ૧૭ જાન્યુઆરીએ નક્કી થઈ હોવાથી શૅર ગઈ કાલે નીચામાં ૩૨૧૦ થયા બાદ ઉપરમાં ૩૨૭૯ બતાવી બમણા વૉલ્યુમે એક ટકો વધીને ૩૨૬૭ બંધ થયો છે. ઇન્ફોસિસનાં રિઝલ્ટ બુધવારે છે. ભાવ ઉપરમાં ૧૬૧૬ થયા બાદ નજીવો સુધરી ૧૫૯૮ હતો. HCL ટેક્નોનાં પરિણામ પણ એકંદર ઢીલા છે. એમાં શૅરદીઠ ૧૨ના ઇન્ટરિમની રેકૉર્ડ ડેટ ૧૭મી હોવાથી ભાવ ઉપરમાં ૧૬૯૬ થયા બાદ નીચામાં ૧૬૨૬ થઈ ૦.૨ ટકા ઘટીને ૧૬૬૫ હતો. વિપ્રોનાં રિઝલ્ટ ૧૬મીએ છે. ભાવ અડધો ટકો વધીને ૨૬૪ હતો. ટેક મહિન્દ્રનાં પરિણામ પણ ૧૬મીએ આવવાનાં છે. શૅર ૧.૭ ટકા વધીને ૧૬૧૩ રહ્યાં છે. લાટિમ પોણાબે ટકા વધીને ૬૧૦૩ હતી. પરિણામ ૧૯મીએ છે. ગઈ કાલે IT ઇન્ડેક્સ ૭૭માંથી ૪૩ શૅરના સખવારે અડધો ટકો કે ૨૦૨ પૉઇન્ટ વધ્યો છે. ૬૩ મૂન્સ ઉપરમાં ૭૦૨ થR આઠ ટકા વધીને ૬૯૩ બંધમાં અત્રે ઝળકી હતી. ડીલિન્ક ઇન્ડિયા પાંચ ટકા તો માઇન્ડટેક ૩.૮ ટકા ઊંચકાઈ હતી. તાતા ઍલેક્સી રિઝલ્ટ પહેલાં ૫૮૨૨ થઈ ૧.૮ ટકા કે ૧૦૧ રૂપિયા વધીને ૫૭૯૬ બંધ આવી છે. ઇન્ફોબિન્સ ટેક્નો ઉપરમાં ૯૧૮ થયા બાદ પ્રૉફિટ બુકિંગમાં ૮૩૫ બતાવી પાંચ ટકા બગડીને ૮૫૨ બંધ રહી છે.
ગૅબિયન ટેક્નૉલૉજીઝનું નબળું લિસ્ટિંગ, ૧૪.૮ ટકાનું લિસ્ટિંગ ગેઇન
નવી દિલ્હીની ગૅબિયન ટેક્નૉલૉજીઝ ૧૦ના શૅરદીઠ ૮૧ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૨૫થી શરૂ થયા બાદ ઉપરમાં ૩૫ થઈ છેલ્લે બોલાતા ૩૧ના પ્રીમિયમ સામે ગઈ કાલે BSE ખાતે ૮૯ ખૂલીને ૯૩ બંધ થતાં ૧૪.૮ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યું છે. કલકત્તાની યજુર ફાઇબર્સ અને નવી દિલ્હીની વિક્ટરી ઇલેક્ટ્રિક વ્હીકલ્સ આજે લિસ્ટેડ થશે. હાલ બન્નેમાં કામકાજ નથી.
ગઈ કાલે કુલ ૩ નવાં ભરણાં ખૂલ્યાં છે. મેઇન બોર્ડમાં ખોટ કરતી એમેજી મીડિયા લૅબ્સનો પાંચના શૅરદીઠ ૩૬૧ની અપરબૅન્ડમાં ૧૭૮૯ કરોડ રૂપિયાનો ઇશ્યુ રીટેલમાં ૨૩ ટકા સહિત કુલ ૬ ટકા પ્રથમ દિવસે ભરાયો છે. ગ્રેમાર્કેટમાં ૪૩થી શરૂ થયેલું પ્રીમિયમ ઘટતું રહી હાલ ૧૬ બોલાય છે. SME સેગમેન્ટમાં અમદાવાદની ઇન્ડો એસએમસી લિમિટેડનો ૧૦ના શૅરદીઠ ૧૪૯ની ઇશ્યુ પ્રાઇસવાળો આશરે ૯૨ કરોડનો BSE SME ઇશ્યુ રીટેલમાં દોઢ ગણા સહિત કુલ ૯૦ ટકા તથા મહેસાણાની GRE રિન્યુ એનરટેક્નો ૧૦ના શૅરદીઠ ૧૦૫ના ભાવનો ૩૯૫૬ લાખનો BSE SME ઇશ્યુ રીટેલમાં ૩૦ ટકા સહિત કુલ સવા બે ગણો પ્રથમ દિવસે ભરાયો છે. ગ્રે માર્કેટમાં GREમાં ૭ રૂપિયા તથા ઇન્ડો SMEમાં ૩૨ રૂપિયા પ્રીમિયમ છે.
મહારાષ્ટ્ર સ્કૂટર્સ પરિણામ પાછળ ૮૭૨ રૂપિયા ઊંચકાઈ
ટ્રમ્પ તરફથી ઈરાન સાથે વેપાર કરનારા તમામ દેશો ઉપર અમેરિકા ખાતે ત્યાંથી થતી આયાત ઉપર પચીસ ટકાની ટૅરિફ નાખવામાં આવી છે જે તાકીદે અમલી બની છે. આના પગલે ભારતથી ઈરાન ખાતે થતી આશરે ૧૨૪ કરોડ ડૉલરની નિકાસ માથે જોખમ ઊભૂં થયું છે. સૌથી મોટી આઇટમ રાઇસ છે, વર્ષે ત્યાં ૭૫ કરોડ ડૉલરથી વધુના ચોખા ભારત નિકાસ કરે છે, પરંતુ કહે છે કે હ્યુમનિટેરિયમ કે માનવીયતાના ગ્રાઉન્ડને લઈને આ નિકાસને વાંધો નહીં આવે. ફૂડ-સપ્લાય હ્યુમનિટેરિયમ કૅટેગરીમાં હોવાથી એને શિક્ષાત્મક ટૅરિફ કે અંકુશ લાગુ પડતો નથી. ગઈ કાલે રાઇસ શૅરમાં એલ.ટી. ફૂડ્સ નીચામાં ૩૫૨ થયા બાદ બાઉન્સ બૅકમાં ૩૮૪ વટાવી ૩ ટકા વધી ૩૭૪ બંધ થઈ છે. કેઆરબીએલ ૩૪૯ થયા બાદ ૩૬૬ વટાવી ૨.૪ ટકા વધી ૩૬૫, જીઆરએમ ઓવરસીઝ ૧૬૦ થયા પછી ૧૭૩ વટાવી ૧.૭ ટકા વધી ૧૭૨, મંગલમ ગ્લોબલ એન્ટર. પાંચ ટકા વધી ૧૩ બંધ હતી. ચમનલાલ સેટિઆ એક્સપોર્ટસ નીચામાં ૨૫૨ બતાવી દોઢ ટકો ઘટીને ૨૫૩ તથા ગુજરાત અંબુજા એક્સપોર્ટસ નજીવા ઘટાડે ૧૪૦ બંધ થઈ છે.
બજાજ હોલ્ડિંગ્સની ૫૧ ટકા માલિકીની મહારાષ્ટ્ર સ્કૂટર્સ તરફથી ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૧૧.૨ ટકા વધારામાં ૬૪૪ લાખની આવક તથા ૨૪.૮ ટકા વધારામાં ૪૧૨ લાખ નેટ નફો દર્શાવાયો છે. શૅર ૪ ગણા કામકાજે ૧૩,૮૮૦ વટાવી ૬.૭ ટકા કે ૮૭૨ રૂપિયા વધીને ૧૩,૮૩૦ બંધ હતો. ફેસ વૅલ્યુ ૧૦ની તથા બુકવૅલ્યુ ૨૮,૮૮૬ રૂપિયાની છે. છેલ્લે બોનસ ઑગસ્ટ ૧૯૯૭માં આવ્યું હતું. ઇક્વિટી ૧૧૪૨ લાખ છે. સામે રિઝર્વ ૩૦,૮૫૧ કરોડ રૂપિયા છે. ૧૫ સપ્ટેમ્બરના રોજ ભાવ ૧૮,૫૨૬ના બેસ્ટ લેવલે ગયો હતો.


