Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > > > શૅરબજારના સ્વભાવ અને પ્રતિભાવને સમજી લેનાર જ ખરો સિકંદર કહેવાય

શૅરબજારના સ્વભાવ અને પ્રતિભાવને સમજી લેનાર જ ખરો સિકંદર કહેવાય

20 November, 2023 02:25 PM IST | Mumbai
Jayesh Chitalia

શૅરબજાર ડાહ્યું-ડમરું ન હોઈ શકે, પરંતુ આપણે ડાહ્યા-સ્માર્ટ રહેવું પડે, આમ શા માટે? સમજીએ

પ્રતીકાત્મક તસવીર સ્ટૉક ટ્રેન્ડ

પ્રતીકાત્મક તસવીર


શું તમને ખબર છે કે શૅરબજારમાં રોકાણ કરતી વખતે આપણા સ્વભાવ-લાગણીની પણ આપણા નિર્ણય પર અસર થાય છે? જેને લીધે આપણે ઘણી વાર ભૂલ યા નુકસાન કરી બેસીએ છીએ. વાસ્તવમાં આપણે શૅરબજારના સ્વભાવને પણ સમજવાનો હોય છે. શૅરબજાર ડાહ્યું-ડમરું ન હોઈ શકે, પરંતુ આપણે ડાહ્યા-સ્માર્ટ રહેવું પડે, આમ શા માટે? સમજીએ

 



૨૦૨૩ની દિવાળી પસાર થઈ અને નવું વરસ શરૂ થયું. ચાલો, આપણે પણ આ વખતે જરા જુદી, નવી-નોખી વાત કરીએ. માર્કેટ ટ્રેન્ડની સાથે ઇન્વેસ્ટર્સની માનસિકતાની વાત સમજીએ. કારણ કે માર્કેટ બિહેવ-વર્તન એક વાત હોય છે, જેને ઘણાં વિભિન્ન પરિબળો અસર કરતાં હોય છે, જ્યારે વ્યક્તિગત ઇન્વેસ્ટરની વાત પોતાના બિહેવની હોય છે, જે તેને રોકાણ વિશેના નિર્ણય લેવડાવે છે. આપણે દરેક જણ એક રોકાણકાર તરીકે આને સમજવાનો પ્રયાસ કરીએ. માર્કેટ મજાનું છે, એને સમજીને સમય આપીશું તો એ આપણને સંપત્તિસર્જનમાં સહાય કરશે.


માર્કેટ બિહેવને અસર કરતાં પરિબળો

સૌપ્રથમ માર્કેટના સ્વભાવ-વર્તન-બિહેવને સમજીએ. સ્ટૉક માર્કેટ ક્યારેય રૅશનલ, સ્થિર, ડાહ્યું, શિસ્તબદ્ધ, ખાતરીવાળું, આગાહી કરી શકાય એવું ન હોઈ શકે. ચંચળતા ઉર્ફે વૉલેટિલિટી, અસ્થિરતા, અવ્યવહારુપણું, અનિશ્રિંતતા વગેરે જેવાં તત્ત્વો એનો સ્વભાવ છે. એની પાસેથી બહુ ડહાપણની અપેક્ષા ન રાખો, એની પાસે ખાતરી-વચન ન માગો, એને સમયના બંધનમાં બાંધો નહીં. વિચારો કે માર્કેટે એકસાથે કેટલાં બધાં પરિબળનો સામનો કરવાનો હોય છે, એના પર માત્ર આપણી, આપણા દેશની જ નહીં, આખી દુનિયાની ઘટનાની અસર થાય છે, મોસમની, યુદ્ધની, શાંતિની, વિકાસની, વિનાશની, ક્રાઇસિસની, કરન્સીની, ઇન્ફલેશનની, ઇન્ટરેસ્ટ રેટ્સની, અન્ય નાના-મોટા દેશોનાં અર્થતંત્રની, કૉમોડિટીઝના ભાવોની, આર્થિક નીતિઓની, રાજકીય સમીકરણોની, દેશના વાતાવરણની, કલ્ચરની, આદતોની વગેરેની લાંબી યાદી છે. સટ્ટાકીય તત્ત્વો અને લેભાગુ ઑપરેટરોના ગેમની વળી અલગ અસર પણ ખરી.


માર્કેટને સમજવું અઘરું કેમ?

આમાંથી કઈ અસર ક્યારે અને કેવી રીતે થશે એ કહેવું કઠિન હોય છે. અમુક અસર સારી હોય તો એ જ સમયે અમુક નઠારી પણ હોઈ શકે, માર્કેટ કોની પાસેથી કેટલી અસર લઈને કેવી ચાલ ચાલશે, કેવો પ્રતિભાવ આપશે એ કળવું અઘરું હોય છે. આજ સુધી માર્કેટને કોઈ ખાતરીપૂર્વક સમજી શક્યું નથી. ભલભલા ખાં પણ એના વિશે અનુમાન બાંધવામાં અને આગાહી કરવામાં મહદંશે નિષ્ફળ રહ્યા છે. અલબત્ત, એને સમજવામાં-કળવામાં અભ્યાસ જરૂર કામ લાગે છે છતાં એની ટૂંકા ગાળાની ચાલને સમજવાનું તો એ પછી પણ અઘરું રહે છે. હા, લાંબા ગાળાના અંદાજ ચોક્કસ મૂકી શકાય એથી જ લાંબા ગાળાના રોકાણની સલાહ કાયમ અપાય છે. હવે ફરી વિચારો કે એક વ્યક્તિગત રોકાણકાર તરીકે આપણે સ્ટૉક માર્કેટને કઈ રીતે સમજી શકીએ અને રોકાણનો પર્ફેકટ નિર્ણય લઈ શકીએ? માર્કેટ વર્ષોથી ચડ-ઊતર, કડાકા-ઉછાળા, મંદી-તેજી, આશા-નિરાશા, બેસ્ટ ટાઇમ અને વર્સ્ટ ટાઇમનો અનુભવ જોતું અને બતાવતું રહે છે.

તાજા દાખલા જોઈ જાઓ

માત્ર છેલ્લાં અમુક વરસની અમુક જ ઘટનાની વાત કરીએ, જેણે ઇકૉનૉમી અને માર્કેટ બન્ને પર જબરદસ્ત અસર કરી હતી, એમાં ૨૦૦૮ની ફાઇનૅન્શિયલ ક્રાઇસિસ, સબ-પ્રાઇમ, કોવિડ-19, રશિયા-યુક્રેન યુદ્ધ અને હાલમાં ચાલી રહેલા ઇઝરાયલ-પૅલેસ્ટીન-હમાસ યુદ્ધ, તનાવ, યુએસ સંભવિત રીસેશન, વ્યાજદર-મોંઘવારીની સમસ્યા, ગ્લોબલ અનિશ્રિંતતા વગેરે પછી પણ માર્કેટ ક્યાં સુધી નીચે ગયું અને ક્યારે પાછું ફર્યું, એટલું જ નહીં, નવી ઐતિહાસિક ઊંચાઈ પણ હાંસલ કરી. છેલ્લાં ૧૦ વર્ષની જ સેન્સેક્સ અને નિફટીની ગતિ જોઈ લો તો ખ્યાલ આવી જશે કે માર્કેટ કઈ રીતે કોને રીઍક્ટ કરે છે, જેને સમજવું મુશ્કેલ છે. એથી જ આ માર્કેટને સમજવાનો પ્રયાસ કરવા કરતાં એનો અભ્યાસ કરવો અને એને સમય આપવો બહેતર છે. એના અભ્યાસમાંથી સારા ફન્ડાવાળા સ્ટૉક્સ સિલેક્ટ કરવામાં શાણપણ છે.

ગ્લોબલ અને ભારતીય ટ્રેન્ડ શું કહે છે?

વીતેલા સપ્તાહની ઝલકમાં પ્રથમ દિવાળીના રવિવારના મુહૂર્ત ટ્રેડિંગના સોદાનું માર્કેટ જોઈએ. આ દિવસે દોઢ કલાકના કામકાજમાં તેજીના મૂડ સાથે સેન્સેક્સ ૩૫૫ પૉઇન્ટ અને નિફ્ટી ૧૦૦ પૉઇન્ટ ઊછળ્યા હતા. રોકાણકારોની સંપત્તિ આટલા જ કલાકમાં ૨.૨ લાખ કરોડ રૂપિયા વૃદ્ધિ પામી હતી. જોકે બીજા દિવસે સોમવારે બજારે પ્રૉફિટ બુકિંગ પસંદ કરી, જેમાં સેન્સેક્સ ૩૨૫ પૉઇન્ટ અને નિફ્ટી ૮૨ પૉઇન્ટ નીચે ઊતરી ગયા હતા. યુએસમાં ફેડ તરફથી વ્યાજદર ઘટાડાના સંકેત છતાં આમ થયું હતું. જોકે યુએસના ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટ રેટ વિશેનાં પૉઝિટિવ ઇન્ડિકેટર્સને કારણે બીજા દિવસે માર્કેટે જબરી છલાંગ મારી હતી. આપણા દેશમાં સારા અહેવાલ મુજબ ઑક્ટોબરમાં રીટેલ ઇન્ફ્લેશન રેટ ઘટીને ૪.૮૭ ટકા નોંધાયો હતો. આમ બે મોટી પૉઝિટિવ અસરે સેન્સેક્સના ૭૪૨ પૉઇન્ટ અને નિફ્ટીના ૨૩૨ પૉઇન્ટના ઉછાળા સાથે ઓવરઑલ માર્કેટે ખરી દિવાળી ઊજવી હતી.

ગુરુવારે પણ યુએસના સકારાત્મક સંકેતોને પગલે બજારે ફરી ઉછાળા બતાવી વધ-ઘટ સાથે પૉઝિટિવ બંધ આપ્યો હતો. સેન્સેક્સ ૩૦૬ પૉઇન્ટ અને નિફ્ટી ૯૦ પૉઇન્ટ વધીને બંધ રહ્યા હતા. શુક્રવારે બજારની સાધારણ વધ-ઘટ સાથે સેન્સેક્સ ૧૮૮ પપૉઇન્ટ અને નિફ્ટી ૩૩ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા હતા, જે પ્રૉફિટ બુકિંગને કારણે સહજ હતું. હાલમાં તો ભારતીય બજાર પાસે બુલિશ રહેવાનાં કારણો છે, જે હવે પછી વધી શકે છે. મૉર્ગન સ્ટન્લીના મતે ભારત ૨૦૨૪માં ચીન કરતાં બહેતર કામગીરી બજાવશે. ગોલ્ડમૅન સાક્સ દ્વારા પણ ભારતીય ઇકૉનૉમી અને માર્કેટ માટે ઊંચી આશા વ્યક્ત કરવામાં આવી છે.

કરેક્શનને તક બનાવો

આર્થિક મોરચે પ્રગતિ અને ગ્લોબલ સ્તરેથી ભારત તરફ વધી રહેલું આકર્ષણ તેજીની ગાડીને ચાલુ રાખશે એવું કહી શકાય, એથી જ કરેક્શન આવે ત્યારે એને ખરીદી લેવાની તક ઉપાડી લેવામાં ડહાપણ છે. બાય ધ વે, કરેક્શનની રાહ જોવા કરતાં ધીમે-ધીમે સારા લાર્જ કૅપ સ્ટૉક્સ જમા કરવામાં વધુ શાણપણ હશે. આગામી સમયમાં જનરલ ઇલેક્શન મહત્ત્વનું પરિબળ બનશે, જે માર્કેટને અને આપણને પણ નચાવશે. આવા સમયે યોગ્ય સંયમ અને સમતુલા જાળવવાની રહેશે.

વિચાર ટિપ

ઇતિહાસ કહે છે કે જો તમે લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટર રહો છો તો તમારી સફળતાને કોઈ રોકી શકતું નથી. મોટા ભાગના રોકાણકારોને ભૂતકાળમાં માર્કેટમાં જે ઘટાડો આવ્યો હતો એ ગુમાવેલી તક લાગે છે અને ભવિષ્યમાં જે ઘટાડાની સંભાવના દેખાય છે એ જોખમ લાગે છે. આમાં જ તેઓ ખરા નિર્ણય લેવાનું ચૂકી જાય છે.

Whatsapp-channel Whatsapp-channel

20 November, 2023 02:25 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK