આજે આપણે ઘર વેચવાની કળા વિશે મહત્ત્વપૂર્ણ માહિતીની ચર્ચા કરીશું
પ્રતીકાત્મક તસવીર
જો તમે પોતાની રહેણાક મિલકત પર શ્રેષ્ઠ વળતર મેળવવા માગતા હો તો તમારે હવે પછીનું લખાણ વાંચવું રહ્યું. આજે આપણે ઘર વેચવાની કળા વિશે મહત્ત્વપૂર્ણ માહિતીની ચર્ચા કરીશું. ભલે તમે તમારા ઘરનું વેચાણ મોટા ઘરમાં અપગ્રેડ કરવા માટે કરો કે પછી પ્રૉપર્ટીમાં કરેલા રોકાણ પર સારો નફો મેળવવા માટે કરો, તમારે નીચે મુજબની પાંચ ટિપ્સ ધ્યાનમાં રાખવી જોઈએ :
૧. પાત્રતા ધરાવતા સ્થાવર મિલકત એજન્ટની મદદ લો :
ADVERTISEMENT
રિયલ એસ્ટેટ એજન્ટો એવા નિષ્ણાત હોય છે જે બજારને સારી રીતે જાણતા હોય છે. તેઓ તમારી મિલકત જેવી સેંકડો મિલકતોનાં વેચાણનો અનુભવ ધરાવતા હોય છે. એક લાયક રિયલ એસ્ટેટ એજન્ટ ડિજિટલ પ્લૅટફૉર્મ પર તમારા ઘરનું માર્કેટિંગ કરીને તમામ સંભવિત ખરીદદારોમાંથી તમારા માટે લાયક ખરીદદાર શોધવામાં મદદરૂપ થાય છે. તેઓ તમને કાનૂની અને નાણાકીય દૃષ્ટિએ આવશ્યક માહિતી પૂરી પાડીને બધી ઔપચારિકતાઓ સહેલાઈથી પૂરી કરવામાં પણ સહાયરૂપ થઈ શકે છે. આ રીતે તેઓ તમને ઘણા પૈસા બચાવવામાં મદદ કરી શકશે.
૨. ઘરની યોગ્ય કિંમત નક્કી કરો :
ઘરની યોગ્ય કિંમત નક્કી કરવી એ તમારા ઘરને ઝડપથી વેચવાની સૌથી મહત્ત્વની ચાવી છે. આપણે બધા ભાવનાત્મક રીતે આપણા ઘર સાથે જોડાયેલા હોઈએ છીએ અને તેના માટે શ્રેષ્ઠ ભાવ ઇચ્છતા હોઈએ છીએ, પરંતુ ઘર બજારમાં લાંબા સમય સુધી વેચાય નહીં તો જતે દિવસે એના ભાવમાં મોટો ઘટાડો કરીને વેચાણ કરવું પડી શકે છે. તમારા રિયલ એસ્ટેટ એજન્ટ તમને તમારા ઘરની કિંમત નક્કી કરવામાં મદદ કરી શકશે, કારણ કે તેઓ ભાવનાત્મક રીતે ઘરની સાથે જોડાયેલા હોતા નથી. તમારા વિસ્તારના દરેક ઘરનું તુલનાત્મક બજાર વિશ્લેષણ તેમની પાસે હોય છે.
૩. તમારા ઘરને વેચાણ માટે તૈયાર કરો :
તમારે ઘરને ખરીદનારના દૃષ્ટિકોણથી જોવું પણ અગત્યનું છે. ઘરની પ્રથમ છાપ સોદો કરાવી શકે અથવા તોડાવી શકે છે. તેથી તમારા ઘરના દેખાવ અને અનુભૂતિને વધારવા માટે તમારે જે નાનું-નાનું સમારકામ અથવા સુધારણાનું કામ કરાવવાની જરૂર હોય છે તે સમારકામ પૂર્ણ કરવા અને તમારા ઘરને ખરીદદારો માટે પૂરતું આકર્ષક બનાવવા માટે લાયક કૉન્ટ્રૅક્ટરની નિમણૂક કરો. આ નાનું રોકાણ તમારા ઘરનું ઝડપી વેચાણ સુનિશ્ચિત કરશે અને તમને સારી કિંમત મળશે.
૪. તમારા ઘરને સુઘડ
અને સાફ રાખો :
તમારું ઘર તમારી અંગત જગ્યા છે, પરંતુ ખરીદનાર હંમેશાં સરસ મજાના ઘરની અપેક્ષા રાખતા હોય છે. ઘર અસ્તવ્યસ્ત હોય તો ઓરડાઓ હોય એના કરતાં નાના દેખાય છે. ઘણા ખરીદદારોને નાના ઓરડામાં મોટાં ફર્નિચર તથા બીજી સજાવટની વસ્તુઓ ગમતી નથી. આથી ઘરની સંપૂર્ણ સફાઈ કરવાનું વિચારવું અને બિનજરૂરી ચીજવસ્તુઓને દૂર કરવી. એક સુઘડ અને સ્વચ્છ ઘર ઘણા ખરીદદારોને આકર્ષિત કરી શકે છે.
૫. બધા દસ્તાવેજો તૈયાર રાખો :
આ મુદ્દો કોઈ પણ રિયલ એસ્ટેટના સોદાનો સૌથી મહત્ત્વનો ભાગ હોય છે. બજારમાં તમારું ઘર વેચાણ માટે મૂકતાં પહેલાં જ તમારે તમારા તમામ કાનૂની દસ્તાવેજો તૈયાર રાખવાની જરૂર હોય છે. તમારી માલિકી સુધીનાં તમામ એગ્રીમેન્ટની ચેઇન તપાસો અને શૅર સર્ટિફિકેટ તથા સોસાયટીના રેકૉર્ડસમાં માલિક તરીકે તમારો ઉલ્લેખ છે કે નહીં એ પણ જુઓ. તમારી પાસે બિલ્ડિંગ પ્લાનની મંજૂર કરાયેલી નકલો, ઑક્યુપેશન સર્ટિફિકેટ, મેન્ટેનન્સનાં બિલ, તમામ ટાઇટલ ડીડ એ બધું સંભવિત ખરીદદારને બતાવવા માટે હાજર રાખો. જો તમારી મિલકત પર હાલમાં હોમ-લોન ચાલતી હોય તો તમારી લોનની સામે દસ્તાવેજો બૅન્ક પાસે પડ્યા છે એ મુજબનો બૅન્કનો પત્ર તૈયાર રાખો.
ખરીદદારો ઘર જોયાની પ્રથમ દસ મિનિટમાં જ નિર્ણય લઈ લેતા હોય છે. આથી એ સમયમાં તમે એમને જોઈએ એવી બધી વસ્તુઓ તૈયાર રાખી હોય અને તમારું ઘર એમને બધી રીતે ગમી જાય તો સોદો ઘણી આસાનીથી પાર પડી શકે છે. આથી ઉક્ત ટિપ્સને પૂરતું મહત્ત્વ આપો.


