કરેક્શન માટે હજી પણ ક્રૂડ અને અમેરિકા-ઈરાનનું કારણ જવાબદાર
પ્રતીકાત્મક તસવીર
સ્ટૉક માર્કેટ સંપત્તિસર્જનનું ઉત્તમ સ્થાન ગણાય છે, પરંતુ આ માટે અેની ચોક્કસ શરતો હોય છે જેમાં લાંબા ગાળાનું રોકાણ, શિસ્તબદ્ધ રોકાણ, અભ્યાસના આધારે કરાયેલું રોકાણ જેવાં પરિબળો મહત્ત્વનાં છે. આ માટે ધીરજ પ્રાઇમરી છે, રોકાણની રકમ નાની હોય કે મોટી એ સેકન્ડરી છે. આ બાબતો સટોડિયા અને ડે ટ્રેડર્સને લાગુ પડતી નથી. સમજો તો ઇશારા કાફી
ગયા સપ્તાહમાં વડા પ્રધાને ૧૫ ઑગસ્ટના તેમના પ્રવચનમાં જે વાતો અને જાહેરાતો કરી છે અેને ભારતની સામાજિક અને આર્થિક વ્યવસ્થા સાથે સીધો સંબંધ છે. ખાસ કરીને યુવા વર્ગને ધ્યાનમાં રાખી વડા પ્રધાને જે જાહેરાતો કરી છે અે આર્થિક વિકાસ સાથે મૂડીબજારના વિકાસમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવશે એવું કહી શકાય. આમ ભલે આ જાહેરાતો જેન-ઝીના કથિત આક્રમણ બાદ ડૅમેજ કન્ટ્રોલ જેવી લાગી શકે, પરંતુ વાસ્તવમાં આ સમયસરનાં પગલાં અર્થાત મૅનેજ કન્ટ્રોલ પણ કહી શકાય. વડા પ્રધાને સપ્તધારા, મહિલાઓ માટેના ખાસ કદમ, AI શિક્ષણ, રોજગાર તકો, એનર્જી સેક્ટરને પ્રોત્સાહન, આત્મનિર્ભરતા અને વિકસિત ભારતની દિશામાં નક્કર કદમ ભરવાની જે વિશ્વાસપૂર્વકની વાતો આ ૧૫ ઑગસ્ટે કરી અે અત્યાર સુધીની જાહેરાતો કરતાં જુદી પડે છે જે દેશના આર્થિક વિકાસના પાયાઓને મજબૂત કરવાના કમિટમેન્ટ સાથે લૉન્ગ ટર્મ વિઝન તરફ લઈ જાય છે. આ જ વાતોને કેન્દ્રમાં રાખી શૅરબજારના ટ્રેન્ડની વાત કરીએ તો આ સમય લાંબી દૃષ્ટિ કેળવવાના પાઠ સમાન છે. આ મુદ્દે આપણે રાજકીય ચર્ચા કરવા બેસવું નથી બલકે આર્થિક ચર્ચા સાથે ઇન્વેસ્ટરને આત્મનિર્ભર બનવા તરફ લઈ જવાની વાત કરીએ. બાકી પ્રાઇમ મિનિસ્ટરની સ્પીચનાં ઘણાં અર્થઘટન થઈ શકે છે જે અભ્યાસનો વિષય છે.
ADVERTISEMENT
ફોમોની માનસિકતા છોડો
રોકાણકારોના આત્મનિર્ભર બનવાની વાતો પર આવીએ તો રોકાણકારોએ બીજા લઈ ગયા, અમે રહી ગયાની માનસિકતા (ફોમો)નો ભોગ બનવામાંથી બહાર આવવું જોઈશે જેનો તેઓ વારંવાર ભોગ બનતા હોય છે. ફોમો (FOMO) અર્થાત ફિયર ઑફ મિસિંગ આઉટ. પોતે શૅરોના ભાવઉછાળાનો લાભ લેવાથી વંચિત ન રહી જાય એ હેતુથી રોકાણકારો ચોક્કસ સ્ટૉક્સમાં ઝંપલાવે છે અને અેમાં ગણતરીપૂર્વકનું યા ગણતરી બહારનું જોખમ ઉઠાવી રોકાણ કરે છે. તાજેતરમાં આપણે તાઇવાન અને સાઉથ કોરિયાની બજારોમાં જે રીતે AI સ્ટૉક્સમાં રોકાણ કરવાનો આડેધડ પ્રવાહ જોયો અને પછી ફુગ્ગો પણ જોયો. અગાઉ ડોટકૉમના આવા ફુગ્ગા પણ જોવાયા છે. ભારતીય રોકાણકારો તો આ બાબતે સદા વધુ સક્રિય રહે છે. કોઈ પણ વાત સાંભળીને કે વાંચીને યા ટિપ્સ કે પછી સોશ્યલ મીડિયાથી દોરવાઈને રોકાણ કરી બેસે છે જેમાં મહદંશે તેમની ગેરમાર્ગે દોરાવાની શક્યતા ઊંચી હોય છે. ગ્લોબલાઇઝેશન કે આર્થિક સંજોગો કેટલા પણ બદલાતા રહે,
ઊથલપાથલ થાય, આખરે બજારમાં નક્કર અસર કૉર્પોરેટ્સની અર્નિંગ્સ-કામગીરી, ફન્ડામેન્ટલ્સ, ભાવિ લક્ષ્યોની થાય છે.
આ જ રીતે ગયા વખતની વાત દોહરાવતાં કહેવું છે કે તાજેતરના બધા જ IPOમાં પણ ઘેલા થવાથી દૂર રહેવું જોઈશે. ન્યુએજ કંપનીઓના સંભવિત જોખમોને સમજીને આગળ વધવું જોઈએ. સંખ્યાબંધ કડવા અનુભવ બાદ હજી પણ બહુ મોટો વર્ગ લિસ્ટિંગ ગેઇનના નામે જ IPOમાં જુગાર રમે છે. પ્રીમિયમ માર્કેટમાં ખેલા કરે છે.
કરેક્શન માટે મહદંશે ક્રૂડ કારણ
ગયા સપ્તાહમાં માર્કેટ મહદઅંશે ક્રૂડને કારણે નેગેટિવ રહ્યું, પણ અેનો ઘટાડો ધીમો રહ્યો અર્થાત બજાર ઘટે છે, તૂટતું નથી. આમ છેલ્લાં ૭ સત્રમાં બજારમાં કરેક્શન ચાલુ હતું. જોકે ગુરુવારે બજાર ફરી રિકવર થયું અને શુક્રવારે સાધારણ સ્થિરતા સાથે બંધ રહ્યું હતું જે દર્શાવે છે કે નીચા ભાવે ખરીદી પણ આવી જાય છે. આ વોલેટિલિટીનું કારણ તો યુએસ અને ઈરાનના વિવાદ જ છે. સમજુતીની વાટાઘાટના ૬૦ દિવસ પૂરા થઈ ગયા બાદ પણ આ મામલો હજી અધ્ધર જ છે. કરેક્શનનું મુખ્ય કારણ હાલ તો મોટે ભાગે ક્રૂડ જ રહે છે.
બીજાઓ પર નિર્ભર ન રહેવાના મહત્ત્વના સંકેત
એક કંપનીનું માર્કેટકૅપ ૩ કરોડ રૂપિયામાંથી કઈ રીતે ૪૦૦૦ કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયું એ બાબતે સેબીએ તપાસમાં પર્દાફાશ કર્યો છે. સમજવાનું એ છે કે કંપનીઓ પોતાના શૅરના ભાવો ઊંચે લઈ જઈને કેવી રમત રમતા હોય છે.
ટીવી ચૅનલ્સ પર કંપનીઓ વિશે કે માર્કેટ વિશે ઘણી બધી ટિપ્પણીઓ રોજેરોજ કલાકો થયા કરતી હોય છે. આમાં પણ સ્થાપિત હિતો-ઑપરેટર્સ-ચોક્કસ પ્રકારના પ્રમોટર્સ આ માધ્યમથી રોકાણકારોને આકર્ષતા હોય છે, જેથી અહીં બધું સાચું જ માની લેવું નહીં. સાંભળો ભલે, પણ દિમાગ પોતાનું લગાવો, દોરવાઈ જાવ નહીં.
અખબારોના માધ્યમનો પણ ઉપયોગ થાય છે, જે એકંદરે વધુ વિશ્વસનીય ગણાય. તેમ છતાં, અખબારોમાં છપાતા સમાચારો કે અૅનૅલિસિસને પણ સમજવા પડે, દિમાગ બંધ રાખી માની લેવાય નહીં.
દુકાળમાં અધિક માસ સમાન હવે સોશ્યલ મીડિયાના માધ્યમથી સલાહ આપનારાઓની કતાર લાંબી થતી જાય છે, તેમાં ખરાં એકસપર્ટ અને સાચા લોકો ઓછાં છે, જ્યારે બાકી મોટા ભાગના પેઇડ છે એટલે કે તેમને પેમેન્ટ કરીને બોલાવડાવવામાં આવે છે. આ વર્ગ આજકાલ ફાઇનૅન્સિયલ ઇન્ફલ્યુન્સર્સ તરીકે જાણીતો છે જેમાં સાચા સાથે ખોટાઓ ખબર ન પડે એમ ભળી જાય છે અને ભોળાં રોકાણકારોને ગેરમાર્ગે દોરી જાય છે.
બાકી તો માર્કેટમાં ટિપ્સ ફેલાવનારા, સમાચારો-અફવા ફેલાવનારા, પ્રાઇસ સાથે ગરબડ કરનારા, સ્ટૉક્સને મૅનિપ્યુલેટ કરનારા અને સકર્યુલર ટ્રેડિંગ કરી ભાવો ઊંચે ખેંચનારા હજી પણ મોજુદ છે, સક્રિય છે.
આ શૅરબજાર સંપત્તિસર્જનનું સારું માધ્યમ છે, પરંતુ જયાં સુધી બીજાઓ પર નિર્ભર રહીશું ત્યાં સુધી પરિણામ કંઈપણ આવી શકે, સારું યા બુરું, પરંતુ જો ખુદ યોગ્ય અભ્યાસ અથવા સલાહ સાથે આગળ વધીશું તો વિસર્જન કરતાં સંપત્તિસર્જનની સંભાવના ઊંચી અને બહેતર રહેશે. ઈન શૉર્ટ, માર્કેટ ખોટું નથી, આપણા નિર્ણયો ખોટા હોઈ શકે.
છેલ્લી વાત, ઘણી વાર માર્કેટમાં ગ્લોબલ ક્રાઇસિસને નામે ડરાવવામાં આવે છે, કંઈ પણ હોય તરત પૅનિકમાં આવી જવું નહીં. આ વિશે વધુ વિસ્તારથી વાત ફરી ક્યારેક કરીશું.
