વીતેલા સપ્તાહનો પ્રથમ દિવસ બ્લૅક મન્ડે હતો અને અંતિમ દિવસ બ્લૅક-ફ્રાઇડે રહ્યો, હવે આગામી દિવસો કેવા રહેશે? માર્કેટ સાથે સંકળાયેલા મોટા ભાગના લોકોને બધું બ્લૅક દેખાય છે
ડોનલ્ડ ટ્રમ્પ
વીતેલા સપ્તાહનો પ્રથમ દિવસ બ્લૅક મન્ડે હતો અને અંતિમ દિવસ બ્લૅક-ફ્રાઇડે રહ્યો, હવે આગામી દિવસો કેવા રહેશે? માર્કેટ સાથે સંકળાયેલા મોટા ભાગના લોકોને બધું બ્લૅક દેખાય છે અને આ વર્ગનું માઇન્ડ બ્લૅન્ક થઈ ગયું હોય એવું ફીલ કરે છે, કારણ કે અનિશ્ચિતતા સિવાય કંઈ નજરે પડતું નથી. આ સમય માર્કેટને છોડી જવાનો નથી, એનું નિરીક્ષણ કરવાનો અને વિવેક સાથે તક શોધવાનો છે. સમજદાર કો ઇશારા કાફી હૈ
યુદ્ધને કારણે શૅરબજાર હાલ લોહીલુહાણ થયું છે. આ યુદ્ધ શસ્ત્રોનાં નથી, બલકે અર્થશાસ્ત્રોનાં છે. આ ગ્લોબલ ટ્રેડ ટૅરિફ-વૉરના એકમાત્ર સર્જક છે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ. યસ, એક બંદા હી કાફી હૈ. આ એક જ વ્યક્તિના નિર્ણયોની હારમાળા દુનિયાનાં શૅરબજારો અને અર્થતંત્રોની તમામ માળાઓના ભુક્કા બોલાવી રહી છે. આ સંજોગોમાં રોકાણકારો-ટ્રેડર્સ શૅરબજારનું મેદાન છોડીને બહાર નીકળવા લાગ્યા છે. હજી બજારનું શું થશે? ક્યાં સુધી આમ ચાલશે? અમારે કરવું શું? શું હવે ઍવરેજ કરવાનો સમય ગણાય? આ કરેક્શનનો સમય ખરીદીનો ગણાતો હોય તો હાલ શું ખરીદાય? હજી ઘટે તો? લૉસ બુક કરાય કે હોલ્ડ કરી રખાય? આવા તો અનેક સવાલો સાથે માર્કેટના તમામ વર્ગ દ્વિધામાં છે. શૅરબજારને અનિશ્રિતતા ગમતી નથી અને તકલીફ એ છે કે ટ્રમ્પસાહેબના આગમન બાદ અનિશ્ચિતતા સતત વધી રહી છે. ટ્રમ્પના ટૅરિફ મોટા ભાગના દેશો સામે સવાલ અને શંકા ઊભા કરી રહ્યા છે,
ADVERTISEMENT
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના ઊંચા ટૅરિફના નિર્ણયો, અમેરિકન ઇકૉનૉમીની પોતાની નબળાઈ, ગ્લોબલ સ્તરે અનિશ્ચિતતાના ગંભીર સંકેતો, ફૉરેન ઇન્વેસ્ટર્સની જોરદાર-આક્રમક વેચવાલી વગેરે જેવાં પરિબળોને પગલે ગયા સોમવારે ભારતીય શૅરબજારના મોટા ભુક્કા બોલાયા હતા. લાંબા સમય બાદ ફરી એક બ્લૅક મન્ડે આવ્યો હતો. બેન્ચમાર્ક ઇન્ડેક્સે કરેક્શન તરફની ગતિ ઝડપી બનાવી હતી. માર્કેટ કૅપમાં જબ્બર ધોવાણ થયું હતું. શુક્રવારે ફરી કાળો દિવસ જોવાયો અને માર્કેટ બેન્ચમાર્ક ભારેખમ તૂટીને બંધ રહ્યા હતા.
ચોક્કસ લગડી સ્ટૉક્સના ભાવો પર નજર કરો
તાજેતરના એક અહેવાલ મુજબ લેટેસ્ટ કન્ટિન્યુઅસ કરેક્શનના દોરને પગલે NSE-૫૦૦ સ્ટૉક્સમાંથી હાલ ૪૧૪ સ્ટૉક્સ પ્રી-કોવિડ સમયના એટલે કે માર્ચ-૨૦૨૦ના વૅલ્યુએશન કરતાં પણ નીચા ગયા છે. પ્રાઇસ અર્નિંગ અને બુક પ્રાઇસની દૃષ્ટિએ અનેક બ્લુચિપ સ્ટૉક્સના ભાવ માર્ચ ૨૦૨૦ના લેવલથી ૧૦થી ૬૦ ટકા જેટલા પ્રમાણમાં નીચા ગયા છે. આમાં એચડીએફસી સ્ટૉક્સ, આઇસીઆઇસીઆઇ બૅન્ક, ઍક્સિસ બૅન્ક, હિન્દુસ્તાન યુનિલીવર, બજાજ ફાઇનૅન્સ, કોટક મહિન્દ્ર બૅન્ક, સ્ટેટ બૅન્ક, અવેન્યુ સુપર માર્ટ, કોલ ઇન્ડિયા, એશિયન પેઇન્ટ્સ વગેરેનો સમાવેશ થાય છે. રોકાણકારો પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી આવા સ્ટૉક્સ વિશે વિચારી લે એમાં સાર છે. આ ૪૧૪ સ્ટૉક્સમાંથી આશરે ૧૨૦ સ્ટૉક્સ કોવિડ સમય પહેલાંના લેવલથી પણ નીચે ઊતરી ગયા છે. જોકે હાલ માર્કેટની ચાલ-ઢંગ-માહોલ-સેન્ટિમેન્ટ અને ગ્લોબલ સિનારિયોને જોતાં આ નીચા ભાવોએ ખરીદી કરવામાં પણ લોકોમાં ભય અને શંકા છે, કારણ કે બજાર હજી ઘટવાના સંકેતો હાજર છે, જેથી ચોક્કસ વર્ગ હજી રાહમાં છે, જયારે કેટલાક સ્માર્ટ ઇન્વેસ્ટર્સ દરેક કડાકે-ઘટાડે ખરીદીમાં લાગી ગયા છે. જસ્ટ વિચારો, FIIની નિયમિત નેટ વેચવાલી સામે સ્થાનિક સંસ્થાઓ મોટે ભાગે નિયમિત નેટ ખરીદી કરી રહી છે, કંઈક તો કારણ હશે, વ્યૂહ હશે, પ્લાનિંગ હશે.
મંદીની પકડ અને સંકેત મજબૂત
માર્કેટ પર મંદીવાળાઓની પકડ મજબૂત બનતી ગઈ છે, દેશના ટોચના પાંચસો સ્ટૉક્સમાંથી ૮૫ ટકા સ્ટૉક્સના ભાવ એની ૨૦૦ દિવસની મૂવિંગ ઍવરેજથી નીચે ઊતરી ગયા હોવાનું નોંધાયું છે. માર્કેટની લાંબા ગાળાની સિચુએશન દર્શાવતું આ મહત્ત્વનું પરિબળ ગણાય છે. આવો ટ્રેન્ડ ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૦માં જોવાયો હતો. આ સિચુએશન પરથી એ સંકેત મળે છે કે મોટા ભાગના અને ખાસ કરીને નાના રોકાણકારોને હાલ સ્ટૉક્સ ખરીદવામાં કોઈ રસ નથી.
હકીકતમાં માર્કેટના મુખ્ય સંકેતો રોકાણકાર વર્ગમાં ગ્રોથ સામે શંકા દર્શાવે છે. વાત એમ પણ છે કે ઍડ્વાન્સ-ડિક્લાઇન (વધનાર અને ઘટનાર સ્ટૉક્સ)નો ઍવરેજ રેશિયો એનાં પાંચ વર્ષના સૌથી નીચા સ્તરે છે જે નજીકના ભવિષ્યમાં માર્કેટ નબળું રહેવાના અથવા અનિશ્ચિતતાનાં જ ચિહ્નો બતાવે છે. એમાં વળી સ્મૉલ અને મિડ કૅપ સ્ટૉક્સના કડાકાએ મંદીનું સેન્ટિમેન્ટ વધારી દીધું છે. આ ટ્રેન્ડનો એક અર્થ એ પણ થાય કે સંસ્થાકીય નાણાં અને સ્માર્ટ લોકોનાં નાણાં ઓવરવૅલ્યુડ અને નબળા સ્ટૉક્સથી બહાર જઈ રહ્યા છે. ફેબ્રુઆરી મહિનાની જ વાત કરીએ તો સેન્સેક્સ અને નિફ્ટી ભરપૂર તૂટ્યા છે. આ મહિનાએ મોટી વૉલેટિલિટી દર્શાવી છે. સ્મૉલ-મિડ કૅપ ઇન્ડેક્સ પણ ભારે તૂટ્યા છે. આમ નબળાં કૉર્પોરેટ અર્નિંગ્સ, વિદેશી રોકાણ પ્રવાહ બહાર જવો અને અનિશ્ચિતતાના માહોલે રોકાણકારોના વિશ્વાસનું પણ ધોવાણ કર્યું છે.
રીબાઉન્ડની આશા - માર્ચ પર નજર
માર્કેટ-ટ્રેન્ડના જાણકારો અને પીઢ અનુભવીઓ કહે છે કે અત્યારનું કરેક્શન અગાઉના ત્રણ દાયકાના કરેક્શન સામે ઓછું છે, અગાઉના કરેક્શન વખતે માર્કેટ વૅલ્યુ પચાસ ટકાથી વધુ ધોવાઈ ગઈ હતી. આર્થિક મંદી, રાજકીય ઊથલપાથલ અને ગ્લોબલ ક્રાઇસિસનો એ સમય હતો. અર્થાત્ ભારતીય બજારે અત્યાર કરતાં વધુ કપરો સમય અગાઉ જોઈ લીધો અને પચાવી લીધો છે. એ ૩૦ વર્ષોમાં નિફ્ટી, સેન્સેક્સ અને નિફટી-૫૦૦માં આઠ વખત કે આઠ વર્ષમાં નોંધપાત્ર કરેક્શન આવ્યાં હતાં. ૩૦માંથી બાવીસ વર્ષ માર્કેટ રેસિલિયન્સ ટકી રહ્યું હતું અને ઊંચે પણ ગયું હતું. માર્કેટ રીબાઉન્ડ થયું ત્યારે તેણે ફૅન્ટૅસ્ટિક રિટર્ન પણ આપ્યું હતું.
માર્ચ મહિના પાસે એક આશા એવી જાગી છે કે ભારતીય બજાર સારા આર્થિક સમાચારો જોશે. FIIનું આક્રમક વેચાણનું દબાણ ઓછું થશે, લાર્જ કૅપ સ્ટૉક્સનાં વૅલ્યુએશન વાજબી સ્તરે આવી રહ્યાં હોવાનું ચર્ચામાં હોવાથી ક્યાંક અમુક અંશે ખરીદી પણ સંભવ જણાય છે. લાંબા ગાળાના મોટા રોકાણકારો હિંમત કરીને ખરીદી શરૂ કરે એવા સંકેત પણ છે. અલબત્ત, તેમણે બહુ જ સિલેક્ટિવ રહેવું જોઈશે, નાના રોકાણકારો હજી ગભરાટમાં રહેશે એવું લાગે છે. માર્કેટ બૉટમથી દૂર હોવાનું મનાય છે, જોકે બૉટમ કોઈ જાણતું નથી. એમ છતાં અંદાજ મુકાયા કરે છે. અનિશ્ચિતતાને કારણે બજાર હજી ઘટવાનો અવકાશ હોવા છતાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી સતત ચાલુ રહી છે.
કયા સ્ટૉક્સ સિલેક્ટ કરાય?
બાય ધ વે, ઇતિહાસ સાક્ષી છે કે હેવી કરેક્શન કે ક્રાઇસિસ બાદ રિકવરી નક્કી હોય છે, પરંતુ સમય નક્કી હોતો નથી, જેથી ત્રણેક વર્ષના સમયની ધારણા સાથે સારા-લગડી સ્ટૉક્સ બેધડક જમા કરાય, સેન્સેક્સ કે નિફ્ટીમાંથી મહદંશે સ્ટૉક્સનું સિલેક્શન કરવામાં સાર, બાકી ફન્ડામેન્ટલ્સનો અભ્યાસ કરી યા એના વિશે યોગ્ય સલાહ મેળવી બજેટથી લાભ પામનારા અને અર્થતંત્રના વિકાસના ભાગીદાર બનનારા સ્ટૉક્સ પસંદ કરાય. આવા સ્ટૉક્સમાં નાણાં ત્રણથી પાંચ વર્ષની બૅન્ક-FDમાં મૂકતા હોઈએ એમ મુકાય. બાવન સપ્તાહના લોએસ્ટ લેવલે ગયેલા સ્ટૉક્સમાંથી પણ પસંદગી કરાય, પરંતુ સ્ટૉક્સ મજબૂત કંપનીના હોવા અનિવાર્ય. માત્ર ભાવ બહુ ઊંચેથી તૂટ્યા છે એથી એ સ્ટૉક્સ ખરીદીને પાત્ર બની જતા નથી.
FII પાછાં પણ ફરશે
બજેટે આપેલા પ્રોત્સાહનનાં ફળો કે લાભો નવા વર્ષમાં જોવા મળશે, ડિમાન્ડ રિવાઇવ થવા સાથે કંપનીઓની કામગીરીને અસર થશે. ખર્ચ વધશે, સરકારે પણ ચોક્કસ સુધારાતરફી પગલાં ભરવાં જ પડશે. ઇન શૉર્ટ, માંદા પડેલા માર્કેટનું સ્વાસ્થ્ય સુધારવાનાં તમામ પગલાં આવશે. ભારતીય અર્થતંત્ર આમ પણ અન્ય કરતાં ઘણું બહેતર છે. આપણું માર્કેટ વિશાળ છે, જેથી માગ અને વપરાશ આવશે. હાલ જે મુખ્ય અસર છે એ વિદેશી રોકાણકારોની એકધારી વેચવાલીના પ્રવાહની છે. કોટક મ્યુચ્યુઅલ ફન્ડના નીલેશ શાહના શબ્દોમાં કહીએ તો FII પુનઃ ખરીદી માટે અવશ્ય આવશે, જ્યાં સુધી તેઓ આક્રમક વેચવાલ છે ત્યાં સુધી માર્કેટ રિવાઇવ થવાના ચાન્સ નથી, પરંતુ આ વેચવાલી ક્યાંક તો અટકશે, તેઓ કયા ભાવે ખરીદી ગયેલા અને કયા ભાવે વેચે છે એ પણ જાણવું-સમજવું મહત્ત્વનું છે. તેમના માટે બે મેજર માર્કેટ ભારત અને ચીન છે. પરિણામે તેઓ પાછા ફરશે ત્યારે સસ્તા થયેલા સ્ટૉક્સ લેવા આવશે. એ પછી આ જ ભાવો રિકવરી પણ બતાવવાનું ચલણ રાખશે.
સંખ્યાબંધ IPOના પ્લાન મોકૂફ યા અધ્ધર
શૅરબજારની વર્તમાન દશા અને ગ્લોબલ અનિશ્ચિતતાને ધ્યાનમાં લઈને અત્યારે સંખ્યાબંધ નવી-જૂની કંપનીઓએ ભંડોળ ઊભું કરવા માટે મૂડીબજારમાં પ્રવેશવાના પ્લાન વિશે પુનઃ વિચારણા કરીને ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO) લંબાવી દેવાનું નક્કી કર્યું છે. હાલના સંજોગોમાં આ ઇશ્યુઓને અપેક્ષિત ભાવ (પ્રાઇસ) કે પ્રતિભાવ મળવાની શક્યતા નહીંવત બની છે. આશરે ૪૦થી વધુ કંપનીઓએ નિયમન તંત્ર SEBIની મંજૂરી પણ મેળવી લીધી હતી. દરમ્યાન તાજા અહેવાલ મુજબ તાતા કૅપિટલ આગામી સમયમાં ૧૮,૦૦૦ કરોડ રૂપિયાનો IPO લાવવાની યોજના ધરાવે છે. જ્યારે કે આ જ કંપની ૧૫૦૦ કરોડ રૂપિયા રાઇટ ઇશ્યુ મારફત પણ ઊભા કરવાનું આયોજન ધરાવે છે. બીજી બાજુ અમુક કંપનીઓ હવે કમસે કમ ત્રણ મહિના માટે પ્લાન મોકૂફ રાખવાનો નિર્ણય લઈ રહી છે, એ પછી પણ એ બજારનાં તેલ અને તેલની ધાર જોઈને જ આગળ વધશે. હાલ તો વિશ્વના વેપાર, શૅરબજાર અને અર્થતંત્રની સ્થિતિ ડામાડોળ કરી દેવા માટે એક જ બંદા કાફી હૈ.
બિચારા થઈ ગયેલા રોકાણકારોએ શું નવું વિચારવા તરફ વળવું જોઈશે?
શૅરબજાર લોહીલુહાણ થઈ ગયું એ વાત સાચી. કારણો પણ બધાં સાચાં, પરંતુ હવે કરવાનું શું? એવો સવાલ દરેકના મગજમાં ગોળ-ગોળ ફરી રહ્યો છે. અવાચક્ અને બિચારા થઈ ગયેલા રોકાણકારો પોર્ટફોલિયોના ધોવાણ સામે પોતાના માથા પર હાથ રાખી બેઠા છે, તેમણે હવે નવું વિચારવાની જરૂર છે. બજાર હજી ઘટી શકવાની શક્યતા ઊભી જ છે એ સ્વીકારીને ચોક્કસ જોખમ લેવાની તૈયારી ધરાવતા રોકાણકારોએ છેલ્લાં ત્રણ વર્ષના માર્કેટ-ટ્રેન્ડ પર દૃષ્ટિ કરવી જોઈએ. એ સમયે માર્કેટ હજી ઊંચે-હજી ઊંચે જતું હતું, સેન્સેક્સ પાંચ વર્ષમાં એક લાખ થવાની આગાહી સહજ થવા લાગી હતી. શું એ સમયે તમે નફો બુક કર્યો હતો? ત્યારે વિચારેલું કે માર્કેટ તૂટશે ત્યારે આટલી હદ સુધી તૂટશે? હાલ ક્યાં સુધી હજી નીચે-હજી નીચે જશે એવા સવાલો થઈ રહ્યા છે. આમ તો છેલ્લા છ-એક મહિનામાં જ સંજોગોમાં અસાધારણ ફેરફાર જોવાયો છે. કલ્પના કે ધારણા જ ન થઈ શકે એ હદે. ત્રણ-ત્રણ વર્ષના નફા-મૂડી ધોવાઈ ગયાં છે.
મ્યુચ્યુઅલ ફન્ડના રોકાણકારોએ શું કરવું?
મ્યુચ્યુઅલ ફન્ડ્સના, ખાસ કરીને સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)ના લાખો રોકાણકારોને પોતાનું રોકાણ પાછું ખેંચવાનું મન તેમ જ SIP બંધ કરાવી દેવાનું કે રિડીમ કરાવી લેવાનું પણ મન થતું હોઈ શકે, તેમને થશે કે બજારની મંદીમાં તેઓ પણ ડબતા જશે. હા, કાગળ પર લૉસ દેખાશે, પરંતુ અમારા મતે જો પૈસાની એકદમ જરૂર ન હોય તો તેમણે આમ કરવું જોઈએ નહીં. આ સમય રોકાણ ચાલુ રાખવાનો છે. SIPમાં હાલ વૅલ્યુ ડાઉન છે તો યુનિટ્સમાં વધારો થતો રહેશે, જેથી ધારકો એકંદરે લાભમાં જ રહેશે. ઉપરથી નાણાશક્તિ હોય તો પ્લાનની રકમ વધારાય અથવા નવા પ્લાન લેવાય.


