Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > રિઝર્વ બૅન્કના બૂસ્ટર ડોઝને અવગણી સેન્સેક્સ ફ્લૅટ, નિફ્ટી સતત સાતમા દિવસે માઇનસ

રિઝર્વ બૅન્કના બૂસ્ટર ડોઝને અવગણી સેન્સેક્સ ફ્લૅટ, નિફ્ટી સતત સાતમા દિવસે માઇનસ

Published : 28 February, 2025 08:04 AM | Modified : 03 March, 2025 06:57 AM | IST | Mumbai
Anil Patel

મોટા ભાગનાં સેક્ટોરલ રેડ ઝોનમાં, માર્કેટ બ્રેડ્થમાં ભારે ખરાબી, માર્કેટકૅપ ૩.૩૯ લાખ કરોડ ઘટી ૩૯૩.૧૦ લાખ કરોડની નીચી સપાટીએ : કેબલ ઉદ્યોગના ૧૩માંથી ૧૨ શૅર લથડ્યા, EKI ઇન્ડસ્ટ્રીઝ ૨૧ ટકા તૂટ્યો

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


મોટા ભાગનાં સેક્ટોરલ રેડ ઝોનમાં, માર્કેટ બ્રેડ્થમાં ભારે ખરાબી, માર્કેટકૅપ ૩.૩૯ લાખ કરોડ ઘટી ૩૯૩.૧૦ લાખ કરોડની નીચી સપાટીએ : કેબલ ઉદ્યોગના ૧૩માંથી ૧૨ શૅર લથડ્યા, EKI ઇન્ડસ્ટ્રીઝ ૨૧ ટકા તૂટ્યો, આરઆર કેબલ ઑલટાઇમ તળિયે : નવા શિખર સાથે બજાજ ફાઇનૅન્સનું માર્કેટકૅપ હવે હિન્દુસ્તાન યુનિલીવરથીય વધી ગયું : જાહેર ક્ષેત્રની તમામ બૅન્કો ડાઉન, સ્ટેટ બૅન્ક નવા તળિયે : પૉ‌લિકૅબમાં ૧૦૮૪નો કડાકો, MRF ૧૯૪૫ રૂપિયાના પંક‍્ચરમાં વર્ષની નીચી સપાટીએ : બિટકૉઇન નીચામાં ૮૨,૦૦૦ ડૉલર દેખાયો

સેન્ટિમેન્ટ ખરાબ હોય ત્યારે ગમે એટલા સારા સમાચાર આવે પણ બજાર એની અવગણના કરે છે. બૅન્કિંગ સેક્ટરની લિક્વિડિટી વધારવા અને વ્યાજદર ઘટાડાની દિશામાં લઈ જવા રિઝર્વ બૅન્કે રેપો-રેટમાં ઘટાડો કર્યા પછી કેટલાંક વધુ પગલાં લીધાં છે. આમ છતાં, સેન્સેક્સ ગુરુવારે કેવળ ૧૦ પૉઇન્ટ સુધરી ૭૪,૬૧૨ બંધ થયો છે, જ્યારે નિફ્ટી અઢી પૉઇન્ટ ઘટી ૨૨,૫૪૫ના બંધમાં સતત ૭મા દિવસે માઇનસ ઝોનમાં ગયો છે. ઇવન બૅન્કિંગ તથા ફાઇનૅન્સમાંય એની અસર ઘણી મોળી રહી છે. બૅન્ક નિફ્ટી ૪ દિવસની નરમાઈ બાદ માત્ર ૦.૩ ટકા કે ૧૩૫ પૉઇન્ટ સુધર્યો છે એના ૧૨માંથી ૭ શૅર ડાઉન હતા તો પીએસયુ બૅન્ક નિફ્ટી બારેબાર શૅરની બૂરાઈ સાથે એક ટકાથી વધુ કપાયો છે. બૅન્કિંગ ઉદ્યોગના ૪૧માંથી માંડ ડઝન શૅર પ્લસ થયા છે. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૫૧માંથી ૪૮ શૅરના સુધારામાં ફક્ત ૩૬ પૉઇન્ટ કે ૦.૩ ટકા વધ્યો છે.



બજાર આગલા બંધથી ૧૦૪ પૉઇન્ટ ઉપર, ૭૪,૭૦૬ ખુલ્યા બાદ સીધું ૭૪,૮૩૪ થયું હતું. ત્યાર પછી અતિસાંકડી વધઘટે ઉપર-નીચે થતાં શૅરઆંક નીચામાં ૭૪,૫૨૧ દેખાયો હતો. બૅન્કિંગ, ફાઇનૅન્સ, મેટલ, ટેલિકૉમ જેવા જૂજ અપવાદ સિવાય બન્ને બજારના તમામ ઇન્ડાઇસિસ ઘટ્યા છે. રિયલ્ટી ઇન્ડેક્સ બે ટકાથી વધુ તરડાયો હતો. પાવર, કૅપિટલ ગુડ્સ, યુટિલિટીઝ, ઑટો જેવા બેન્ચમાર્ક સવાથી પોણાબે ટકા તો નિફ્ટી મીડિયા સાડાત્રણ ટકા સાફ થયો છે. રોકડું વધુ ખરાબ થયું છે. સ્મૉલકૅપ ઇન્ડેક્સ બે ટકો અને મિડકૅપ ઇન્ડેક્સ એક ટકો માઇનસ હતો. બ્રૉડર માર્કેટ પણ અડધો ટકો ઘટ્યું હતું. સરવાળે વર્સ્ટ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૫૭૦ શૅરની સામે ૨૨૯૨ જાતો રેડ ઝોનમાં જોવાયા છે. બજારનું માર્કેટકૅપ ૩.૩૦ લાખ કરોડના ઘટાડે ૩૯૩.૧૦ લાખ કરોડની નવી ઐતિહાસિક નીચી સપાટીએ આવી ગયું છે.


જપાન, સિંગાપોર તથા ચાઇનાના સાધારણ સુધારાને બાદ કરતાં બાકીનાં અગ્રણી એશિયન બજાર ડાઉન હતાં. ઇન્ડોનેશિયા પોણાબે ટકા, તાઇવાન દોઢ ટકો, થાઇલૅન્ડ સવા ટકો અને સાઉથ કોરિયા પોણો ટકો ઘટ્યું છે. લંડન ફુત્સીના સામાન્ય સુધારા સિવાય અન્ય યુરોપનાં બજાર રનિંગમાં પોણા ટકા સુધી ઢીલાં હતાં. બિટકૉઇન ૮૨,૪૫૫ની સાડાત્રણ મહિનાની બૉટમ બતાવી રનિંગમાં પોણાત્રણ ટકાના ઘટાડે ૮૬,૬૯૧ ડૉલર ચાલતો હતો.

પ્રાયમરી માર્કેટમાં સ્વસ્થ ફૂડટેક તથા એચપી ટેલિકૉમનાં SME ભરણાં આજે લિસ્ટેડ થવાનાં છે. ગ્રે માર્કેટમાં સોદા નથી. ન્યુક્લિયસ ઑફિસનો શૅરદીઠ ૨૩૪ના ભાવનો ૩૧૭૦ લાખનો SME IPO કુલ ૧.૩ ગણા પ્રતિસાદમાં ગઈ કાલે પૂરો થયો છે. શ્રીનાથ પેપરનો ૧૦ના શૅરદીઠ ૪૪ના ભાવનો ૨૩૩૬ લાખનો ઇશ્યુ અત્યાર સુધીમાં ૬૫ ટકા ભરાયો છે. ભરણું આજે બંધ થશે. શુક્રવારે બાલાજી ફૉસ્ફેટ્સ ૧૦ના શૅરદીઠ ૭૦ની અપર બૅન્ડમાં ૫૦૧૧ લાખનો SME IPO કરવાની છે.


BSE ખાતે ગઈ કાલે ભાવની રીતે ૪૬૬ શૅર નવા તળિયે ગયાં છે જેમાં એસીસી, અદાણી ગ્રીન, આલોક ઇન્ડ, કૅનેરા બૅન્ક, ડીશ ટીવી, ડીબી રિયલ્ટી, અતુલ, ડૉ. રેડ્ડીઝ લૅબ, એફડીસી, GNFC, ફિનોલેક્સ કેબલ્સ, GMDC, ગોવા કાર્બન, ઇન્ડીકો રેમેડીઝ, IRCTC, જાગરણ પ્રકાશન, જયકૉર્પ, જેકે લક્ષ્મી, જેકે પેપર, જેકે ટાયર, KIOCL, કોલ્ટે પાટીલ ડેવલપર્સ, લૅટન્ટ વ્યુ, એલઆઇસી, સ્ટેટ બૅન્ક, મહિન્દ્ર લાઇફ, મહિન્દ્ર લૉજિસ્ટિક્સ, મન ઇન્ફ્રા, MMTC, MRF મુકંદ લિમિટેડ, એનસીસી, નેટવર્ક-૧૮, પટેલ એન્જિનિયરિંગ, પીડી લાઇટ ઇન્ડ, પીપીઆર આઇનોક્સ, રત્નમણિ મેટલ, રેણુકા શુગર, રિલાયન્સ ઇન્ડ ઇન્ફ્રા, સાંધી ઇન્ડ, સેન્કો ગોલ્ડ, શૉપર્સ સ્ટોપ, સોનાટા સૉફ્ટવેર, સ્પાર્ક, સ્ટરલાઇટ ટેક્નૉ, સુબેક્સ, સનટેક રિયલ્ટી, સનટીવી, તાતા કેમિકલ્સ, તાતા કમ્યુનિકેશન્સ, તાતા મોટર્સ, તાતા ઍલેક્સી, ટેક્સમાકો રેલ, ટીટાગર રેલ, વરુણ બિવરેજિસ, વિન્દય ટેલિ, વીઆઇપી ઇન્ડ, વારિ ટેક્નૉલૉઝીસ, વારિ રીન્યુએબલ્સ, વાલચંદનગર, વોન્ડરલા હૉલિડેઝ, વેન્ડ ઇન્ડિયા વગેરે જેવા જાણીતાં નામ સામેલ છે.

અલ્ટ્રાટેકને વૈવિધ્યકરણ નડ્યું, શૅર ૫૪૮ રૂપિયા તરડાયો

અલ્ટ્રાટેક સિમેન્ટ્સ તરફથી વૈવિધ્યકરણના ભાગરૂપ ભરૂચ ખાતે વાયર્સ અને કેબલ્સ બનાવવા ૧૮૦૦ કરોડ રૂપિયાના રોકાણથી નવો પ્લાન્ટ સ્થાપવાનું નક્કી કરાયું છે. બજારનો મૂડ ખરાબ હોવાથી આની અશર અવળી થઈ છે. અલ્ટ્રાટેકનો શૅર ૩૩ ગણા જંગી વૉલ્યુમ સાથે નીચામાં ૧૦,૨૬૬ થઈ પાંચ ટકા કે ૫૪૮ રૂપિયા તૂટી ૧૦,૪૨૦ના બંધમાં બન્ને બજારમાં વર્સ્ટ પર્ફોર્મર બન્યો છે સાથે-સાથે વાયર અને કેબલ સેક્ટરમાંય મોટી ખરાબી જોવાઈ છે. KEI ઇન્ડસ્ટ્રીઝ ૧૫ ગણા કામકાજમાં નીચામાં ૨૯૭૨ થઈ ૨૧ ટકા કે ૭૯૮ રૂપિયાના કડાકામાં ૨૯૯૮ બંધ આપી ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર બન્યો છે. આર.આર. કેબલ ૬૨ ગણા વૉલ્યુમે ૮૮૮ની ઑલટાઇમ બૉટમ નોંધાવી ૨૦ ટકા કે ૨૨૧ રૂપિયા ગગડી ૮૮૮ બંધ હતો. પૉલિકૅબ ઇન્ડિયા ૪૬૫૫ની ઇલ્ટ્રા-ડે બૉટમ બાદ ૧૮.૮ ટકા કે ૧૦૮૫ રૂપિયા લથડી ૪૬૭૪ થયો છે. આ સિવાય યુનિવર્સલ કેબલ ૬.૭ ટકા, ફિનોલેક્સ કેબલ્સ ૬.૪ ટકા, ડાયનેમિક કેબલ ૬.૮ ટકા, પૅરામાઉન્ટ કમ્યુનિકેશન્સ ૫.૭ ટકા, કોર્ડસ કેબલ્સ ચાર ટકા, ક્વોડરન્ટ ફ્યુચર ટેક પાંચ ટકા, અદ્વૈત એનર્જી ૪.૩ ટકા સાફ થયા છે. કેબલ ઉદ્યોગના ૧૩માંથી ૧૨ શૅર ધોવાયા છે.

તાતા મોટર્સ ૬૪૬ની અંદર નવી નીચી સપાટી બતાવી બે ટકા બગડી ૬૪૮ હતી. બજાજ ઑટો ૨.૨ ટકા, મહિન્દ્ર બે ટકા, હીરો મોટોકૉર્પ ૧.૮ ટકા, ટીવીએસ મોટર્સ પોણો ટકો, અપોલો ટાયર્સ સવાબે ટકા, MRF ૧.૮ ટકા કે ૧૯૪૫ રૂપિયા, મારુતિ પોણો ટકો ઘટી છે. ઑટો ઇન્ડેક્સ ૧૮માંથી ૧૭ શૅરની ખરાબીમાં દોઢ ટકો ડૂલ થયો છે. આઇટી ઇન્ડેક્સ ૦.૬ ટકા ઘટ્યો છે. એના ૫૬માંથી ૪૮ શૅર માઇનસ હતા. વિપ્રો ૧.૨ ટકો સુધર્યો છે, પણ ઇન્ફી, ટીસીએસ, લાટિમ, HCL ટેક્નૉ, કોફોર્જ, તાતા ઍલેક્સી, એમ્ફાસિસ, ટેક મહિન્દ્ર જેવા અન્ય ફ્રન્ટલાઇન કે ચલણી આઇટી શૅર સાધારણથી લઈ ૩.૩ ટકા સુધી ઘટ્યા હતા.

બૅન્કિંગ ફાઇનૅન્સના પાંચ શૅર વધતાં બજારને ૧૯૬ પૉઇન્ટનો ફાયદો

નવા ગવર્નર સંજય મલ્હોત્રાના નેજા હેઠળ બૅન્કિંગ અને ફાઇનૅન્સ સેક્ટર ઉપર રિઝર્વ બૅન્ક પૂરેપૂરી મહેરબાન થવાના મૂડમાં છે. રેપો-રેટમાં ઘટાડાની સાથે બૅન્કિંગ સેક્ટરની લિક્વિડિટી વધારવા સંખ્યાબંધ પૂરક પગલાં લેવા શરૂ કરી દીધાં છે. પ્રોજેક્ટ ફાઇનૅન્સ વિશે પ્રોવિઝનિંગ તેમ જ લિક્વિડિટી કવરેજ રેશિયોના નવા કડક ધોરણના અમલને પડતો મુકાયો છે. માઇક્રો ફાઇનાન્સ કંપનીઓને જે ધિરાણ અપાય છે તેના ઉપરનો ઊંચો રિસ્ક વેઇટેજ રેશિયો રદ કરાયો છે. છેલ્લે, નાણા કંપનીઓને આપવામાં આવતી બૅન્ક લોનના કિસ્સામાં પણ રિસ્ક વેઇટેડ ઘટાડી દેવાયું છે. આની અસરમાં બૅન્ક નિફ્ટી સળંગ ચાર દિવસના ઘટાડા બાદ ગઇકાલે સુધર્યો છે, ફાઇનૅન્સ બેન્ચમાર્ક પણ ૦.૩ ટકા વધ્યો છે. HDFC બૅન્ક, બજાજ ફાઇનૅન્સ, ઍક્સિસ બૅન્ક, બજાજ ફીનસર્વ, ઇન્ડ્સઇન્ડ બૅન્ક પોણાથી લઈ અઢી ટકા વધીને બંધ થતાં સેન્સેક્સને કુલ ૧૯૬ પૉઇન્ટનો ગઈ કાલે ફાયદો થયો છે.

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૫ શૅરના સથવારે ૦.૩ ટકા કે ૧૩૫ પૉઇન્ટ પ્લસ હતો. સામે પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૨ શૅરની બૂરાઈમાં એક ટકા ઘટ્યો છે. બૅન્કિંગના ૪૧માંથી ૧૨ શૅર પ્લસ હતા. એયુ બૅન્ક સર્વાધિક સવા‍છ ટકા ઊંચકાઈ ૫૫૭ થૅ છે. ઉજજીવન બૅન્ક સવાત્રણ ટકા, આરબીએલ બૅન્ક ૨.૮ ટકા અને સાઉથ ઇન્ડિયન બૅન્ક ત્રણ ટકા મજબૂત હતા. HDFC બૅન્ક ઉપરમાં ૧૭૧૦ થઈ એકાદ ટકો વધી ૧૬૯૯ બંધ થતાં બજારને ૧૦૩ પૉઇન્ટનો ફાયદો થયો છે. ઇન્ડ્સઇન્ડ બૅન્ક પોણો ટકો અને ઍક્સિસ બૅન્ક ૦.૭ ટકા વધતાં એમાં બીજા બાવીસ પૉઇન્ટનો ઉમેરો થયો છે. કોટક બૅન્ક ૧.૪ ટકા નરમ હતી. સ્ટેટ બૅન્ક ૭૦૧ની નવી બૉટમ બનાવી એક ટકો ઘટી ૭૦૪ રહી છે. ફીનો પેમેન્ટ બૅન્ક, કૅનેરા બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બૅન્ક, પંજાબ-સિંઘ બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, આઇઓબી, યસ બૅન્ક, ઉત્કર્ષ બૅન્ક દોઢથી અઢી ટકા ડાઉન હતા. CSB બૅન્ક સવાત્રણ ટકા ખરડાઈ ૨૭૮ રહી છે.

બજાજ ફાઇનૅન્સ નવા શિખરે, ક્રેડિટ ઍક્સેસ ૧૦૩ રૂપિયા ઊછળ્યો

રિઝર્વ બૅન્કની રહેમ થતાં ફાઇનૅન્સ શૅરોમાં સિલેક્ટિવ ઝમક વરતાઈ છે. બજાજ ફાઇનૅન્સ અઢી ગણા વૉલ્યુમે ૮૭૩૬ની સર્વોચ્ચ સપાટી બનાવી ૨.૪ ટકા વધી ૮૬૯૫ બંધ થતાં એનું માર્કેટકૅપ ૫.૩૯ લાખ કરોડ વટાવી ગયું છે. હિન્દુસ્તાન યુનિલીવર અને આઇટીસી કરતાં બજાજ ફાઇનૅન્સ આગળ નીકળી ગઈ છે. એની પેરન્ટ્સ બજાજ ફીનસર્વ પણ અઢી ટકાની મજબૂતીમાં ૧૯૨૪ હતી. બજાજ ટ‍્વિન્સની તેજી બજારને ૭૧ પૉઇન્ટ ફળી છે. શ્રી રામ ફાઇનૅન્સ ઉપરમાં ૬૦૯ થઈ ૫.૭ ટકાના ઉછાળે ૬૦૭ બંધ આપી નિફ્ટીમાં ટૉપ ગેઇનર હતી. ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૫૧માંથી ૪૮ શૅરની હૂંફમાં ૦.૩ ટકા પ્લસ થયો છે. માઇક્રો ફાઇનૅન્સ કંપની ક્રેડિટ ઍક્સેસ ગ્રામીણ ૧૨ ગણા કામકાજે ૧૦૩૨ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૧૧.૮ ટકા કે ૧૦૨ રૂપિયાના ઉછાળામાં ૯૬૮ બંધ આવી છે. ફ્યુઝન ફાઇનૅન્સ ઉપરમાં ૧૬૬ થયા બાદ એક ટકો વધી ૧૬૧ હતી. બજાજ હાઉસિંગ ફાઇનૅન્સ બે ટકા, સહારા હાઉસિંગ ૯.૫ ટકા, જીઆઇસી હાઉસિંગ અઢી ટકા, એલઆઇસી હાઉસિંગ દોઢ ટકા, એપ્પ્સ વૅલ્યુ સવા ટકો, સ્ટાર હાઉસિંગ બે ટકા ઘટી છે. ઇન્ડ બૅન્ક હાઉસિંગ ૪.૮ ટકાના ઉછાળે ૪૪ થઈ છે. હોમ ફર્સ્ટ ૪.૭ ટકા, ઇન્ડિયા શેલ્ટર સાડાત્રણ ટકા, રેપ્કો હોમ દોઢ ટકા સુધર્યા હતા. હોલ્ડિંગ્સ કંપનીઓમાં બજાજ હોલ્ડિંગ્સ ત્રણ ટકા વધી મોખરે હતી.

NBFC કે નાણાકંપનીઓના સેગમેન્ટમાં વધેલા અન્ય શૅરમાં લાર્સન ફાઇનૅન્સ સાડાચાર ટકા, ચોલા મંડલમ્ ઇન્વેસ્ટમેન્ટ ૫.૪ ટકા, ચોલા મંડલમ્ ફાઇનૅન્સ ચાર ટકા, મહિન્દ્ર ફાઇનૅન્સ ત્રણ ટકા, ફાઇવસ્ટાર બિઝનેસ સવાબે ટકા, ક્રિસિલ ૧.૭ ટકા, આદિત્ય બિરલા કૅપિટલ સાડાત્રણ ટકા, પૂનાવાલા ફીનકૉર્પ સવાબે ટકા ઝળક્યા હતા. સામે પ્રુડેન્ટ કૉર્પોરેટ સવાછ ટકા, ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ સવાપાંચ ટકા, આઇએફસીઆઇ પાંચ ટકા, કેફીન ટેક સાડાપાંચ ટકા, રેલિગેર એન્ટર ૪.૩ ટકા, ધાની સર્વિસિસ ૪.૬ ટકા, કલ્યાણી ઇન્વેસ્ટમેન્ટ ૪.૮ ટકા, તાતા ઇન્વેસ્ટમેન્ટ ત્રણ ટકા બગડ્યા હતા. BSE લિમિટેડ સવાછ ટકા કે ૩૩૯ રૂપિયા તૂટી ૫૧૬૨ હતી. MCX અઢી ટકા કપાઈ છે.

Whatsapp-channel Whatsapp-channel

03 March, 2025 06:57 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK