Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સાંકડી રેન્જ સાથે પૉઝિટિવ ઝોન પકડી રાખીને બજાર સીમિત સુધારામાં, માર્કેટ બ્રેડ્થ મજબૂત

સાંકડી રેન્જ સાથે પૉઝિટિવ ઝોન પકડી રાખીને બજાર સીમિત સુધારામાં, માર્કેટ બ્રેડ્થ મજબૂત

23 March, 2023 12:06 PM IST | Mumbai
Anil Patel

ટીસીએસ પોણો ટકો સુધર્યો, ઇન્ફી નજીવો નરમ, વિપ્રો જૈસે-થે : આવકવેરાના દરોડામાં શોભા તૂટ્યો, સુલા વાઇન યાર્ડ‍્સને બાયનું રેટિંગ ફળ્યું : વીએસટી ટીલર્સમાં ૧૬૪ રૂપિયાનો ઉછાળો આવ્યો 

પ્રતિકાત્મક ફાઇલ તસવીર માર્કેટ મૂડ

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


સંદેશમાં ૨૦ ટકાની તેજીની સર્કિટ, ટીવીએસ ઇલેક્ટ્રો ૧૮ ટકા અને શિવાલિક બાયમેટલ્સ ૧૫ ટકા ઊછળ્યા : વેલ્સ ફિલ્મનું પ્રોત્સાહક લિસ્ટિંગ, મુંબઈના બોરીવલી ખાતેની સુદર્શન ફાર્મામાં લિસ્ટિંગ લૉસ : તાતા મોટર્સમાં ભાવવધારાનો અને હિન્દુ. ઝિન્કમાં તગડા ડિવિડન્ડનો ટેકો મળ્યો : ટીસીએસ પોણો ટકો સુધર્યો, ઇન્ફી નજીવો નરમ, વિપ્રો જૈસે-થે : આવકવેરાના દરોડામાં શોભા તૂટ્યો, સુલા વાઇન યાર્ડ‍્સને બાયનું રેટિંગ ફળ્યું : વીએસટી ટીલર્સમાં ૧૬૪ રૂપિયાનો ઉછાળો આવ્યો 

ફેડની મીટિંગના આઉટકમની પૂર્વસંધ્યાએ અમેરિકન ડાઉ એક ટકો અને નૅસ્ડૅક દોઢ ટકો વધીને મંગળવારની મોડી રાત્રે બંધ આવ્યા પછી એશિયન બજારો પણ બુધવારે સારા એવા સુધારા સાથે આગેકૂચમાં જોવાયાં છે. ગઈ કાલે જૅપનીઝ નિક્કી ૧.૯ ટકા, હૉન્ગકૉન્ગ ૧.૭ ટકા, સિંગાપોર તથા તાઇવાન દોઢ ટકા, સાઉથ કોરિયા અને ઇન્ડોનેશિયા સવા ટકો, થાઇલૅન્ડ અડધો ટકો અને ચાઇના સાધારણ વધીને બંધ રહ્યાં છે. યુરોપ દોઢ-પોણાબે ટકાની આગલા દિવસની મજબૂતી પછી ગઈ કાલે રનિંગમાં પૉઝિટિવ બાયસમાં દેખાયું છે. બ્રેન્ટ ક્રૂડ પ્રત્યાઘાતી સુધારામાં ૭૫ ડૉલર વટાવી રનિંગમાં એની નજીક રહ્યું છે. નાયમેક્સ ક્રૂડ અઢી ટકાના બાઉન્સબૅકમાં ૬૯ ડૉલર ઉપર ગયું છે. હાજર સોનું ૧૯૩૬ ડૉલર નજીક તો કૉમેક્સ ગોલ્ડ ૧૯૫૯ ડૉલરે સ્થિર જણાતું હતું. ઘરઆંગણે સેન્સેક્સ પોણાબસ્સો પૉઇન્ટ જેવો પ્લસ ખૂલી છેલ્લે ૧૪૦ પૉઇન્ટની આગેકૂચમાં ૫૮,૨૧૪ બંધ થયો છે. નિફ્ટી ૪૪ પૉઇન્ટ વધી ૧૭,૧૫૨ હતો. દિવસ દરમ્યાન બજાર બહુધા પૉઝિટિવ ઝોનમાં હતું. વધ-ઘટની રેન્જ ૩૫૭ પૉઇન્ટ જેવી અતિસાંકડી હતી. શૅરઆંક ઉપરમાં ૫૮,૪૧૯ અને નીચામાં ૫૮,૦૬૩ થયો હતો. બજારનાં લગભગ તમામ સેક્ટોરલ વધીને રહ્યાં છે. જોકે સુધારો ઘણો સીમિત હતો. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ સહેજ ઘટ્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૦.૯ ટકા પ્લસ આપી વધવામાં મોખરે હતો. માર્કેટ બ્રેડ્થમાં પૉઝિટિવિટી જળવાઈ રહી છે. એનએસઈમાં ૧૨૩૪ શૅર પ્લસ તો સામે ૭૮૩ જાતો નરમ હતી. એસએમઈ સેગમેન્ટમાં ચેન્નઈની વેલ્સ ફિલ્મ ૯૯ની ઇશ્યુ પ્રાઇસ સામે ગ્રે માર્કેટમાં ૭ના ડિસ્કાઉન્ટ સામે ૧૦૧ ખૂલી ૧૦૩ ઉપર બંધ થતાં ૪.૪ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે, જ્યારે મુંબઈના બોરીવલીની સુદર્શન ફાર્મા ઇન્ડ. ૭૩ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટના પાંચના પ્રીમિયમ સામે ૭૩ ખૂલી ૬૯ બંધ થતાં ૫ ટકાનો લિસ્ટિંગ લૉસ મળ્યો છે. ગુરુવારે મેઇન બોર્ડની ગ્લોબલ સર્ફેસિસ તથા એસએમઈ સેગમેન્ટની લેબર ક્રાફ્ટના લિસ્ટિંગ છે. 


બજાજ ટ‍્વિન્સ બન્ને મેઇન આંકમાં ટૉપ ગેઇનર, ભારત પેટ્રોમાં નરમાઈ 

સેન્સેક્સના ૩૦માંથી ૧૮ અને નિફ્ટીના ૫૦માંથી ૩૩ શૅર વધ્યા છે. બજાજ ફીનસર્વ સવાબે ટકા અને બજાજ ફાઇનૅન્સ ૨.૨ ટકા વધીને લાઇમલાઇટમાં હતા. સન ફાર્મા ૧.૭ ટકા, એચડીએફસી લાઇફ ૩.૧ ટકા, એસબીઆઇ લાઇફ સવા ટકો, હિન્દાલ્કો એક ટકો, તાતા કન્ઝ્યુમર્સ દોઢ ટકા, ઇન્ડ્સઇન્ડ બૅન્ક એક ટકો પ્લસ હતા. રિલાયન્સ આગલા દિવસની ત્રણ ટકા પ્લસની ઝમક બાદ ઉપરમાં ૨૨૯૧ થઈ સામાન્ય સુધારે ૨૨૭૭ રહ્યો છે. ભારત પેટ્રો બે ટકા ઘટીને ૩૫૨ તથા એનટીપીસી દોઢ ટકો ઘટી ૧૭૪ બંધ હતા. 


રોકડામાં સંદેશ ૨૭ ગણા કામકાજે ઉપરમાં ૯૫૪ બતાવી ૨૦ ટકા કે ૧૫૯ રૂપિયાના જમ્પમાં ત્યાં જ બંધ થયો છે. ટીવીએસ ઇલેક્ટ્રૉનિક્સ ૧૭.૮ ટકા ઊછળી ૩૪૮ હતો. શિવાલિક બાયમેટલ્સ ૧૫ ગણા વૉલ્યુમે ઉપરમાં ૪૮૮ વટાવી ૧૫ ટકાની તેજીમાં ૪૮૦ થયો છે. ઇમામી ૫.૯ ટકા ઊંચકાઈ ૩૬૬ રહ્યો છે. અદાણી ગ્રુપના ૧૦માંથી ૮ શૅર વધ્યા હતા. અદાણી એન્ટર અડધો ટકો ઘટી ૧૮૧૪, અદાણી પોર્ટ‍્સ ૧.૧ ટકો ઘટી ૬૫૭, અદાણી પાવર બે ટકા વધીને ૨૦૪, અદાણી ટ્રાન્સ અઢી ટકા વધીને ૧૦૩૩, અદાણી ગ્રીન પાંચ ટકા ઊછળી ૯૩૬, અદાણી ટોટલ ૫ ટકા વધી ૯૩૬, અદાણી વિલ્મર સહેજ સુધારામાં ૪૨૦, એસીસી પોણો ટકો વધી ૧૭૩૫, અંબુજા સિમેન્ટ્સ સવા ટકો વધી ૩૭૬ તથા એનડીટીવી એક ટકો વધી ૨૦૦ બંધ હતા. મોનાર્ક નેટવર્થ ૩.૯ ટકાની મજબૂતીમાં ૨૧૨ રહ્યો છે. પતંજલિ ફૂડ્સ ૮૯૫ના લેવલે ફ્લૅટ બંધ આવ્યો છે. 

બૅન્કિંગ ફાઇ.માં સુધારો જારી, પેટીએમમાં સાતેક ટકાની તેજી 

બૅન્ક નિફ્ટી ઉપરમાં ૪૦,૦૮૫ વટાવી અંતે ૧૦૪ પૉઇન્ટ વધીને ૩૯,૯૯૯ બંધ થયો છે. અત્રે ૧૨માંથી ૮ જાતો પ્લસ હતી. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૅરના સહારે ૦.૯ ટકા વધ્યો હતો. બૅન્કિંગ ક્ષેત્રના ૩૭માંથી ૨૬ શૅર સુધર્યા છે. બંધન બૅન્ક ૪.૨ ટકા ઊંચકાઈ ૨૧૧ રહી છે. સૂર્યોદય બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, બૅન્ક ઑફ ઇન્ડિયા, યુનિયન બૅન્ક, કરૂર વૈશ્ય બૅન્ક, ફીનો પેમેન્ટ બૅન્ક પોણાબેથી ૩.૭ ટકા મજબૂત હતા. ઉજ્જીવન બૅન્ક ૧.૭ ટકા અને સીએસબી બૅન્ક સવા ટકો નરમ હતા. ઇન્ડ્સઇન્ડ એક ટકો તો આઇસીઆઇસીઆઇ બૅન્ક પોણો ટકો વધી છે. એસબીઆઇ, કોટક બૅન્ક અને એચડીએફસી નજીવા નરમ હતા. 

ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૪૧માંથી ૯૭ શૅરના સથવારે ૦.૪ ટકા સુધર્યો હતો. ચોઇસ ઇન્ટર. ૭.૮ ટકા, નાહર કૅપિટલ ૭.૭ ટકા, પેટીએમ ૬.૯ ટકા, દૌલત અલ્ગો ૩.૬ ટકા, રેપ્કો હોમ દોઢ ટકા, કૅર રેટિંગ ૩.૫ ટકા, ૩૬૦ વન છ ટકાથી વધુ પ્લસ હતા. પૉલિસી બાઝાર ૨.૩ ટકા ગગડ્યો છે. એલઆઇસી ૫૭૩ના લેવલે જૈસે-થે હતો. 

તાતા મોટર્સ દ્વારા વેપારી વાહનોના ભાવ એપ્રિલથી પાંચેક ટકા વધારવામાં આવ્યા છે. શૅર ઉપરમાં ૪૧૮ વટાવી પોણો ટકો વધી ૪૧૬ રહ્યો છે. અશોક લેલૅન્ડ અઢી ટકા વધ્યો છે. મહિન્દ્ર, મારુતિ, બજાજ ઑટો, હીરો મોટોકૉર્પ સામાન્યથી અડધો ટકો જેવા વધીને બંધ હતા. ઑટો ઍન્સિલિયરી સેગમેન્ટમાં ૭૬ શૅર પ્લસ તો ૩૮ જાતો માઇનસ હતી. આઇપી રિંગ્સ ૮.૨ ટકા વધી ૯૩ થયો છે. જેબીએમ ઑટો ૩.૭ ટકા મજબૂત હતો. સર ઑટો પ્રોડક્ટ્સ નીચામાં ૯૦૩ થયા બાદ ઉપરમાં ૯૯૭ બતાવી પોણાપાંચ ટકા ઊછળી ૯૯૫ થયો છે. 

આઇટીમાં સાઇડ કાઉન્ટર્સ સુધારામાં, હિન્દુ. ઝિન્કમાં ડિવિડન્ડનો ટેકો રહ્યો 

આઇટી ઇન્ડેક્સ ૫૯માંથી ૩૧ શૅરના સુધારા વચ્ચે નહીંવત પ્લસ થયો છે. બ્લૅક બૉક્સ ૧૧.૪ ટકાની તેજીમાં ૯૪ હતો. સિગ્નેટી પાંચ ટકા, બ્રાઇટકૉમ સવાછ ટકા, કન્ટ્રોલ પ્રિન્ટ અઢી ટકા, સુબેક્સ સવાત્રણ ટકા વધ્યા છે. એમ્ફાસિસ નવી બૉટમ બનાવતો અટકીને સાધારણ વધી ૧૭૯૮ હતો. ટીસીએસ પોણા ટકાના સુધારામાં ૩૧૩૧, ટેક મહિન્દ્ર સાધારણ વધી ૧૦૯૯, ઇન્ફી તથા વિપ્રો લગભગ ફ્લૅટ બંધ થયા હતા. એચસીએલ ટેક્નૉ સાધારણ નરમ તો લાટિમ અડધો ટકો ઘટ્યો છે. ટેલિકૉમ ક્ષેત્રે ઑન મોબાઇલ પાંચ ટકા, વોડાફોન સાડાત્રણ ટકા, તેજસ નેટ સવા ટકો, તાતા ટેલી એક ટકો વધ્યા છે. ભારતી ઍરટેલ થોડોક નરમ હતો. ટેક્નૉલૉજી સેક્ટરમાં સારેગામા ત્રણ ટકા, નેટવર્ક-૧૮ સવાત્રણ ટકા, રાઉટ મોબાઇલ દોઢ ટકો, પીવીઆર દોઢ ટકો અને ટીવી-૧૮ એક ટકો માઇનસ થયા છે. 

કૅપિટલ ગુડ્સમાં એબીબી ૩ ટકા, ભેલ સવાબે ટકા, હિન્દુ. ઍરોનૉટિક્સ એક ટકો ડાઉન તો લક્ષ્મી મશીન્સ ૧.૮ ટકા પ્લસ હતો. લાર્સન નજીવા સુધારે ૨૨૧૪ રહ્યો છે. હિન્દુસ્તાન ઝિન્ક દ્વારા શૅરદીઠ ૨૬ રૂપિયાનું ચોથું ઇન્ટરિમ આવતાં ભાવ ઉપરમાં ૩૨૫ વટાવી ૨.૨ ટકાની મજબૂતીમાં ૩૧૭ થયો છે. આ ડિવિડન્ડથી વેદાન્તને ૭૧૩૨ કરોડની કમાણી થશે. એનો શૅર અડધો ટકો સુધરી ૨૮૫ હતો. કોલ ઇન્ડિયા, નાલ્કો અને સેઇલ સવાથી બે ટકા ડાઉન હતા. તાતા સ્ટીલ ૧૦૫ના લેવલે ફ્લૅટ રહ્યો હતો. હિન્ડાલ્કો ૧.૨ ટકા તો હિન્દુ. કૉપર અડધો ટકો પ્લસ હતા. 

આવકવેરાના દરોડા પાછળ શોભા પટકાઈને વર્ષના તળિયે 

આવકવેરા ખાતા તરફથી કંપનીની રજિસ્ટર્ડ ઑફિસ સહિત અન્ય પ્રિમાઇસિસ પર દરોડા પડાયા હોવાના અહેવાલમાં શોભા લિમિટેડ ૨૫ ગણા કામકાજે ૪૩૦ની વર્ષની બૉટમ બનાવી પોણોતેર ટકા તૂટી ૪૫૩ બંધ થયો છે. વીએસટી ટીલર્સ દ્વારા બૅન્ગલોર પ્લાન્ટ ખાતે ૫ લાખ નંગ પાવર ટીલર્સના ઉત્પાદનની સિદ્ધિના પગલે શૅર ઉપરમાં ૨૫૭૨ બતાવી સાડાસાત ટકા કે ૧૬૪ રૂપિયાના જમ્પમાં ૨૩૩૫ બંધ આવ્યો છે. સુલા વાઇન યાર્ડ્સમાં સીએલએસએ તરફથી ૪૭૫ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાયનું રેટિંગ આવતાં ભાવ પોણાચાર ગણા કામકાજે ઉપરમાં ૩૭૧ થઈ પોણાચાર ટકા ઊંચકાઈને ૩૫૩ વટાવી ગયો છે. 

દરમ્યાન ગઈ કાલે નિફ્ટી ફાર્મા ૨૦માંથી ૧૫ શૅરના સુધારામાં એક ટકો પ્લસ હતો. સામે બીએસઈનો હેલ્થકૅર બેન્ચમાર્ક ૯૫માંથી ૬૦ શૅરના સપોર્ટમાં પોણો ટકો વધ્યો છે, ક્રસ્ના ડાયગ્નોસ્ટિક્સ સવાદસ ટકાની તેજીમાં ૪૫૧ બંધ આવ્યો છે. ગુજરાત થેમિસ સવાઆઠ ટકા, વિમતા લૅબ પોણાછ ટકા અને હાઇકલ પાંચ ટકા ઊંચકાયા હતા. સિપ્લા ૮૬૩ના સ્તરે યથાવત્ હતો. સન ફાર્મા ૧.૭ ટકા વધી ૯૭૨ થયો છે. એફએમસીજીના ૮૧માંથી વધેલા ૫૨ શૅરમાં ચમન લાલ સેટિયા ૧૦.૮ ટકાની તેજીમાં ૧૯૦ બંધ આપીને મોખરે હતો. હિન્દુ. યુનિલીવર અડધો ટકો જ્યારે આઇટીસીમાં નહીંવત્ સુધારો નોંધાયો છે. 

Whatsapp-channel Whatsapp-channel

23 March, 2023 12:06 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK