Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > બિઝનેસ સમાચાર > માથે ફેડની બેઠક વચ્ચે વિશ્વબજારોના તાલમાં ઘરઆંગણે શૅરબજારમાં ૪૪૬ પૉઇન્ટનો સુધારો

માથે ફેડની બેઠક વચ્ચે વિશ્વબજારોના તાલમાં ઘરઆંગણે શૅરબજારમાં ૪૪૬ પૉઇન્ટનો સુધારો

Published : 22 March, 2023 11:49 AM | IST | Mumbai
Anil Patel

એમ્ફાસિસમાં સતત નવી નીચી સપાટી, ઍક્સેલ્યા ૧૧૩ રૂપિયા ઊછળ્યોઃ બૅ​ન્કિંગ અને ફાઇ. સેક્ટરના શૅરો લાઇમલાઇટમાં : માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ બની 

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


મૅગ્લેનિક ક‍્લાઉડ એક્સ બોનસ થતાં નવા બેસ્ટ લેવલે, હરિઓમ પાઇપ્સમાં નવું શિખર : રિલાયન્સ નવાં નીચાં તળિયા બનાવવાનું છોડી ત્રણ ટકા બાઉન્સબૅક થયો, અદાણીના ૧૦માંથી ૭ શૅર સુધર્યા : ટિપ્સ ફિલ્મ્સમાં ૨૦ ટકાની તેજી આવી, સારેગામા ૪ ટકાના જમ્પમાં એ-ગ્રુપ ખાતે ઝળક્યો : એમ્ફાસિસમાં સતત નવી નીચી સપાટી, ઍક્સેલ્યા ૧૧૩ રૂપિયા ઊછળ્યોઃ બૅ​ન્કિંગ અને ફાઇ. સેક્ટરના શૅરો લાઇમલાઇટમાં : માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ બની 

એસવીબીના ઉઠમણાની સાથે છેલ્લા બાર દિવસમાં ચાર બૅન્કો કાચી પડી ચૂકી છે. પાંચમી ક્રેડિટ ​સ્વિસ એના કટ્ટર હરીફના ઘરમાં ગઈ છે. લંડન ધાતુ બજાર (એલએમઈ) ખાતે એક નવો કાંડ બહાર આવ્યો છે. ત્યા વેરહાઉસમાં જેપી મૉર્ગનના નામે નિકલનો જે સ્ટૉક હતો એ બૅગ્સ નિકલના બદલે પથરાથી ભરેલી મળી આવી છે. વિશ્વબજારમાં બ્રેન્ટક્રૂડ સવા વર્ષના તળિયે જઈ ૭૩ ડૉલર આસપાસ ચાલી રહ્યું છે. ફેડની મીટિંગ માથે છે ત્યારે ફેડરેટમાં વધારો અટકશે એવી વ્યાપક ધારણા રખાય છે. બૅ​ન્કિંગ સેક્ટરની વૈશ્વિક ક્રાઇસિસથી સોનામાં ઝમક આવી છે. દરમ્યાન યુરોપ અને એની પાછળ અમેરિકન ડાઉ સોમવારની રાતે સવા ટકો વધીને બંધ આવતાં એશિયન બજારોનો મંગળવાર સારો ગયો છે. જૅપનીઝ માર્કેટ રજામાં હતું. સિંગાપોર, હૉન્ગકૉન્ગ, થાઇલૅન્ડ, ઇન્ડોનેશિયા ઇત્યાદિ એક-દોઢ ટકો સુધર્યો છે. ચાઇના અડધો ટકો પ્લસ હતું. યુરોપ આગલા દિવસના એકથી સવા ટકાના સુધારા બાદ ગઈ કાલે રનિંગમાં વધુ સવા ટકો ઉપર દેખાયું છે. 



ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૩૩૪ પૉઇન્ટના પૉઝિટિવ ઓપનિંગ બાદ ૪૪૬ પૉઇન્ટ વધી ૫૮,૦૭૫ બંધ થયો છે. બજાર નીચામાં ૫૭,૭૩૦ અને ઉપરમાં ૫૮,૧૩૩ થયું હતું. નિફ્ટી ૧૧૯ પૉઇન્ટ વધીને ૧૭,૧૦૭ રહ્યો છે. બન્ને બજારોના મોટા ભાગના ઇન્ડાઇસિસ સુધારામાં બંધ થયાં છે. કન્ઝ્યુમર ગુડ્સ, કૅપિટલ ગુડ્સ, ટેલિકૉમ, નિફ્ટી મીડિયા, ફાઇનૅન્સ, બૅન્કેક્સ જેવા બેન્ચમાર્ક પોણાથી દોઢ ટકો પ્લસ હતા. એફએમસીજી આંક અડધો ટકો અને આઇટી ઇન્ડેક્સ પોણો ટકો ઘટ્યો છે. માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ બની છે. એનએસઈ ખાતે વધેલા ૧૨૦૧ શૅરની સામે ઘટેલા શૅરની સંખ્યા ૮૨૫ રહી છે. 


હૈદરાબાદી મૅગ્લેનિક ક્લાઉડ એક શૅરદીઠ ત્રણના બોનસમાં એક્સ બોનસ થતાં ગઈ કાલે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૬૯ ઉપર નવું બેસ્ટ લેવલ બતાવી ત્યાં જ બંધ થયો છે. હરિઓમ પાઇપ્સમાં પ્રમોટર્સ સહિત અન્યની તરફેણમાં પ્રેફ. ઇ​ક્વિટી વૉરન્ટ્સ ઇશ્યુની યોજના મંજૂર થતાં ભાવ ૪૯૦ના શિખરે જઈ ૪.૯ ટકાની આગેકૂચમાં ૪૮૭ રૂપિયા બંધ આવ્યો છે. 

રિલાયન્સ ત્રણ ટકા બાઉન્સબૅક આપી બજારને ૨૦૭ પૉઇન્ટ ફળ્યો 


મંગળવારે સેન્સેક્સના ૩૦માંથી ૧૮ તથા નિફ્ટીના ૫૦માંથી ૨૬ શૅર પ્લસ હતા. તાજેતરની ખરાબીમાં સોમવારે ૨૧૮૦નું દોઢ વર્ષનું બૉટમ બતાવનાર રિલાયન્સ વિન્ડફૉલ ટૅક્સ હેઠળ ડીઝલ ઉપરની નિકાસ-જકાત વધવા છતાં બાઉન્સબૅકમાં ૨૨૭૪ થઈને ત્રણ ટકા વધી ૨૨૭૦ બંધ આવ્યો છે. જેને પગલે સેન્સેક્સને ૨૦૭ પૉઇન્ટનો લાભ થયો છે. આગલા દિવસે વર્સ્ટ પર્ફોર્મર બનેલો બજાજ ફાઇનૅન્સ ત્રણ ટકા તો બજાજ ફિનસર્વ ૧.૭ ટકા વધ્યો છે. ટાઇટન ૨.૨ ટકા, લાર્સન ૧.૪ ટકા, ઍ​ક્સિસ બૅન્ક બે ટકા, ઇન્ડ્સઇન્ડ ૧.૮ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧.૯ ટકા પ્લસ હતા. નિફ્ટી ખાતે એચડીએફસી લાઇફ ૩.૮ ટકા ઊંચકાઈ ૪૮૩ હતો. એસબીઆઇ લાઇફ સવાબે ટકા વધ્યો છે. આગલા દિવસનો બેસ્ટ ગેઇનર હિન્દુ. યુનિલીવર ૧.૯ ટકા ઘટી ૨૪૬૩ રહ્યો છે. પાવરગ્રીડ બે ટકા, બ્રિટાનિયા દોઢ ટકો, ટેક મહિન્દ્ર સવા ટકા જેવા નરમ હતા. એ ગ્રુપ ખાતે વૅલિયન્ટ ઑર્ગેનિક્સ ૩૬૬ની વર્સ્ટ બૉટમ બતાવી બાઉન્સબૅકમાં ૪૫૧ થઈ સવાદસ ટકાના ઉછાળે ૪૧૯ થયો છે. મુંબઈની સીડબ્લ્યુડી ૧૫૧૧ થઈ અંતે ૧૭૯૯ના લેવલે ફ્લૅટ હતો. ટિપ્સ ફિલ્મ્સ ૨૦ ટકાની તેજીમાં ૪૩૯ વટાવી ગયો છે. સારેગામા ૧૨ ગણા વૉલ્યુમમાં ૩૬૯ બતાવી ૪ ટકા ઊછળી ૩૩૩ બંધ હતો. અદાણી ગ્રુપના ૧૦માંથી સાત શૅર વધ્યા છે. અદાણી એન્ટર એક ટકો વધી ૧૮૨૪, અદાણી પોર્ટ્સ સાધારણ ઘટી ૬૬૫, અદાણી પાવર ૫ ટકા ઊછળી ૨૦૦, અદાણી ટ્રાન્સ સામાન્ય ઘટાડે ૧૦૦૬, અદાણી ગ્રીન પાંચ ટકાની તેજીમાં ૮૯૧, અદાણી ટોટલ ૪.૬ ટકા ઊંચકાઈ ૮૯૨, અદાણી વિલ્મર સવા ટકો વધી ૪૧૯, એસીસી દોઢ ટકો વધી ૧૭૨૫, અંબુજા સિમેન્ટ દોઢ ટકો સુધરી ૩૭૧ તથા એનડીટીવી સાધારણ ઘટાડે ૧૯૮ બંધ થયા છે. 

આ પણ વાંચો : બજાર ૬૨૨ પૉઇન્ટ બાઉન્સબૅક થઈ ૩૬૧ પૉઇન્ટ નરમ, બૅન્કિંગ અને આઇટી ખરાબ

આઇટીમાં ફ્રન્ટલાઇનમાં નબળાઈ, ઍક્સેલ્યામાં ૧૧૩ રૂપિયાની તેજી 

આઇટી ઇન્ડેક્સ ૫૯માંથી ૩૨ શૅરના ઘટાડામાં પોણો ટકો કે ૨૩૬ પૉઇન્ટ નરમ થયો છે. ઍક્સેલ્યા સૉલ્યુ. દસ ગણા કામકાજમાં ઉપરમાં ૧૩૨૬ વટાવી ૯.૯ ટકાની તેજીમાં ૧૨૫૩ બંધ આવ્યો છે. ન્યુક્લીઅસ સૉફ્ટવેર ૮.૩ ટકા, ઈમુદ્રા અઢી ટકા, એક્સ્પ્ટીઓ ૫ ટકા, બ્રાઇટકૉમ ૩.૩ ટકા પ્લસ હતા. ઇન્ફી એકાદ ટકો ઘટી ૧૩૯૧, ટીસીએસ ૧.૧ ટકો ખરડાઈ ૩૧૦૬, વિપ્રો સહેજ ઘટીને ૩૬૬, ટેક મહિન્દ્ર સવા ટકો ઘટી ૧૦૯૬, એચસીએલ ટેક્નૉ પોણો ટકો ઘટી ૧૦૮૪ બંધ રહ્યા છે. લાટિમ નહીંવત્ નરમ હતો. એમ્ફાસિસ ૧૭૮૭ની નવી બૉટમ બનાવી ૧.૭ ટકા ઘટી ૧૭૯૩ રહ્યો છે. ટેલિકૉમમાં તાતા કૉન્યુ., સ્ટરલાઇટ ટેક્નૉ, વિન્દય ટેલિ અઢી ટકા સુધી પ્લસ હતા. સારેગામા ૪ ટકાની તેજીમાં ૩૩૩ બંધ આપી ટેકનૉલૉજી ઇન્ડેક્સ ખાતે ૨૭માંથી વધેલા ૧૧ શૅરમાં મોખરે હતો. ઝી એન્ટર ૩.૨ ટકા, પીવીઆર સવા ટકો, તાતા એલેક્સી એક ટકા સુધર્યા છે. ભારતી સાધારણ સુધારે ૭૫૭ હતો.

ઑટો ઇન્ડેક્સ ૨૫ પૉઇન્ટ જેવો નજીવો પ્લસ હતો, પણ બજાજ ઑટો ઉપરમાં ૩૯૨૧ બતાવી ૨.૮ ટકા કે ૧૦૮ રૂપિયા ઊંચકાઈ ૩૯૧૦ થયો છે. ટીવીએસ મોટર્સ ૧.૧ ટકા, હીરો મોટોકૉર્પ પોણો ટકો, બોશ પોણાબે ટકા વધ્યા છે. આઇશર, મારુતિ તથા તાતા મોટર્સ સાધારણ વધ-ઘટે બંધ રહ્યા છે. ઑટો કમ્પોનન્ટ્સ સેગમેન્ટમાં ભારત ગિયર્સ ૬.૬ ટકા ઝળક્યો હતો. મેટલ ઇન્ડેક્સ મિશ્ર વલણમાં સહેજ પ્લસ હતો. નાલ્કો બે ટકા તો વેદાન્તા સવા ટકો અપ હતા. તાતા સ્ટીલ સામાન્ય વધી ૧૦૫ થયો છે. 

બૅ​ન્કિંગના ૩૭માંથી ૩૨ શૅર સુધર્યા, બૅન્ક નિફ્ટી ૫૩૩ પૉઇન્ટ ઊંચકાયો 

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરના સુધારામાં ૧.૪ ટકા કે ૫૩૩ પૉઇન્ટ વધ્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૩૭માંથી ૩૨ બૅન્કોના શૅર પ્લસ હતા. સીએસબી બૅન્ક નવ ટકા, ઉજજીવન સ્મૉલ બૅન્ક પાંચ ટકા, આઇડીબીઆઇ બૅન્ક ૩.૬ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧.૯ ટકા, ઇન્ડ્સઇન્ડ ૧.૯ ટકા, એચડીએફસી બૅન્ક ૧.૨ વધ્યા છે. સ્ટેટ બૅન્ક અને કોટક બૅન્ક અડધો ટકો પ્લસ હતા. 
ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૪૧માંથી ૧૦૮ શૅરના સથવારે ૧.૪ ટકો સુધર્યો છે. કેપ્રિ ગ્લોબલ ૬.૭ ટકા ગગડી ૫૮૦ થયો છે. પ્રુડેન્ટ કૉર્પોરેટ ૬.૩ ટકા, યુટીઆઇ ઍસેટ મૅનેજમેન્ટ પાંચ ટકા એચડીએફસી ઍસેટ મૅનેજમેન્ટ ૪.૯ ટકા, ક્રેડિટ ઍક્સેસ ચાર ટકા, માસ ફાઇ. પાંચ ટકા, મુથૂટ ફાઇ. ૪.૨ ટકા, પેટીએમ ૪.૫ ટકા મજબૂત હતા. એલઆઇસી સાધારણ ઘટાડામાં ૫૭૩ રહ્યો છે.

પૉલિસી બાઝાર ૦.૭ ટકા અપ હતો. નાયકા ૧૪૦ના લેવલે ફ્લૅટ હતો. ફાઇવસ્ટાર બિઝનેસ ૫.૩ ટકાના ઉછાળે ૫૨૬ થયો છે. એફએમસીજી ઇન્ડેક્સ ૮૧માંથી ૪૨ શૅર વધવા છતાં અડધા ટકા જેવો ઘટ્યો હતો. હિન્દુસ્તાન યુનિલીવર, બ્રિટાનિયા, ડાબર, ગોદરેજ કન્ઝ્યુમર એકથી પોણા બે ટકા તથા આઇટીસી અડધો ટકો ઘટ્યા એનું આ પરિણામ હતું. વેન્કીઝ ઇન્ડિયા ૪ ગણા કામકાજે ૧૬૬૨ થઈ ૬.૩ ટકા ઊંચકાઈ ૧૬૧૮માં અત્રે ટૉપ ગેઇનર બન્યો છે. હેલ્થકૅર ઇન્ડેક્સ ૯૯માંથી ૪૮ શૅરના સુધારા  વચ્ચે સાધારણ નરમ હતો. આરપીજી લાઇફ સવાત્રણ ટકા, સિક્વન્ટ સાયન્ટિફિક ૫.૯ ટકા, કોપરાન ૪.૯ ટકા, વિમતા લૅબ આઠ ટકા, દિશમાન ૩.૪ ટકા, ગ્લૅન્ડ ફાર્મા ૫.૮ ટકા મજબૂત હતા. બાયોકૉન ૧૯૧ના નવા તળિયે જઈ ૦.૩ ટકાની નરમાઈમાં ૨૦૧ બંધ આવ્યો છે. 

કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક ૨૪માંથી ૧૭ શૅરની સહારે એક ટકાની નજીક કે ૩૦૮ પૉઇન્ટ વધ્યો છે. લાર્સન ૧.૪ ટકાની મજબૂતીમાં ૨૨૦૮ બંધ રહેતાં આ આંકને ૨૨૮ પૉઇન્ટ મળી ગયા હતા. એબીબી સાડાત્રણ ટકા, સીજી પાવર સવાત્રણ ટકા અને ભેલ બે ટકો અપ હતા. 

Whatsapp-channel Whatsapp-channel

22 March, 2023 11:49 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK