Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > બિઝનેસ સમાચાર > રિલાયન્સની આગેવાની હેઠળ બજારે ઘટાડાની ચાલમાં ૬૦,૦૦૦નું મહત્ત્વનું લેવલ ગુમાવ્યું

રિલાયન્સની આગેવાની હેઠળ બજારે ઘટાડાની ચાલમાં ૬૦,૦૦૦નું મહત્ત્વનું લેવલ ગુમાવ્યું

Published : 13 January, 2023 03:14 PM | IST | Mumbai
Anil Patel

ભારત ઍગ્રિફર્ટ નવા બેસ્ટ લેવલે, નૅશનલ સ્ટાન્ડર્ડ‍‍્‍‍‍સ ૭૯૫ રૂપિયાની તેજી : સાહ પૉલિમર્સ, એસવીએસ અને રેક્સ સીલિંગનાં લિસ્ટિંગ ગ્રે માર્કેટની ધારણા કરતાં બહેતર રહ્યાં : આર.ઝેડ. ઘરાનાની વેચવાલી છતાં બિલકૅર સતત સુધારામાં 

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


પરિણામ પૂર્વે ઇન્ફોસિસ અડધો ટકો તો એચસીએલ ટેક્નૉ દોઢ ટકો સુધારામાં : સેન્સેક્સ નિફ્ટી ખાતે વધેલા-ઘટેલા શૅરો ટકાવારી પ્રમાણે એકસમાન જોવા મળ્યા : સેન્સેક્સ ૧૪૭ પૉઇન્ટ ડાઉન, પણ રિલાયન્સ થકી સેન્સેક્સને ૧૬૨ પૉઇન્ટની હાનિ થઈ : ભારતી ઍરટેલમાં નરમાઈની હૅટ-ટ્રિક, પેટીએમ સાડાછ ટકા પટકાયો : ભારત ઍગ્રિફર્ટ નવા બેસ્ટ લેવલે, નૅશનલ સ્ટાન્ડર્ડ‍‍્‍‍‍સ ૭૯૫ રૂપિયાની તેજી : સાહ પૉલિમર્સ, એસવીએસ અને રેક્સ સીલિંગનાં લિસ્ટિંગ ગ્રે માર્કેટની ધારણા કરતાં બહેતર રહ્યાં : આર.ઝેડ. ઘરાનાની વેચવાલી છતાં બિલકૅર સતત સુધારામાં 


એફઆઇઆઇ કે ધોળિયાઓની લેવાલીનો સવાલ છે ત્યાં સુધી ૨૦૨૩નો આરંભ અવળા ગણેશથી થયો લાગે છે. ૧૧ જાન્યુઆરી સુધીના કામકાજના સાત દિવસમાં તેમણે ભારતીય શૅરબજારમાંથી ૧૩,૩૩૪ કરોડ રૂપિયાની નેટ વેચવાલી કરી છે અને સાતમાંથી એક પણ દિવસ તેમની નેટ લેવાની નોંધાઈ નથી. ગોલ્ડમૅન સાક્સ માને છે કે ચાઇના અને અન્ય એશિયન દેશો કોવિડ અંકુશો સદંતર રદ્ કરીને રી-ઓપનિંગ કરે તો ૨૦૨૩ના થર્ડ ક્વૉર્ટર દરમ્યાન બ્રેન્ટ ક્રૂડ વધીને બેરલદીઠ ૧૧૦ ડૉલરે પહોંચી જશે. ૨૦૨૩નું વર્ષ વિશ્વસ્તરે એકંદર રિસેશનનું રહેશે, એવા આઇએમએફના તારણમાં વિશ્વ બૅન્કે પણ સૂર પુરાવ્યો છે. 



શૅરબજાર ગુરુવારે નેગેટિવ બાયસમાં ફ્લૅટ ખૂલી ઉપરમાં ૬૦,૨૯૦ થયું હતું. જોકે ૧૮૫ પૉઇન્ટનો આ આરંભિક સુધારો આભાસી હતો. ખૂલ્યા પછીના અડધા કલાકમાં જ સેન્સેક્સ માઇનસ ઝોનમાં સરકી ગયો હતો અને આખો દિવસ હાલત પાતળી રહી હતી. બજાર નીચામાં ૫૯,૬૩૨ થઈ ૧૪૭ પૉઇન્ટ ઘટી ૫૯,૯૫૮ તથા નિફ્ટી ૩૭ પૉઇન્ટ ઘટી ૧૭,૮૫૮ બંધ થયો છે. બહુમતી એશિયન બજારો પૉઝિટિવ ઝોનમાં બંધ આવ્યાં છે, પરંતુ સુધારો બહુધા સામાન્ય હતો. 


મોટા ભાગનાં સેક્ટોરલ ગઈ કાલે રેડ ઝોનમાં બંધ હતાં. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ રિલાયન્સ પાછળ માનસ ખરડાતાં એક ટકો લપસ્યો છે. અત્રે અદાણી ટોટલના પોણા ટકાના સુધારા સિવાય બાકીની નવ જાતો ડાઉન હતી. એનર્જી, ટેલિકૉમ, બૅન્કેક્સ અડધાથી એક ટકો માઇનસ હતા. માર્કેટ બ્રેડ્થ નબળી જ રહી છે. એનએસઈમાં પ્રોવિઝનલ ધોરણે ૮૪૪ શૅર વધ્યા હતા. ૧૧૫૮ જાતો માઇનસ હતી. 

રિલાયન્સ વધુ બે ટકા બગડ્યો અને બજારને ૧૬૨ પૉઇન્ટ નડ્યો 


સેન્સેક્સના ૩૦માંથી ૧૫ તથા નિફ્ટીના ૫૦માંથી ૨૫ શૅર વધ્યા છે. બન્ને મેઇન બેન્ચમાર્ક ખાતે વધેલા-ઘટેલા શૅરનું પ્રમાણ ફિફ્ટી-ફિફ્ટી રહ્યું હોય એવી અનોખી ઘટના બની છે. નિફ્ટી ખાતે એસબીઆઇ લાઇફ ૧.૯ ટકા વધીને ૧૩૧૬ બંધ આપીને તો સેન્સેક્સમાં અલ્ટ્રાટેક પોણાબે ટકા વધી ૭૧૪૪ના બંધમાં મોખરે હતા. લાર્સન ૧.૭ ટકા વધી ૨૧૬૦ વટાવી ગયો છે. બજાજ ઑટો, જેએસડબ્લ્યુ સ્ટીલ, સિપ્લા, ડૉ. રેડ્ડીઝ લૅબ, મારુતિ સુઝુકી એકથી દોઢેક ટકો પ્લસ હતા. દિવિસ લેબ ત્રણ ટકા બગડી ૧૦૨ રૂપિયાની ખરાબીમાં ૩૩૦૯ની અંદર ગયો છે. રિલાયન્સ સવાયા કામકાજે બે ટકાથી વધુની ખુવારીમાં ૨૪૭૨ બંધ થતાં સેન્સેક્સને સર્વાધિક ૧૬૨ પૉઇન્ટની હાનિ થઈ છે. મતલબ કે આખા સેન્સેક્સની નબળાઈ કરતાં પણ રિલાયન્સની નરમાઈ મોટી હતી. ભારત પેટ્રો બે ટકા, ઍક્સિસ બૅન્ક દોઢ ટકો, તાતા મોટર્સ ૧.૪ ટકા ડાઉન હતા. ભારતી ઍરટેલ સતત ત્રીજા દિવસની ખરાબીમાં એક ટકાથી વધુના ઘટાડે ૭૫૬ રહ્યો છે. આઇશર, હિન્દાલ્કો, કોટક બૅન્ક એકથી સવા ટકો ઢીલા હતા. અદાણી પાવર એક ટકો, અદાણી વિલમર દોઢ ટકો, એનડીટીવી બે ટકા, એસીસી ૧.૪ ટકા ડાઉન હતા. અદાણી ટ્રાન્સ દોઢ ટકો, અદાણી ટોટલ ૦.૯ ટકા, અંબુજા સિમેન્ટ અને અદાણી પોર્ટ્સ અડધા ટકાની નજીક વધ્યા છે. 

નૅશનલ સ્ટાન્ડર્ડ્સ રોજના બાવન શૅરની સામે ૧૨૬૯ શૅરના કામકાજે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૭૯૫ રૂપિયાની તેજીમાં ૪૭૭૦ થયો છે. વર્ષ પૂર્વે ભાવ ૧૩,૭૮૦ હતો. ઇન્સોલેશન એનર્જી ૨૦ ટકા ઉછળીને ૧૨૮, રાધિકા જ્વેલટેક ૧૮.૮ ટકાની તેજીમાં ૧૮૬, દિક્ષત ટ્રાન્સ વર્લ્ડ ૧૮.૨ ટકાના જમ્પમાં ૧૩૦ના બેસ્ટ લેવલે ગયા છે. જિન્દલ વર્લ્ડવાઇડ બમણા કામકાજે આઠ ટકાના ધબડકામાં ૪૧૫ બંધ આપી ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર થયો છે. આઇઆઇએફએલ વેલ્થ મૅનેજમેન્ટમાં ૧૯ જાન્યુઆરીએ મળનારી બોર્ડ મીટિંગમાં પરિણામ ઉપરાંત બોનસ અને શૅર વિભાજન ‌વિશે વિચારણા કરાશે. શૅર ૧૩ ગણા વૉલ્યુમે ઉપરમાં ૧૯૦૦ થઈ સવાબે ટકા વધી ૧૭૯૯ બંધ હતો. 

પેટીએમ વૉલ્યુમ સાથે બગડ્યો, કૅર રેટિંગ નવી ટોચે જઈ સુધારામાં 

બૅન્ક ઑફ ઇન્ડિયા, કોટક બૅન્ક, એયુ બૅન્ક, ઍક્સિસ બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક, યુનિયન બૅન્ક, જેકે બૅન્ક, ઇન્ડ્સઇન્ડ બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, ફેડરલ બૅન્ક સહિત સંખ્યાબંધ બૅન્કોનાં પરિણામ આગામી દસેક દિવસ દરમ્યાન આવવાનાં છે. એચડીએફસી બૅન્કના રીઝલ્ટ શનિવારે છે. આમ છતાં બૅન્કિંગનો મૂડ બગડેલો રહ્યો છે. ગઈ કાલે બૅન્કિંગ ક્ષેત્રના ૩૭માંથી ૨૯ શૅર ઘટ્યા હતા. બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૮ શૅરની નબળાઈમાં ૧૫૦ પૉઇન્ટ કે ૦.૪ ટકા ડાઉન થયો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅરના ઘટાડા વચ્ચે ૦.૩ ટકા ઘટ્યો હતો. એચડીએફસી બૅન્ક અડધો ટકો વધી ૧૬૦૦ નજીક બંધ થયો છે. ઍક્સિસ બૅન્ક દોઢ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક પોણો ટકો, કોટક બૅન્ક સવા ટકો ડાઉન હતા. સ્ટેટ બૅન્ક સાધારણ ઘટાડે ૫૯૫ રહ્યો છે. ઇન્ડ્સઇન્ડ બૅન્ક ૦.૩ ટકા ઘટ્યો છે. બંધન બૅન્ક, આઇડીબીઆઇ બૅન્ક, જેકે બૅન્ક, પંજાબ સિંધ બૅન્ક, ફીનો પેમેન્ટ બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક, આરબીએલ બૅન્ક, ધનલક્ષ્મી દોઢથી ત્રણ ટકા ઘટ્યા છે. બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, કર્ણાટકા બૅન્ક અને ડીસીબી સવાથી બે ટકા વધ્યા છે. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૩૭માંથી ૫૪ શૅરના સુધારા વચ્ચે નહીંવત્ નરમ હતો. પેટીએમ ૨૨ ગણા કામકાજમાં નીચામાં ૫૨૮ થઈ ૬.૪ ટકા લથડીને ૫૪૨ હતો. જીઆઇસી હાઉસિંગ ૪.૨ ટકા, સ્પંદનસ્કુર્તિ ૪.૯ ટકા, ફાઇવ પૈસા ડિજિટલ ત્રણ ટકા, પીએનબી હાઉસિંગ ૩.૬ ટકા વધ્યા છે. કૅર રેટિંગ સારા વૉલ્યુમ સાથે ૬૭૭નું શિખર બતાવી એક ટકો વધી ૬૪૦ હતો. જનરલ ઇન્શ્યૉરન્સ અઢી ટકા, ન્યુ ઇન્ડિયા એશ્યૉરન્સ સવા ટકા, એસબીઆઇ લાઇફ બે ટકા પ્લસ હતા. એલઆઇસી સવા ટકો ઘટી ૭૦૫ રહ્યો છે. આગલા દિવસની ત્રણ ટકાની મજબૂતી બાદ નાયકા ૩.૫ ટકા ગગડી ગઈ કાલે ૧૫૦ થયો છે. એચડીએફસી ૦.૭ ટકા સુધર્યો છે. બજાજ ફિનસર્વ ૦.૯ ટકા ઢીલો હતો. 

આ પણ વાંચો : કૉર્પોરેટ પરિણામની મોસમ અને માથે બજેટ વચ્ચે શૅરબજાર સુસ્ત, ખેલાડીઓ મૂંઝારામાં

થાણેના ફેઝ-૨ પ્રોજેક્ટને મંજૂરી પાછળ ભારત ઍગ્રિફર્ટમાં નવાં શિખર 

ભારત ઍગ્રિફર્ટ ઍન્ડ રિયલ્ટીને થાણે ખાતે ફેઝ-૨ પ્રોજેક્ટ માટે સત્તાવાળાની મંજૂરી મળી જતાં શૅર ૧૦૯૮ની નવી વિક્રમી સપાટી બનાવી દોઢ ટકાની મજબૂતીમાં ૧૦૮૭ બંધ થયો છે. કંપનીને થાણે મ્યુ. કૉર્પોરેશન તરફથી માજીવાડા ખાતે બેઝમેન્ટ પ્લસ ૬ ફ્લોર સુધી પાર્કિંગ સાથે ૩૧ ફ્લોર સુધીના રેસિડેન્શિયલ ટાવરના કન્સ્ટ્રક્શનની મંજૂરી મળી છે અને અન્ય જરૂરી પ્રક્રિયાને આધીન કુલ બાવન ફ્લોર સુધીનાં બાંધકામ માટે પણ લીલી ઝંડી અપાઈ છે. કંપની થાણેના આ ટોલેસ્ટ ટાવર ખાતે ૨/૩ બીએચકેના લક્ઝુરિયસ તેમ જ સૉફિસ્ટિકેટેડ ફ્લૅટ્સ બનાવશે. અગાઉ ફેઝ-૧ હેઠળ અહીં ૩૫૬ રેસિડેન્શિયલ ફ્લૅટ્સનો પ્રોજેક્ટ સફળતાથી પૂરો કર્યો હોવાથી કંપની એના ફેઝ-૨ની સફળતા માટે આશાવાદી છે. વિશ્લેષકોની ગણતરી પ્રમાણે હાલના બજાર ભાવે ફેઝ-૨ પ્રોજેક્ટમાંથી કંપનીને પાંચેક વર્ષમાં ૬૦૦ કરોડ રૂપિયાની રેવન્યુ મળશે, જેમાંથી ચાર લાખ સ્ક્વેર ફીટના બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન પેટે ૧૦૦-૧૨૫ કરોડ તથા બ્રોકરેજ, માર્કેટિંગ અને અન્ય ખર્ચા પેટે ૫૦-૭૫ કરોડ બાદ કરાય તો સહેજે ૪૦૦ કરોડ આસપાસની નેટ રેવન્યુ થવા જાય છે. વધુમાં બૅલૅન્સ શીટમાં લૅન્ડનું વૅલ્યુએશન ફ્રી કે લગભગ શૂન્ય છે. બજારભાવે હાલ લૅન્ડની વૅલ્યુ ૨૦૦-૨૫૦ કરોડ જેવી બેસે છે. આમ ફેઝ-૨ પ્રોજેક્ટ કંપની માટે તગડી વેલ્થ ક્રીએશન પુરવાર થશે. ૫૨૯ લાખ રૂપિયા જેવી તદ્દન નાની ઇક્વિટી પર પાંચ વર્ષમાં ૪૦૦-૪૫૦ કરોડ જેવો નફો શૅરને મધ્યમથી લાંબે ગાળે આકર્ષક બનાવે છે. ૫૫૦ના સ્ટૉપ લોસ સાથે અહીં શૉર્ટ ટર્મ ટાર્ગેટ ૧૩૫૦, મિડિયમ ટર્મ ટાર્ગેટ ૧૮૦૦ અને લૉન્ગ ટર્મ ટાર્ગેટ ૨૩૦૦ રૂપિયાનું આરએસ ઍડ્વાઇઝરી દ્વારા અપાયું છે. 

સાહ પૉલિમર્સનું લિસ્ટિંગ સારું રહ્યું, ગોલ્ડિયમ વૉલ્યુમ સાથે તેજીમાં રહ્યો

સાહ પૉલિમર્સ ૧૦ના શૅરદીઠ ૬૫ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટમાં ૧૦ના પ્રીમિયમ સામે ગુરુવારે ૮૫ ખૂલી ઉપરમાં પાંચ ટકાની તેજીની સર્કિટે ૮૯ વટાવીને ૩૭ ટકા કે ૨૪ રૂપિયાના લિસ્ટિંગ ગેઇનમાં ત્યાં જ બંધ રહી છે. અમદાવાદી એસવીએસ વેન્ચર્સ ૨૦ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસ સામે ૨૦.૫૦ ખૂલી ૫ ટકાની ઉપલી સર્કિટે ૨૧ બંધ થતાં અહીં ૭.૫ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે, જ્યારે મુંબઈની રેક્સ સીલિંગ ઍન્ડ પૅકિંગ શૅરદીઠ ૧૩૫ની ઇશ્યુ પ્રાઇસ સામે ૧૩૭ ખૂલી ઉપલી સર્કિટે ૧૪૪ નજીક જઈ ત્યાં જ બંધ થતાં ૬.૬ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. ગ્રે માર્કેટ ખાતે એસવીએસ વેન્ચર્સમાં ૫-૬ રૂપિયાના તથા રેક્સ સીલિંગમાં ૮-૯ રૂપિયાના ડિસ્કાઉન્ટ ચાલતા હતા એ જોતાં આ બન્નેનું લિસ્ટિંગ ખરેખર સારું કહી શકાય. ૧૦૦ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસ સામે સોમવારે લિસ્ટિંગમાં ૨૬૪ નજીક બંધ રહેલી મુંબઈના વસઈ રોડની એન્લોન ટેક્નૉલૉજીઝ ગઈ કાલે ૨૮૭ની નવી વિક્રમી સપાટીએ જઈ પાંચ ટકા તૂટી ૨૬૩ બંધ આવી છે. 
ગોલ્ડિયમ ઇન્ટર.માં આશિષ કચોલિયાએ ડિસેમ્બર ક્વૉર્ટરમાં હોલ્ડિંગ વધારીને એક ટકોથી વધુ કર્યું હોવાના અહેવાલમાં શૅર ૧૮ ગણા કામકાજે ૧૬૮ નજીક જઈને ૧૪.૫ ટકાના ઉછાળે ૧૬૫ થયો છે. અગાઉ રાકેશ ઝુનઝુનવાલા કોઈ શૅર ખરીદે કે વેચે તો એ શૅરના ભાવ બજારમાં વધતા કે પછી ઘટતા હતા, હવે આરઝેડ નથી એથી આ વલણ ઊલટું થઈ ગયું લાગે છે, કેમ કે રાકેશ ઝુનઝુનવાલાનાં વિધવા રેખા ઝુનઝુનવાલાએ છેલ્લા ત્રણ દિવસમાં બિલકૅર લિમિટેડના લગભગ ૧૬ લાખ શૅર વેચ્યા છે અને તેમ છતાં શૅર વધતો ગયો છે. ગઈ કાલે ભાવ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૫૩ વટાવી ત્યાં બંધ હતો. ડીબી રિયલ્ટીએ લેણદાર રિલાયન્સ કમર્શિયલ ફાઇનૅન્સ સાથે સેટલમેન્ટ ઍગ્રીમેન્ટ કરતાં શૅર પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૯૦ નજીક જઈ ત્યાં જ બંધ રહ્યો છે. 

Whatsapp-channel Whatsapp-channel

13 January, 2023 03:14 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK