Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > બિઝનેસ સમાચાર > બૅ​​​ન્કિંગ, ફાઇનૅન્સ અને આઇટીના ભારમાં નિફ્ટી ૧૮૭ પૉઇન્ટ બગડી ફરીથી ‘૧૮’ની અંદર

બૅ​​​ન્કિંગ, ફાઇનૅન્સ અને આઇટીના ભારમાં નિફ્ટી ૧૮૭ પૉઇન્ટ બગડી ફરીથી ‘૧૮’ની અંદર

11 January, 2023 04:14 PM IST | Mumbai
Anil Patel

રિલાયન્સ દોઢ ટકા બગડતાં બજારને સર્વાધિક ૧૧૭ પૉઇન્ટની હાનિ, એચડીએફસી-ટ‍્વિન્સની નબળાઈ ૧૭૨ પૉઇન્ટ નડી : સરકારી બૅન્કોના નેજા હેઠળ બૅ​​​ન્કિંગમાં ખરાબી, ૩૭માંથી ૩૨ શૅર માઇનસ : માર્કેટ બ્રેડ્થમાં નબળાઈ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મુંબઈના વસઈ રોડની ઍન્લોન ટેક્નૉનું ધમાકેદાર લિ​સ્ટિંગ, ૧૬૪ ટકાનો લિ​સ્ટિંગ ગેઇન છૂટ્યોઃ સર્બિયન કંપનીના ટેકઓવરમાં સોના કૉમસ્ટાર વૉલ્યુમ સાથે ૬ ટકાની તેજીમાં : સ્નેઇડર ઇલે.એ ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર બન્યો, તો અદાણી એન્ટર વર્સ્ટ પર્ફોર્મર રહ્યો : ભારતી ઍરટેલમાં બુલિશ વ્યુનો ઊભરો વળતા દિવસે જ શમી ગયો, વોડાફોનમાં નવું બૉટમ : રિલાયન્સ દોઢ ટકા બગડતાં બજારને સર્વાધિક ૧૧૭ પૉઇન્ટની હાનિ, એચડીએફસી-ટ‍્વિન્સની નબળાઈ ૧૭૨ પૉઇન્ટ નડી : સરકારી બૅન્કોના નેજા હેઠળ બૅ​​​ન્કિંગમાં ખરાબી, ૩૭માંથી ૩૨ શૅર માઇનસ : માર્કેટ બ્રેડ્થમાં નબળાઈ

નબળાઈની હૅટ-ટ્રિક બાદ સોમવારે બજાર ટેક્નિકલ બાઉન્સ બૅકમાં ૮૪૭ પૉઇન્ટ વધ્યું હતું. વળતા દિવસે મોટા ભાગનો સુધારો સાફ થઈ ગયો છે. મંગળવારે સેન્સેક્સ નીચામાં ૫૯,૯૩૮ થઈ ૬૩૨ પૉઇન્ટના બગાડમાં ૬૦,૧૧૫ બંધ આવ્યો છે. નિફ્ટીએ ૧૮૭ પૉઇન્ટની બુરાઈમાં ૧૮,૦૦૦નું લેવલ ફરીથી ગુમાવ્યું છે, ૧૭,૯૧૪નો બંધ દેખાડ્યો છે. ખૂલતાંની સાથે નહીંવત્ પ્લસમાં રહ્યા પછી બજાર તરત જ માઇનસ ઝોનમાં ચાલી ગયું હતું અને આખો દિવસ હાલત નબળી જ રહી હતી. ઘટાડાનો વ્યાપ વધુ હોવાથી માર્કેટ બ્રેડ્થ નેગેટિવ બની છે. એનએસઈમાં ૬૮૫ શૅર વધ્યા છે, સામે લગભગ બમણાં, ૧૩૪૫ કાઉન્ટર્સ નરમ હતાં. સ્મૉલ કૅપ, મિડ કૅપ તેમ જ બ્રોડર માર્કેટના બેન્ચમાર્ક ટકાવારીની રીતે સેન્સેક્સ-નિફ્ટી કરતાં ઓછા ઘટ્યા હતા, પરંતુ ઘટાડાનો વ્યાપ કે વિસ્તાર પ્રમાણમાં વધુ હતો. મેટલ ઇન્ડેક્સ અડધા ટકાથી વધુ તથા હેલ્થકૅર તેમ જ ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ નહીંવત્ સુધર્યા છે. બાકી બધે લાલ હતું. બૅ​​​ન્કિંગ, ફાઇનૅન્સ, ટેક્નૉલૉજિસ, ટેલિકૉમ, ઇન્ડેક્સ ઘટાડામાં મોખરે હતાં. 



વિશ્વ બજારોની વાત કરીએ તો એશિયા બહુધા નેગેટિવ બાયસ સાથે મિક્સ બંધ થયું છે. સિંગાપોર સવા ટકો, ઇન્ડોનેશિયા એક ટકો, ચાઇના અને હૉન્ગકૉન્ગ સામાન્ય નરમ હતા. નિક્કેઈ પોણો ટકો તથા તાઇવાન સાધારણ સુધર્યા છે. સાઉથ કોરિયા અને થાઇલૅન્ડ ફ્લૅટ હતા. યુરોપ ફ્લૅટ ઓપનિંગ પછી રનિંગમાં સાધારણથી લઈ પોણો ટકો નીચે દેખાયું છે. હેલ્થકૅર બેન્ચમાર્ક નહીંવત્ પ્લસમાં બંધ થયો હોવા છતાં ન્યુરેકા, ગ્લૅન્ડ ફાર્મા, ક્રિષ્ના ડાયગ્નોસ્ટિક્સ, થાઇરોકૅર જેવી જાતોમાં નવાં ઐતિહાસિક બૉટમ બન્યાં છે. રિલાયન્સ દોઢ ટકાના ઘટાડે ૨૫૫૮ના બંધમાં બજારને સર્વાધિક ૧૧૭ પૉઇન્ટ નડ્યો છે. એચડીએફસી ટ‍્વિન્સની નરમાઈથી ૧૭૨ પૉઇન્ટની હાનિ થઈ છે. નબળા બજારમાંય દ્રોણાચાર્ય ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૨૨૧ના નવા શિખરે બંધ થયો છે. ઝાયડસ લાઇફ ૪૫૮ ઉપર વર્ષની ટોચે જઈ સવાત્રણ ટકા વધી ૪૫૭ થયો છે. મારુતિ સુઝુકી, બજાજ ઑટો, હીરો મોટોકૉર્પ, આઇશર એકથી પોણાત્રણ ટકા ઘટવા છતાં ઑટો ઇન્ડેક્સ નજીવો પ્લસ થયો એ તાતા મોટર્સના છ ટકા જેવા તગડા ઉછાળાનું પરિણામ છે.


તાતા મોટર્સ બુલિશ વ્યુમાં ઝળક્યો, અદાણી એન્ટરમાં ૨૦૮નું ગાબડું

સેન્સેક્સના ૩૦માંથી ૯ અને નિફ્ટીના ૫૦માંથી ૧૭ શૅર પ્લસ હતા. બ્રિટિશ સબસિડિયરી જૅગ્વાર લૅન્ડ રોવરનું ડિસેમ્બર ક્વૉર્ટરમાં હોલસેલ વેચાણ ૧૫ ટકા વધવાની સાથે સીએલએસએ દ્વારા ૫૧૨ની ટાર્ગેટ-પ્રાઇસ સાથે બુલિશ વ્યુ જારી થતાં તાતા મોટર્સ અઢી ગણા કામકાજે ૪૧૮ નજીક જઈ ૫.૯ ટકાના જમ્પમાં ૪૧૨ બંધ આપી બન્ને બજારમાં બેસ્ટ ગેઇનર બન્યો છે. હિન્દાલ્કો, પાવર ગ્રીડ, અપોલો હૉસ્પિટલ્સ, ડિવીઝ લૅબ, તાતા સ્ટીલ એકથી દોઢ ટકો વધ્યા હતા. રિલાયન્સ ૧.૩ ટકાથી નડ્યો છે. ભારતી ઍરટેલ ૨.૯ ટકા બગડી સેન્સેક્સમાં ટૉપ લૂઝર હતો. નિફ્ટી ખાતે અદાણી એન્ટર ૫.૪ ટકા કે ૨૦૮ રૂપિયા ખરડાઈને ૩૬૪૭ના બંધમાં વર્સ્ટ પર્ફોર્મર રહ્યો છે. અદાણી ગ્રુપની અદાણી પોર્ટ્સ અઢી ટકા, અદાણી પાવર ૨.૯ ટકા, અદાણી વિલ્મર ૨.૩ ટકા, એનડીટીવી સવાબે ટકા, એસીસી બે ટકા, અંબુજા સિમેન્ટ્સ બે ટકા માઇનસ થયા છે. અદાણી ટ્રાન્સ. સવા ટકો વધી ૨૬૪૬ હતો. અન્ય અગ્રણી કાઉન્ટર્સમાં આઇશર, સ્ટેટ બૅન્ક, એચડીએફસી ટ્વીન્સ, અલ્ટ્રાટેક, બાજાજ ફાઇ. એનટીપીસી દોઢથી પોણાત્રણ ટકા કટ થયા છે. 


જોસ્ટ એ​ન્જિનિયરિંગ સરેરાશ ૨૩૧ શૅરની સામે ૭૦૮૮ શૅરના કામકાજે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૫૩૫ નજીક ગયો છે. મંગલમ સીડ્સ, સ્કાય ગોલ્ડ, બેડમુથા, શ્રીરામ ઍસેટ મૅનેજમેન્ટ, શિવા ટેક્સયાર્નમાં પણ ૨૦ ટકાની તેજીની સર્કિટ લાગી હતી. અદાણી એન્ટર એ-ગ્રુપ ખાતે ટૉપ લૂઝર બન્યો છે. સ્નેઇડર ઇલે. અહીં ટૉપ પર્ફોર્મર હતો. અતુલ ૭૬૭૦ની વર્ષની બૉટમ બાદ એકાદ ટકો ઘટી ૭૬૯૪ હતો. વોડાફોનમાં સવાસાતનું નવું ઐતિહાસિક તળિયું બન્યું છે. 

સરકારી બૅન્કોમાં વધુ બગાડ, ભાવ બેથી સવાચાર ટકા ઘટીને બંધ 

બૅ​​​ન્કિંગ સારું એવું બગડ્યું છે. બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરના ઘટાડે ૫૬૮ પૉઇન્ટ કે ૧.૩ ટકા તો પીએસયુ બૅન્ક નિફ્ટી બારેબાર શૅરની બેથી ૪.૨ ટકાની ખરાબી સાથે ૨.૭ ટકા તૂટ્યો છે. સમગ્ર બૅ​​​ન્કિંગ ઉદ્યોગના ૩૭માંથી ૩૨ શૅર રેડઝોનમાં ગયા છે. આગલા દિવસે સાડાછ ટકા વધેલો ફિનો પેમેન્ટ બૅન્ક સહેજ વધી ૨૬૮ હતો. ઇન્ડસઇન્ડ બૅન્ક પોણો ટકો તો સૂર્યોદય બૅન્ક ૧.૪ ટકા પ્લસ હતા. બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૪.૪ ટકા, યુકો બૅન્ક ૪.૩ ટકા, પીએનબી ૩.૫ ટકા, આઇઓબી ૩.૯ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૩.૭ ટકા, આઇડીબીઆઇ બૅન્ક ૪.૯ ટકા, જેકે બૅન્ક ચાર ટકા, સિટી યુનિયન બૅન્ક ૩.૩ ટકા, પંજાબ સિંધ બૅન્ક ૩.૯ ટકા, કૅનરા બૅન્ક ૨.૮ ટકા ડાઉન હતી. ફ્રન્ટલાઇનમાં સ્ટેટ બૅન્ક ૨.૧ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક દોઢ ટકા, એચડીએફસી બૅન્ક ૧.૮ ટકા, કોટક બૅન્ક ૦.૯ ટકા, ઍ​ક્સિસ બૅન્ક પોણો ટકો ડૂલ થયા છે. 

ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૩૭માંથી ૯૭ શૅરના ઘટાડામાં સવા ટકાથી વધુ નરમ હતો. ઍગ્રો કૅપિટલ છ ગણા વૉલ્યુમે ૮.૧ ટકા ઊછળી ૧૬૫ હતો. જીઓજીત ફાઇ. ૫.૨ ટકા, એલએસ ફાઇ. ૪.૪ ટકા, મેક્ક ફાઇ. ચાર ટકા મજબૂત હતા. જીઆઇસી હાઉસિંગ ૪.૭ ટકા ગગડી ૨૦૯ થયો છે. સુમીત સિક્યૉરિટીઝ ૨.૩ ટકા, જનરલ ઇન્શ્યૉરન્સ ૩.૩ ટકા, મોનાર્ક ૧.૪ ટકા, મેક્સ વેન્ચર્સ બે ટકા ન્યુ ઇન્ડિયા એસ્યૉરન્સ ૨.૩ ટકા ઘટ્યા છે. એલઆઇસી અડધો ટકો વધીને ૭૧૫ હતો. પેટીએમ બે ટકા વધીને ૫૭૫ તો નાયકા દોઢ ટકાની નરમાઈમાં ૧૫૧ બંધ હતા. ઝોમૅટો ૨.૩ ટકા ઢીલો થયો છે. એચડીએફસી દોઢ ટકા બજાજ ફાઇ. દોઢ ટકા, ઇન્ડિયા બુલ્સ ત્રણ ટકા ઘટ્યા છે. 

ટીસીએસ અને ઇન્ફોસિસ પાછળ આઇટી સેક્ટરમાં

તરફથી ડિસે. ક્વૉર્ટરમાં આવક ધારણા કરતાં સારી આવી છે, પણ બૉટમલાઇન નબળી રહી છે. કંપનીએ કુલ ૭૫ રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. એની રેકૉર્ડ ડેટ ૧૭ જાન્યુ. રખાઈ છે. સરવાળે શૅર તાત્કાલિક ધોરણે ટેકો મેળવી જશે એમ લાગતું હતું. જોકે ભાવ ગઈ કાલે નીચામાં ૩૨૩૧ થઈ એક ટકા ઘટી ૩૨૮૬ બંધ થયો છે. ટીસીએસનાં પરિણામોના પગલે આઇટી સેગમેન્ટમાં હવે પછીનાં પરિણામ કેવાં હશે એનો અંદાજ આવી ગયો છે. માનસ નબળું પડ્યું છે, જેમાં આઇટી ઇન્ડેક્સ ૨૧૧ પૉઇન્ટ કે પોણો ટકો ઘટ્યો છે. અહીં ૬૦માંથી ૪૫ શૅર નરમ હતા. ૧૨મીએ જેના પરિણામ છે એ ઇન્ફી એક ટકા ડાઉન હતો. એચસીએલ ટેક્નૉ. સાધારણ ઘટ્યો છે. વિપ્રો થોડોક વધી ૩૯૩ થયો છે. ટેક મહિન્દ્રા સવા ટકો ડાઉન હતો. સાઇડ કાઉન્ટર્સમાં તાન્લા પ્લૅટફૉર્મ ચાર ટકા, રેટગેઇન ૩.૯ ટકા, એચસીએલ ઇન્ફો ૫.૨ ટકા પ્લસ હતા. ઇન્ટલેક્ટ ડિઝાઇન, સાસ્કેન, બ્રાઇટકૉમ, બ્લૅક બૉક્સ, માસ્ટેક, એફલી, ડીલિન્ક, ઓરિઅન-પ્રો દોઢથી ત્રણ ટકા ઘટ્યા હતા. આઇટીની કમજોરી સાથે વોડાફોન, સારેગામા, ઝી એન્ટર, સરલાઇટ ટેક્નૉ, નેટવર્ક ૧૮ જેવી જાતો દોઢથી ત્રણ ટકા ઘટતાં ટેક્નૉલૉજિસ બેન્ચમાર્ક ૧.૨ ટકા ઘટ્યો છે. આગલા દિવસે સીએલએસએના બુલિશ વ્યુમાં ૨.૭ ટકા ઊંચકાયેલો ભારતી ઍરટેલ ગઈ કાલે ૨.૯ ટકાની નબળાઈમાં ૭૯૫ રહ્યો છે. એનો પાર્ટપેઇડ ૪.૫ ટકા ગગડી ૪૧૮ થયો છે અન્ય ટેલિકૉમ શૅરમાં રેલટેલ ૨.૯ ટકા, ઑ​પ્ટિમસ ત્રણ ટકા, એમટીએનએલ ૩.૩ ટકા, ઑનમોબાઇલ બે ટકા, ઇન્ડ્સ ટાવર સવા ટકા માઇનસ હતા. તાતા કમ્યુ. પોણા ટકાના સુધારામાં ૧૩૬૦ હતો. વિન્દય ટૅલી સાડાત્રણ ટકાની ખરાબીમાં ૧૭૧૫ થયો છે. 

ઍન્લોન ટેક્નૉ.માં ૧૬૪ ટકાનો છપ્પરફાડ લિ​સ્ટિંગ ગેઇન મળ્યો 

મુંબઈના વસઈ રોડની ઍન્લોન ટેક્નૉલૉજિસ શૅરદીઠ ૧૦૦ની ઇશ્યુ પ્રાઇસ સામે મંગળવારે ૨૫૧ ખૂલી નીચામાં ૨૫૦ અને ઉપરમાં ૨૬૪ નજીક જઈને ૧૬૪ ટકા કે ૧૬૪ રૂપિયાના જબ્બર લિસ્ટિંગ ગેઇનમાં ત્યાં જ બંધ રહી છે. કંપનીના ૧૫ કરોડ રૂપિયાના એનએસઈ એસએમઈ આઇપીઓને લગભગ ૪૨૯ ગણો છપ્પરફાડ રિસ્પૉન્સ મળ્યો હતો. લિસ્ટિંગના આગલા દિવસે ગ્રેમાર્કેટમાં અહીં ૬૨ રૂપિયાનાં પ્રીમિયમ હતાં. રજનીશ વેલનેસ બેના શૅરના એકમાં વિભાજનમાં એક્સ સ્પ્લિટ થતાં પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૭ બેસ્ટ લેવલે જઈ ૧૬.૭૦ બંધ હતો. પૅસિફિક ઇન્ડ. શૅરદીઠ એક રાઇટમાં એક્સ રાઇટ થતાં અઢી ટકા વધી ૪૬૨ થયો છે. જેટ ફ્રેઇટ લૉજિસ્ટિક્સ શૅરદીઠ એક રાઇટમાં બુધવારે એક્સ રાઇટ થશે. ભાવ ૩.૨ ટકા ગગડી ૨૨ હતો. 
સીજી પવારનાં પરિણામ ૨૪મીએ છે. શૅર આગલા દિવસના સવાસાત ટકાના ઊંચાળા બાદ ૨૯૮ની નવી મ​લ્ટિયર ટૉપ બનાવી નજીવો વધી ૨૯૦ બંધ થયો છે. ફિલાટેક્સ પણ સોમવારે દસેક ટકાની તેજી પછી ગઈ કાલે પોણો ટકો વધી ૪૭ રહ્યા છે. સોના કૉમસ્ટાર દ્વારા ૪૦૫ લાખ યુરોમાં સર્બિયન કંપની નૉવેલિકમાં ૫૪ ટકા હિસ્સો હસ્તગત કરાયો હોવાના અહેવાલથી શૅર ૪૫૯ની ટોચે જઈ ઊંચકાઈ ગયો છે. સીએન્ટ લિમિટેડની સબસિડિયરી સિએન્ટ ડીએલએમ ૭૪૦ કરોડ રૂપિયાનો આઇપીઓ લાવવા પ્રવૃત્ત બની છે. સીએન્ટનો શૅર પાંચ ગણા કામકાજે ઉપરમાં ૮૫૧ વટાવી સવા ટકો વધી ૮૪૧ બંધ આવ્યો છે. સ્નેઇડર ઇલે​ક્ટ્રિક સ્ટ્રૉન્ગ આઉટલુકની થીમમાં ૨૦૫ની સાત વર્ષની નવી ટૉપ બતાવી ૧૩.૮ ટકાની તેજીમાં ૨૦૨ થયો છે. ૨૦ જૂને ભાવ ૯૨ના વર્ષના તળિયે ગયો હતો. 

Whatsapp-channel Whatsapp-channel

11 January, 2023 04:14 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK