Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વિશ્વબજારોના તાલે સેન્સેક્સ વધુ ૬૭૧ પૉઇન્ટ ખરડાયો, બૅન્કિંગ અને ફાઇનૅન્સમાં વ્યાપક ખરાબી

વિશ્વબજારોના તાલે સેન્સેક્સ વધુ ૬૭૧ પૉઇન્ટ ખરડાયો, બૅન્કિંગ અને ફાઇનૅન્સમાં વ્યાપક ખરાબી

11 March, 2023 12:22 PM IST | Mumbai
Anil Patel

એશિયન શૅરબજારો માટે શુક્રવાર પાંચ મહિનાનો સૌથી ખરાબ દિવસ પુરવાર થયો : અદાણીના દસમાંથી પાંચ શૅર પ્લસ, માર્કેટકૅપમાં ૭૭૯૮ કરોડનો વધારો

પ્રતીકાત્મક તસવીર માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


નાહર ગ્રુપના શૅરોમાં જબરું આકર્ષણ, ન્યુક્લિયસમાં ૧૦ ટકાની મંદીની સર્કિટ લાગી : દીપ પૉલિમર્સ, સીમેક તથા સિક્વન્ટ સાયન્ટિફિકની આગેકૂચ, એચડીએફસી ટ્‍વિન્સની ખરાબી બજારને ૨૫૧ પૉઇન્ટ નડી : બન્ને બજારનાં લગભગ તમામ સેક્ટોરલ ડાઉન, માર્કેટ બ્રેડ્થમાં નબળાઈ ચાલુ : રિલાયન્સ વર્ષના તળિયાની તૈયારીમાં 

વ્યાજદરના વધારાના મામલે ફેડનું આક્રમક વલણ નજીકના ભવિષ્યમાં અટકવાનું નથી એ લગભગ નક્કી થઈ ગયું છે. સરવાળે શૅરબજારો ઢીલાં પડવા લાગ્યાં છે. અમેરિકન ડાઉ ૧.૭ ટકા અને નૅસ્ડૅક બે ટકા ઘટી ગુરુવારે બંધ થયા પછી વિશ્વબજારોય એના અનુસરણમાં શુક્રવારે સારા એવા ખરડાયા છે. એશિયામાં હૉન્ગકૉન્ગ ત્રણ ટકાથી વધુ, જૅપનીઝ નિક્કી પોણાબે ટકા નજીક, ચાઇના અને તાઇવાન દોઢેક ટકા, સિંગાપોર સવા ટકો, થાઇલૅન્ડ તથા સાઉથ કોરિયા એકાદ ટકો અને ઇન્ડોનેશિયા અડધો ટકો ડાઉન થયા છે. યુરોપ નબળા ઓપનિંગ બાદ રનિંગમાં સવાથી પોણાબે ટકાની રેન્જમાં માઇનસ દેખાયું છે. ગઈ કાલનો શુક્રવાર એશિયન બજારો માટે છેલ્લા પાંચ મહિનાનો વર્સ્ટ ડે પુરવાર થયો છે. બ્રેન્ટ ક્રૂડ ઘટીને ૮૧ ડૉલર અને નાયમેક્સ ક્રૂડ ૭૫ ડૉલર આસપાસ આવી ગયું છે. બેઝ મેટલ વાયદા સાધારણથી લઈને દોઢેક ટકા સુધી ઢીલા પડ્યા છે.



ઘરઆંગણે સેન્સેક્સ ૫૫૦ પૉઇન્ટ આસપાસ નીચે, ૫૯૨૬૦ ખૂલી ત્યાંથી વધુ બગડી ૫૮૮૮૫નું ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી અંતે ૬૭૧ પૉઇન્ટની વધુ નરમાઈમાં ૫૯૧૩૫ બંધ થયો છે. નિફ્ટી ૧૭૭ પૉઇન્ટ ખરડાઈ ૧૭૪૧૩ રહ્યો છે. જૂજ અપવાદ સિવાય બન્ને બજારનાં તમામ સેક્ટોરલ ઘટીને બંધ આવ્યાં છે. સેન્સેક્સ નિફ્ટીની એકાદ ટકાની નબળાઈ સામે પીએસયુ બૅન્ક નિફ્ટી ૨.૨ ટકા, બૅન્ક નિફ્ટી ૧.૯ ટકા, ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧.૮ ટકા, નિફ્ટી મેટલ પોણો ટકો, રિયલ્ટી અને કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ એક ટકાથી વધુ માઇનસ થયા છે. પાવર તથા યુટિલિટી ઇન્ડેક્સ એક-સવા ટકો અપ હતા. માર્કેટ બ્રેડ્થ બગડેલી જ રહી છે. એનએસઈમાં વધેલા ૭૩૩ શૅરની સામે ૧૨૮૬ કાઉન્ટર કટ થયાં છે. આ સાથે સપ્તાહ દરમ્યાન સેન્સેક્સ ૬૭૪ પૉઇન્ટ અને નિફ્ટી ૧૮૧ પૉઇન્ટ ડાઉન થયા છે. સેન્સેક્સ નિફ્ટીના આ એકાદ ટકાના ઘટાડા સામે બૅન્ક નિફ્ટી ૧.૯ ટકા, રિયલ્ટી ઇન્ડેક્સ ૩.૪ ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી ૨.૯ ટકા ઘટ્યા છે.


રિલાયન્સમાં નબળાઈ આગળ વધી, તાતા મોટર્સ ટૉપ ગેઇનર

શુક્રવારે સેન્સેક્સના ૩૦માંથી વધેલા ૯ શૅરમાં તાતા મોટર્સ, મારુતિ સુઝુકી તથા એનટીપીસી પોણા ટકા જેવા સુધારા સાથે મોખરે હતા. સામે એચડીએફસી બૅન્ક અઢી ટકા, સ્ટેટ બૅન્ક બે ટકાથી વધુ, એચડીએફસી અને ઇન્ડસઇન્ડ બૅન્ક બે ટકા, તો બજાજ ફિનસર્વ અને ઍક્સિસ બૅન્ક પોણાબે ટકાની આસપાસ ધોવાયા હતા. રિલાયન્સ આગલા દિવસની ખરાબી આગળ વધારતાં ૨૩૧૫ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ ૧.૬ ટકા ગગડી ૨૩૨૩ થયો છે. કામકાજ દોઢું હતું. એચડીએફસી ટ્વિન્સની બૂરાઈ બજારને ૨૫૧ પૉઇન્ટ નડી છે. નિફ્ટી ખાતે ૫૦માંથી ૩૫ શૅર નરમ હતા. અદાણી એન્ટર ત્રણેક ટકા નજીક ઘટી ૧૮૯૬ના બંધમાં ટૉપ લૂઝર હતો. તાતા મોટર્સ ૦.૮ ટકા વધી ૪૩૬ના બંધમાં બેસ્ટ ગેઇનર બન્યો છે.


રોકડામાં દીપ પૉલિમર્સ તેજીની આગેકૂચમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૨૧ વટાવી ગયો છે. સીમેક લિમિટેડ પણ વધુ ૧૧૩ રૂપિયા કે ૧૬.૫ ટકા ઊછળી ૮૦૩ થયો છે. નાહર સ્પિનિંગ સવાપંદર ટકા તો નાહર કૅપિટલ સાડાબાર ટકા ઊંચકાયા હતા. સિક્વન્ટ સાયન્ટિફિક ૮.૮ ટકાની આગેકૂચમાં ૮૧ના બંધમાં એ-ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર રહી છે. એમઆરપીએલ ૭ ગણા વૉલ્યુમે સાડાસાત ટકા ઊછળી ૫૯ થઈ હતી. કેએસબી પમ્પ ૧૪૨ રૂપિયા કે ૭.૩ ટકાની તેજીમાં ૨૦૮૯ હતો. એ-ગ્રુપ ખાતે જીઆરએમ ઓવરસીઝ ૭.૪ ટકા, ઇક્વિટાસ બૅન્ક ૬.૪ ટકા, કિરી ઇન્ડ. પાંચ ટકા, સોનાટા સૉફ્ટવેર ૪.૬ ટકા ખરડાયા હતા.

બૅન્કિંગ તેમ જ ફાઇનૅન્સમાં સાર્વત્રિક ખરાબી, ફ્રન્ટલાઇન તમામ બૅન્ક બગડી

એયુ બૅન્કના નામ પૂરતા સુધારાને બાદ કરતાં બાકીના ૧૧ શૅરની ખરાબીમાં બૅન્ક નિફ્ટી ૭૭૧ પૉઇન્ટ કે ૧.૯ ટકા લથડ્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરની બૂરાઈમાં સવાબે ટકા નજીક ધોવાયો છે. અહીં ઇન્ડિયન બૅન્ક સવા ટકાના સુધારામાં ૨૮૯ બંધ આપી સામા પ્રવાહે હતી. ખાનગી ક્ષેત્રની ૨૦ બૅન્કોમાંથી કેવળ સાઉથ ઇન્ડિયન બૅન્ક એક ટકાની નજીક સુધરી છે. સમગ્ર બૅન્કિંગ સેક્ટરના ૩૭માંથી ૩૩ શૅર ઘટ્યા છે. કર્ણાટકા બૅન્ક, આરબીએલ બૅન્ક, ફીનો પેમેન્ટ બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, કૅનેરા બૅન્ક સવાત્રણથી સાડાચારેક ટકા લથડ્યા હતા. ઇક્વિટાસ બૅન્ક સાડાછ ટકા તૂટી છે. ફ્રન્ટલાઇનમાં એચડીએફસી બૅન્ક ૨.૬ ટકા, ઇન્ડસઇન્ડ બે ટકા, ઍક્સિસ બૅન્ક ૧.૯ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક દોઢ ટકો, કોટક બૅન્ક એક ટકાથી વધુ અને સ્ટેટ બૅન્ક બે ટકાથી વધુ ડૂલ થયા છે.

બૅન્કિંગની ખરાબી સાથે એચડીએફસી ૨.૧ ટકા, બજાજ ફિનસર્વ પોણાબે ટકા, બજાજ ફાઇનૅન્સ અડધો ટકો, બજાજ હોલ્ડિંગ્સ ત્રણ ટકા, મેક્સ વેન્ચર્સ ચાર ટકા, આઇઆઇએફએલ સિક્યૉ. સાડાત્રણ ટકા, પીએનબી હાઉ સવાત્રણ ટકા, આરઈસી ત્રણ ટકા, આઇઆઇએફએલ સવાત્રણ ટકા, હુડકો અઢી ટકા સહિત કુલ ૧૩૬માંથી ૧૦૮ શૅર બગડતાં ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧.૮ ટકા કટ થયો છે. પૉલિસી બાઝાર બે ટકા પ્લસ, તો પેટીએમ સવાબે ટકા માઇનસ હતા. એલઆઇસી સાધારણ ઘટાડે ૫૯૭ની અંદર રહી છે. નાહર કૅપિટલ ૧૨.૬ ટકા ઊછળી ૨૮૧ વટાવી ગઈ છે. નાહર સ્પિનિંગ ૧૫.૩ ટકાની તેજીમાં ૨૭૦, નાહર ઇન્ડ સાડાછ ટકા ઊંચકાઈ ૯૭ ઉપર તો નાહર પૉલિ ફિલ્મ્સ સાડાઅગિયાર ટકાના જમ્પમાં ૨૪૨ બંધ આવી છે. આદિત્ય બિરલા સન લાઇફ ૩૭૧ના નવા તળિયે જઈ પોણો ટકો ઘટીને ૩૭૨ બંધ આવ્યો છે.

ફ્રન્ટલાઇનની સુસ્તી વચ્ચે આઇટીમાં નરમાઈ, ન્યુક્લિયસ ૧૦ ટકા તૂટ્યો

આઇટી ઇન્ડેક્સ આમ તો અડધા ટકા જેવો કે ૧૮૬ પૉઇન્ટ જ ઘટ્યો છે, પણ નરમાઈ વ્યાપક હતી. ઉદ્યોગના ૬૦માંથી ૫૧ શૅર માઇનસ હતા. ન્યુક્લિયસ સૉફ્ટવેર ત્રણ ગણા કામકાજે ૬૪૧ની ઇન્ટ્રા-ડે હાઈથી ૫૭૦ થઈ ૧૦ ટકાની મંદીની સર્કિટમાં ત્યાં જ બંધ થયો છે. કોફોર્જ, વકરાંગી, રામકો સિસ્ટમ્સ, ડીલિન્ક, એમ્ફાસિસ, ઝેનસાર, ઇન્ટલેક્ટ ડિઝાઇન, સોનાટા સૉફ્ટવેર અઢીથી સાડાચાર ટકા ડાઉન હતા. ફ્રન્ટલાઇનમાં ઇન્ફી અડધો ટકો, વિપ્રો સાધારણ, ટીસીએસ નહીંવત્ નરમ હતા. ટેક મહિન્દ્ર અને એચસીએલ ટેક્નૉ ફ્લૅટ રહ્યા છે. લાટિમ ૨.૨ ટકા કે ૧૦૨ રૂપિયા બગડી ૪૬૩૫ હતો. ટેલિકૉમમાં ભારતી જૈસે થે જેવો હતો. તાતા ટેલિ ૪ ટકા ડૂલ થઈ છે. વોડાફોન દોઢ ટકો ડાઉન તો રાઉટ મોબાઇલ ત્રણ ટકા પ્લસ હતા. પીવીઆર, સ્ટરલાઇટ ટેક્નૉ, નેટવર્ક૧૮, ટીવી૧૮ દોઢથી સવાત્રણ ટકા નરમ હતા. ઑટોમાં મહિન્દ્ર, ટીવીએસ તથા આઇશર એકથી દોઢ ટકો ઘટ્યા છે.

લાર્સન દોઢ ટકાથી વધુ ઘટી ૨૧૫૭ બંધ થતાં ૩૭૭ પૉઇન્ટ કે એક ટકો ઘટેલા કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સને ૨૭૦ પૉઇન્ટ નડ્યો છે. પૉલિકૅબ સવાચાર ટકા કે ૧૩૪ રૂપિયા ખરડાઈ છે. અદાણીના શૅરોની આગેકૂચમાં પાવર તથા યુટિલિટી ઇન્ડેક્સનો સુધારોય જારી રહ્યો છે. હેલ્થકૅર ફાર્મા સેગમેન્ટમાં આરતી ડ્રગ્સ, ગ્લેન્ડ ફાર્મા, હેસ્ટર બાયો, ક્લચ ડ્રગ્સ, ફાઇઝર, પિરામલ ફાર્મા, સુવેન લાઇફ, તત્ત્વચિંતન, અંબાલાલ સારાભાઈ જેવાં કાઉન્ટર્સ ભાવની રીતે નવા નીચા ઐતિહાસિક તળિયે ગયા છે.

અદાણી ગ્રુપને ૮ દિવસમાં કુલ ૧.૯૭ લાખ કરોડનો ફાયદો

અદાણી ગ્રુપ જીક્યુજી પાર્ટનર્સ તરફથી ૧૫,૦૦૦ કરોડ પ્લસની રોકડી ઘરનો માલ ડિસ્ટ્રેસ્ડ સેલમાં વેચીને મળી ગયા પછી એની વિશ્વસનીયતાને થીગડાં મારવામાં વ્યસ્ત છે. ગ્રુપની સધ્ધરતા અને ઊજળા ભવિષ્ય વિશે વૈશ્વિક રોકાણકારો સમક્ષ અવનવા ઍન્ગલ રજૂ કરી રહ્યા છે. હિંડનબર્ગ રિપોર્ટને પગલે મહિનામાં શૅરના ભાવોમાં ૮૨ ટકા સુધીના ધોવાણ સાથે માર્કેટકૅપમાં ૧૨.૪૧ લાખ કરોડની વિક્રમી ખુવારી વેઠ્યા પછી હમણાંથી સુધારાની ચાલ કામે લાગી છે, જેમાં ગઈ કાલે ગ્રુપના ૧૦માંથી ૫ શૅર વધ્યા છે. અદાણી પાવર, અદાણી ટ્રાન્સ, અદાણી ગ્રીન તથા અદાણી ટોટલ પોણાપાંચથી પાંચ ટકા, તો અદાણી પોર્ટ્સ નહીંવત્ પ્લસ હતો. સામે અદાણી એન્ટર ૨.૯ ટકા, અદાણી વિલ્મર ૪.૫ ટકા, એસીસી ૦.૭ ટકા અને અંબુજા સિમેન્ટ ૧.૭ ટકા ડાઉન થયા છે. આ બધાને પગલે શુક્રવારે ગ્રુપનું માર્કેટકૅપ ૭૭૯૮ કરોડ વધીને ૯.૩૦ લાખ કરોડની નજીક પહોંચી ગયું છે. આ સળંગ આઠમા દિવસનો સુધારો છે, જેમાં ગ્રુપનું માર્કેટકૅપ કુલ મળીને લગભગ ૧.૯૭ લાખ કરોડ રૂપિયા જેવું વધી ગયું છે. મતલબ કે હજી પણ પ્રી-હિંડનબર્ગના લેવલે પહોંચવા માટે લગભગ ૧૦ લાખ કરોડ રૂપિયાની ઘટ પૂરવાની બાકી છે. દરમ્યાન મોનાર્ક નેટવર્થ પોણો ટકો ઘટી ૨૩૩ અને ક્વિન્ટ ડિજિટલ દોઢ ટકો ઘટીને ૯૯ રૂપિયા બંધ હતા.

Whatsapp-channel Whatsapp-channel

11 March, 2023 12:22 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK