ગિયર્ડ મોટર બિઝનેસ વેચવાને લીધે સીમેન્સના કાઉન્ટરમાં ૮ ટકાની ખુવારી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર
૨૦૦૦ની નોટના એક્ઝિટના અહેવાલે જ્વેલરી સ્ટૉક્સની ચમક વધી : સ્ટ્રૉન્ગ લોન ગ્રોથને લીધે મુથૂટ ફાઇનૅન્સમાં ૯ ટકાનો જમ્પ : શિપિંગ સેક્ટરમાં સેન્ટિમેન્ટ ખરડાયું : ડૉલરની સામે રૂપિયો ૧૬ પૈસા નબળો પડ્યો : અદાણી ગ્રુપ સ્ટૉક્સમાં જબરદસ્ત ખરીદી, ગ્રુપનું માર્કેટ કૅપ ૧૦ લાખ કરોડને પાર : માત્ર પ્રાઇવેટ બૅન્ક-ફાઇનૅન્શિયલ ઇન્ડેક્સ ઘટ્યા : ગિયર્ડ મોટર બિઝનેસ વેચવાને લીધે સીમેન્સના કાઉન્ટરમાં ૮ ટકાની ખુવારી
અમેરિકા ખાતે ડેટ સીલિંગની વાટાઘાટોમાં કોઈ પ્રોગ્રેસ ન જણાતાં શુક્રવારે ડૉ જોન્સમાં ૧૧૦ પૉઇન્ટ્સનો ઘટાડો જોવા મળ્યો હતો. નૅસ્ડૅક અને એસઍન્ડપી-૫૦૦ પણ પા ટકો કટ થયા હતા. યુએસ પ્રેસિડન્ટ બાઇડન અને હાઉસ રિપબ્લિકન સ્પીકરની મીટિંગ પૂર્વે ગઈ કાલે સાંજે ડૉ ફ્યુચર્સ ફ્લૅટ ટ્રેડ થઈ રહ્યા હતા. જોકે ગઈ કાલે એશિયન માર્કેટનાં તમામ ઇન્ડાઇસિસ ગ્રીન ઝોનમાં ક્લોઝ થયા હતા. જપાનનો નિક્કી ૩૩ વર્ષના શિખરે પહોંચ્યો હતો. નિક્કી આશરે ૧ ટકાના જમ્પમાં ૩૧,૦૦૦ને પાર ક્લોઝ થયો હતો. હૅન્ગસેંગ ૧ ટકાની આસપાસ વધ્યો હતો, જ્યારે કોસ્પી, જકાર્તા અને શાંઘાઈ પોણાથી અડધા ટકાની રેન્જમાં અપ હતા. યુરોપનાં માર્કેટ પણ સાંજ સુધીમાં ઑલમોસ્ટ ફ્લૅટ ટ્રેડ થઈ રહ્યાં હતાં. ભારતીય શૅરમાર્કેટ કાલે ગૅપ ડાઉન ખૂલ્યાં હતાં. જોકે ગણતરીની મિનિટોમાં જ નીચલા મથાળેથી ખરીદીને પરિણામે માર્કેટ પૉઝિટિવ ઝોનમાં આવી ગયાં હતાં અને સુધારાનો આ ટ્રેન્ડ અંત સુધી જળવાઈ રહ્યો હતો. કામકાજના અંતે સેન્સેક્સ ૨૩૪ પૉઇન્ટ્સ વધીને ૬૧,૯૬૪ પર, જ્યારે નિફ્ટી ૧૧૧ પૉઇન્ટ્સની તેજીમાં ૧૮,૩૧૪ પર ક્લોઝ થયા હતા. બૅન્ક નિફ્ટી ઇન્ડેક્સ ૮૪ પૉઇન્ટ્સની નરમાશમાં ૪૩,૮૮૫ પર ક્લોઝ થયો હતો. નિફ્ટી મિડ કપ અને બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ અનુક્રમે ૦.૬૩ ટકા અને ૦.૪૧ ટકા સુધરીને બંધ થયા હતા.
સેન્સેક્સ-૩૦માં ટેક મહિન્દ્ર આશરે ૩ ટકાના જમ્પ સાથે સૌથી અધિક વધ્યો હતો, જ્યારે ૧ ટકાની નબળાઈ સાથે નેસ્લે ઇન્ડિયા ટૉપ લૂઝર સાબિત થયો હતો. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ ખાતે ૧૩૫ સ્ટૉક્સ વર્ષના શિખરે જ્યારે ૫૬ સ્ટૉક્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા. સેક્ટરલ ઇન્ડાઇસિસમાં પ્રાઇવેટ બૅન્ક અને ફાઇનૅન્શિયલ સર્વિસિસને બાદ કરતાં તમામ ઇન્ડેક્સ વધીને બંધ થયા હતા. નિફ્ટીનો કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ ૧ ટકાના જમ્પ સાથે ક્લોઝ થયો હતો. ડિક્સન ટેક ૭ ટકાના ઉછાળા સાથે ૩૨૫૦ રૂપિયા પર બંધ થયો હતો. કજારિયા સિરામિક્સ ૪.૫ ટકાની એટલે કે ૫૪ રૂપિયાની તેજીમાં ૧૨૪૬ રૂપિયા પર બંધ થયો હતો. ક્રૉમ્પ્ટન ગ્રીવ્ઝ બે ટકા સુધરીને ૨૬૦ રૂપિયા પર, જ્યારે વૉલ્ટાસ ૧૨ રૂપિયાની તેજીમાં ૮૧૦ રૂપિયા પર ક્લોઝ થયો હતો. બ્લુ સ્ટાર પોણો ટકો અપ હતો. બટરફ્લાય ગાંધીમથીનું કાઉન્ટર ૫.૫ ટકાના ઉછાળા સાથે ૧૦૮૬ રૂપિયા પર બંધ રહ્યું હતું. ટીટીકે પ્રેસ્ટિજ, વ્હલપૂર્લ, હેવેલ્સ અને ઓરિયેન્ટ ઇલેક્ટ્રિકના સ્ટૉક્સ આશરે પા ટકા સુધર્યા હતા.
નિફ્ટી આઇટીના તમામ સ્ટૉક્સ વધ્યા, એનબીએફસી સ્ટૉક્સમાં તેજી
નિફ્ટીનો આઇટી ઇન્ડેક્સ કાલે ૨.૫ ટકાની તેજીમાં ૨૯,૦૦૭ પર ક્લોઝ થયો હતો. એમ્ફેસિસ ૩.૪ ટકાના સુધારામાં ૧૯૭૨ રૂપિયા પર બંધ થયો હતો. ત્યાર બાદ એલટીઆઇ માઇન્ડટ્રી ૩.૩ ટકાની તેજી સાથે ક્લોઝ થયો હતો. ટેક મહિન્દ્ર ૩.૨ ટકા અર્થાત ૩૫ રૂપિયા સુધરીને ૧૧૦૭ રૂપિયા પર જ્યારે પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ ૩ ટકાના જમ્પ સાથે બંધ થયા હતા. વિપ્રો ૨.૫ ટકાની તેજી સાથે ૩૯૬ રૂપિયા પર ક્લોઝ થયો હતો. એલઍન્ડટી ટેક સર્વિસિસ અને એચસીએલ ટેક બે ટકાની આસપાસ વધ્યા હતા. બીએસએનએલ પાસેથી દેશભરમાં 4G નેટવર્ક માટે ટીસીએસ અને તેજસ નેટવર્કના કન્સોર્ટિયમને ૧૫,૦૦૦ કરોડ રૂપિયાનો મોટો ઓર્ડર મળ્યો હોવાના ન્યુઝને લીધે ટીસીએસ બે ટકા (૬૯ રૂપિયા) સુધરીને ૩૨૯૨ રૂપિયા પર બંધ થયો હતો. ઇન્ફોસિસ અને કોફોર્જના કાઉન્ટર પણ આશરે પોણાબે ટકાના વધારા સાથે બંધ થયા હતા. સૉફ્ટવેર કન્સલ્ટિંગ કંપની માસ્ટેકના કાઉન્ટરમાં ૧૦૪ રૂપિયાના જમ્પ સાથે ક્લોઝિંગ જોવા મળ્યું હતું. ૬૩ મૂન્સનો સ્ટૉક આશરે ૬ ટકાના ઉછાળા સાથે ૧૭૫ રૂપિયા પર બંધ થયો હતો. સેન્સેક્સના ૨૩૪ પૉઇન્ટ્સના સુધારામાં આઇટી સ્ટૉક્સનો ફાળો આશરે ૨૦૦ પૉઇન્ટ્સનો હતો.
નિફ્ટીનો પ્રાઇવેટ બૅન્ક ઇન્ડેક્સ ગઈ કાલે ૫૮ પૉઇન્ટ્સ તૂટ્યો હતો. આ ઇન્ડેક્સની ૧૦માંથી માત્ર બે કંપનીઓ જ વધીને બંધ થઈ હતી. આરબીએલ બૅન્ક અને ઍક્સિસ બૅન્ક આશરે પોણો ટકો ડૂલ થયા હતા. આઇસીઆઇસીઆઇ બૅન્ક ૬ રૂપિયાની નબળાઈમાં ૯૪૮ રૂપિયા પર જ્યારે એચડીએફસી બૅન્ક અડધા ટકાના કટમાં ૧૬૩૮ રૂપિયા પર ક્લોઝ થયા હતા. પ્રાઇવેટ બૅન્કથી વિપરિત પીએસયુ બૅન્ક અને એનબીએફસી સ્ટૉક્સમાં કાલે તેજી નોંધાઈ હતી. પીએનબી ૧.૩ રૂપિયાના સુધારા સાથે ૫૦.૫ રૂપિયા પર ક્લોઝ થયો હતો. યુનિયન બૅન્ક અને કૅનેરા બૅન્ક આશરે ૧ ટકો અપ બંધ થયા હતા. માર્ચ ક્વૉર્ટરમાં સ્ટ્રૉન્ગ લોન ગ્રોથને લીધે મુથૂટ ફાઇનૅન્સમાં ૯ ટકાનો જમ્પ જોવા મળ્યો હતો. મૅનેજમેન્ટ કૉમેન્ટ્રી પણ ઘણી પૉઝિટિવ હોવાથી મુથૂટ ફાઇનૅન્સનો સ્ટૉક ટ્રેડિંગના અંતે ૯૦ રૂપિયાની તેજી સાથે ૧૧૨૫ રૂપિયા પર બંધ થયો હતો. અન્ય એનબીએફસી સ્ટૉક્સમાં ઉજ્જીવન સ્મૉલ ફાઇનૅન્સ ૩.૫ ટકાના જમ્પ સાથે ૩૩.૮ રૂપિયા પર, જ્યારે પીટીસી ઇન્ડિયા ફાઇનૅન્શિયલ ૨.૫ ટકાના સુધારા સાથે ૧૬.૭ રૂપિયા પર ક્લોઝ થયા હતા. પુનાવાલા ફિનકૉર્પ પોણાચાર ટકાની તેજી સાથે ૩૪૭ રૂપિયા પર બંધ થયો હતો.
અદાણી ગ્રુપનું માર્કેટ કૅપ ૮૨,૦૦૦ કરોડ વધ્યું, અદાણી એન્ટરપ્રાઇઝિસમાં ૧૯ ટકાનો જમ્પ
હિંડનબર્ગના અદાણી ગ્રુપ સામેના આરોપની તપાસ માટેની સુપ્રીમ કોર્ટની એક્સપર્ટ પેનલે અદાણી ગ્રુપને ક્લિન ચીટ આપ્યા બાદ સોમવારે સતત બીજા સેશનમાં અદાણી ગ્રુપના સ્ટૉક્સમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી. અદાણી ગ્રુપના તમામ ૧૦ સ્ટૉક્સ ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. ગ્રુપના ૧૦માંથી ૬ કાઉન્ટરમાં ખરીદીની સર્કિટ લાગી હતી. અદાણી એન્ટરપ્રાઇઝિસ ૧૯ ટકા એટલે કે ૩૬૯ રૂપિયાના વધારા સાથે ૨૩૨૫ રૂપિયા પર ક્લોઝ થયો હતો. અદાણી પોર્ટ ૬ ટકા વધીને ૭૩૦ રૂપિયા પર બંધ થયો હતો. અદાણી વિલ્મર ૧૦ ટકાની તેજીની સર્કિટે ૪૪૪ રૂપિયા પર અને અદાણી પાવર ૫ ટકા (૧૧.૮ રૂપિયા) વધીને ૨૪૮ રૂપિયા પર બંધ થયા હતા. અદાણી ટોટલ ગૅસ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ગ્રીન ૫ ટકા અપ ક્લોઝ થયા હતા. નવ ભાષામાં નવી ચૅનલોના લૉન્ચિંગની યોજનાની જાહેરાત બાદ અદાણી ગ્રુપની નવી કંપની એનડીટીવીમાં પણ સતત ખરીદી જોવા મળી રહી છે. ગઈ કાલે એનડીટીવીનો સ્ટૉક ૫ ટકાના જમ્પ સાથે ૧૮૬ રૂપિયા પર બંધ રહ્યો હતો. એસીસી ૮૫ રૂપિયા એટલે કે પ ટકા વધીને ૧૮૧૫ રૂપિયા પર જ્યારે અંબુજા સિમેન્ટ્સ ૫ ટકાના જમ્પમાં ૪૨૪ રૂપિયાની આસપાસ બંધ થયો હતો. ગઈ કાલના સેશનમાં તેજીને લીધે અદાણી ગ્રુપનું માર્કેટ કૅપ લગભગ ૮૨,૦૦૦ કરોડ રૂપિયા વધીને ૧૦ લાખ કરોડ રૂપિયાને પાર પહોંચ્યું હતું.
નિફ્ટીનો ઑટો ઇન્ડેક્સ માંડ પા ટકાના સુધારા સાથે ક્લોઝ થયો હતો. બજાજ ઑટો પોણો ટકો વધીને ૪૫૨૦ રૂપિયા પર બંધ થયો હતો. હિરો મોટો, અશોક લેલૅન્ડ અને આઇશર મોટર્સ પોણા ટકાની આસપાસ ડૂલ થયા હતા. ટાયર સ્ટૉક્સમાં ગઈ કાલે જબરદસ્ત તેજી જોવા મળી હતી. બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ ૭ ટકાના ઉછાળા સાથે ૨૨૯૬ રૂપિયા પર અને ટીવીએસ શ્રીચક્ર ૩ ટકાના જમ્પમાં ૩૦૮૭ રૂપિયા પર ક્લોઝ થયા હતા. સિયેટ અને જેકે ટાયર ૨.૭ ટકાની આસપાસ વધ્યા હતા. અપોલો ટાયર ૧ ટકાની તેજી સાથે ૩૬૯ રૂપિયા પર બંધ થયો હતો.
ગ્લૅન્ડ ફાર્મામાં સતત બીજા સેશનમાં ધબડકો, ફાર્મા-હૉસ્પિટલ સ્ટૉક્સની તબિયત સુધરી
માર્ચ ક્વૉર્ટરનાં નબળાં પરિણામને લીધે શુક્રવારના ૨૦ ટકાના કડાકા બાદ ગઈ કાલે સતત બીજા સત્રમાં ગ્લૅન્ડ ફાર્માના કાઉન્ટરમાં કડાકો નોંધાયો હતો. ગ્લૅન્ડ ફાર્માનો સ્ટૉક ૧૬.૫ ટકાના ઘટાડા સાથે ૮૯૩ રૂપિયા પર બંધ થયો હતો. પિથમપુર યુનિટને યુએસ એફડીએ પાસેથી ક્લીન ચિટ પ્રાપ્ત થયાના અહેવાલે પિરામલ ફાર્માના કાઉન્ટરમાં ૩ ટકાનો વધારો નોંધાયો હતો. ઑરૉબિન્દો ફાર્માના આંધ્ર પ્રદેશ યુનિટને યુએસ એફડીએ પાસેથી ૪ આપત્તિઓ મળવાના નેગેટિવ ન્યુઝ વચ્ચે પણ સ્ટૉક બે ટકા એટલે કે ૧૩ રૂપિયાના ઉછાળા સાથે ૬૦૩ રૂપિયા પર ક્લોઝ થયો હતો.
નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ કાલે ૧ ટકો વધીને બંધ થયો હતો. ડિવીઝ લૅબ ૫ ટકા મજબૂત થયો હતો. સન ફાર્મા, ડૉ. રેડ્ડીઝ, ઇપ્કા લૅબ અને સિપ્લા ૧ ટકાની આસપાસ પ્લસ હતા. હેલ્થકૅર-ફાર્મા સ્ટૉક્સની સાથે-સાથે હૉસ્પિટલ સ્ટૉક્સ પણ સુધર્યા હતા. નારાયણ રુદ્યાલય ૭.૫ ટકાની તેજીમાં ૮૩૦ રૂપિયા પર બંધ થયો હતો. કોવાઈ મેડિકલ પ ટકા, જ્યારે કિમ્સ અને અપોલો હૉસ્પિટલ્સ ૩.૭૫ ટકા સ્ટ્રૉન્ગ ક્લોઝ થયા હતા.
એફઆઇઆઇની ૯૨૩ કરોડ રૂપિયાની નેટ ખરીદી
ભારતીય શૅરબજારમાંથી સતત ૧૭ સેશનમાં નેટ ખરીદી કર્યા બાદ શુક્રવારે એફઆઇઆઇ (વિદેશી સંસ્થાકીય રોકાણકારો)ની ચોખ્ખી ખરીદી પર બ્રેક લાગી હતી. જોકે એફઆઇઆઇનું શુક્રવારનું નેટ સેલિંગ માત્ર ૧૧૩ કરોડ રૂપિયાનું જ હતું. જોકે ગઈ કાલે ફરી એક વાર ઇન્ડિયન માર્કેટમાં એફઆઇઆઇ ઍક્ટિવ થઈ ગયા હતા. એફઆઇઆઇએ ગઈ કાલે ૯૨૩ કરોડ રૂપિયાની ચોખ્ખી ખરીદી કરી હતી, જ્યારે ડીઆઇઆઇ (સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો)એ ગઈ કાલે ૬૦૫ કરોડ રૂપિયાની નેટ ખરીદી નોંધાવી હતી. ૨૦૦૦ રૂપિયાની નોટ ચલણમાંથી બહાર થતાં જ્વેલરીનું વેચાણ વધવાના આશાવાદે જ્વેલરી સ્ટૉક્સમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. થંગમાયેલ જ્વેલરી ૩.૫ ટકાની તેજી સાથે બંધ થયો હતો. ટીબીઝેડમાં ૩ ટકાનો સુધારો નોંધાયો હતો. કલ્યાણ જ્વેલર્સ બે ટકા વધી ૧૦૭ રૂપિયા પર, જ્યારે ટાઇટન ૧૦ રૂપિયાના જમ્પ સાથે ૨૭૧૩ રૂપિયા પર બંધ થયો હતો.