ઇન્ડસઇન્ડ બૅન્કે અનેકવિધ ગોટાળા, જંગી ખોટ અને ડી-રેટિંગનો આઘાત પચાવીને આંચકો આપ્યો ઃ રામકો સિસ્ટમ્સ ખોટ ભૂંસી નફામાં આવતાં ૨૦ ટકાની તેજીમાં બંધ
પ્રતીકાત્મક તસવીર
ઇન્ડસઇન્ડ બૅન્કે અનેકવિધ ગોટાળા, જંગી ખોટ અને ડી-રેટિંગનો આઘાત પચાવીને આંચકો આપ્યો :રામકો સિસ્ટમ્સ ખોટ ભૂંસી નફામાં આવતાં ૨૦ ટકાની તેજીમાં બંધ :નફો ૩૭ ટકા વધવા છતાં ૬૩ મૂન્સ મંદીની સર્કિટમાં સરી પડી :એક્સ-ડીમર્જરમાં આદિત્ય બિરલા ફૅશન સાડાસાત ટકા ડૂલ થઈ :કોલગેટ પામોલિવનો નફો પચીસ કરોડ ઘટીને ૩૫૫ કરોડ થયો એમાં ૪૬૮૧ કરોડનું માર્કેટકૅપ સાફ થઈ ગયું :બજાજ ઑટો ૭૭૬૫ કરોડની ડીલમાં ઑસ્ટ્રિયન KTMને હસ્તગત કરશે, શૅર માત્ર અડધો ટકો સુધર્યો
ગુરુવાર દેશ-વિદેશનાં શૅરબજારો માટે આંશિક ભારે નીવડ્યો છે. એશિયા ખાતે ઇન્ડોનેશિયા સાધારણ પ્લસ હતું, અન્ય તમામ બજાર ઘટ્યાં છે. હૉન્ગકૉન્ગ અને સાઉથ કોરિયા સવા ટકા નજીક, જપાન પોણા ટકાથી વધુ, તાઇવાન અને થાઇલૅન્ડ અડધા ટકાથી વધુ તો ચાઇના અને સિંગાપોર નહીંવત્ નરમ હતાં. યુરોપ પણ રનિંગમાં અડધાથી પોણો ટકો ડાઉન હતું. બ્રેન્ટ ક્રૂડ સવા ટકા જેવી નરમાઈમાં ૬૪ ડૉલર આસપાસ આવી ગયું છે. બિટકૉઇન છેલ્લા ૨૪ કલાક દરમ્યાન નીચામાં ૧,૦૬,૦૨૦ ડૉલરથી ઊંચકાઈ ૧,૧૧,૮૬૦ ડૉલરની ઑલટાઇમ હાઈ બનાવી રનિંગમાં ચારેક ટકા કે ૪૧૭૦ ડૉલરની મજબૂતીમાં ૧,૧૦,૩૨૦ ડૉલર ચાલતો હતો. પાકિસ્તાની શૅરબજાર ૧,૨૦,૬૯૯ની ઇન્ટ્રા-ડે હાઈ બતાવી રનિંગમાં ૮૨૬ પૉઇન્ટના ઘટાડે ૧,૧૯,૧૦૫ હતો.
ADVERTISEMENT
ઘરઆંગણે નરમાઈની હૅટ-ટ્રિક બાદ બુધવારે ૪૧૦ પૉઇન્ટની કહેવાતી પુલ-બૅક રૅલીમાં જ હાંફ ચડી ગયો હોય એમ સેન્સેક્સ ગઈ કાલે ૬૪૫ પૉઇન્ટ બગડી ૮૦,૯૫૨ તથા નિફ્ટી ૨૦૪ પૉઇન્ટ ખરડાઈ ૨૪,૬૧૦ બંધ આવ્યો છે. બજાર આગલા બંધથી ૨૭૨ પૉઇન્ટ નરમ, ૮૧,૩૨૩ ખૂલી એને જ ઇન્ટ્રા-ડે હાઈ બનાવી નીચામાં ૮૦,૪૯૦ થયું હતું. આરંભથી અંત સુધી નબળા રહેલા બજારની માર્કેટ બ્રેડ્થ પણ નબળી રહી છે. NSEમાં વધેલા ૧૨૭૫ શૅરની સામે ૧૫૮૨ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૨.૧૦ લાખ કરોડ રૂપિયા ઓગળી હવે ૪૩૯.૦૯ લાખ કરોડ રૂપિયા રહ્યું છે.
સેન્સેક્સ નિફ્ટીના પોણા ટકા જેવા ઘટાડા સામે બ્રૉડર માર્કેટ અડધો ટકો, મિડકૅપ ૦.૩ ટકા નરમ અને સ્મૉલકૅપ ૦.૨ ટકા પ્લસ હતું. સ્મૉલકૅપ સાધારણ વધવા છતાં એના ૯૭૯ શૅરમાંથી ૫૨૩ શૅર માઇનસ હતા. બન્ને બજારનાં લગભગ તમામ સેક્ટોરલ લાલ થયાં છે. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૧.૧ ટકા, પાવર-યુટિલિટીઝ પોણો ટકો, ઑટો ૦.૯ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ એક ટકો, FMCG સવા ટકો, એનર્જી ઇન્ડેક્સ સવા ટકો, નિફ્ટી ફાર્મા એકાદ ટકો, નિફ્ટી મેટલ સાધારણ માઇનસ હતા. નિફ્ટી મીડિયા એક ટકો સુધર્યો છે. નિફ્ટી ડિફેન્સ બેન્ચમાર્ક પણ ૧૮માંથી ૧૩ શૅરના સથવારે બે ટકા પ્લસ હતો. આઇટી બેન્ચમાર્ક ૫૯માંથી ૧૯ શૅરના સુધારા વચ્ચે એક ટકો કપાયો છે. ૬૩ મૂન્સે ૩૭ ટકાના વધારામાં ૧૧ કરોડ જેવો ત્રિમાસિક નેટ નફો કર્યો છે. જોકે વાર્ષિક ધોરણે કંપની ૨૨૨ કરોડના નેટ નફામાંથી ૩૩ કરોડ કરતાં વધુની ચોખ્ખી ખોટમાં આવી ગઈ છે. સરવાળે શૅર પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૮૨૪ બંધ હતો.
સતત ખોટ કરતી તાતા ટેલિને સરકારનું ૧૯,૦૦૦ કરોડનું AGR પેટેનું દેવું ચૂકવવા તાતા સન્સ મૂડીસહાય કરશે એવા અહેવાલમાં શૅર બીજા દિવસે તગડા ઉછાળે ઉપરમાં ૭૯ વટાવી ૧૧.૪ ટકાની તેજીમાં ૭૭ બંધ થયો છે. ઇન્ડિયન નેવી તરફથી ૨૫,૦૦૦ કરોડનો ઑર્ડર મળવાની શક્યતામાં ગાર્ડન રિચ શિપબિલ્ડર્સ બમણા વૉલ્યુમે ઉપરમાં ૨૭૯૮ થઈ ૧૦.૧ ટકા કે ૨૫૩ રૂપિયા ઊચકાઈ ૨૭૫૩ હતી. PTC ઇન્ડસ્ટ્રીઝ આઠ ટકા કે ૧૧૬૯ રૂપિયાના ઉછાળે ૧૫,૬૦૦ હતી. વાટેક વાબેગનો નફો ૩૭ ટકા વધતાં શૅર ૨૩ ગણા વૉલ્યુમે ઉપરમાં ૧૫૫૮ બતાવી ૧૧૫ રૂપિયા કે સવાઆઠ ટકા વધીને ૧૫૨૫ થયો છે. શિપિંગ કૉર્પોરેશન આઠેક ટકા વધીને ૧૯૬ હતી. રામકો સિસ્ટમ્સ બાવીસ કરોડની ખોટ ભૂંસી પાંચ કરોડના નફામાં આવતાં શૅર ૩૨ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૪૪૧ વટાવી છેવટે ત્યાં જ બંધ હતો. કોસ્મો ફર્સ્ટ, જયભારત મારુતિ, નાહર પોલિ ફિલ્મ્સ, ખાદી ઇન્ડસ્ટ્રીઝમાં પણ ૨૦ ટકાની ઉપલી સર્કિટ લાગી હતી.
ઇન્ડસઇન્ડ બૅન્ક ૨૩૨૯ કરોડની જંગી ખોટનો આંચકો પચાવી ટૉપ ગેઇનર બની
ખાનગી ક્ષેત્રની પાંચમા નંબરની મોટી એવી ઇન્ડસઇન્ડ બૅન્કે એકંદર ધારણા કરતાં ઘણી મોટી, ૨૩૨૯ કરોડ રૂપિયાની ત્રિમાસિક ચોખ્ખી ખોટ કરી છે. ૧૯ વર્ષ પછીની આ પ્રથમ ત્રિમાસિક ખોટ એ બૅન્કના ૩૦ વર્ષના ઇતિહાસમાંની સૌથી જંગી ખોટ છે. આ પછી એક વાત બહુ સ્પષ્ટ છે કે બૅન્કમાં બે-એક મહિના પહેલાં ડેરિવેટિવ્ઝ પોર્ટફોલિયોમાં હિસાબી ભૂલના નામે જે ગરબડ બહાર આવી હતી એ ત્યાર પછીના ગોટાળાના પગલે હવે એક રીતસરના કૌભાંડ કે ફ્રૉડમાં ફેરવાઈ ગઈ છે. આઘાતજનક પરિણામ પછી દેશી-વિદેશી સંખ્યાબંધ બ્રોકરેજ હાઉસ તરફથી શૅરમાં ડાઉન ગ્રેડિંગ સાથે નીચામાં ૬૯૦ની ટાર્ગેટ પ્રાઇસથી વેચવાની ભલામણનો મારો શરૂ થઈ ગયો છે. કોણ ક્યાં કેવી રીતે ગોલમાલ કરી ગયું એના સગડ શોધવા તપાસ એજન્સીઓ, રિઝર્વ બૅન્ક સહિત લાગતાવળગતા સૌ હરકતમાં આવી ગયા છે. હવે જાત-જાતની કમિટી નિમાશે, ઇન્કવાયરી ચાલશે, અવનવા ઑડિટ હાથ ધરાશે. થોડાક વખતની ધમાધમી પછી મામલો રફેદફે થઈ જશે. દરમ્યાન સેન્સેક્સ અને નિફ્ટીમાંથી ઇન્ડસઇન્ડ બૅન્કની બાદબાકી ટૂંકમાં થાય તો નવાઈ નહીં. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ઇન્ડસઇન્ડ બૅન્કનો શૅર ગઈ કાલે સાડાપાંચ ગણા કામકાજમાં નીચામાં ૭૨૫ બતાવી શાર્પ બાઉન્સબૅકમાં ૭૯૬ની ઇન્ટ્રા-ડે હાઈ દેખાડી પોણાબે ટકા વધીને ૭૮૪ ઉપર બંધ રહ્યો છે. શૅર ગગડ્યા પછી જે રીતે ઝડપથી બાઉન્સ થયો એની ભારે નવાઈ છે.
દરમ્યાન ગઈ કાલે બૅન્કિંગના ૪૧માંથી ૮ શૅર પ્લસ હતા. કરૂર વૈશ્ય બૅન્ક બે ટકા, બંધન બૅન્ક ૧.૬ ટકા, સિટી યુનિયન બૅન્ક દોઢ ટકા ઘટી નરમાઈમાં મોખરે હતી. સામે ઇન્ડસઇન્ડ બૅન્ક ટૉપ ગેઇનરની યાદીમાં અગ્રક્રમે હતી. બૅન્ક નિફ્ટી ૦.૨ ટકા તો પીએસયુ બૅન્ક નિફ્ટી અડધો ટકો માઇનસ થયો છે.
બોરણા વીવ્ઝનો ઇશ્યુ ૧૪૮ ગણો છલકાયો, પ્રીમિયમ ઘટ્યું
ગુજરાતી મહેતા પરિવારની, મુંબઈના દિંડોશી ખાતેની યુનિફાઇડ ડેટા ટેક સૉલ્યુશન્સ ૧૦ના શૅરદીઠ ૨૭૩ના અપર બૅન્ડ સાથે ૧૪,૪૪૭ લાખ રૂપિયાનો BSE SME IPO લઈ ગઈ કાલે મૂડીબજારમાં પ્રવેશી છે. સાઇઝની રીતે આ ભરણું આજ સુધીના SME ઇશ્યુઓમાં બીજા નંબરનું સૌથી મોયું ભરણું છે અને આ આખો ઇશ્યુ ઑફર ફૉર સેલનો છે જે અભૂતપૂર્વ કહી શકાય. ભરણું ગઈ કાલે પ્રથમ દિવસે કુલ અઢી ગણાથી વધુ ભરાઈ ગયું છે. ગ્રે માર્કેટમાં ૫૮વાળું પ્રીમિયમ ઊછળી ૧૨૮ થઈ હાલમાં ૧૨૧ રૂપિયા આસપાસ બોલાય છે. કંપની ડેટ ફ્રી છે. છેલ્લા દોઢ વર્ષમાં આવક-નફામાં જે નોંધપાત્ર વધારો થયો છે એ આવા મારફાડ ભાવથી ઇશ્યુ લાવવાની તૈયારીનો એક પ્રકારનો પૂર્વ ભાગ જણાય છે. દાર ક્રેડિટ ઍન્ડ કૅપિટલનો ૧૦ના શૅરદીઠ ૬૦ના ભાવનો ૨૫૬૬ લાખનો NSE SME ઇશ્યુ બીજા દિવસમાં અંતે કુલ ૧૯ ગણો ભરાઈ ગયો છે. પ્રીમિયમ ૧૬ જેવું છે.
મેઇન બોર્ડમાં સુરતના સચિન ખાતેની બોરણા વીવ્ઝનો ૧૦ના શૅરદીઠ ૨૧૬ના ભાવનો ૧૪૫ કરોડ નજીકનો ઇશ્યુ એના આખરી દિવસે કુલ ૧૪૮ ગણા પ્રતિસાદ સાથે પૂરો થયો છે. પ્રીમિયમ અગાઉના ૬૦ રૂપિયા સામે ઘટીને ૪૮ રૂપિયા ચાલે છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદના વાલુજ ખાતેની બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝનો પાંચના શૅરદીઠ ૯૦ની અપર બૅન્ડ સાથે ૨૧૫૦ કરોડનો પ્યૉર પબ્લિક ઇશ્યુ ગઈ કાલે બીજા દિવસના અંતે કુલ ત્રણ ગણો ભરાઈ ગયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ સુધરીને ૧૯ થયું છે. આગામી સપ્તાહે મેઇન બોર્ડમાં ત્રણ સહિત કુલ સાત ભરણાં આજની તારીખે નક્કી છે જેમાંથી ૪ ઇશ્યુ ૨૭ તારીખે ખૂલવાના છે. શ્લોષ બૅન્ગલોર અર્થાત્ હોટેલ લીલાનો મેઇન બોર્ડનો ઇશ્યુ ૧૦ના શૅરદીઠ ૪૩૫ની અપર બૅન્ડ સાથે ૩૫૦૦ કરોડનો છે એ સોમવારે ખૂલશે. ગ્રે માર્કેટમાં અત્યારે ૧૪ રૂપિયાનું પ્રીમિયમ ચાલે છે.
નબળા બજારમાં ડિફેન્સ શૅરમાં બહુધા સુધારો જળવાયો
સેન્સેક્સના ૩૦માંથી ત્રણ અને નિફ્ટીના ૫૦માંથી આઠ વધેલા શૅરમાં પોણાબે-બે ટકા જેવા વધારા સાથે ટૉપ ગેઇનર બની ઇન્ડસઇન્ડ બૅન્કે જબરો આંચકો આપ્યો છે. બજાજ ઑટોએ ઑસ્ટ્રિયન મોટરબાઇક ઉત્પાદક KTMને ૭૭૬૫ કરોડની ડીલ મારફત હસ્તગત કરવાનો ઇરાદો જાહેર કર્યો છે. એનો ભાવ માત્ર અડધો ટકો સુધર્યો છે. ભારતી ઍરટેલ, JSW સ્ટીલ, હીરો મોટોકૉર્પ સાધારણથી અડધા ટકા નજીક પ્લસ હતા. નિફ્ટી ખાતે ONGC પોણાત્રણ ટકાથી વધુ અને સેન્સેક્સમાં મહિન્દ્ર અઢી ટકાથી વધુ બગડીને ટૉપ લૂઝર બની છે. અન્યમાં હિન્દાલ્કો બે ટકા, વિપ્રો બે ટકા, ટ્રેન્ટ ૧.૯ ટકા, બજાજ ફીનસર્વ, ટેક મહિન્દ્ર અને પાવરગ્રીડ પોણાબે ટકા, આઇટીસી દોઢ ટકો, હિન્દુસ્તાન યુનિલીવર ૧.૪ ટકા, કોલ ઇન્ડિયા ૧.૬ ટકા, NTPC, મારુતિ સુઝુકી, TCS, નેસ્લે તથા તાતા મોટર્સ સવા ટકો ઘટી છે.
રિલાયન્સ ૧.૪ ટકાના ઘટાડે ૧૪૦૯ના બંધમાં બજારને સર્વાધિક ૧૧૪ પૉઇન્ટ નડી છે. લાર્સન એક ટકો અને ઇન્ફી સવા ટકા નજીક કટ થઈ છે. HDFC બૅન્ક સાધારણ ઘટાડે ૧૯૨૦ હતી, પરંતુ એની સબસિડિયરી HDFC લાઇફ ૭૬૨ના શિખરે જઈ અડધો ટકો ઘટી ૭૫૬ તથા HDFC ઍસેટ મૅનેજમેન્ટ ૪૮૬૭ના બેસ્ટ લેવલે જઈ પોણા ટકાના ઘટાડે ૪૭૮૨ બંધ હતી.
ડિફેન્સ શૅરમાં ગાર્ડન રિચ દસ ટકા, ભારત ડાયનેમિકસ અઢી ટકા, ભારત ઇલેક્ટ્રિક ૩૮૭ નજીક નવી ટૉપ બતાવી નજીવા સુધારે ૩૮૩, પારસ ડિફેન્સ અઢી ટકા, ઍક્સિસ કેડ્સ પાંચ ટકા, હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ પોણો ટકો, એમટાર ટેક્નૉ એક ટકા, અપોલો માઇક્રો સવાત્રણ ટકા, માઝગાવ ડૉક અઢી ટકા, કોજીન શિપયાર્ડ સાડાત્રણ ટકા, એસ્ટ્રા માઇક્રો દોઢ ટકા, યુનિમેક ઍરોસ્પેસ સવાબે ટકા, આઇડિયા ફોર્જ એકાદ ટકો વધ્યા છે. ડિફેન્સ ઇન્ડેક્સ સર્વાધિક બે ટકા મજબૂત હતો.
એક્સ-બોનસની પૂર્વસંધ્યાએ બીએસઈ લિમિટેડ ૩૦૮ રૂપિયા ગગડ્યો
આદિત્ય બિરલા ફૅશન એના લાઇફ સ્ટાઇલ બિઝનેસના ડીમર્જરમાં એક્સ-ડીમર્જ થતાં ગઈ કાલે પ્રાઇસ ડિસ્કવરીમાં ૯૭ ખુલ્યા બાદ નીચામાં ૮૮ થઈ ૭.૪ ટકા બગડી ૯૦ નજીક બંધ થયો છે. ONGCનો નેટ પ્રૉફિટ ૩૫ ટકાના ઘટાડે ૬૪૪૮ કરોડ આવતાં શૅર ચાર ગણા કામકાજે ૨.૯ ટકા ઘટીને ૨૪૧ રહ્યો છે. જિંદલ પોલિ ફિલ્મ્સની સબસિડિયરીના નાશિક પ્લાન્ટમાં આગ લાગતાં ભાવ નીચામાં ૬૩૮ થઈ સાત ટકા ખરડાઈ ૬૪૭ બંધ હતો. કોલગેટ પામોલિવની ત્રિમાસિક આવક બે ટકા જેવી અને નેટ નફો સાડાછ ટકા ઘટ્યા છે. એમાં શૅર ૨૩ ગણા વૉલ્યુમે નીચામાં ૨૪૮૧ બતાવી સાડાછ ટકા કે ૧૭૨ રૂપિયા ગગડી ૨૪૮૬ બંધ થયો છે. એચજી ઇન્ફ્રા એન્જિનિયરિંગનો નેટ પ્રૉફિટ ૨૨.૭ ટકા ઘટીને આવતાં શૅર નીચામાં ૧૧૩૯ બતાવી સાડાછ ટકા ગગડી ૧૧૭૨ બંધ હતો. મેનકાઇન્ડ ફામા નફામાં ૧૦ ટકાના ઘટાડાના પગલે નીચામાં ૨૪૨૯ થઇ પોણાચાર ટકાની નરમાઈમાં ૨૪૩૮ હતી.
ઇન્ડિગો ફેમ ઇન્ટરગ્લોબ એવિએશનનો નફો ૬૨ ટકા વધવા છતાં શૅર ૦.૭ ટકા જેવા સુધારામાં ૫૫૦૩ રહ્યો છે. નાલ્કોએ ૧૦૭ ટકાના વૃદ્ધિદરથી ૨૦૬૭ કરોડનો નેટ પ્રૉફિટ મેળવ્યો છે, પણ શૅર પોણાબે ટકા વધી ૧૮૫ બંધ આવ્યો છે. ઑઇલ ઇન્ડિયાનો નફો બાવીસ ટકા જેવો ઘટતાં શૅર ૧.૯ ટકા ઘટીને ૪૧૮ થયો છે. જિયોજિત ફાઇનૅન્સના નફામાં ૩૮ ટકાનું ગાબડું પડ્યું છે. શૅર નીચામાં ૮૪ થઈ નજીવા ઘટાડે ૮૬ ઉપર બંધ હતો. જીએમએમ ફોડલર ૨૭ કરોડના નફામાંથી ૨૭ કરોડની નેટલૉસમાં આવી જતાં ભાવ ૭.૪ ટકા ખરડાઈ ૧૧૭૨ બંધ હતો.
બીએસઈ લિમિટેડ એક્સ-બોનસની પૂર્વસંધ્યાએ સવાચાર ટકાના ઘટાડે ૬૯૯૬ બંધ રહ્યો છે. અશોક લેલૅન્ડમાં આજે શુક્રવારે બોનસ માટે બોર્ડ મીટિંગ છે. શૅર ગઈ કાલે ૧.૯ ટકા ઘટી ૨૪૦ હતો. VRL લૉજિસ્ટિક્સનો નફો ૨૪૫ ટકા વધીને આવતાં શૅર ઉપરમાં ૬૩૦ વટાવી પાંચ ટકાની મજબૂતીમાં ૫૮૭ રહ્યો છે.


